કૃષિ ક્ષેત્રના વિકાસ માટે દશેય દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત કરીએ

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 

 
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિ એટલે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ. સિંધુઘાટીની સભ્યતાના ઈતિહાસમાં ખેતીનો ઉલ્લેખ છે. ૧૯૬૦ પછી કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિનો નવો દૌર શરૂ થયો. પછી કૃષિક્ષેત્રે ઉમદા ઉત્પાદન થતું રહ્યું, જગતનો તાત ખુશ થતો રહ્યો. વર્તમાનમાં દેશના જીડીપીમાં કૃષિક્ષેત્રનો ફાળો ૧૭.૩૨% છે. વિશ્ર્વમાં ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ચીન બાદ ભારતનો બીજો નંબર છે. ભારત વિશ્ર્વમાં ફર્ટિલાઈઝરનો ત્રીજા નંબરનો સૌથી વધુ ઉત્પાદક અને ઉપભોકતા દેશ છે. પરંતુ પાછલા કેટલાક દશકમાં અર્થવ્યવસ્થાના વિકાસમાં મેન્યુફેકચરિંગ અને સેવાક્ષેત્રોનું યોગદાન ઝડપથી વધતાં કૃષિક્ષેત્રનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વરસાદે પડતા પર પાટુ માર્યું. ભારતનો ખેડૂત ખેતી માટે વરસાદ પર આધાર રાખે. ઘણાંય રાજ્યોમાં વરસાદની ભારે અછત. તેના કારણે ખેડૂતની હાલત બગડી. સરકારે ટપક સિંચાઈ, માઈક્રો સિંચાઈ, ટેકાના ભાવ, ઓછા વ્યાજે લોન, લોન માફી, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ જેવી અનેક યોજનાઓ મૂકી, જેના કારણે ખેતી અને ખેડૂતની હાલત ઘણેખરે અંશે સુધરી. મધ્યપ્રદેશે તેમાં સરાહનીય કાર્ય કર્યું. ઓર્ગેનિક ખેતીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેતીની કાયાપલટ કરી. ૭૦ લાખ હેકટર જમીનને સિંચાઈ સુવિધા આપી. અનેક જિલ્લાઓમાં ખેડૂત અને ખેતીના વિકાસ માટેની અપૂર્વ યોજનાઓ મુકી અને ખેતીનો વિકાસ કર્યો. હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ મધ્યપ્રદેશ મોડેલ મુજબ ખેતપ્રયોગો કર્યા. કેન્દ્ર સ્તરેથી હરિયાળી ક્રાંતિના પુન:જન્મ માટે અવિરત પ્રયોગ થયા તેમ છતાં વર્તમાન સમયમાં ખેતી અને ખેડૂતની હાલત વિચારણીય ખરી . આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં ખેડૂતોની આત્મહત્યા જેવા દુ:ખદ બનાવો બન્યા.

વર્ષ ૨૦૧૮ના બજેટ બાદ સરકારે કૃષિક્ષેત્રે હજુ પણ વધારે સુધાર માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપ્યું. ખેડૂતોની આવક ક્ધઝ્યુમરના ફૂડ સિકયુરીટી સાથે જોડાયેલી છે. જમીની હકીકતો સ્વીકારીને દરેક તબક્કે પરિવર્તન, નવા વિચારો અને પ્રયોગો જરૂરી છે. એગ્રીબિઝનેસ ઈમ્ફર્મેશન નેટવર્ક, સોઈલ ટેસ્ટીંગ અને ફૂડ ટેસ્ટીંગ માટે લેબ, વેર હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રીડ બનાવાય. ભારતમાં અંદાજિત એક લાખ કરોડનું ભોજન દર વર્ષે વેડફાય છે. દેશની જેટલી જરૂરિયાતો છે તેના પચાસ ટકા સ્ટોર કરવાની ક્ષમતા આપણી પાસે હોય તે જરૂરી છે.. જેથી ખેડૂત પર નિશ્ર્ચિત સમયે ઊપજ વેચી દેવાની મજબૂરી રહે. તે યોગ્ય સમયે માર્કેટમાં પોતાની ખેતપેદાશ વેચી શકશે. એગ્રીબિઝનેસ નોલેજ નેટવર્ક પણ એટલું જરૂરી. ખેતીવાડી સાથે જોડાયેલા તમામ વિભાગો અને યુનિવર્સિટીઓની સમીક્ષા અનિવાર્ય બની ગઈ છે. દરેક યુનિવર્સિટી અને રિસર્ચ તથા ડેવલપમેન્ટ સેન્ટરોમાં ઓછામાં ઓછા ૫૧ ટકા ખેતીવાડી સાથે સીધા જોડાયેલા લોકો હોય તે જરૂરી. જે રીતે સરકાર ઈન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેકટર માટે નવા કાયદા બનાવી પરિવર્તન કરે છે તેમ ખેતીવાડી માટે એગ્રીકલ્ચર માર્કેટિંગ એકટ બને તો ખેડૂત, વેપારીઓ, ગ્રાહકો બધાનું હિત જળવાય અને સુરક્ષા પ્રદાન થાય.

