શું લાલ સલામ અંતિમ સલામો ભરી રહી છે ? નક્સલવાદ હવે કાબૂમાં આવી રહ્યો છે

    ૧૯-મે-૨૦૧૮

 
 
રાષ્ટ્રીય તપાસ એજન્સીઓની આર્થિક નાકેબંધી અને સુરક્ષા દળોની કડકાઈથી કાશ્મીર બાદ હવે નક્સલવાદને લઈને પણ સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. દાયકાઓથી દેશના અનેક વિસ્તારમાં કત્લેઆમ ચલાવી રહેલ લાલ આતંક હાલ તેના અંતિમ શ્ર્વાસ લઈ રહ્યો છે. ૨૦૧૦માં તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે નક્સલવાદને દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો, પરંતુ નવી સરકારની પરિણામલક્ષી નીતિઓને કારણે હાલ આ સમસ્યા લગભગ સમાપ્ત થવાના આરે છે. દેશમાં ખાલિસ્તાની આતંકવાદ બાદ આ બીજી મોટી સમસ્યા છે જેને ઠારવામાં દેશને સફળતા મળી હોય. જો કે લાલ આતંક હાલ ખુદને અંતિમ સલામ કરી રહ્યો છે, પરંતુ હજી તેના પિંડદાનનો સમય આવ્યો નથી. આપણે એ ન ભૂલવું જોઈએ કે, નક્સલવાદીઓ વળતો હુમલો કરવામાં માહિર હોય છે. માટે હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે અને લડાઈને ત્યાં સુધી ચાલુ રાખવાની જરૂર છે જ્યાં સુધી લાલ આતંકનું અંતિમ નિશાન પણ ખતમ ન થઈ જાય.
 
નક્સલવાદ ભારતીય કમ્યુનિસ્ટ આંદોલનના ફળસ્વરૂપે પેદા થયો અને ભારતભરમાં વિસ્તર્યો. નક્સલ શબ્દનો જન્મ પશ્ર્ચિમ બંગાળના નક્સલબાડી ગામેથી થયો હતો. આ ગામેથી ભારતીય કમ્યુનિસ્ટ પક્ષના નેતા ચારુ મજૂમદાર અને કાનુ સાન્યાલે ૧૯૬૭માં સત્તા વિરુદ્ધ સશસ્ત્ર આંદોલનની શરૂઆત કરી. મજૂમદાર ચીનના કમ્યુનિસ્ટ નેતા માઓત્સે તુંગના મોટા પ્રશંસક હોવાથી તેને માઓવાદ પણ કહેવામાં આવે છે. ચારુ મજૂમદાર અને કાનુ સાન્યાલનું માનવું હતું કે, ભારતમાં મજૂરવર્ગ અને ખેડૂતોની જે દયનીય સ્થિતિ છે અને માટે સરકારી નીતિઓ જવાબદાર છે. સરકારી નીતિઓને કારણે કૃષિ તંત્ર પર ઉચ્ચ વર્ગોનું વર્ચસ્વ સ્થપાઈ ગયું છે અને દેશમાં ગરીબ મજૂર, ખેડૂત વર્ગનું ભારે શોષણ થઈ રહ્યું અને આ વર્ચસ્વને માત્ર સશસ્ત્રક્રાંતિ થકી જ ઉખેડી ફેકાશે. ૧૯૬૭માં નક્સલવાદીઓએ એક અખિલ ભારતીય સમન્વય સમિતિ બનાવી અને લાલ આતંકીઓએ ઔપચારિક રીતે પોતાને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીથી અલગ કરી લીધા અને સરકાર વિરુદ્ધ ભૂમિગત થઈ સશસ્ત્ર યુદ્ધ છેડી દીધું. ૧૯૭૧માં આંતરિક વિદ્રોહ બાદ આ આંદોલનને પોતાના લક્ષ્ય અને વિચારધારાથી ભટકી ગયું. સામાજિક અધિકારો અને જાગૃતિ માટે શરૂ થયેલું આ આંદોલન રાજનૈતિક રંગ ચડવા લાગ્યા અને આંદોલન વિકૃત બન્યું. બિહારમાં આ આંદોલને જાતિવાદી સ્વરૂપ લીધું. ૧૯૭૨માં ચારુ મજૂમદારની ધરપકડ થઈ અને જેલમાં જ તેમનું મૃત્યુ પણ થયું.
 

