સદ્ભાવના : આવા મુસ્લિમોને સલામ

    ૧૨-એપ્રિલ-૨૦૧૮

 
મુઝફ્ફરનગરના મુસ્લિમોએ સમગ્ર ભારતના મુસ્લિમો માટે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. મુઝફ્ફરનગરની પાસે સંઘાવલી નામે એક ગામ આવેલું છે. આ ગામમાંથી પસાર થતી રેલવે લાઇન પાસે એક અધૂરો પુલ છે. ગામ પાસેથી જ નેશનલ હાઈવે નંબર-૫૮ પણ પસાર થાય છે. બે કિ.મી. લાંબો આ પુલ મેરઠથી દહેરાદૂન જતો ભાગતો બની ગયો છે, પરંતુ દહેરાદૂનથી મેરઠ તરફ આવવાનો ભાગ હજુ અધૂરો છે, કારણ કે તેની વચ્ચે એક મદ્રેસા અને મસ્જિદ આવેલી છે.
 
સરકારો એને તોડતા ખચકાતી હતી, કારણ કે તેમને ડર હતો કે આમ કરવાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. માટે તેઓએ પુલના એ છેડે એક દીવાલ બનાવી તે ભાગને જ બંધ કરી દીધો. પરિણામે ક્યારેક રાત્રે આ રસ્તે આવતી ગાડીઓ દીવાલ પર ભટકાતી અને ગમખ્વાર અકસ્માત સર્જાતા હતા. ગત આઠ વર્ષમાં અહીં આવા અકસ્માતોમાં ૭૦થી વધુ લોકોના જીવ ગયા હતા. અખિલેશ યાદવ સરકાર આ પુલ મુદ્દે ચુપ હતી. નવી સરકારમાં આ દીવાલ તોડી પુલ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ કે તરત જ દેવબંધના ઇસ્લામી પંડિતોએ આ મસ્જિદ હટાવવાનો વિરોધ શરૂ કરી દીધો, પરંતુ મુઝફ્ફર નગરના મુસ્લિમોએ અભૂતપૂર્વ વિવેક અને સાહસનો પરિચય આપતાં અહીંના કેટલાક પ્રમુખ લોકો ભેગા થયા અને સામે ચાલી બંને ભવનોને તોડી રસ્તામાંથી હટાવી દીધા. સ્થાનિક પ્રશાસને પણ મદ્રેસા અને મસ્જિદના ખાતામાં ૪૯ લાખ રૂપિયા નાખી દીધા છે, જેથી બન્ને ભવનો અન્ય સ્થળે બાંધી શકાય.
 
સવાલ એ થાય છે કે, શું બાબરી મસ્જિદનો કેસ લડનારા મુસ્લિમો મુઝફ્ફરનગરના મુસ્લિમો પાસેથી પ્રેરણા લેશે ? તુર્કી, ઈરાન, ઇરાક સહિતના મુસ્લિમ દેશોમાં ધાર્મિક સ્થળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જ જવામાં આવે છે. આખરે પૂજાસ્થળ માણસોએ જ બનાવ્યાં હોય છે ને ? તો પછી માણસોને તે પૂજાસ્થળોને સ્થાનાંતરિત કરવાનો અધિકાર કેમ નહીં ? રામમંદિર અને બાબરી મસ્જિદનો ઝઘડો પૂજાસ્થળ કરતાં બન્ને સમુદાયના લોકોના અહંનો વધુ છે. માટે અદાલતો અને સરકારો આજ સુધી કંઈ જ કરી શકી નથી. ત્યારે રામ અને અલ્લાહ આવા સ્થળે રહેવાનું પસંદ કરશે? મુઝફ્ફરનગરના મુસ્લિમો અયોધ્યા પર છપાયેલ અંધારાનો પ્રકાશનો એક દીપક પ્રજ્વલિત કરવા માટે ખરેખર અભિનંદનને પાત્ર છે.
(હિન્દુ વિશ્ર્વ)