હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું ? નહિતર હાલનું માઉન્ટ આબુ ગુજરાતમાં હોત?

    ૦૧-મે-૨૦૧૮

 
 
અત્યારનું ગુજરાત અગાઉના બોમ્બે સ્ટેટમાંથી બન્યું ને બોમ્બે સ્ટેટ અંગ્રેજોના શાસન વખતની બોમ્બે પ્રેસિડેન્સીમાંથી બનેલું. એ પહેલાંનો ઈતિહાસ જોઈએ તો ગુજરાત બહુ વિસ્તરેલું હતું ને છેક મુંબઈ સુધી ગુજરાતની આણ પ્રવર્તતી. સોલંકી યુગમાં તો ગુજરાત છેક માળવા સુધી એટલે કે હાલના મધ્ય પ્રદેશ સુધી વિસ્તરેલું હતું. મુસ્લિમ સુલતાનોના સમયમાં મુંબઈ સુધી ગુજરાતનો કબજો હતો. ગુજરાતીભાષીઓ માટે અલગ રાજ્યની રચનાનું મહાગુજરાત આંદોલન શરૂ થયું તેના મૂળમાં દ્વિભાષી મુંબઈ સ્ટેટની રચના હતી. આ આંદોલનના કારણે ગુજરાતીઓને નવું રાજ્ય ગુજરાત તો મળ્યું પણ ગુજરાતીભાષી લોકોના કેટલાક વિસ્તારો ગુજરાતમાંથી જતા રહ્યા. ગુજરાતને તેના કારણે બહુ મોટું નુકસાન ગયું.
ગુજરાત અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ
 
હાલના ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત એ ચાર મુખ્ય ઝોન છે પણ દેશ આઝાદ થયો એ વખતે આ બધા ઝોન એક નહોતા. અલગ અલગ વહેંચાયેલા હતા ને તેમને એક કરીને ગુજરાત રાજ્ય બનાવાયું. આ રાજ્ય કઈ રીતે બન્યું તેના માટે થોડોક ઇતિહાસ જાણવો જરૂરી છે ને આ ઇતિહાસ બહુ રસપ્રદ છે.
અંગ્રેજોના શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સી એટલે કે મુંબઈનો પ્રદેશ ઉત્તર વિભાગના જિલ્લાઓ તથા સ્થાનિક રાજ્યોની એજન્સીઓમાં વહેંચાયેલો હતો. એ વખતે હાલના ગુજરાતના કેટલાક વિસ્તારો સીધા અંગ્રેજોના તાબા હેઠળ પણ હતા. અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ એ પાંચ જિલ્લા અંગ્રેજોના સીધા તાબા હેઠળ હતા. અંગ્રેજ અધિકારીઓ જ અહીં રાજ કરતા અને એ જ આ પાંચ જિલ્લાના સર્વેસર્વા હતા. તેના કારણે આ જિલ્લાના વિસ્તારોનો સારો વિકાસ થયો. બાકીના વિસ્તારો રાજકોટ અને વડોદરા એ બે વિભાગમાં સાત અલગ અલગ એજન્સીઓમાં વહેંચાયેલા હતા.
 
રાજકોટ વિભાગમાં શરૂઆતમાં ગોહિલવાડ, હાલાર, ઝાલાર અને સોરઠ પ્રાંત તથા કચ્છનો સમાવેશ કરાયો હતો. અમરેલી અને ઓખામંડળ મરાઠાઓના તાબા હેઠળ હતા એટલે કે ગાયકવાડની સત્તા ધરાવતા. તેમનો સમાવેશ પણ રાજકોટ વિભાગમાં કરી દેવાયો. પછીથી આ રાજ્યોનો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્‌સ એજન્સી, ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી અને વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી એમ ત્રણ એજન્સીમાં સમાવેશ કરી દેવાયો. વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટ્‌સ એજન્સીમાં જૂનાગઢ, નવાનગર, ભાવનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, મોરબી, ગોંડલ, જાફરાબદ, વાંકાનેર પાલિતાણા, ધ્રોળ, લીમડી, વઢવાણ અને રાજકોટ રજવાડાં (સંસ્થાન)ને સમાવાયાં. કચ્છ પણ ત્યાં સુધીમાં કાઠિયાવાડ સાથે જોડાઈ ગયું હતું તેથી તેનો સમાવેશ પણ આ એજન્સીમાં કરાયો.
 
