જ્યોતિપૂંજ એટલે એ લોકો જેઓએ સમાજ માટે પોતાની જાત હોમી દીધી છે. આવા લોકોના પુણ્ય પ્રતાપે જ આજે છેક ત્રિપુરા સુધી લાલને બદલે કેસરીઓ લહેરાઈ રહ્યો છે. : જય વસાવડા

    ૦૫-માર્ચ-૨૦૧૮

 
શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ…
 
છેલ્લા ૬૦ વર્ષથી રાષ્ટ્રીયતાના વિચારને લઈને અવિરત રીતે આગળ ધપતા સાધના સાપ્તાહિક દ્વારા ૨૦૧૪થી પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ ‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરવામાં આવે છે. 4 માર્ચ ૨૦૧૮ની સાંજે વિદ્વાન વક્તા અને ગુજરાતના સુપ્રસિધ્ધ કટાર લેખક, વક્તા જય વસાવડાને સાધના દ્વારા આ પુરસ્કાર તથા શ્રી વિદ્યુતભાઈ ઠાકરને “લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ” અર્પણ થયા.પ્રસ્તુત છે તેની ઝલક….
 
‘સાધના’ સાપ્તાહિક એ પૂણ્યાત્મા લોકોની સાધના છે : જય વસાવડા
 

 
 
#‘શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રિકારિતા ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત જય વસાવડાએ હૃદયપૂર્વક પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘શ્રી રમણભાઈ શાહ ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર સ્વીકારવો એ મારા માટે ગૌરવની વાત છે.
 
# જેટલો મને રા.સ્વ. સંઘનો પરિચય છે તેના પરથી હું એટલું ચોક્કસ પણે કહી શકું કે, સંઘે ક્યારેય પણ કોઈ વ્યક્તિનો વૈચારિક તિરસ્કાર કર્યો નથી.’ જય વસાવડા
 
# ૨૦૦૭નાં જ્યોતિપુંજ પુસ્તક વખતનાં રસપ્રદ પ્રસંગને ટાંકતા તેઓએ કહ્યું હતું કે, તે વખતે રા.સ્વ. સંઘના સરસંઘચાલકજી શ્રી મોહનજી ભાગવત, નરેન્દ્રભાઈ મોદીજી અને અને સાધ્વી ઋતુંભરાજી જેવા સમર્થ વક્તાઓની સામે બોલવું એ મારા માટે મોટી મુંઝવણ હતી અને મેં આમંત્રણ સ્વીકાર્યા બાદ ફોન કરી સન્માનને લાયક ન હોવાનું જણાવ્યું ત્યારે મને આગ્રહપૂર્વક ત્યાં બોલાવાયો
 
# જ્યોતિપૂંજ એટલે એ લોકો જેઓએ સમાજ માટે પોતાની જાત હોમી દીધી છે. આવા લોકોના પુણ્ય પ્રતાપે જ આજે છેક ત્રિપુરા સુધી લાલને બદલે કેસરીઓ લહેરાઈ રહ્યો છે.
 
# એ લોકો માટે ક્યારેય પણ સત્તા મહત્ત્વની રહી ન હતી. તેમના માટે મહત્ત્વનું હતું માત્ર રાષ્ટ્ર નિર્માણ, સંસ્કૃતિનું નિર્માણ.
 
# આ સન્માન સ્વીકારતા મને ગૌરવ એટલા માટે થાય છે, કારણ કે ‘સાધના’ સાપ્તાહિક એવા જ જ્યોતિપૂંજ સમાન લોકો દ્વારા સિંચેલ અમૃતવેલ છે. એક તીર્થ છે.
 
# ‘સાધના’ આવા જ પુણ્યાત્મા લોકોની સાધનાનું પ્રતિક છે. ‘સાધના’ સાપ્તાહિકનું સિંચન કરનાર પુણ્યાત્માઓના મનમાં ક્યારેય પણ પ્રભાવ કે છાકો પાડી દેવાની ભાવના રહી નથી. રાષ્ટ્રભાવનાં વિચારનો પ્રચાર-પ્રસાર એ જ તેમનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે અને તે ‘સાધના’ સાપ્તાહિક સુપેરે નિભાવી રહ્યું છે.
 
