સન્માન : અમદાવાદ ખાતે દેવર્ષિ નારદ જયંતિ પત્રકાર સન્માન કાર્યક્રમ

    ૦૪-મે-૨૦૧૮


૨૯ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં પત્રકારત્વનાં ક્ષેત્રમાં વિશેષ પ્રદાન માટે શ્રી જપનભાઈ પાઠક, દેશગુજરાત.કોમ (સાયબર જર્નાલીઝમ), સુશ્રી આરતીબહેન પટેલ, ૯૪. માય એફ.એમ. (રેડિયો જર્નાલીઝમ), શ્રી કૌશિકભાઈ મહેતા, તંત્રીશ્રી ફૂલછાબ (પ્રિન્ટ મીડિયા), શ્રી નિર્ણય કપૂર, સબ એડિટર ઇન્ડિયા ટી.વી. (ઇલેક્ટ્રોનિક મીડિયા)ને સન્માનિત કરવામાં આવ્યા. અવસરે વરિષ્ઠ લેખક, પ્રકાશક શ્રી નગેન્દ્ર વિજય (સફારી મેગેઝિન) તથા શ્રી ઝવેરીલાલ મહેતા, ફોટો જર્નાલિસ્ટ, ગુજરાત સમાચારને વિશેષ સન્માન (લાઇફ ટાઈમ એચિવમેન્ટ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘચાલક શ્રી જયંતિભાઈ ભાડેસીયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે દરેક ક્ષેત્રમાં આપણા આદિ ગુરુ રહ્યા છે. જેમ કે, કૃષિ ક્ષેત્રમાં શ્રી બલરામ, વિદ્યાના ક્ષેત્ર મા સરસ્વતીજી પ્રમાણે પત્રકારત્વના ક્ષેત્રમાં આપણા આદિ ગુરુ દેવર્ષિ નારદ છે. દેવર્ષિ નારદ પત્રકાર જગત, સંવાદ જગતમાં એક પ્રેરણા શ્રોત છે. દેવર્ષિ નારદને રા.સ્વ. સંઘ દ્વારા આદિ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. એવી પ્રચલિત માન્યતા વિષય પર બોલતા શ્રી ભાડેસીયાજીએ કહ્યું કે નારદજી સંઘની સ્થાપનાના પહેલાથી આદિ ગુરુ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા.

અવસરે પોતાના અધ્યક્ષિય ઉદ્બોધનમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સન્માનિત પત્રકારોને અને વિશ્ર્વસંવાદ કેન્દ્રને અભિનંદન પાઠવ્યાં હતા. તેઓએ કહ્યું હતું કે, વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં છે ત્યારે મીડિયા પણ પોતાનું કાર્ય નિરપેક્ષ ભાવથી કરે માટે એની સાથે સંવાદ પણ જરૂરી છે અને દૃષ્ટિથી નારદ જયંતિના માધ્યમથી મીડિયાના લોકો સાથે સંવાદ થાય, રાષ્ટ્ર ચિંતન થાય માટે પણ વિશ્ર્વ સંવાદ કેન્દ્રને અભિનંદન આપું છું. ૧૯૨૫થી જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી સંઘના વિષયમાં અનેક ચર્ચાઓ થતી આવી છે. પણ સંઘે વિચલિત થયા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે. સંઘે અનેક ક્ષેત્રોમાં કાર્ય કરે છે જેમાંથી એક વિશ્ર્વ સંવાદ કેન્દ્ર છે.

આજના સમયમાં હું એવું માનું છું કે નારદજી ઇન્ફોર્મેશનનાં વ્યક્તિ હતા અને તેમણે પોતાની જાણકારીના માધ્યમથી માનવજાતિના કલ્યાણ માટે કાર્ય કર્યું. તેમણે ક્યારેય નકારાત્મક વિચારોનો પ્રસાર નથી કર્યો માટે તેમણે આપણે ઋષિ કહીએ છીએ. ઋષિનો મતલબ છે કે જે રાષ્ટ્ર સમાજ માટે સકારાત્મક વિચારો આપે.

આજે મીડિયાનો સમાજ જીવન પર મોટો પ્રભાવ છે. આજ સંચાર વ્યવસ્થાના કારણે કોઈ પણ ઘટના સેકેન્ડોમાં આપણા સુધી પહોંચી જાય છે માટે આજના સમય મીડિયા ક્ષેત્રમાં કામ કરનારા બંધુઓનું દાયિત્વ વધી જાય છે. આજે રાજકારણમાં, મીડિયામાં, ન્યાયનાં ક્ષેત્રમાં કાર્ય કરવા વાળા બધા લોકો સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે. માટે સમાજને ધ્યાનમાં રાખીને આપણી પ્રસ્તુતી થવી જોઈએ.

સમારોહનાં પ્રારંભમાં વિશ્ર્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ઠક્કર દ્વારા વિશ્ર્વ સંવાદ કેન્દ્રના કાર્યોની માહિતી આપવામા આવી. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનો પરિચય શ્રી અભિમન્યુ સમ્રાટે કરાવ્યો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પાર્થભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. અવસરે પત્રકાર જગતના મિત્રો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.