આ તમામ મોટાં રાજ્યો હતાં જ્યારે બાકીનાં નાનાં નાનાં રાજ્યો માટે ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી અને વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી રચવામાં આવી. ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીમાં લખતર, ચૂડા, સાયલા, વળા, લાઠી, મૂળી, બજાણા, પાટડી વગેરે નાનાં રાજ્યોને સમાવાયાં. વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીમાં જસદણ, માણાવદર, થાણાદેવળી, વડિયા, વીરપુર, માળિયા, કોટડા સાંગાણી, જેતપુર, પિઠડિયા, બિલખા, ખિરસરા વગેરે નાનાં રાજ્યોને સમાવાયાં.
 
વડોદરા વિભાગમાં પહેલાં ખંભાત, ડાંગ અને વડોદરા ઉપરાંત મહીકાંઠા એજન્સી, પાલનપુર એજન્સી, રેવાકાંઠા એજન્સી અને સુરત એજન્સીનો સમાવેશ થતો. વડોદરાના તાબા હેઠળના કડી, નવસારીનો પણ તેમાં સમાવેશ કરાયો હતો. મહીકાંઠા એજન્સીમાં રાજ્યોના કદ પ્રમાણે સાત વર્ગમાં વહેંચાયેલાં ૧૧૮ રજવાડાં (સંસ્થાન) હતાં. રેવાકાંઠા એજન્સીમાં રાજપીપળા, છોટાઉદેપુર, દેવગઢબારિયા, લુણાવાડા, વાડાસિનોર, સૂંથ વગેરે ૬૧ સંસ્થાન હતાં. પાલનપુર એજન્સીમાં પાલનપુર, રાધનપુર વગેરે ૧૧ રજવાડાં હતાં.
 

 
 
 
અંગ્રેજોએ પછીથી વહીવટી સરળતા ખાતર નવી એજન્સીઓ બનાવી અને જૂની એજન્સીઓની પુનર્રચના પણ કરી. વડોદરાને સીધું ગવર્નર-જનરલની દેખરેખ હેઠળ મુકાયું. આ રીતે વડોદરા પણ સીધું અંગ્રેજોના તાબા હેઠળ આવ્યું. વડોદરામાં ગાયકવાડનું શાસન હતું પણ તેમણે અંગ્રેજોના આદેશ પ્રમાણે શાસન ચલાવવું પડતું. તેના કારણે વડોદરાના તાબા હેઠળના વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બની. પાલનપુર, રાધનપુર, ઈડર, વિજયનગર વગેરે રજવાડાંને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્‌સ એજન્સીમાં સમાવાયાં.
 
આ રજવાડાં સિવાયનાં નાનાં નાનાં રજવાડાંની સાબરકાંઠા એજન્સી અને બનાસકાંઠા એજન્સીની રચના પણ કરાઈ. તેમનો સમાવેશ પણ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્‌સ એજન્સીમાં કરાયો. મહીકાંઠા એજન્સી અને રેવાકાંઠા એજન્સીની અલગ ગુજરાત સ્ટેટ્‌સ એજન્સી બનાવાઈ. ગુજરાત સ્ટેટ્‌સ એજન્સીમાં ખંભાત, રાજપીપળા, છોટા ઉદેપુર, દેવગઢબારિયા, લુણાવાડા, વાડાસિનોર, સૂંથ, સંખેડા, મેવાસ, વાંસદા, ધરમપુર, સચીન, ડાંગ વગેરે રજવાડાંનો સમાવેશ કરાયો. કચ્છ અને ના‚કોટનો વહીવટ અલગ કરાયો. અંગ્રેજોના શાસનમાં દરેક એજન્સીની દેખરેખ પોલિટિકલ એજન્ટ રાખતો. ખંભાત રજવાડાના પોલિટિકલ એજન્ટ તરીકે ખેડાના કલેક્ટર અને ધરમપુર, વાંસદા તથા સચીનના પોલિટિકલ એજન્ટ તરીકે સુરતના કલેક્ટર ફરજ બજાવતા.
 