# મારી સ્તંભકાર તરીકેની યાત્રા સહજ રીતે શ‚ થઈ હતી. છેલ્લાં ૨૨ વર્ષથી ચાલી રહી છે, પરંતુ હું અધિકારપૂર્વક કહી શકું છું કે, આજ દિન સુધી મેં ક્યાંય પણ મારી કલમ કે શબ્દને અભડાવાં દીધા નથી. મને જે સાચું લાગ્યું છે, સારું લાગ્યું છે, તેના વખાણ કર્યા છે અને જે નબળું લાગ્યું તેની ટીકા પણ કરી છે.
 
# મારી સામે અનેક ફરિયાદો પણ છે કે, હું આવા ફોટા મુકું છું. આવા લેખો લખું છું. ફિલ્મો વિશે જ વધારે પડતું લખું છું, પરંતુ હું ૨૨ વર્ષથી ૩૦૦૦ કરતા પણ વધુ પ્રવચનો કરી ચૂક્યો છું, પરંતુ કોઈ મને કહી શકશે કે, જય વસાવડાએ પાંચ ‚પિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો છે કે કોઈ કામ કરાવવા કે કઢાવવા ભલામણ કરાવી કે કરી છે ?
 
 
 
 
# તેથી જ કદાચ ઉપરવાળાની ભલામણ ચીઠ્ઠીથી હું ‘સાધના પત્રકાર ગૌરવ પુરસ્કાર’ સુધી પહોંચી શક્યો છું.
 
# રા. સ્વ. સંઘના ઘણા મિત્રો સાથે મારે વારંવાર બેસવાનું થાય છે. મને તેમનો અનુભવ છે, માટે જ કહું છું કે, આપણા હાથમાં ગમે તેવા ચિત્ર-વિચિત્ર મેસેજીસ આવે તે હિન્દુત્વવાદીઓ દ્વારા જ કરાયા હોય એવું ક્યારેય ન માનવું. કારણ કે ખરેખર રા.સ્વ.સંઘમાં ઘડાયેલા કેળવાયેલા વ્યક્તિ પછી ભલે તે મુખ્યમંત્રી હોય, તેણે ક્યારેય પણ કોઈ વ્યક્તિનો વૈચારિક દૃષ્ટિથી તિરસ્કાર કે વિરોધ કર્યો હોય તેવો મારા જીવનમાં મેં એક પણ પ્રસંગ સાંભળ્યો નથી.
 
# રા.સ્વ. સંઘ જો ખરેખર એવો હોય જેવી તેના અંગે સમાજમાં ભ્રમણા ફેલાવાઈ રહી છે, તો ફિલ્મો શૃંગાર રસ અને જેવું લાગે તેવું ટીકાત્મક લખનાર જય વસાવડા જેવા સ્તંભકાર ‘સાધના’ સાપ્તાહિક માટે અસ્પૃશ્ય હોત.
 
# સંઘ વિચારધારાને લઈને સમાજમાં ચોક્કસ બૌદ્ધિકો દ્વારા એક ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. એક છાપ પાડી દેવામાં આવી છે.
 
# હિન્દુત્વની મૂળ વિચારધારા કે જેને આપણે સનાતન વિચારધારા કહીએ છીએ, તેમાં અનેક રંગબેરંગી વિચારધારાઓ છે. વિશ્ર્વ જેને હાલ આધુનિકતાનાં પ્રતિકો માને છે તે તો આપણા વારસામાં પહેલેથી છે જ.
 
# અંગ્રેજી માધ્યમમાં વાંચતા અને ભણતા પહેલાં મેં સંસ્કૃત ભાષાનાં જે અનુવાદો વાંચ્યા છે તેની અસર મારા લેખનમાં છે. શૃંગાર રસની દૃષ્ટિ છે એ વાલ્મિકી, વેદવ્યાસ અને કાલિદાસજીની કૃતિઓનાં વાંચનને પરિણામે છે.
 
