‘શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’

    ૦૩-માર્ચ-૨૦૧૮

 
સમાજમાં રાષ્ટ્રીયતાના વિચારોનો પ્રચાર અને પ્રસાર કરતું અને છેલ્લા ૬૦ વર્ષથી સામાજિક પત્રકારત્વના ધ્યેયને લઈને અવિરત રીતે આગળ ધપતું સાધના સાપ્તાહિકે વર્ષ ૨૦૧૪માં એક નવી પહેલ કરી. પહેલ હતી રાત દિવસ જોયા વગર સમાજ માટે કામ કરતા પત્રકારોનું સન્માન કરવાની. પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ ‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરીને સાધના સાપ્તાહિક પત્રકારોનું સન્માન કરે છે. જે અંતર્ગત પહેલો પુરસ્કાર પત્રકાર – ફોટોગ્રાફર શૈલેશ રાવલને, બીજો પુરસ્કાર ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ તન્નાને આપવામાં આવ્યો. ત્રીજો પુરસ્કાર આ વર્ષે વિદ્વાન વક્તા અને ગુજરાત સમાચારના સુપ્રસિધ્ધ સ્તંભકાર જય વસાવડાને આપવામાં આવશે. આ વર્ષે “લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ”પણ આપવામાં આવશે. આ સાધના દ્વારા બીજી એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલો એવોર્ડ છેલ્લા અનેક વર્ષોથી રાજકીય વિશ્ર્લેષક તરીકે પત્રકારત્વને દિશા-માર્ગદર્શન આપનાર વિદ્યુત ઠાકર ને આપવામાં આવશે.
 
થોડું વધુ જાણીએ.
 
સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પુરસ્કારની શરૂઆત
 
છેલ્લા 60 વર્ષથી અવિરત પ્રકાશિત થતા ‘સાધના’ સાપ્તાહિકના પ્રમુખ પૂર્વ ટ્રસ્ટીશ્રી સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પત્રકારિતા ક્ષેત્રે પ્રોત્સાહન માટે ૨૦૧૪થી ગુજરાતી ભાષાના પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પત્રકારને રૂપિયા ૫૧ હજારના પુરસ્કારથી પ્રતિ વર્ષ સન્માનિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં શૈલેશ રાવલ અને રમેશ તન્ના એમ બે પત્રકારોને આ પુરસ્કાર એનાયત થયો છે. આ વર્ષે એટલે કે ૪ માર્ચ ૨૦૧૮ ના રોજ જય વસાવડાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
 

 
 
પહેલા વિજેતા પત્રકાર શૈલેશ રાવલ - ૨૦૧૪
 
તસવીરકાર શૈલેશ રાવલે પોતાની તસવીરો થકી લોકોને આકર્ષાયા છે. હાલ તેઓ કોલેજમાં ફોટો જર્નાલિઝમ ભણાવે છે. તેઓ પી.એચડી. કરી રહ્યા છે. ફોટો જર્નાલીસ્ટ માટેના વર્કશોપમાં દેશભરમાંથી યુવાઓને આમંત્રે છે. જે સમયે ગુજરાતના સિનિયર તસવીરકારો પોતાની આ કળાને અન્ય લોકોને શિખવાડવાથી બચતા હતા તેવા સમયે શૈલેશ રાવલે આ કળા શીખી હતી. એટલે કે તેઓએ એકલવ્યની માફક આ કળા શિખી છે. મધર ટેરેસાના મૃત્યુ બાદ ઇન્ડિયા ટુડેની મુખ્ય સ્ટોરીના કવર પેજની તસવીર શૈલેશ રાવલની હતી. સુરતની અપંગ યુવતીની પ્રેરણાત્મક ફોટો સ્ટોરીને કેન્દ્ર સરકારે 9મા ધોરણના પુસ્તકોમાં બાળકોને ભણાવવા માટે દાખલ કરી છે. ગુજરાતમાં જલિયાવાલા બાગથી પણ ભયાનક આદિવાસી નરસંહારની તેમની સ્ટોરીની નોંધ છેક ઇંગ્લન્ડની મહારાણીએ લીધી હતી અને આ નરસંહાર માટે માફી માગી હતી.
 