 
 
આંદોલનના બીજા સંસ્થાપક કાનુ સાન્યાલે આંદોલનનો રાજનૈતિક હાથો બની જવાને કારણે ૨૩ માર્ચ, ૨૦૧૦ના રોજ આત્મહત્યા કરી લીધી. ગરીબ વનવાસીઓ અને ગિરિવાસીઓના અધિકારોના નામે શરૂ થયેલ આંદોલન હાલ હત્યા, ખંડણી, વસૂલી, સામૂહિક દુષ્કર્મ, બાળક-બાળકીઓનું યૌનશોષણ, વિકાસકાર્યોમાં અવરોધ અને ગરીબોનું શોષણ કરવા માટે કુખ્યાત બની ગયું છે.
 
આજથી દસ-બાર વર્ષ પહેલાં દેશનાં ૧૨ રાજ્યોનાં ૧૬૫ જેટલા જિલ્લાઓમાં લાલ આતંકની ધાક વર્તાતી હતી. એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકારનું રાજ હતું અને તેમના ગઠબંધન વામપંથીઓ સાથે હતું. પરિણામે દબાણવશ કોંગ્રેસ સરકાર નક્સલીઓ સામે કોઈ કડક પગલાં લઈ શકતી ન હતી. મુખ્ય ધારાના વામનેતા ભલે સ્વીકારે કે ન સ્વીકારે પણ એ હકીકત છે કે વામપંથી દળોના પ્રભાવને કારણે જ દેશમાં નક્સલવાદ જન્મ્યો અને વકર્યો. સરકારો દ્વારા જ્યારે પણ લાલ આતંક વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વિચાર્યું. ત્યારે ત્યારે વામપંથીઓ તેમાં આડખીલી રૂપ બન્યા. તેમણે લાલ આતંકને સુરક્ષાકવચ પૂરું પાડ્યું છે. યુપીએ સરકાર વખતે પણ એવું જ થયું. તે વખતે સરકારે નક્સલવાદીઓ વિરુદ્ધ વાયુ સેનાનો પ્રયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે વામપંથીઓએ તેનો પૂરજોશમાં વિરોધ કર્યો. પરિણામે પ્રસ્તાવ લાવી શકાયો નહીં કહેવા ખાતર તો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્રીય અને રાજ્યનાં સુરક્ષા દળોને મોકલવામાં આવ્યાં, પરંતુ સંસાધનોનો અભાવ અને કમજોર રાજનૈતિક ઇચ્છાશક્તિને કારણે ભારતના સૈનિકોના હાથ બંધાયેલા જ રહ્યા. પરિણામે નક્સલી હુમલાઓ વખતે નુકસાન ભારતીય જવાનોનું જ થયું.
 
વર્તમાન સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લીધી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહજીનો સ્પષ્ટ આદેશ હતો કે, ગેરીલાઓ સાથે ગેરીલાની જેમ જ લડો. એટલે કે નક્સલવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપો.
 

 
 
લાલ આતંક પર વિકાસનો વાર
 
અહીં એક વાત નોંધવી રહી કે નક્સલવાદના ખાત્મામાં મનરેગા યોજનાનું પણ મહત્ત્વનું યોગદાન છે. આ યોજનાને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પ્રભાવી રીતે લાગુ કરવામાં આવી તેનો લાભ સ્થાનિક લોકોને મળ્યો. લોકોને રોજગાર મળવા લાગ્યો, પરિણામે તેઓ નક્સલવાદીઓથી દૂર થવા લાગ્યા. છત્તીસગઢ સરકારે ગરીબો માટે સસ્તા અનાજની યોજના શરૂ કરી અને ઘરે-ઘરે અનાજ પહોંચાડ્યું. ગ્રેહાઉડ અને કોબરા જેવાં સુરક્ષા દળો તૈયાર કરાયાં અને રાજ્ય પોલીસને મજબૂત બનાવી. પહેલાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી પરત તેમના કેમ્પોમાં ચાલ્યા જવાનું હતું. તેથી નક્સલવાદીઓ કાર્યવાહી બાદ તેમની ખોયેલી જમીન પર પરત આવી જતા અને ફરી વિકાસકાર્યોને ખોરવી દેતા.
 
શું છે નકસલી આતંકને ધૂળ ચટાડતી ‘સમાધાન’ યોજના ?
 
