એવી બાળમજૂરી કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્રીના વિશેષ અભિનંદન....

    ૦૮-મે-૨૦૧૮

 
શાળા સ્વચ્છતા અભિયાન ઉત્સાહભેર ચાલ્યું. ઘરે સાવરણી ન ઉપાડનાર વિદ્યાર્થીઓએ કાર્યનો આનંદ અને પરિણામની પ્રસન્નતા અનુભવી. આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાભવન અને પ્રાંગણ વચ્ચે એકાત્મતાનો અદૃશ્ય તંતુ જોડાયો. પ્રેસનોટ દેવા શાળા સહાયકને મોકલીને, આચાર્યશ્રી બીજા કામે વળગ્યા જ હતા કે ફોનની ઘંટડી રણકી, રિસીવ કરતાં જ, પ્રેસ રિપોર્ટરે સવાલ કર્યો કે તમારી પ્રેસનોટમાં હું હેડલાઇન ઉમેરીશ કે તમે શાળામાં બાળકોને મજૂરી કરાવો છો.
 
અનુભવી આચાર્યશ્રીએ કીધું. જેવી તમારી મરજી પણ છેલ્લી લાઇનમાં ઉમેરજો કે એવી મજૂરી કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્રીના વિશેષ અભિનંદન. રીપોર્ટરે ફોન મૂકી દીધો અને પ્રેસ મેટર પણ આગળ ન મોકલતાં કચરા ટોપલીમાં ફેંકી દીધી.
 
મિત્રો, મારા-મારી, ચોરી અને દગાખોરીના સમાચાર પેલી ન્યૂઝ ચેનલ કે અખબારમાં આવી ગયા. તમને કેમ ખબર નથી? જાઓ, જલદી લેટેસ્ટ માહિતી મોકલો. એવા ફોન તંત્રીઓની ઓફિસથી રીપોર્ટરોને આવતા હોય છે. સારી ખબરો માટે પણ આવી તકેદારી રખાય તે જરૂરી નથી લાગતું ?
 
ચાની લારીએ કે વેપારી પેઢીએ કામ કરનાર બાળમજૂર અને તારક મહેતાની ટપુ સેના બાળ કલાકાર ?
 
વાતો, વક્તવ્યો, લેખોમાં અનુભવથી મોટો કોઈ ગુરુ નહીં જેવુ મહિમા મંડન અને ઘરમાં મારો લાલો કે લાલીને પાણી માંગે ત્યાં દૂધની વ્યવસ્થા ?
 
હા, શોષણના ભાવથી કરાવાયેલું કામ બાળમજૂરી છે જ એમાં શંકા નથી. પણ પરાવલંબી બનાવે તેવી વ્યવસ્થા એથી પણ ભયાવહ પરિણામ લાવનારી છે એ વાત આપણે ગળે કેમ ઊતરતી નથી ?
વ્યક્તિને જે બળવાન તે સત્ય અને નિર્બળ બનાવે તે અસત્ય એવા વિચાર આગળ આપણી અનેક ભ્રમણાઓ ખરી પડશે.