 
બીજા વિજેતા પત્રકાર રમેશભાઈ તન્ના ૨૦૧૫
 
ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ તન્નાના શબ્દો અનેક સરહદો ઓળંગીને દરિયાપાર પહોંચ્યા છે. તેમનો જન્મ પાટણના અમરાપુર ગામમાં ૧ ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ થયો. પત્રકારત્વ ક્ષેત્રે તેમણે પત્રકાર, લેખકથી લઈને સંપાદક સુધીની જવાબદારી સમજદારીપુર્વક નિભાવી છે. આ ક્ષેત્રે તેમણે પત્રકાર તરીકે લખીને બેસી રહેવાના બદલે અનેક પહેલ કરી. તેમના કાર્ય અને લેખનમાં સેવાભાવ પણ જોડાયેલો છે. તેમની કલમની મદદથી ડાંગના આહવામાં આદિવાસીઓ માટે આઠ કરોડના ખર્ચે હૉસ્પિટલ બની, તેમણે વિદેશમાં રહેલા અને ભારત માટે કામ કરતા અનેક ઇન્ડિકોર્પ્સના યુવાનોનું સન્માન કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓને આર્થિક અનુદાન અપાવવામાં તેમની કલમ નિમિત્ત બની છે. રમેશભાઈ તન્નાનું પત્રકારત્વ હંમેશાં વિકાસલક્ષી રહ્યું છે. તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઇમ્સ’ સાપ્તાહિકમાં પત્રકારથી લઈને તંત્રી સુધીની જવાબદારી નિભાવી છે. હાલ તેઓ ઑસ્ટ્રેલિયાથી પ્રકાશિત થતા ‘ગુજરાત કનેક્શન’ના તંત્રી છે.
 
સાધના ૬૦નું થયું….
 
વર્ષ ૨૦૧૬માં સાધના સાપ્તાહિકના ૬૦ વર્ષ પૂર્ણ થયા. જે અંતર્ગત આખું વર્ષ સાધના ષષ્ઠીપૂર્તી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી. એ વર્ષે કોઇને આ પુરસ્કાર ન અપાયો પણ તેની આપૂર્તી માટે આ વર્ષે વે એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં લાઈફ ટાઈમ ઍચિવમેન્ટ એવોર્ડની આ વખતે જાહેરાત કરવામાંઆવી છે.
આ વર્ષે વિજેતા પત્રકાર જય વસાવડા ૨૦૧૮
 
લેખક-વક્તા જય વસાવડા બે દાયકાથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
જેમણે ઘરે જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી અને કૉલેજમાં આચાર્ય બન્યા. આજે ગુજરાતનાં ખ્યાતનામ લેખક તથા વિદ્વાન વક્તા તરીકે દુનિયાના અનેક દેશોમાં ગુજરાતનું ગૌરવ જય વસાવડા વધારી રહ્યાં છે...
તેમનું લેખન શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, તત્ત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્ર્વિક સાહિત્ય, માનવ સંબંધો, પર્યાવરણ, કલા, યુવા, ફિલ્મોથી માંડીને રાજકારણ, રમત-ગમત અને સમાજનાં સાંપ્રત પ્રશ્ર્નોને નીડરતાપૂર્વક ઉજાગર કરે છે.
જય વસાવડા સંશોધનકાર, અભ્યાસુ અને ફિલ્મ સમીક્ષક તરીકે પણ ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. ગુજરાતી ભાષા, ગુજરાતી પત્રકારત્વને તેમણે દુનિયાનાં મોટાભાગનાં ખંડો સુધી પહોંચાડી છે. આ માત્ર પ્રશંસનીય નહીં સન્માનનીય વાત પણ છે.
 
લાઈફ ટાઈમ એચીવમેન્ટા પુરસ્કાર – વિદ્યુત ઠાકર ૨૦૧૮
 
વિદ્યુત ઠાકર દાયકાઓથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરી રહ્યાં છે.
ભારત અને પાકિસ્તાનનાં દાયકાઓ જૂનાં પ્રશ્ર્નો અંગે તેમણે વિસ્તારથી છણાવટ કરી સંશોધનપૂર્ણ લેખ લખી સમાજને જાગૃત કર્યો છે. ભારત-પાકિસ્તાનનાં સંબંધોની છણાવટ માટે વિદ્યુતભાઈ ગુજરાતનું અગ્રિમ નામ છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
રાજકીય વિશ્ર્લેષક તરીકે તેમના પત્રકારત્વએ અનેકને દિશા-માર્ગદર્શન આપ્યા છે. તેમણે પોતાની કલમ થકી દેશ અને ગુજરાતના રાજકારણની સાચી છબી વાચકો સમક્ષ રજૂ કરી છે.
રાજકીય ઉપરાંત તેમણે અનેક વિષયો પર લેખન કર્યુ અને સમગ્ર જીવન પત્રકારત્વને અર્પણ કરી દીધું. છેલ્લાં ઘણાં વરસોથી તેમણે લેખનું વળતર નહીં લઈને પત્રકારત્વમાં અનોખો દાખલો બેસાડ્યો છે.