સોનિયા મેડમના ઇશારે ચાલતી યુપીએ સરકારના કાર્યકાળમાં ભ્રષ્ટાચારની સાથોસાથ આતંકવાદ પણ રોકેટગતિથી ફૂલ્યોફાલ્યો હતો. જેલની સજા ભોગવી રહેલા, નકસલી આતંકના કટ્ટર સમર્થક ડૉ. વિનાયક સેન જેવા આતંકવાદ સમર્થકોને જેલમાંથી મુક્ત કરીને સન્માનનીય સ્થાન આપનારા મેડમ સોનિયાજીની યુપીએ સરકારમાં દેશના ૧૨૬ જિલ્લાઓમાં આ વામપંથી આતંક વકર્યો હતો. કોંગ્રેસ પ્રેરિત ડૉ. મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં વર્ષ ૨૦૦૯માં નકસલી હિંસાના કુલ ૨૨૫૮ જેટલા બનાવો બન્યા હતા, જે ૨૦૧૮માં ઘટીને ૧૭૮ (માર્ચ, ૨૦૧૯ સુધી) નોંધાયા હતા. મોદી સરકારે વ્યૂહાત્મક પગલાં અને દૃઢ ઇચ્છાશક્તિને કારણે આ ચમત્કાર સર્જ્યો છે. માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં મોદી સરકારે ૧૨૬ નકસલ આતંકથી પ્રભાવિત જિલ્લાઓમાંથી ૪૪ જિલ્લાઓને નકસલી આતંકથી મુક્ત કર્યા છે. આ ‘ચમત્કાર’ પાછળ ‘સમાધાન’ યોજનાનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
 
‘સમાધાન’ નામ સાંભળીને પ્રથમ દૃષ્ટિએ એવું જ લાગે કે અહીં આતંકીઓ સાથે સમાધાન કરી લેવાની વાત હશે, પરંતુ રખેને આવું ધારી લેતા... ! ‘આતંકવાદ સાથે કોઈ સમાધાન નહીં’ના સૂત્ર સાથે કાર્યરત મોદી સરકારના ‘સમાધાન’
 
Samadhan - આ પગલાને કારણે તો લાલ આતંકીઓ જ ધૂળ ચાટતા થઈ ગયા છે. તો ચાલો, જાણીએ આ Samadhan વિશે -
 
Samadhan એ શબ્દમાં વપરાયેલા પ્રત્યેક અંગ્રેજી અક્ષરનો અર્થ નીચે પ્રમાણે છે.
 
S = Smart Policy & Leadership (વ્યૂહાત્મક નીતિ અને નેતૃત્વ)
 
A = Aggresive Strategy (આક્રમક વ્યૂહરચના)
 
M = Motivation & Training (પ્રોત્સાહન અને પ્રશિક્ષણ)
 
A = Actionable Intelligence (પ્રભાવી ગુપ્તચર તંત્ર)
 
D = Dashboard for Development (તીવ્ર ગતિએ વિકાસ)
 
H = Harnessing Technology for Development and Security (વિકાસ અને સુરક્ષા માટે તંત્રજ્ઞાનનો ઉપયોગ)
 
A = Action plan to Financing (પ્રત્યેક સમસ્યા માટે સુનિયોજિત કાર્યયોજના)
 
N = No Access to Financing (ધનપ્રવાહ પર રોક)
 
આ અંગ્રેજી શબ્દોના સૂચિતાર્થો જાણીને એ સ્પષ્ટ થાય છે કે મોદી સરકારે ‘સમાધાન’ દ્વારા જ સામ્યવાદીઓના લાલ આતંકથી કેડ ભાંગી નાંખી છે.
 
શું છે RRP-1 અને RRP-2 યોજના ?
 
