મૂછનો વાળ - વચન અને માણસની કીમત આને કહેવાય!

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
એક દિવસ એક મારવાડી શરાફ પાસે એક વણઝારો આવ્યો અને કહ્યું, ‘શેઠજી, મારી તમામ વણઝાર વગડામાં લુંટાઈ ગઈ છે. ઘર બહુ દૂર છે. વાટ-ખર્ચી માટે મારે દસ હજાર જોઈએ છે.’
 
‘આપું, પણ કોઈ દાગીનો ગીરો મૂકવો પડે.’
‘શેઠજી, દાગીના નથી. હું તમને મારી મૂછનો વાળ આપું છું. એના પર તમે દસ હજાર ધીરો, હું વહેલી તકે પૈસા આપી મારી મૂછનો વાળ છોડાવી જઈશ.’
 
શેઠજી બોલ્યા, ‘ભાઈ, મૂછના વાળ પર તે કોઈ દસ હજાર આપતું હશે ?’
 
વણઝારો ચમકી પડતાં બોલ્યો, ‘હેં..હેં એ શું બોલ્યા શેઠજી ? આ મૂછનો વાળ માત્ર વાળ નથી. મારું વચન છે, મારો વટ છે. વચન ખાતર સાચો વણઝારો ફનાફાતિયા થઈ જશે પણ વચન નહીં તોડે.’
 
શેઠ માની ગયા. વણઝારાએ મૂછનો વાળ તોડી આપ્યો, વાળ જોઈ શેઠે કહ્યું, ‘ભાઈ, આ વાળ તો વાંકો છે.’
 
વણઝારાએ કહ્યું, ‘વાંકો છે પણ મારો છે ! લઈ લો.’ શેઠજીએ વાળ લઈ દસ હજાર ‚પિયા રોકડા ગણી આપ્યા.
 
આ વાત બીજા વણઝારાઓ પાસે પણ પહોંચી ગઈ. એક દિવસ એક કામચોર વણઝારો હરખમાં ને હરખમાં દસ હજાર લેવા માટે શેઠજી પાસે પહોંચી ગયો. મારવાડી શેઠે દાગીના ગીરવે મૂકવાની વાત કરી એટલે એણે ફટ દઈને મૂછનો વાળ તોડી આપ્યો.
 
જમાનાના ખાધેલ મારવાડી શેઠ બધું સમજી ગયા, તેમને ખબર પડી ગઈ કે આ ભાઈસાહેબે મૂછ તો સાવરણી જેવી રાખી છે. પણ એમને મન જ એની કોઈ કિંમત નથી. શેઠ બોલ્યા, ‘ભાઈ, આ વાળ તો વાંકો છે.’ પેલાએ શેઠજીના હાથમાંથી એ વાળ લઈ ફેંકી દીધો અને બીજો વાળ તોડી આપતાં કહ્યું, ‘વાંકો છે તો આ લો સીધો.’ શેઠ ખડખડાટ હસ્યા. એમણે વાળ હાથમાં પણ ના લીધો અને બોલ્યા, ‘ભાઈ, મૂછનો વાળ એ વચન બરાબર છે. તને જ તારી મૂછના વાળની કિંમત નથી એટલે તેં ફટાક દઈને બીજો તોડી આપ્યો. જા ભાઈ જા, મૂછના વાળ પર તને કાણી પાઈ પણ ના અપાય.’ વણઝારો વીલે મોંએ પાછો ગયો. વચનની કિંમત હોય તો મૂછના વાળ પર પણ કરોડો મળે છે.