અને વ્યસનમુક્તિએ ગામના યુવાનોને તારી દીધા

    ૩૧-મે-૨૦૧૮


 

 
એક નાનકડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વ્યસન મુક્તિ અંગે પ્રવચન આપી રહ્યાં હતાં. તેમણે જાહેરમાં કહ્યું કે, આજે અખાત્રીજ છે. જે આજથી વ્યસન છોડવાની જાહેરાત કરશે તેને આવતી અખાત્રીજે ગાડા ભરીને ધાન આપવામાં આવશે. બીડી છોડે તેને એક ગાડુ, દારૂ છોડે તેને બે ગાડા, બંને છોડે તેને પાંચ ગાડા ધાન આપવામાં આવશે. આથી અનેક લોકોએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી. બધાને નિયમ લેવડાવાયો. ઘરને શીખ આપવામાં આવી કે હવે જો વ્યક્તિઓ વ્યસન કરે તો તેનો સામાજિક બહિષ્કાર કરવો વગેરે... વગેરે...

જોત જોતામાં એક વર્ષ વીતી ગયું... અખાત્રીજના દિવસે સ્વામીજી પાછા ગામમાં ગયા. ગામનો માહોલ અલગ હતો. એક વર્ષમાં તે વ્યસનમુક્ત ગામ બની ગયું હતું. ગામના જુવાનિયાઓના ચહેરા પર તેજ હતું. શરીર મજબુત હતું. તેમના હૈયામાં હિંમત હતી. આથી સ્વામીજીએ કહ્યું બોલો કોને કેટલા ગાડા અનાજ આપવાનું. એટલે પેલા જુવાનિયાઓ બોલ્યા. સ્વામીજી અનાજ અમે ઉગાડી દીધું છે. અમારે અનાજ નથી જોઈતું. વ્યસનમુક્તિએ ગામના યુવાનોને તારી દીધા હતા. સ્વામીજીએ આવા અનેક ગામોને વ્યસનમુક્ત કર્યાં છે.