# ભારત એક એવો દેશ છે. તેની પાસે આમ સંપત્તિ છે, પરિણામે તેને બહારની દુનિયાની ક્યારેય જ‚ર જ વર્તાઈ નહતી.
સાધના એ શિક્ષક પણ છે અને ચોકીદાર પણ છે : શ્રી વિદ્યુતભાઈ ઠાકર
 

 
 
શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર સમારોહમાં લાઇફ ટાઈમ એચિવમેન્ટ સન્માન મેળવનાર વરિષ્ઠ લેખક, ચિંતક શ્રી વિદ્યુતભાઈ ઠાકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે
 
# મારા પરિશ્રમનું અને મારા પ્રત્યેના પ્રેમનું આ સન્માનથી મોટું પ્રતિક કોઈ હોઈ ન શકે. કારણ કે ‘સાધના’ એ એક વિચાર પત્ર છે અને વિચાર માટે ઝઝુમવું એનાથી મુશ્કેલ કાર્ય બીજું કોઈ નથી.
 
# મારું પત્રકારત્વ અને રાજકારણ બન્ને સમાંતર ચાલ્યું છે. મેં પત્રકાર તરીકેનું શિક્ષણ લીધું નથી, પરંતુ મેં પત્રકાર તરીકે ભણાવ્યું જરૂર છે. આ સન્માન મેળવવાનો આનંદ જ‚ર થાય છે. પરંતુ હું કોઈ સ્થિતપ્રજ્ઞ પત્રકાર નથી.
 
# આનંદ એટલા માટે છે કે મારા પત્રકારત્વ અને ‘સાધના’ સાપ્તાહિક વચ્ચે ઘણો બધો સમન્વય છે.
 
# પત્રકારિતા મારે માટે એક સંઘર્ષનું કારણ હતું અને એ સંઘર્ષના કારણ ‚પે જ અમે પત્રો ચલાવ્યા. આજે ‘સાધના’ વિકસ્યું છે, પરંતુ મેં ‘સાધના’ સાપ્તાહિકનાં સંઘર્ષ કાળને પણ જોયો છે.
 
# આજે જે સાધના છે તે તેના કર્મયોગીઓના પરિશ્રમનું ફળ છે. ‘સાધના’ની જ‚રિયાત એટલા માટે છે કે, તે શિક્ષણનું કાર્ય કરી રહ્યું છે અને ચોકીદાર પણ છે. ‘સાધના’એ સમાજને જ્ઞાન આપવાનું છે, સમાજને સમજણ પૂરી પાડવાની છે અને સાધનાએ ચોકીદારી પણ કરવાની છે.
 
 
 
# કારણ કોઈપણ વ્યક્તિ, સંસ્થા હોય કે પછી રાજકીય વિચાર હોય, તેનામાં સમય જતાં વિકૃતિ આવી જાય છે. જ્યારે આ વિકૃતિ આવે ત્યારે તેને ટોકરવાની વિચારપત્રની કામગીરી હોય છે. રાજકારણીઓની કોમ એવી છે કે, જેને ક્યારેય પણ પોતાનો દોષ દેખાતો જ નથી. તેને તેના એ દોષનું ભાન કરાવવાનું કામ આ વિચારપત્રો એ કરવાનું છે.
 
# ગાલિબનો એક જૂનો શેર છે ‘જિંદગી ભર મેં એક હી ભૂલ કરતા રહા, ધુલ ચહેરેપે થી ઔર આઈના સાફ કરતા રહા,’ રાજકારણીઓનાં એ ચહેરા પરની ધૂળને તેમને બતાવવાનું કામ ‘સાધના’ સાપ્તાહિકે કરવાનું છે.
 
# ‘સાધના’ જે લોકો માટે, જે વિચાર માટે કામ કરે છે તેના માટે તેણે ક્યારેક લાલબત્તી ધરવી પડશે. હાલ હિન્દુત્વનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે તેમાં આવી શકનારી વિકૃતિને રોકવાનું કામ ‘સાધના’ સાપ્તાહિકે કરવાનું છે.
 
