જેરુસલેમની ધરતી ૩૦૦૦ વર્ષથી રક્તરંજિત થતી રહી છે

    ૨૬-મે-૨૦૧૮

 

 
 
સેક્યુલર દુનિયા જે જેરુસલેમને વિવાદાસ્પદ સ્થળ ગણાવ્યા કરે છે ત્યાં અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે દૂતાવાસ શરૂ કર્યું અને મુદ્દા પર ત્યાં ફરી હિંસા થઈ.

૨૦૧૮ની ૧૪મી મે ને સોમવારે, વિશ્ર્વના કેટલાક સૌથી લાંબા સમયથી ચાલી રહેલા માનવીય સંઘર્ષ પૈકી એક એવા ઈઝરાયેલ-આરબ યુદ્ધને ૭૦ વર્ષ પૂરા થઈ રહ્યા હતા સમયે અનેક યુદ્ધ અને હિંસાનો કલંકિત ઈતિહાસ પોતાની માટીમાં સમાવીને બેઠેલું જેરુસલેમ શહેર પોતાનામાં વધુ એક ઐતિહાસિક પ્રકરણનો ઉમેરો કરી રહ્યું હતું. આમ તો પ્રકરણ એક સામાન્ય રાજદ્વારી પગલું હતું, પરંતુ ઈઝરાયેલ અને જેરુસલેમના ઈતિહાસને જોતાં સામાન્ય પગલાને પણ વિવાદનું વિશેષણ લાગી ગયું અને શહેરની પરંપરા મુજબ ત્યાં લોહી પણ રેડાયું.

પ્રસંગ હતો અમેરિકી દૂતાવાસના ઉદ્ઘાટનનો. આમ તો પ્રસંગ સામાન્ય કહેવાય. દુનિયામાં બીજે ગમે ત્યાં આવા કોઈ દૂતાવાસનું ઉદ્ઘાટન થયું હોત તો જે બે દેશ સંકળાયેલા હોય તેના સિવાય કોઈને ખબર પણ પડે. પરંતુ અહીં સ્થિતિ જૂદી હતી. અહીં શહેર હતું જેરુસલેમ અને દેશો હતા અમેરિકા તથા ઈઝરાયેલ. જેરુસલેમ ઈઝરાયેલની રાજધાની છે ખરી, પરંતુ છેલ્લા ૨૦૦૦ વર્ષથી એટલે કે ખ્રિસ્તી ધર્મના ઉદય પછી શહેર માટે યહુદી અને ખ્રિસ્તીઓ વચ્ચે વિવાદ અને સંઘર્ષ થતો રહ્યો છે. અને ૧૫૦૦ વર્ષથી એટલે કે ઈસ્લામના ઉદય પછી યહુદી ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે જેરુસલેમ માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. દુનિયા સેક્યુલારિઝમનો દંડો બતાવીને સુંદર શહેરને ઈઝરાયેલની રાજધાની તરીકે સ્વીકારવા તૈયાર નથી. કારણે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ ધરાવતા દુનિયાના કોઈ દેશ જેરુસલેમમાં પોતાનાં દૂતાવાસ બનાવતા નથી. હાલ માત્ર બે દેશનાં દૂતાવાસ જેરુસલેમમાં છે એક અમેરિકા અને બીજું ગ્વાટેમાલા. અમેરિકામાં પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી નિર્ણય લેવાયો પણ સૂચક છે. પણ મૂળ વાત છે કે અમેરિકી દૂતાવાસના ઉદ્ઘાટન સમયે પેલેસ્ટીનના નાગરિકોએ તેમની પરંપરા મુજબ હિંસક વિરોધ કર્યો અને ઈઝરાયેલે પણ તેની પરંપરા મુજબ ગોળીબાર કર્યા. અથડામણમાં પહેલા દિવસે ૫૯ અને બીજા દિવસે બે એમ કુલ ૬૧ પેલેસ્ટીની માર્યા ગયા અને બીજા ઓછામાં ઓછા ૨૪૦૦ ઘવાયા.

ખેર, તો મૂળ વાત જેરુસલેમ અને અમેરિકી દૂતાવાસની છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી કેટલાક મુદ્દે તેમનું વલણ આક્રમક રહ્યું છે અને તેથી દુનિયાની સેક્યુલર પ્રજાતિ તેમનાથી ભારે નારાજ છે. ટ્રમ્પ અમેરિકાની ઈમિગ્રેશન નીતિમાં ફેરફાર કરવા માગે છે. આતંકવાદ પ્રત્યે ટ્રમ્પનું વલણ સંપૂર્ણ સ્પષ્ટ અને મક્કમ છે અને કારણે તેમણે પાકિસ્તાનને પણ ભીંસમાં લીધું છે. અને ક્રમમાં ઈસ્લામિક દેશોને માપમાં રાખવા માગતા ટ્રમ્પ ઈઝરાયેલને ભરપૂર સમર્થન આપી રહ્યા છે. આમ તો ઈઝરાયેલને ૧૯૪૮માં તેની રચનાથી અમેરિકાનું સમર્થન છે, પરંતુ જેરુસલેમને વિવાદાસ્પદ સ્થાન ગણીને અત્યાર સુધીના કોઈ અમેરિકી પ્રમુખે અમેરિકી દૂતાવાસ જેરુસલેમમાં શરૂ કરવાની તૈયારી દર્શાવી નહોતી. ઈઝરાયેલ જેરુસલેમને પોતાની રાજધાની માને છે, પરંતુ જ્યાં સુધી દુનિયાના દેશો વાત સ્વીકારીને પોતાનાં દૂતાવાસ ત્યાં શરૂ કરે ત્યાં સુધી ઈઝરાયેલ એક પ્રકારનું વાંઝિયાપણું અનુભવતું હતું. લાગણી ડોનાલ્ડ ટ્રમ્પે દૂર કરી.

