વિચાર વૈભવ : સાયબર શેરીની ટેરવા ટેક્નીક કરતાં સવાયું લાગે છે આ... રોબોટયુગનું પરોઢ

    ૧૯-મે-૨૦૧૮



 
ટેક્નોલોજી આપણા જીવનને નવેસરથી ઘડી રહી છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરે જીવનનો નકશો અને નશો બદલી નાંખ્યો છે.

શિક્ષણના બદલાતા ચહેરા સામે મારા જેવા લાલબત્તી લઈને બોલ્યા કરતા રહ્યા છે કે, ‘સ્માર્ટ બનવાની ઉતાવળમાં સારા બનવાનું ભુલાઈ ના જાય.’ તો તરફ સ્માર્ટ-ફોન થકી સારા કમ્યુનિકેશનની એક નવી ભૂખ પણ ઊઘડતી દેખાય છે. ત્રણ બનાવોએ મને પકડી રાખ્યો છે, અમેરિકામાં ફરતી ગૂગલની ડ્રાઈવર વગરની કાર, (નિસ્સાને પણ આવી ડ્રાયવર વિનાની કારનું દોડવું શક્ય બનાવ્યું છે.) બીજી તરફ સમાચાર મળે છે તે મુજબ રોલ્સ-રોયલ્સે માણસ વગરનું મોટું વહાણ તરતું મૂક્યું છે. તો એમેઝોને વસ્તુઓના વિતરણ માટે ડ્રોન જેવા સાધનનો ઉપયોગ ચાલુ કર્યો છે. આપણને ખબર ના પડે તેવી રીતે દુનિયા બદલાઈ રહી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મેં artificial intelligence વિશે વાંચ્યું હતું ત્યારે એક રોમાંચ થતો હતો, પછી કમ્યુનિકેશનની જી કહેતાં જનરેશન એટલે કે પેઢીઓ આવવા માંડી. ૪જી અને ૫જી વચ્ચે આપણી મનુષ્યતા ઊભી છે ત્યારે એક પુસ્તકે મને મઝા કરાવી. Francis Carincross લિખિત પુસ્તક Death of distance, How communication revolution changing our lives.. એક પડાવ જેવું લાગ્યું. એક ક્રાંતિના સાથિયા દેખાયા. જો કે વાત તો પૂર્ણ ક્રાંતિનાં લક્ષણોની હતી. પહેલી ક્રાન્તિમાં તો કમ્પ્યુટર આવ્યાં અને ઇન્ટરનેટે આખી જીવનશૈલી પર ઊંડો પ્રભાવ પાડ્યો. વસ્તી વધવાને કારણે આપણે ટ્રાફિક અને બીજી અનેક નવી સમસ્યાઓ નડવા લાગી ત્યારે ઇન્ટરનેટે ઝડપ વધારી, પરોક્ષ લાગતી દુનિયાને પ્રત્યક્ષાભાસની એક માયાવી રચના કરી આપી. પરિણામે કાર્યસંસ્કૃતિએ કરવટ બદલી, વોટ્સએપ કે ફેસબૂક જેવી સાયબરશેરીઓમાં એકવીસમી સદીના નુક્કડ-નુસખા ફળ્યા-ફાલ્યા. અહીં પેલી કૃત્રિમ-બુદ્ધિએ ખાસ્સું અજવાળું કરી આપ્યું.


 
 

ડેટા-સમુદ્રો સર્જાયા. નવી છાલકો અને મોજાંમાંથી વીણવાનું વીણી શકાય તેવી ટેરવા ટેક્નીકની ચમત્કારભીની હાજરી વધી. બધાં ક્ષેત્રો ભીંજાયાં. આકાશથી શ્ર્વાસ સુધીના હલનચલનમાં મનુષ્યની મદદે આવેલા નૂતન પ્રભાવે બધું બદલી નાખ્યું. પાનખર પછી ઝાડમાં જેવી નવીનતા આવે તેના કરતાં તદ્દન જુદી નવીનતા આવી. મૂળ ભાવો અને પ્રવૃત્તિ જળવાઈ રહ્યાં. જાણે નવો જન્મ મળ્યો. થોડા પૂર્વજન્મની યાદ સાથે યંત્રવિજ્ઞાન મનુષ્યની મદદમાં આવ્યું. અંતર (distance) ઘટ્યું અને અંતર (heart) પણ ઘટ્યું. છીછરા બનેલા ભાવજગતને તદ્દન ટેક્નોલોજી સાથે જોડી દેશું તો ઉતાવળ થશે. વાસ્તવમાં એક નવી સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. પરિણામે એક પ્રકારના યુગાંતર-અવસ્થાની અવઢવ છે. નવા મૂલ્ય-પ્રસ્થાપન કે તેનું સામાજિક દૃઢીકરણ થવામાં છે અથવા કો શૂન્યાવકાશ જેવું ભાસતું મનોવલણનું એવું વાદળ વીંટળાઈ વળ્યું છે, જેનું નામ પાડવાનું બાકી છે.

આવા યુગસંધ્યાટાણે આપણને એક નવું પુસ્તક મળે છે. Brynjolfsson અને McAfee નામના બે લેખકોએ પુસ્તક લખ્યું છે. The Second Machine Age મુખ્ય દલીલ બીજી ક્રાત્નિની છે. પહેલાં મશીન આવ્યાં હતાં. તે આપણા મદદગાર હતાં. મદદનાં ઉપકરણ હતાં. હવે મશીનનો પણ નૂતન જન્મ છે. ઉત્ક્રાંતિનો ભાર કે હળવાશ પામીને યંત્રવિજ્ઞાન આપણી સામે આપણા વિકલ્પ તરીકે આવી રહ્યાં છે. સ્થિતિ જેટલી રોમાંચક છે એટલી ભયાવહ થઈ શકે તેવી શક્યતાઓ સાથે વિકસી રહી છે. સૌથી પહેલી સમસ્યા તો રોજગારીની છે. બ્લ્યુ-કૉલરની રોજગારીની સમસ્યા લાગતી હતી તે હવે એટલા માટે ગંભીર થવાની છે. હવે લાગણીઓ અભિવ્યક્ત કરી શકે તેવા રોબોટસ આવી રહ્યા છે. મનુષ્યની ભાષાને સમજી શકે તેવા અને ચોક્કસ સંજોગોમાં હસી શકે કે સહાનુભૂતિ બતાવી શકે તેવા રોબોટને સાયન્સ ફિક્સનના યંત્રમાનવ જેવા ‚પરંગ અપાઈ રહ્યા છે. બધામાં દોડી રહેલી બુદ્ધિ પ્રજ્ઞા બની શકે કે ઉપ-ચૈતન્ય જેવી કોઈ સૂક્ષ્મ ઓળખાણ પામી શકશે તે જોવા આતુર રહેવા જેવું છે. RAPT (robots are people too) જેવા અનેક પ્રયોગોએ પહેલી વાર આખી માનવજાતને નવી ઓળખ કટોકટીની ઓળખ કરાવી છે. કદાચ લેખનું ભાષાંતર પણ અમેરિકન કે જાપાનીઝ રોબોટભાઈએ વાંચી લીધું હશે. પરોઢ થયું છે હમણાં રોબોટ નરસિંહ ગાઈ ઊઠશે ?

ભાગ્યેશ જહા