ડિટેક્ટિવ દાદીમા

    ૧૭-મે-૨૦૧૮


 

દાદી ઘરડાં, ખૂબ ઘરડાં. પાછાં એકલાં. તેમનો સરસ મઝાનો બગીચો હતો. બગીચામાં તુલસીના છોડને રોજ પાણી પાવા જોઈએ. તુલસીનાં કુંડાં પાછાં એક નહીં, ઘણાં હતાં. ધોમધખતો તાપ અને કુમળી તુલસી. દાદીથી પવાય ત્યાં સુધી પાણી પાયું. પછી તાપ સામે હારી ગયાં. તુલસીઓ મુરઝાવા લાગી. બાજુમાં ઝૂંપડાંઓ હતાં. છોકરાંઓ રોજ આવતાં. દાદીને ચીઢવતાં, દાદી પાસે બદામ-રાયણ માગતાં, ‘દાદી દાદી હૂપહૂપ કરતા.’

એક વખત દાદી છોકરાંઓને કહે : ‘મારું એક કામ કરશો ? બદામ આપીશ, રાયણ આપીશ, થોડા ઘણા પૈસાય આપીશ.’

હા-હા કરીશું કરીશુંછોકરાઓ બોલી ઊઠ્યા : ‘શું કામ છે કહો દાદીમા !’

દાદી કહે : ‘ તુલસીમાને પાણી પાવાનું કામ છે. સાથોસાથ બીજાં ઝાડનેય પાણી પાઈ દેજો. પવિત્ર કામ છે, બોલો કરશો ?’ ‘હા-હા, કરીશું કરીશું.’ છોકરાંઓએ કહ્યું અને કામ શરૂ કર્યું. પાછળની ટાંકી ભરેલી હોય, તેમાંથી પાણી લાવી તુલસીને અને ઝાડોને પાવાનું. એમાં શું વળી ?

બાળકોને ભરોસે તુલસીવન સોંપી દાદી બપોરે સૂઈ જતાં. દાદીને રોજ બપોરે સૂવાની આદત હતી. ઘરડું શરીર. રહેવાતું નહીં. ઊંઘ આવી જતી. છોકરાંઓ પોતાની રીતે વૃક્ષોને પાણી પાયે રાખતાં. થોડા દિવસ પછી દાદીમાએ જોયું તો તુલસી સુકાવા લાગી. પાંદડાં મુરઝાવા લાગ્યાં. થોડાંક નાનાં મોટાં ફૂલોનાં ઝાડ પણ ચીમળાયેલાં કરમાયેલાં દેખાયાં.

દાદીને નવાઈ લાગી. આટલું પાણી અને આવું કેમ થતું હશે ? એક વખત દાદી જરા દૂરના મંદિરે ગયાં. ત્યાં બસ સ્ટેન્ડ હતું અને ચાર રસ્તા. ‘પાણીનું પાઉચ, ઠંડા પાણીનું પાઉચ, ‚પિયો ‚પિયો...’ છોકરાંઓ બસના પ્રવાસીઓને પ્લાસ્ટિકની કોથળીમાં પાણી વેચતા હતા. આજે એવી પાણીની કોથળી બજારમાં બહુ વેચાતી મળે છે.

દાદીમા છોકરાઓને ઓળખી ગયા.

બીજે દિવસે ધ્યાનથી જોયું.

છોકરાંઓ તુલસી ઉપર થોડીક છાલક નાખે, પછી ઘરની ડોલો પાણીથી ભરીને લઈ જાય. તેમાંથી પાઉચ ભરે. અમુક છોકરાંઓ પાઉચ વેચવા નીકળી પડે.

જૂના ખાલી પાઉચ વીણી લાવે, તેમાં નવું પાણી ભરે અને વેચે.

સારી કમાણી થાય. રૂપિયા એકનો બરફ લાવી ડોલનું પાણી ઠંડુંય કરે.

ધંધો સારો ચાલ્યો તો છોકરાંઓ તુલસીને અને ઝાડને છેતરવા લાગ્યાં. વધુ ને વધુ પાણી વેચવા લાગ્યા.

દાદીમાએ પ્રત્યક્ષ જોયું.

પકડ્યા છોકરાંઓને. કહ્યું : ‘ઊભા રહેજો તમે ! મેં તમને કામ આપ્યું અને તમે ચોરી કરતાં શીખ્યા ? કામની બદામ, કામની રાયણ, કામના દામ ગમે ખરું ? અને ચોરીની કમાણી વહાલી ! મારી તમારી તુલસીમાને સૂકવી નાખી, તમારા પેટ ટાઢા કરવા લાગ્યા એમ ને ? હવે તો બોલાવું છું પોલીસને. લોકોને આવું પાણી પાઈ રોગચાળો ફેલાવો છો ?’

છોકરાઓ ડરી ગયા. તેઓ કહે : ‘માજી ! હવે એવું નહીં કરીએ. માફ કરો માજી ! અમે તમારી ગાય...’

ગાય શાના ?’ દાદી કહે : ‘ખાસ્સા ગોધા જેવા છો. જાવ, હવે મારે તમારી પાસે કામ નથી કરાવવું.’

દાદીએ છોકરાઓને કાઢી મૂક્યા. જાતે પાઈ શકાય તેટલું પાણી તુલસીને તથા વૃક્ષોને પાયું.

છોકરાઓને સવાલ તો હતો કે, ‘દાદીને ખબર પડી કેવી રીતે ?’

કેટલાક કહે : ‘ડિટેક્ટિવ છે દાદી, ડિટેક્ટિવ છે.’