સાચી વાત છે કે, ઈઝરાયેલે ખ્રિસ્તીઓના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે તેમજ મુસ્લિમોના પણ સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે જેરુસલેમને માન્યતા આપેલી છે અને દુનિયાભરના ખ્રિસ્તીઓ તેમજ મુસ્લિમો રોજેરોજ જેરુસલેમની યાત્રાએ આવે છે. જેમ હિન્દુઓ માટે કાશીનું મહત્ત્વ છે તેમ યહુદીઓ માટે જેરુસલેમનું મહત્ત્વ છે. આમ દુનિયાના ત્રણે મુખ્ય ધર્મ યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ માટે જેરુસલેમનું એકસરખું મહત્ત્વ છે. પરંતુ અગાઉ કહ્યું તેમ યહુદી ધર્મ ઓછામાં ઓછા ૩૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવે છે (અને તાજેતરના એક સંશોધનના દાવા પ્રમાણે તો યહુદી ધર્મ ૭૦૦૦ વર્ષ જૂનો છે, પણ દાવાને નક્કર અનુમોદન મળવાનું બાકી છે). તો હવે સવાલ ઊઠે કે આટલા પૌરાણિક ધર્મના લોકોની આસ્થાનું મુખ્ય શહેર જેરુસલેમ વિવાદાસ્પદ સ્થળની કક્ષામાં કેવી રીતે ગણાય? પરંતુ હવે લાગે છે કે જેરુસલેમ ઉપર લાગેલી વિવાદાસ્પદ સ્થળની ટેગ દૂર થઈ જશે. ટ્રમ્પ સરકારે હિંમત કરીને દૂતાવાસ શરૂ કર્યું છે તો શક્ય છે કે થોડા મહિનામાં બ્રિટન, દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના કેટલાક સાથી દેશો પણ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપે.

તેમ છતાં મુદ્દે હાલ વિવાદ અને કચવાટ ચાલી રહ્યો છે. બળુકું ઈઝરાયેલ તેની આસપાસના આરબ દેશોને પસંદ નથી આખી દુનિયા જાણે છે. કારણે તુર્કીએ પોતાના દેશમાંથી તાબડતોબ ઈઝરાયેલના રાજદૂતને હાંકી કાઢ્યા છે. તો બીજી તરફ દુનિયામાં એક તરફી માનવઅધિકારનો ઠેકો ધરાવતા જીનિવાએ અમેરિકી દૂતાવાસનો વિરોધ કરી રહેલા હિંસક દેખાવકારોનાં મૃત્યુની તપાસ માટે તપાસ પંચ પણ રવાના કરી દીધું છે. જોર્ડન, જે જેરુસલેમના અમુક હિસ્સા ઉપર કબજો ધરાવે છે તેણે પણ અમેરિકી દૂતાવાસના મુદ્દે યુએનમાં વાંધા-વિરોધ નોંધાવી દીધા છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઈઝરાયેલ ઘણો બળુકો દેશ છે. માત્ર ૬૫ લાખની વસ્તી ધરાવતા દેશમાં દરેક નાગરિક રાષ્ટ્રવાદી છે અને તેથી આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત હોય કે આરબ દેશો સાથેના ઝઘડાનો મુદ્દો હોય, તમામ ૬૫ લાખ ઈઝરાયેલીઓનો ત્યાંની સરકારને ટેકો હોય છે. યહુદી ખૂબ લડાયક પ્રજા છે અને કારણે તેના અસ્તિત્વના ૭૦ વર્ષમાં આજે દેશની ગણતરી વિકસિત દેશોમાં થાય છે. દેશ આખી દુનિયાને કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે દિશા બતાવી શકે છે. ભારત અને હિન્દુઓનો ઈતિહાસ યહુદીઓ અને ઈઝરાયેલ કરતાં વધારે જૂનો છે. હિન્દુઓએ પણ પાછલાં ૧૦૦૦-૧૨૦૦ વર્ષથી વિદેશી હુમલા સહન કર્યા છે. ભારત પણ ૭૦ વર્ષથી સ્વતંત્ર થયો છે. પણ યહુદીઓ અને હિન્દુઓ વચ્ચે મૂળભૂત તફાવત છે કે લોકો રાષ્ટ્રવાદને ગૌરવ માને છે અને આપણે ત્યાં રાષ્ટ્રવાદની ટીકા થાય છે. અમેરિકાએ જેરુસલેમમાં દૂતાવાસ શરૂ કર્યું ત્યારે તેના સમારંભમાં ઈઝરાયેલાના પ્રમુખ અને વડાપ્રધાન તો હાજર હતા , પરંતુ વિરોધપક્ષોના તમામ ટોચના નેતાઓ પણ ગૌરવભેર હાજર હતા. આપણે ત્યાં તફાવત એટલો છે કે આપણા વિરોધપક્ષના નેતાઓ પાકિસ્તાન જઈને ભારતની રાષ્ટ્રવાદી સરકારને કેવી રીતે હરાવવી તેની ચર્ચા કરે છે !

અલકેશ પટેલ