# ‘સાધના’ સાપ્તાહિક થિંક ટેક જેવું નાનકડું સંગઠન ઊભું કરે જેના થકી અનેક વિદ્વાનોના વિચારોનો લાભ સમાજને મળશે અને જો આમ થશે તો સમાજની મોટી સેવા થશે.
 
# મને સન્માન મળે તેનો આનંદ છે, પરંતુ હું કેટલાય વર્ષોથી મારા લેખોના પૈસા લેતો નથી. તેને દાન કરી દઉં છું. ‘સાધના’ સાપ્તાહિક દ્વારા અપાયેલ સન્માન સ્વીકાર્ય છે, પરંતુ સંકલ્પના ભાગ ‚પે ચેક (નાણા) નહીં સ્વીકારું.
 
# ‘સાધના’ ખુદ રાષ્ટ્રીયતાનો યજ્ઞ આદર્યો છે, ત્યારે મને આ સન્માન મળ્યું એ જ મારા માટે મોટી વાત છે. હું એક સમયે કટ્ટર સમાજવાદી રહી ચૂક્યો છું, પરંતુ આજે મને લાગે છે કે સમાજવાદથી પણ મોટી આપણી પોતાની સંસ્કૃતિ છે.
 
# ભારતીય સંસ્કૃતિની જે મહાનતા છે, તેને કોઈ જ પહોંચી શકે નહીં. હિન્દુ સમાજ-સંસ્કૃતિમાં જેટલી વ્યક્તિની આઝાદી છે એ આઝાદી વિશ્ર્વનાં કોઈ સમાજ-ધર્મ-રાજવ્યવસ્થામાં નથી.
 
# કોઈ રામ, શંકર કે કૃષ્ણ ભગવાનને નથી માનતો તેમ છતાં પણ તે હિન્દુ હોઈ શકે છે. આવી આઝાદી અન્ય ધર્મમાં નથી.
 
# કોઈપણ સંસ્કૃતિ રાજ્યાશ્રય વગર ટકી શકે નહીં, છતાં હિન્દુ સંસ્કૃતિ લાંબા સમયથી કોઈપણ રાજ્યાશ્રય વગર ટકી રહી છે. ત્યારે ‘સાધના’ જેવા વિચાર પત્રોની જવાબદારી અનેક ઘણી વધી જાય છે.

 
પત્રકાર પોતાના વિચારો રજૂ કરી શકે, પરંતુ હકીકતને ખોટી રીતે રજૂ કરે તે યોગ્ય નથી : ડૉ. શ્રી અમૃતભાઈ કડીવાલા
આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે પધારેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી અમૃતભાઈ કડીવાલાએ પોતાના પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે,
 
# ‘સાધના’ સાપ્તાહિક આરંભથી જ સંઘ વિચારનું પ્રચારક રહ્યું છે અને તેનાં પ્રેરકબળ માનનીયશ્રી વકીલ સાહેબ રહ્યા છે.
નિંદકને સાથે રાખવાથી આપણું સ્તર સુધરે છે. આપણી પરંપરામાં ટીકા સ્વીકાર્ય છે. અલગ અલગ વિચારોનો સ્વીકાર પણ આપણી સંસ્કૃતિમાં છે. અંગ્રેજીમાં આના માટે ટોલરંશ શબ્દ છે. આપણે ત્યાં આનાથી પણ ઊંચી એવી સર્વવિચારોનાં સમાદરની વિચારધારા ચાલી આવી છે.
 
# પત્રકાર પોતાના વિચાર જ‚રથી રજૂ કરી શકે છે, પરંતુ હકીકતને ખોટી રીતે રજૂ કરે તે યોગ્ય નથી. ‘સાધના’ કોઈ રાજકીય પક્ષનું મુખપત્ર ન બની રહે તે જરૂરી છે.
 