પછાતપણું અને વિકાસહીનતાની બૂમો પાડીને અત્યાર સુધીમાં હજારો લોકોની હત્યા કરનારા નકસલવાદીઓ તેમનાં પ્રભાવક્ષેત્રો વિકાસથી વંચિત રહે તેનું સતત ધ્યાન રાખતા હોય છે, કેમ કે જો તેમના પ્રભાવક્ષેત્રનો વિકાસ થાય તો ચર્ચ-વિદેશી સહાયથી ફૂલેલી ફાલેલી તેમની આતંકની હાટડીને તાળાં લાગી જાય. આથી જ આ સામ્યવાદી પંથી આતંકીઓ તેમના પ્રભાવક્ષેત્રમાં રોડ, રેલવે કે ઉદ્યોગોને વિકસવા દેતા નથી. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સોનિયાજીની યુપીએ સરકારને તો વિકાસ સાથે જાણે કે સ્નાન-સૂતકનોય સંબંધ ન હતો, તેથી લાલ આતંકથી પ્રભાવિત ક્ષેત્રોમાં માર્ગનિર્માણનું કાર્ય તો નહીંવત્ થયું હતું. પરંતુ મોદી સરકારની Road Requirement Plan - 1 (માર્ગનિર્માણ યોજના)ના પ્રથમ તબક્કામાં જુલાઈ ૨૦૧૭ સુધીમાં માત્ર ૪૦ માસના ગાળામાં જ ૪૪૪૭ કિમી જેટલા માર્ગોનું નિર્માણ કરીને વિક્રમ સ્થાપ્યો છે. સ્વાભાવિક રીતે જ મોદી સરકારના આ વિકાસરથને નકસલી નરપિશાચોએ અવરોધવા અથાક પ્રયત્નો કર્યા હતા, પરંતુ વિનાશની રાજનીતિ સામે વિકાસની રાજનીતિનો વિજય થયો હતો.
 
મોદી સરકારની RRP - 1 યોજનાની અદ્ભુત સફળતા પછી હવે RRPનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે.
 
RRP - 2 નામની યોજના અંતર્ગત લાલ આતંકથી પ્રભાવિત વિસ્તારોમાં ૫૪૧૨ કિમી લંબાઈના નવા માર્ગો, ૧૨૬ જેટલા નાના-મોટા પુલો તથા ૨૨૦૦ જેટલા મોબાઈલ ટાવર્સનું નિર્માણ હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે માર્ગ, પુલો અને મોબાઈલ કનેક્ટિવિટી વિના નકસલી આતંકીઓ સુધી પહોંચવામાં આપણા પરાક્રમી સુરક્ષાદળોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ આધુનિક તંત્રજ્ઞાન અને વિકાસને આધારે નકસલી આતંકની કેડ ભાંગી ગઈ છે.
 
 
ત્વરિત વિકાસનું સૂત્ર
 
Dashboard for Development ખનિજ તત્ત્વોથી ભરપૂર નકસલી આતંક પ્રભાવી ક્ષેત્રોમાં વામપંથીઓએ વિકાસને પ્રવેશવા દીધો નથી, પરંતુ હવે મોદી સરકારે ત્વરિત ગતિએ વિકાસકાર્યો હાથ ધરીને નકસલી આતંકથી પ્રભાવિત ક્ષેત્રોની કાયાપલટ કરી છે. ‘સમાધાન’ Samadhan યોજનામાં D અક્ષર Dashboard for Development - ‘ત્વરિત ગતિએ વિકાસ’ એ સૂત્ર સૂચવે છે. અત્યાર સુધી વિકાસથી વંચિત રાખવામાં આવેલા છત્તીસગઢ રાજ્યના ચાર અત્યંત પછાત જિલ્લાઓમાંથી લગભગ ૭૫૦ અનુ.જનજાતિના યુવાનોની સુરક્ષાબળોમાં ભરતી કરવામાં આવી છે. આ પગલાથી અનુ.જનજાતિ સમાજ અત્યંત પ્રસન્ન છે. ઉપરાંત આ ક્ષેત્રોમાં કેન્દ્રીય વિદ્યાલયો તથા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ પણ ખોલવામાં આવ્યાં છે, જેના કારણે અત્યંત પછાત એવા આદિવાસી પરિવારોના યુવાનો માટે રોજગારીની તકો ઊજળી બની છે. અત્યાર સુધી બેંક તથા પોસ્ટ ઓફિસ જેવી આવશ્યક બની ગયેલી સેવાઓથી વંચિત લાલ આતંક પ્રભાવિત ક્ષેત્રોમાં મોદી સરકારે પોસ્ટ ઓફિસની ૧૮૦૦ જેટલી તથા બેંકોની ૪૦૦ જેટલી નવી શાખાઓ ખોલીને આ ક્ષેત્રોના આર્થિક વિકાસને ઉત્તેજન આપ્યું છે. ગત બે વર્ષોમાં નકસલી ક્ષેત્રોમાં ૮૦૦થી પણ વધુ એટીએમ ખોલવામાં આવ્યાં છે. આવી અનેક સુવિધાઓ મળવાને કારણે નકસલી આતંકથી પ્રભાવિત ક્ષેત્રોના લોકોએ વામપંથી આતંકને જાકારો આપ્યો છે. માર્ગ, મોબાઈલ અને વીજળીની સુવિધાની સાથોસાથ વિદ્યાદેવી તથા સરસ્વતી દેવીનાં પાવન પગલાં નકસલી વિસ્તારોમાં પડતાંવેંત આસુરી તત્ત્વો ધૂળ ચાટતાં થઈ ગયાં છે.
 

