વાણીનો પ્રભાવ

    ૩૧-માર્ચ-૨૦૧૮
 

 
ઋષમૂકત પર્વત પાસે વિહાર કરતા બે તેજસ્વી, શક્તિશાળી યુવાનોને જોઈને સુગ્રીવના મનમાં શંકા જાય છે કે ભાઈ વાલી, વેશપલટો કરી મારી હત્યા કરવા કોઈની સાથે આવ્યો કે શું ? તે ભાગીને માતંગ ઋષિના આશ્રમમાં પહોંચી જાય છે. હનુમાનજીને વાત કરે છે. હનુમાનજી તેમને યાદ અપાવે છે કે વાલી માતંગ આશ્રમમાં પ્રવેશશે તો મોતને ભેટશે તેવો શ્રાપ ધરાવે છે.
 
સુગ્રીવ થોડા સ્વસ્થ થઈ, હનુમાનજીને બે યુવાનો વિશે માહિતી લાવવા મોકલે છે. હનુમાનજી બ્રહ્મચારીના વેશમાં રામ-લક્ષ્મણને મળે છે અને પૂછે છે : હે મહાનુભાવ, કઠોર વ્રત - અનુષ્ઠાન કરવાવાળા તપસ્વીઓના ભગવાં વસ્ત્રમાં આપ કોણ છો ? રાજર્ષિ જેવાં ધનુષ્ય બાણ આપની પાસે છે, આપ દેવતાઓ જેવા કાંતિમય અને મહાધૈર્યશાલી મુખારવિંદ ધરાવો છો. આપના મનમાં ઊંડી ચિંતા હોય તેવું લાગે છે. આપ આ પ્રદેશમાં ક્યાંથી અને શું કામ પ્રવેશ્યા ? હવે, લક્ષ્મણજીને શ્રીરામ કહે છે : આમની વાણીથી લાગે છે કે તે અતિ ચતુર છે, શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે. એમનો સંગાથ જેમને મળે તેમનાં સઘળાં કામ સિદ્ધ થાય. હવે તમે એમની સાથે વાત કરો. વાણી એ વ્યક્તિત્વની પરિચાયક છે. બોલીથી માણસ પરખાય જાય. પ્રથમ મુલાકાતમાં જ વાણીથી હનુમાનજીના સામર્થ્યને રામ ઓળખી ગયા. હનુમાનજીની વાણીમાં ચાર પ્રમુખ વિશેષતા સમગ્ર રામાયણમાં અનેક પ્રસંગોમાં જોવા મળે છે.
 
(૧) અવિલંબિતમ્ - હાજરજવાબીપણું, તુરંત જવાબ, (૨) અદિર્ધમુ - થોડા શબ્દોમાં વાત રાખવી, મુદ્દાસર વાત, (૩) અસંદિગ્ધમ્ - સ્પષ્ટ, શંકા ઉપજાવે તેવી, સમજફેર થાય તેવી વાણી નહીં, (૪) અવ્યથમ્ - પીડારહિત વાણી, વાણી થકી કોઈને દુ:ખ ન પહોંચે તેની સાવધાની.
 
સીતાજીની શોધ પછી પરત ફરેલા હનુમાનજી જ્યારે પ્રથમવાર શ્રીરામને મળે છે ત્યારે એમને ખ્યાલ છે કે રામના હૃદયને સ્પર્શતો વિષય હોવાથી તેઓ સમાચાર માટે ખૂબ વ્યાકુળ છે. એટલે શ્રીરામ સન્મુખ જઈ - જયઘોષ બાદ કહે છે : "દૃષ્ટવાં સીતા જોયાં સીતાજીને. સીતાજી પહેલાં બોલે તો એક પળ માટે પણ રામજીના મનમાં શંકા ઉદ્ભવી શકે કે "સીતા ન મળ્યાં, તકલીફમાં છે... એવું બોલશે... પણ ક્ષણિક વ્યથા પણ ન ઉદ્ભવે તેવી વાણી... અવ્યથમ્ વાણી...