# વર્તમાન સમયમાં ‘સાધના’ સાપ્તાહિક પ્રેરક પત્રકારિતાની ભૂમિકા નિભાવી રહ્યું છે અને આ નીતિથી જ ‘સાધના’ ભવિષ્યમાં પણ ચાલતું રહેવું જોઈએ.
 પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ લખાણ થકી લોકમાનસ ઘડવામાં યોગદાન આપનારને સન્માન આપવા માટે ‘સાધના’ હક્કદાર છે : શ્રી મુકેશભાઈ શાહ
આ પ્રસંગે ‘સાધના’નાં તંત્રી-ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ શાહે જણાવ્યું હતું કે,
 
# ‘સાધના’નાં પત્રકારત્વએ નિર્ભિક અને નીડર વિચાર પ્રસ્તુતી કરતા સાંસ્કૃતિક, રાષ્ટ્રવાદની હિમાયત કરતા તેજસ્વી રાષ્ટ્રવાદનાં ઉદ્ઘોષક તરીકે ૬૨ વર્ષની કારકિર્દીમાં ૫૦૦થી વધુ કટાર લેખકોનાં વિચારોને સમાવ્યા છે
 
# અને હિન્દુત્વનાં પ્રચાર-પ્રસારની તપસ્યા કરી છે. ગુજરાત અને ભારતનો ઇતિહાસ, વર્ગ વિગ્રહ, રાજકીયપક્ષોનાં મતબેન્ક માટેની લઘુમતી તૃષ્ટિકરણ નીતિ, કોયડાઓ અને તેના ઉકેલો આલેખ્યા છે.
 
# ૬૨ વર્ષની આ તપસ્યામાં ‘સાધના’નાં વાચકો આજે ૩૦ લાખ છે. ન્યૂ મીડિયામાં પણ ૨.૫૦ લાખ મિત્રો સાથે તેમને વિચારોનો રસથાળ પીરસે છે. ફેસબૂક દ્વારા દર અઠવાડિયે ‘સાધના’ ૩૦થી ૩૫ લાખ સુધી પહોંચે છે.
 
# લોકભોગ્ય, સાત્વિક અને માર્મિક વિચારોની પ્રસ્તુતી થકી, સામાજિક રાજકીય નેતૃત્વ ઘડવામાં પણ ‘સાધના’નો સિંહ ફાળો છે. માટે પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ લખાણ થકી લોકમાનસ ઘડવામાં મોટું યોગદાન આપનાર વાર્ષિક કે લાઇફ-ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ આપવા માટે ‘સાધના’ અધિકારી છે.
 
# બુદ્ધિજીવીઓ, કટાર લેખકો સાથે શિક્ષણ, સાંસ્કૃતિક, સામાજિક કે આર્થિક કોઈપણ પરિસ્થિતિમાં વૈચારિક મતભેદ હોય, છતાં ‘સાધના’ સાપ્તાહિકે પોતાના પારિવારિક સંબંધો હંમેશા સ્વસ્થ રાખ્યા છે. સૌ લેખકોને ઉદારતાપૂર્વક આવકાર્યા છે.
શ્રી રમણભાઈ શાહની સ્મૃતિમાં તેમનાં પરિવારમાં યોગદાન થકી આ સન્માન અપાય છે : શ્રી રસિકભાઈ ખમાર
 
આ પ્રસંગે ‘સાધના’ સાપ્તાહિકનાં ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ખમારે સ્વાગત પ્રવચન તથા સમારોહની ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ પત્રકારત્વને સન્માનવાનો કાર્યક્રમ છે. ‘સાધના’ સાપ્તાહિક ૧૯૫૬થી એક મિશન સાથે સમાજભાવ રાષ્ટ્રભાવ, સાંસ્કૃતિક ભાવ ઉજાગર કરવાના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે અને તેમાં સ્વ. શ્રી રમણભાઈ શાહનું મોટું યોગદાન રહ્યું છે.
 
આ પ્રસંગને આવકારવા ડેટા પ્રોસેસિંગ ફોર્મ્સના મુકેશભાઇ શાહ, સાધનાના ટ્રસ્ટી સુરેશભાઇ ગાંધી, કલ્પેશભાઇ પટેલ, અજિતભાઇ શાહ, નવગુજરતના સમયના તંત્રી અજય ઉમટ, સુરેન્દ્રકાકા, ભાગ્યેશ જ્હા, ભાજપના પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, હર્ષદભાઇ પટેલ સહિત અનેક નામી – અનામી મહાનુભાઓ હાજર રહ્યા હતા….