કલ્પવૃક્ષ વડ તથા શ્રી પુરુષોત્તમની મૂર્તિનો મહિમા

    ૨૯-મે-૨૦૧૮

 

 
 
અધિક જેઠ પુરુષોત્તમ માસ નિમિત્તે - અધિક જેઠ પુરુષોત્તમ માસ ધર્મકથા -

ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી બલરામ તથા બહેન સુભદ્રાની કાષ્ઠની મૂર્તિઓનું પ્રાગટ્ય - નિર્માણ - સ્થાપના

ભારતીય સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનમાં સૃષ્ટિના પ્રારંભથી વર્તમાન સુધીના સમય-કાળને ચાર યુગોમાં વર્ણવ્યો છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ. હાલ કલયુગ છે. કલયુગના અગાઉના ત્રણ યુગોમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન વિષ્ણુ તથા શ્રી લક્ષ્મીજીના સંવાદમાંથી પ્રગટેલ અનેક પૌરાણિક ધર્મકથાઓ વેદ, ઉપનિષદ, પુરાણો, ભાગવત્, ભગવદ્ગીતા, કાવ્યો, વાર્તાઓ, આખ્યાનો, ગીતો તથા લોકસાહિત્યમાં જાણવા મળે છે.

હાલ અધિક જેઠ પુરુષોત્ત માસ પ્રવર્તે છે. માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના-ઉપાસનાનું મહત્ત્વ છે. ઉપાસના માટે આપણા પુરાણોમાં વ્રતોનો ઉલ્લેખ છે. બ્રહ્મપુરાણ અને પદ્મપુરાણમાંકમલા-એકાદશીના વ્રતનો ઉલ્લેખ છે. ખૂબ સરળ અને ભાવુક પૂજામાં શ્રી પુરુષોત્તમ તથા તેમના પંચતીર્થોની આરાધના માટે કાંઠાગોર પૂજન પણ લોકભોગ્ય છે. પંચતીર્થોમાં પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ર્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્ર્વર તથા મધ્યમાં ગોવર્ધન પર્વતની પરિક્રમાનો ઉલ્લેખ છે. અધિક માસમાં તીર્થોનું ભ્રમણ પણ અનેકગણું પુણ્ય તથા સુખશાંતિ અર્પે છે.

કલ્પવૃક્ષ તીર્થવડ તથા શ્રી પુરુષોત્તમની મૂર્તિનો મહિમા

અધિક જેઠ પુરુષોત્તમ માસમાં કલ્પવૃક્ષ તીર્થવડ તથા તેની સમીપ પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં બિરાજમાન તેમની મૂર્તિની ધર્મકથા ભગવાન વિષ્ણુ-પુરુષોત્તમની આરાધના-ભક્તિ છે. ભગવાન વિષ્ણુએ શ્રી લક્ષ્મીજીને સ્વમુખે સંભળાવેલ ધર્મકથાનો ઉલ્લેખ નારદ મહાપુરાણમાં છે.

સર્વ આશ્ર્ચર્યોથી યુક્ત સુમેરુ પર્વતના સોનાના શિખર ઉપર જગતના નાથ અને જગતના સૃષ્ટા અવિનાશી વિષ્ણુ ભગવાન એકવાર બિરાજ્યા હતા. ત્યારે પ્રણામ કરી લક્ષ્મીજીએ પૂછ્યું : હે સર્વે લોકના ઈશ્ર્વર ! મનુષ્ય લોકમાં સંસારના સર્વે સુખ-દુખોથી પર રહી નિજાનંદને પ્રાપ્ત કરવાનો તથા મોક્ષપ્રાપ્તિનો સરળ ઉપાય કયો છે ?

શ્રી ભગવાન બોલ્યા : હે દેવી ! પૃથ્વી પર પુરુષોત્તમ નામનું જે વિખ્યાત તીર્થ છે તેના જેવું ત્રણે લોકમાં બીજું તીર્થ નથી. તીર્થમાં આવેલ કલ્પવૃક્ષ તીર્થ-વડ મનુષ્યો, દૈત્યો દાનવો તથા મરીચિ આદિ મુનિવરોએ પણ જાણ્યો નથી. તેની પરિક્રમા કરવાથી સંસારનાં બંધનોમાંથી મુક્તિ મળે છે. સતી સાવિત્રીએ વડસાવિત્રીનું વ્રત કરવાથી ઇચ્છિત ફળ મેળવ્યું હતું. દક્ષિણ સમુદ્રના તીરે રહેલ વડ પ્રલયકાળે પણ નાશ પામ્યો નથી. કાળ પણ તેને સ્પર્શી શક્યો નથી. અવિનાશીનું ધ્યાનમાત્ર પણ મનુષ્યને બ્રહ્મહત્યા સહિતનાં અનેક પાપોમાંથી મુક્તિ અપાવી સન્માર્ગે વાળે છે.