સ્થાનિક માર્ગદર્શન ઉપરાંત કૃષિક્ષેત્રે સફળ એવા અન્ય દેશોના પ્રયોગ, પદ્ધતિઓ અપનાવાય તો વિકાસને વેગ મળે. બ્રાઝીલ, ચીન, અમેરિકા ચોક્કસ બાબતે દિશાનિર્દેશ કરી શકે. ખાસ કરીને ચીનની કૃષિનીતિ ખૂબ પ્રોત્સાહક છે. ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના રીપોર્ટ મુજબ ખેતીવાડી પર ખર્ચ અને નવા પ્રયોગોના મામલે ભારત ચીન કરતાં ઘણું પાછળ છે. ચીનમાં પાણીની કમી છે તેમ છતાં વર્લ્ડ બેંક પાસેથી સહાય લઈ ચીને હેબઈ, શાંકસી જેવાં અનેક ક્ષેત્રોમાં જળ સંરક્ષણ પ્રોજેકટ શરૂ કર્યા. ચીન પોતાના કુલ પાણીમાંથી ૬૦ ટકા પાણી સિંચાઈ માટે ફાળવે છે. ટેકનોલોજીની મદદથી તાપમાન, હવા, ભેજ, પવન, વરસાદ, માટી વગેરે આંકડા ભેગા કરી કયાં કેટલી સિંચાઈની જરૂર પડશે તે આયોજન કરે છે. માઈક્રો સિંચાઈ જેવા ચીનના અનેક પ્રયોગોએ ખેતી અને ખેડૂત બંનેને સમૃદ્ધ બનાવ્યા છે. ચીન-ભારત બંને દેશો પાણીની અછતથી પીડાય છે. ચાઈના ઈરીગેશન, વોટર સેવિંગ્સ અને વોટર વેસ્ટીંગ ક્ધટ્રોલ માટે જે મોડેલ્સ મુક્યા છે તે ભારતને અનુરૂપ છે. તેનો ઉપયોગ કરી શકાય. ચીનના આવા નવતર પ્રયોગોનો ભારતમાં નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરીને અપનાવાય તો કૃષિની જે થોડીઘણી મુશ્કેલીઓ છે તે નિવારી શકાય.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિકાસ અર્થે અનેક આયામો નવા મૂકાયા. નવ કરોડ ખેડૂતોને મૃદ્રા સ્વાસ્થ્ય કાર્ડ ઉપલબ્ધ કરાવ્યું, દેશના બી.પી.એલ. ગ્રાહકોને થી રૂપિયે કિલો ઘઉં - ચોખાની કૃષિ પેદાશો પ્રાપ્ત કરાવાઈ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ૯૯ પ્રોજેકટોને વર્ષ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની નેમ થઈ. સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા પ્રતિબદ્ધ છે. દેશભરમાં ખેતપેદાશો ઓનલાઈન વેચાય છે, ૩૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ખેતઉત્પાદન ડિઝીટલ રાષ્ટ્રિય કૃષિબજારમાં વેચાઈ ચૂક્યા છે. માઈક્રો સિંચાઈનું પ્રમાણ વધે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

દેશ, સમાજ, સરકાર તમામના પ્રયત્નો છે કે ફરીવાર દેશમાં હરિયાળી ક્રાંતિ આવે, દેશ કૃષિક્ષેત્રે વિશ્ર્વભરમાં અગ્રેસર બને જગતનો તાત હરખે પાક અને સુખ બંને લણે દિવસોને આવકારવા આપણે સૌ અધીરાં છીએ. દસેય દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત કરવાની ભાવનાવાળા આપણે કૃષિક્ષેત્રે દસેય દિશાઓના વિચારો પ્રાપ્ત કરવા રહ્યાં. તો ખેતી, ખેડૂત અને રાષ્ટ્ર બંને ઉન્નત.