શ્રદ્ધાંજલિ : હાસ્યલેખક વિનોદ ભટ્ટને શબ્દાંજલિ...

    ૩૦-મે-૨૦૧૮


 

લાંબા સમયથી નાદુરસ્ત રહેતા જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું ૨૩મી મે, ૨૦૧૮ના રોજ અમદાવાદમાં વહેલી સવારે તેમના નિવાસસ્થાને ૮૦ વર્ષની વયે નિધન થયું છે. નિધન બાદ તેમની ઇચ્છાનુસાર દેહદાન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ નાંદોલમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું. તેઓ ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેમણે એલએલ.બી.ની પદવી પણ મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. જોકે લાંબા સમયથી તેમણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત તેમને સાહિત્યના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હતા. ૧૯૯૬થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેઓ પરિષદને લોકોના હૃદય સુધી લઈ ગયા હતા તો સામા પક્ષે તેમણે પરિષદને આર્થિક રીતે પગભર પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાની જેમ તેઓ પણ ગુજરાતી હાસ્ય સાહિત્યનું ટોચનું નામ હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં માતબર પ્રદાન કર્યું. ‘કુમારમાં પ્રકાશિત થયેલી વિનોદની નજરે શ્રેણીથી તેઓ પ્રકાશમાં આવ્યા અને પછી તો તેમની શબ્દજ્યોત સતત ઝળહળતી રહી. હાસ્યને તેમણે ઘણી ગંભીરતાથી લીધું હતું. હાસ્ય પદાર્થની સૈદ્ધાંતિક ચર્ચા કરતાં તેમનાં પુસ્તકો ગુજરાતી સાહિત્યની મૂડીસમાં છે. તેમની આત્મકથા એવા રે અમે એવા.. ગુજરાતી આત્મકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે. અત્યંત નિખાલસતાથી તેમણે આત્મકથા લખી છે. તારક મહેતાની ઇચ્છા પ્રમાણે જો તેમણે હાસ્ય નવલકથા લખી હોત તો વાચકો ન્યાલ થઈ જાત. તેમનાં જાણીતાં પુસ્તકોમાં પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદ ભટ્ટની -રહસ્ય કથાઓ, વિનોદ ભટ્ટ (વિ) કૃત શાકુન્તલ, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, ઇદમ્ તૃતીયમ્, ઇદમ્ ચતુર્થમ્, સુનો ભાઈ સાધો, ‘વિનોદની નજરે, અને હવે ઇતિ-હાસ, આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, નનરો વા કુંજરો વા, શેખાદમ... ગ્રેટાદમ..., અમદાવાદ એટલે અમદાવાદ, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી, વગેરે, વગેરે, વગેરે..., અથથી ઇતિ, પ્રસંગોપાત્ત, કારણ કેનો સમાવેશ થાય છે. તેમણે લખેલાં જીવનચરિત્રોમાં નર્મદ, સ્વપ્દ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન, ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શો, ઍન્ટવ ચેખવનો સમાવેશ થાય છે. તેમણે સંપાદનો પણ કર્યાં હતાં. જેમાં શ્ર્લીલ-અશ્ર્લીલ, ગુજરાતી હાસ્યધારા, હાસ્યાયન, સારા જહાં હમારા (શેખાદમ આબુવાલા), પ્રસન્ન ગઠરિયાં (ચંદ્રવદન મહેતા), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઈ પટવા, મધુસૂદન પારેખ, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ)

હાસ્યમાધુરી (બંગાળી, મરાઠી, ઉર્દૂ, હિન્દી, વિદેશી)નો સમાવેશ થાય છે. તેમની કેટલીક કૃતિઓ હિન્દીમાં અનુવાદિત થઈ હતી, જેમાં દેખ કબીરા રોયા, સૂના અનસૂના, બૈતાલ છબ્બીસી, ભૂલચૂક લેની દેની, ચાર્લી ચેપ્લિન મખ્ય હતી. તેમનાં કેટલાંક પુસ્તકોનો સિન્ધીમાં પણ અનુવાદ થયો હતો. તેમને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એનાયત થયાં હતાં. તેમની કોલમ ગુજરાતી ભાષાના તમામ ટોચનાં દૈનિક વર્તમાન પત્રો સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં ચાલી હતી. તેઓ ચિત્રલેખામાં પણ લખતા. પુસ્તક પરિચયની તેમની કોલમ ખૂબ સુંદર કોલમ હતી. વિનોદ ભટ્ટને હાસ્ય સહજ હતું. લખવામાં અને બોલવામાં બન્નેમાં. તેઓ જ્યાં બેઠા હોય ત્યાં મહેફિલ થઈ જતી. તેમનાં વન લાઈનર ખૂબ વખણાતાં. તેઓ બે બે વાર પરણેલા. બન્ને જીવનસાથી તેમનાથી વહેલાં ગયાં. હજી હમણાં થોડા સમય પહેલાં તેમનાં પત્ની નલિનીબહેનનું અવસાન થયું હતું. વિનોદ ભટ્ટને ગુજરાત કઈ રીતે યાદ કરશે ?

એક ઉત્તમ અને પ્રતિષ્ઠિત હાસ્યલેખક તરીકે, નિખાલસ વ્યક્તિ તરીકે, ઉત્તમ આત્મકથા આપનારા લેખકના રૂપમાં, સાહિત્યિક સંસ્થાઓને ધબકતી કરનારા કર્મશીલ લેખક તરીકે, નવા નવા સાહિત્યિક પ્રયોગો કરનારા લેખક તરીકે, એક લોકપ્રિય વક્તા તરીકે, નવા નવા ઊગતા અને ઊગી ગયેલા લેખકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનારા વડીલ તરીકે.... અને ખાસ તો પોતાને જે લાગતું હોય તે નીડરતાથી કહીને, જે માનતા હોય તે કરનારા વ્યક્તિના રૃપમાં અને...... બધાની પેલે પાર એક ઉમદા અને ઉત્તમ વ્યક્તિ તરીકે..... તેમના જવાથી ચોક્કસ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જગ્યા પડી છે, પણ જગ્યા ભરાઈ જશે, કારણ કે દરેક ખાલી જગ્યા ભરાવા માટે ખાલી થતી હોય છે. આદરણીય અને પ્રિય સર્જકને હૃદયપૂર્વકની શબ્દાંજલિ.

 
રમેશ તન્ના