અધિક માસમાં વડનું પૂજન અધિક ફળ આપે છે. વડ વનસ્પતિસૃષ્ટિમાં સાક્ષાત્ પુરુષોત્તમના નિવાસનું પ્રતીક છે. અહીં વનસ્પતિસૃષ્ટિના જતનનો ઉપદેશ - આરાધના - પૂજા છે. ભગવાન વિષ્ણુએ સ્વમુખે તેનું વર્ણન કર્યું છે. કલ્પવૃક્ષ વડની ત્રણ પ્રદક્ષિણા કરીને પછી ભક્તિભાવથી વેળાએ મંત્રના જાપથી સંસારમાંથી મુક્તિનો આનંદ મળે છે.

નમો વ્યક્ત‚પાય મહતે નતપાલિને

મહોપકોપવિષ્ટાય ન્યગ્રોધામ નમોસ્તુતે

અવસસ્ત્વં સદા કલ્પે હરેશ્ર્વાયતને વરે

ન્યગ્રોધ હર મે પાપ કલ્પવૃક્ષ નમોસ્તુતે

આમ ! ભગવાન પુરુષોત્તમે કલ્પવૃક્ષનો મહિમા કહ્યા પછી, વડની સમીપ પોતાની મૂર્તિની કથા સંભળાવી.

હે પ્રિયે લક્ષ્મીજી ! હવે હું તમને મારી મૂર્તિની સ્થાપના સંભળાવું છું. દક્ષિણ સમુદ્રના તટે આવેલ કલ્પવૃક્ષ વડની સમીપે મારો નિવાસ છે, જેનાં દર્શન માત્રથી વૈકુંઠધામ મળે છે. ઇન્દ્રનીલમણિમય ઉજ્જ્વળ પ્રતિમા-મૂર્તિના દર્શનમાત્રથી મનુષ્ય મારાશ્ર્વેતભુવનનામના ધામમાં જાય છે. એકવાર ધર્મરાજાએ દેવમંદિર અને કલ્પવૃક્ષ વડનાં દર્શન કર્યાં હતાં. તેઓ પણ ત્યાં થંભી ગયા હતા. તેઓ પણ તેમના ધર્મકાર્યથી વિચલિત થયા હતા. ધર્મરાજાએ નિહાળ્યું કે તીર્થનાં દર્શન કરવાથી સર્વે મોક્ષને પ્રાપ્ત કરે છે. બધા વૈકુંઠધામમાં જવા લાગ્યા. તેથી ધર્મરાજના - યમરાજનાં દ્વાર સૂનાં પડી ગયાં. બંધ થવા લાગ્યાં હતાં.

પ્રાત:કાળે અધિક જેઠ પુરુષોત્તમ માસમાં વડની પૂજા - પ્રદક્ષિણા તથા પુરુષોત્તમ - વિષ્ણુનાં દર્શનનું મહત્ત્વ છે. મહિનાની બારસ તિથિએ ઉપવાસ કરી માત્ર એક વાર શ્રી પુરુષોત્તમનાં દર્શન કરવાથી અધિક ફળ મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી બલરામ તથા સુભદ્રાની કાષ્ઠની મૂર્તિઓનું પ્રાગટ્ય-નિર્માણ-સ્થાપના

પૂર્વે સત્યયુગમાં ઇન્દ્રના જેવા પરાક્રમવાળો શ્રીમાનઇન્દ્રદ્યુમ્ન નામે પ્રસિદ્ધ થયેલો એક રાજા હતો. તે સત્યવાદી, પવિત્ર, ચતુર, સર્વશસ્ત્રધારાઓમાં તથા સર્વ શાસ્ત્રો જાણનારાઓમાં શ્રેષ્ઠ, ‚પવાન બધા વેદોમાં પારંગત અને પરમ વિષ્ણુભક્ત હતો. સર્વે ગુણોની ખાણ સમાન રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. રાજાને એક વેળા શ્રી વિષ્ણુ - પુરુષોત્તમની આરાધના પ્રત્યે સારી રીતે બુદ્ધિ ઉત્પન્ન થઈ કેદેવોના દેવ જનાર્દનનું આરાધન હું કયા પ્રકારે કરીશ ? કયા ક્ષેત્રમાં તથા તીર્થમાં કઈ નદીને કિનારે તથા આશ્રમમાં હું વિષ્ણુનું આરાધન કરું ? આમ વિચારતાં રાજાએ પૃથ્વીનું અવલોકન કર્યું. પરમ વિખ્યાત અને મુક્તિને આપનાર પુરુષોત્તમ ક્ષેત્રનો મહિમા તેણે જાણ્યો. જ્યાં કલ્પવૃક્ષ વડ તથા શ્રી પુરુષોત્તમની ઇન્દ્રનીલમણિમય ઉજ્જ્વળ - પ્રતિમા-મૂર્તિ સ્થાપિત હતી તેવું પુરુષોત્તમ મંદિર હતું. ત્યાં પોતાના સમુદ્ધ સૈન્ય તથા વાહનોની સાથે તે રાજા ઇન્દ્રદ્યુમ્ન તીર્થયાત્રાએ પહોંચ્યો. ત્યાં તેણે ઇન્દ્રદ્યુમ્ન સરોવરનું નિર્માણ કર્યું. તેણે ઇન્દ્રદ્યુમ્ન સ્તુતિ વડે ભગવાન વિષ્ણુ-પુરુષોત્તમની આરાધના કરી. ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. હવે તેમાં મૂર્તિઓની સ્થાપના કરવાનો પ્રસંગ આવ્યો. તેના સ્વપ્નમાં શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાનાં દર્શન થયા. તેમની મૂર્તિઓ સનાતન રહે તથા યુગોના યુગો સુધી તેમની પૂજા થાય તેવી આસ્થા રાજાને થવા માંડી. સમય વહેવા માંડ્યો પણ કંઈ સૂઝ્યું નહીં. રાજાએ ભગવાન શ્રી પુરુષોત્તમનું સ્મરણ કર્યું. હે પ્રભુ ! આપ અવિનાશીપણે પૃથ્વીલોકમાં પૂજાઓ તથા આપના ગુણ-ગાનથી તથા ભક્તિથી મનુષ્ય વૈકુંઠધામમાં જાય તેવી મૂર્તિઓ ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવી છે !’