અંગ્રેજો ૧૯૪૭માં ભારતમાંથી વિદાય થયા અને દેશ આઝાદ થયો એ વખતે શું સ્થિતિ હતી અને તેમાંથી સમયાંતરે હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે સમજવું પણ જરૂરી છે. અત્યારે ગુજરાતમાં ૩૩ જિલ્લા છે પણ ગુજરાતમાં પહેલેથી આટલા જિલ્લા નહોતા. દેશ આઝાદ થયો એ વખતે ગુજરાત બોમ્બે સ્ટેટમાં ગયું ને બોમ્બે સ્ટેટમાં એ વખતે ગુજરાતમાંથી કુલ પાંચ જિલ્લા હતા. આ પાંચ જિલ્લામાં અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરતનો સમાવેશ થતો હતો.
સૌરાષ્ટ્ર એ વખતે અલગ રાજ્ય હતું અને તેને કાઠિયાવાડ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સૌરાષ્ટ્રમાં પણ એ વખતે ૫ જિલ્લા હતા. આ જિલ્લા ગોહિલવાડ, હાલાર, સોરઠ, મધ્ય સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ હતા. જાણીને આશ્ર્ચર્ય થશે પણ એ વખતે કચ્છ પણ અલગ રાજ્ય હતું તેથી કચ્છ પણ અલગ જ જિલ્લો હતો. કચ્છ એ વખતે કેન્દ્ર સરકારના સીધા તાબા હેઠળ હતો. ગુજરાત મુંબઈ સ્ટેટનો હિસ્સો હતું ત્યારે જ એટલે કે ૧૯૫૧માં હાલના ગુજરાતના વિસ્તારોમાંથી નવા ૬ જિલ્લા ઉમેરવામાં આવ્યા. તેના કારણે મુંબઈ સ્ટેટમાં હાલના ગુજરાતમાંથી કુલ ૧૧ જિલ્લા થયા. આ નવા ૬ જિલ્લામાં અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા અને ડાંગનો સમાવેશ થતો હતો. આ ૬ નવા જિલ્લાની રચના સાથે મુંબઈ સ્ટેટમાં હાલના ગુજરાતના ૧૧ જિલ્લા થયા.
માઉન્ટ આબુ અને મુંબઈ પણ ગુજરાતમાં હોત
 
જવાહરલાલ નહે‚ સરકારના સમયમાં એટલે કે ૧૯૫૬માં રાજ્યોની પુનર્રચના થઈ એ વખતે મુંબઈ સ્ટેટનો ઘણો હિસ્સો બીજાં રાજ્યોમાં ગયો અને તેના કારણે ગુજરાતને બહુ મોટું નુકસાન થયું. રાજ્યોની પુનર્રચના પહેલાં આબુરોડ બનાસકાંઠા જિલ્લામાં હતું પણ તેનો સમાવેશ નવા રચાયેલા રાજસ્થાન રાજ્યમાં કરી દેવાયો. આબુરોડ એ વખતે બનાસકાંઠાનો એક તાલુકો હતો. હાલનું માઉન્ટ આબુ એ રીતે ગુજરાતમાં હોવું જોઈતું હતું પણ ભાષાના નામે તેને રાજસ્થાનને આપી દેવાયું. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ મુંબઈ સ્ટેટમાં ભળ્યાં તેથી સૌરાષ્ટ્રના પાંચ અને કચ્છ મળીને છ જિલ્લા મુંબઈ સ્ટેટમાં ઉમેરવામાં આવ્યા. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનાં નામ પણ બદલવામાં આવ્યાં. ગોહિલવાડને ભાવનગર, હાલારને જામનગર, સોરઠને જૂનાગઢ, મધ્ય સૌરાષ્ટ્રને રાજકોટ અને ઝાલાવાડને સુરેન્દ્રનગર નામ અપાયાં. કચ્છનો સમાવેશ પણ જિલ્લા તરીકે કરાયો. આમ, હાલના ગુજરાતમાંથી કુલ ૧૭ જિલ્લા મુંબઈ સ્ટેટમાં હતા. આ ૧૭ જિલ્લામાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરાનો સમાવેશ થતો હતો.
 
નહેરુ સરકારે દ્વિભાષી રાજ્યની રચના કરી પછી મહાગુજરાત આંદોલન શરૂ થયું. એ વખતે ગુજરાતના નવા રાજ્યમાં મુંબઈનો પણ સમાવેશ કરવાની માગણી હતી કેમ કે મુંબઈમાં ગુજરાતી બોલનારા લોકોની મોટી સંખ્યા હતી. સામે ડાંગને મરાઠીભાષી મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવવાની તરફેણ કેટલાક રાજકારણીઓ કરી રહ્યા હતા. મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી. જી. ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈ તેમાં મુખ્ય હતા. બંનેએ મે, ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેથી ડાંગને ગુજરાતમાં નહીં સમાવવા કહેલું. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ દાવાને ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની ટીકા કરી. આ મામલો બહુ ચગ્યો અને ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયક તથા છોટુભાઈ નાયક મેદાનમાં આવ્યા. મહાગુજરાત આંદોલનની સમાંતરે દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં સમાજસેવાનો ભેખ લેનારા ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકની આગેવાની હેઠળ ડાંગ સ્વરાજ ચળવળ પણ ચાલી રહી હતી. તેમણે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.
 
ગુજરાત માટે મુંબઈ હાથથી ગયું એ મોટું નુકસાન હતું. આજે મુંબઈ ગુજરાતમાં હોત તો ગુજરાતની શિકલ અલગ હોત એ કહેવાની જરૂર નથી. અલબત્ત ગુજરાતીઓએ ડાંગને ના જવા દીધું એ પણ મહત્ત્વનું છે.