 
દેશભરમાં નક્સલવાદ અંતિમશ્ર્વાસ લઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં નક્સલવાદ ભડકાવવા પ્રયાસ
 
‘ભારત સરકાર સંગઠન’ નામનું નકસલવાદી સંગઠન ગુજરાતમાં ઊભું થયું છે, જે લોકોને ભડકાવવાનું કામ કરે છે અને સાથે નાણાં મેળવવા માટે ગાઢ જંગલના કીમતી સાગનાં વૃક્ષોનું જંગલ સાફ કરી રહ્યાં છે. વિરપ્પન ચંદનનાં વૃક્ષો કાપતો હતો. આ નક્સલવાદી સંગઠન કિંમતી સાગનાં વૃક્ષો કાપીને લઈ જાય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ વન બનાસકાંઠા વન વિભાગ દ્વારા એક ફરિયાદ ૩ મેના રોજ કરવામાં આવી હતી કે ૮થી ૧૦ મે સુધીમાં આ ભારત સરકાર સંગઠનની એક બેઠક અમીરગઢના અજાપુર મોટા ખાતે મળવાની હતી. આદિવાસીઓને ભડકાવીને તેમને પોતાના સંગઠનમાં બેકાર યુવાનો અને મહિલાઓને ભાવનાત્મક રીતે જોડવામાં આવે છે. પછી તેઓ સ્થાનિક ટોળકી બનાવીને જંગલોની સંપત્તિની લૂંટ ચલાવે છે. સૌથી વધારે સક્રિય હોય એવો વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દાંતા, અંબાજી, અમીરગઢ છે. ભારત સરકાર સંગઠન બનાવીને તે જંગલ અને જમીન પર દબાણ કરે છે. જેમાંથી ગેરકાયદે વૃક્ષોને કાપી કાઢે છે, ૨૦૧૫-૧૬ દરમિયાન ૨૪ મે ૨૦૧૫ના રોજ સામૂહિક રીતે પાલનપુર રેન્જના ચિત્રાસણી જંગલો તથા અમીરગઢ રેન્જનાં જંગલોમાં ૪૦૦થી ૫૦૦ માણસોએ આવું કૃત્ય કર્યું હતું. આ સંગઠન ગુજરાતને જોડતા રાજસ્થાનમાં પણ સક્રિય છે. જયારે ગુજરાત પોલીસ કે વન વિભાગના અધિકારીઓ તેમને પકડવા જાય ત્યારે તેઓ રાજસ્થાનનાં જંગલોમાં જતા રહે છે અને જ્યારે રાજસ્થાનમાં તેમના પર ધોંસ વધે ત્યારે તે ગુજરાતના જંગલોમાં આવી જાય છે. વન વિભાગના અધિકારીએ પોલીસને જાણ કરી છે કે, અંબાજી વિસ્તારમાં નંબર વગરની બાઈક પર મોટાભાગે ૩ સવારીમાં મુસાફરી કરે છે. જો રામપુરા વડલા તથા ઝાંઝવા, ઇકબાલગઢ ખાતે એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ દ્વારા વાહનની તપાસ થાય તો ત્યાં જ વાહનો જપ્ત કરી શકાય તેમ છે. આસ આર પીની એક ટુકડી આવી બેઠકો મળે ત્યારે મોકલવાની પણ વન વિભાગે માંગણી કરી છે. આદિવાસી લોકો તેમાં જોડાઈ રહ્યા છે તેથી તેની વિગતો અને ઠામઠેકાણાં કોઈ કહેતું નથી તેથી છૂપી ગતિવિધિ શોધી કાઢવા માટે એલઆઈબી તેમજ રેન્જ ફોરેસ્ટ ઑફિસરની એક ટુકડી સાથે મળીને ઓપરેશન હાથ ધરે તે અત્યંત જ‚રી છે. ૮થી ૧૦ મેના રોજની બેઠક માટે આ પ્રકારની માંગણી કરવામાં આવી છે. બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક આઈ કે બારડ દ્વારા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સૂત્રો કહી રહ્યા છે.