ભગવાન શ્રી વિશ્ર્વકર્મા તથા વિષ્ણુ પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી રાજાએ જ્યાં તીર્થનું નિર્માણ કર્યું હતું ત્યાં આવ્યા. રાજાને શ્રી ભગવાન પુરુષોત્તમે દર્શન આપ્યાં અને કહ્યું કે, ‘હે રાજન ! બ્રાહ્મણ તે સાક્ષાત્ વિશ્ર્વકર્માનું રૂપ છે. તે શ્રેષ્ઠ શિલ્પકાર છે. તારા મનમાં જે મૂર્તિઓનું નિર્માણ કરાવાનું છે તેનું વર્ણન કરજે, જેથી આબેહૂબ તે પ્રમાણે થાય. શ્રી ભગવાન પુરુષોત્તમે કલ્પવૃક્ષ વડના કાષ્ટમાંથી ત્રણે મૂર્તિઓના નિર્માણ તથા સ્થાપનાની આજ્ઞા આપી અદૃશ્ય થયા. રાજાએ તે ત્રણે મૂર્તિઓનું વર્ણન વિશ્ર્વકર્મા સમક્ષ રજૂ કર્યું. રાજાએ વિશ્ર્વકર્માને વિનંતી કરી કે હે પ્રભુ : એક મૂર્તિ જે સ્વપ્નમાં જોઈ હતી તે ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્રીકૃષ્ણ સ્વરૂપ હતું જે અત્યંત શાંત, કમળની પાંખડીઓ જેવાં વિશાળ નેત્રોવાળું, શ્રી વત્સલાંછન, કૌસ્તૂભ મણિને ધારણ કરનાર, શંખ, ચક્ર તથા ગદાને ધારણ કરનાર હતું. બીજું, ગૌર-ધોળા રંગનું, ગાયના દૂધ જેવા રંગની આભાવાળું, સાથિયાની નિશાની વાળું, હળ‚પી અસ્ત્રને ધારણ કરતું. દેવ અનંત નામના મહા બળવાનનું રૂપ તૈયાર કરો. બલદેવનો અંત દેવોએ દાનવોએ, ગંધર્વોએ, પક્ષોએ જાણ્યો નથી. તેથી તે અનંત નામે કહેવાશે. ત્રીજી પ્રતિમા વાસુદેવ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાની તૈયાર કરો. જે સુભદ્રા સોની રંગવાળા, અતિશય સુંદર તથા સર્વ લક્ષણોથી લક્ષિત છે.’

શ્રી વિષ્ણુ ભક્ત ઇન્દ્રદ્યુમ્ન રાજાએ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો-જાપ પૂજનથી ભગવાન શ્રીકૃષ્ણની કાષ્ઠની મૂર્તિની સ્થાપન કરી. ત્યારબાદનમસ્તે હલધૃનામ્ને નમસ્તે મુસલાયુદ્ધ નમસ્તે રેવતીકાન્ત નમસ્તે ભક્તવત્સલ નમસ્તે બલિનાં શ્રેષ્ઠ નમસ્તે ધરણીધર પ્રલમ્બારે નમસ્તેસ્તુ ત્રાહિમાં કૃષ્ણપૂર્વજ મંત્રોચ્ચાર-જાપ પૂજાથી ભગવાન શ્રી બલરામની સ્થાપના કરી. છેલ્લે....’

નમસ્તે સર્વગે દેવિ, નમસ્તે શુભસૌખ્યદે

ત્રાહિ માં પદ્મપત્રાક્ષિ, કાત્યામાનિ નમોસ્તુતે

મંત્રોચ્ચાર - પૂજાથી સુભદ્રાજીની સ્થાપના કરી.

કલિયુગમાં આજે પણ જગન્નાથપુરી તથા દેશના અન્ય તીર્થસ્થળોએ પણ જગન્નાથની રથયાત્રા નીકળે છે તેમાં ત્રણે કાષ્ઠની મૂર્તિઓ તીર્થમાં સર્વે જનોને દર્શન આપી કૃતાર્થ કરે છે.

જયંતિકાબહેન જોશી