સ્ટ્રીટલાઈટની ચોકી કરતા અંધકાર સાથે વાત માંડવા જેવી હોય છે.

    ૨૯-મે-૨૦૧૮   

 
સ્ટ્રીટલાઈટની મૂંઝવણ સમજવા જેવી છે. સાંજ પડે એટલે માળી પાણી છાંટતો હોય તેમ અજવાળું છાંટવાનું. મદનમોહન માલવિયા કે ઢબુબહેન એવો ભેદ નહીં કરવાનો, અનાસક્ત, નિરપેક્ષ અને અચેતન... તેમ છતાં અજવાળાની એજન્સી, ઊંચાઈનું અભિમાન, મોટી ઉંમરના પડોશી લીમડા સાથે અબોલા, નિરક્ષર આંખો. મનુષ્યની જેમ નહીં, અહીં તો નાડ જોડે તો જ જીવતા થવાય. થાંભલાના હાડકામાં ચિક્કાર ભરેલી જડતા... હું સ્ટ્રીટલાઈટની સળગતી ભાષા વાંચવા બેઠો છું. અમાસનું અંધારું દૂર બુકાની બાંધી ઊભું છે. હજી નગરને અર્ધબેભાન બનવાની થોડી વાર છે.
 
આપણા મનમાં કોણ જાણે કેમ પણ અંધકાર વિશે જબરો પૂર્વગ્રહ બાંધી દેવામાં આવ્યો છે, એ આસુરી સંપત્તિનો પ્રતિનિધિ છે. ઈશ્ર્વર આગળ દીપ પ્રગટાવીને આપણે અંધકારને ભગાડી દઈએ છીએ. વિ.... વિ... દીવાથી ભાગી જતો અંધકાર કદાચ તમારું અજ્ઞાન કે અહંકાર હોઈ શકે પણ શુદ્ધ અંધકારને પામવા જેવો છે. મને ભગવતીકુમાર શર્માની વિખ્યાત નવલકથા ‘અસૂર્યલોક’ના નાયક ચંદ્રકાંતનો એ પ્રશ્ર્નનો રણકો બહુ ગમે છે. ચંદ્રકાંત પૂછે છે, ‘ક્યાં છે વિશુદ્ધ અંધકાર ?’ આ વિશુદ્ધ અંધકાર શું છે ? આમ જુઓ તો પૃથ્વી પર અંધકાર જ સત્ય છે, પ્રકાશ તો બીજા ગ્રહ કે બીજા સૂર્યથી વિકિરીત થયો છે. બીજમાંથી અંકુરનું ફૂટવું પણ અંધકારે થતો ચમત્કાર છે, તો ગર્ભમાં જન્મ પહેલાંની ક્ષણોમાં જીવ આ અંધકારમાં જ તરતો હોય છે. આંખ બંધ કરીને ધ્યાન ધરીએ ત્યારે પ્રાથમિક અવસ્થામાં તો અંધકાર જ ફેલાયેલો હોય છે. અંધકારની ગહન ગુફાના એક છેડેથી જ કોઈ પ્રકાશની ટશર ફૂટે છે.
 
શહેરમાં અંધકાર કાણો હોય છે. એમાં અંધકારના ક્યાંક ક્યાંક લિસોટા હોય છે. સ્ટ્રીટલાઈટની ચોકી કરતા અંધકાર સાથે વાત માંડવા જેવી હોય છે. ગાડી નીચે ઊંઘી ગયેલો અંધકાર કોઈ કૂતરા માટે હાલરડું ગાતો હોય છે, ચાર રસ્તે બાંકડે બેઠેલો અંધકાર ટ્રાફિકથી ચગદાઈ ગયેલા ડામરના કાળા રંગ સાથે ગુફતેગૂ માંડીને બેઠો હોય ત્યારે આવતી કોઈ ટ્રકનો પ્રકાશ રાતની ફરજ બજાવતા પોલીસની ટોર્ચના પ્રકાશ જેટલો બોલકો હોય છે. રાત્રે પોલીસ સ્ટેશનની બધી ચાલુ લાઈટો બહાર ઊભેલા અંધારાના કંપનમાં સત્ય-અસત્યની પાતળી પણ યુગજૂની આંધીની ઝાંખી કરાવતી ધૂળ ઊડે છે, તો રેલવે સ્ટેશનની ‘ચા’ની દુકાનમાં કપમાંથી નીકળતી વરાળની એક ટિપિકલ ખાસ વાસ કો’ક દિવસ જાગતા પ્રવાસીઓને હિંમત આપે છે, પણ ટેક્સીની સૂઝેલી આંખોમાં તો ગરીબી સામેના યુદ્ધનો લલકાર કરતા એના ડ્રાઈવરની આંખ નીચેના અંધકારનું ગીત હોય છે.
 
ગામડાનાં અંધકારે જુદા જ ઓશીકે ઊંઘવાનું હોય છે. રાતે ગામમાં આવીએ ત્યારે રસ્તાના પરના ખાડા પે’લા જાગતા ડોસાની ખાંસી જેવા લાગે. માઢના દરવાજા બંધ હોય પણ એને બંધ કરવા આવેલી મોટા ઘરની વહુના હાથનો સ્પર્શ જાગતો રહે આખી રાત... ભેંસોની ગમાણમાં જાગતું અંધારું દબાઈને પડ્યું હોય ત્યારે કો’ક ભૂરી ભેંસના પૂંછડાનો બબડાટ ઊંઘી ગયેલી પાડીના કાનમાં અંધારાના ટીપાં નાંખતો હોય છે. છામ, ગાડાનું આડુ અને પૂળાઓની આંગળીઓના ચચળાટથી દમાણમાં રગદોળાતું અંધારું મળસ્કે પટલાણીના કોગળામાં ઠલવાય.
 
પરોઢના અંધારાનો ચોટલો બાંધતા પાર્વતી મહાદેવને જગાડે ત્યારે એક યુવાન મંદિરના ઓટલે એની કુંવારી ઇચ્છાની થેલી લઈને ઊભો હોય છે. પૂજારી ઘંટ વગાડી અંધારાને ભગાડવાના આદેશ આપે ત્યારે નંદીની અને કાચબાની પીઠેથી પીઠાધીશ્ર્વરની અદાથી કવિનો શબ્દ બોલતો હોય છે, તે જ તો અંધારાનું સ્તોત્ર હોય છે.