નવા અંકુર

    ૦૯-મે-૨૦૧૮


 

એક નાનો બાળક હતો. તેના આંગણામાં ઘણાં બધાં ઝાડ હતાં. તેમાં એક આંબાનું ઝાડ હતું. બાળકને આંબાનું ઝાડ ખૂબ ગમતું. બાળક જ્યારે પણ નવરો પડે કે આંબાના ઝાડની આજુ-બાજુ રમે, ઝાડ પર ચડે, કેરી ખાય અને જ્યારે રમીને થાકી જાય એટલે ઘટાદાર આંબાના ઝાડના છાંયામાં સૂઈ જાય ને આમ બાળક અને આંબાના ઝાડ વચ્ચે અનોખો સંબંધ બંધાઈ ગયો.

બાળક જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ આંબાના ઝાડ પાસે ઓછો આવતો ગયો ને અમુક સમય પછી તો સાવ આવતો બંધ થઈ ગયો ને આંબો એકલો પડી ગયો. ને આંબાનું ઝાડ બાળકને યાદ કરતું ને રડ્યા કરતું. આમ ઘણાં વર્ષો પછી એક દિવસ બાળક આવ્યો પણ હવે તે યુવાન થઈ ગયો હતો. આંબાના ઝાડ નજીક જેમ-જેમ આવતો ગયો તેમ ઝાડ ખૂબ ખુશ થયું.

બાળક નજીક આવતાં ઝાડે પૂછ્યું કે, ‘તું ક્યાં ચાલ્યો ગયો હતો ?’ હું રોજ તને ખૂબ યાદ કરતું હતો. ચાલ-ચાલ આપણે બન્ને રમીએ. તું મારી આજુ-બાજુ ફર ને ઝાડ પર ચડ ને રમીએ. પણ બાળક હવે મોટો થઈ ગયો હતો. તેણે ઝાડને કહ્યું કે, ‘હું મોટો થઈ ગયો છું. હવે મારી રમવાની ઉંમર નથી ભણવાની ઉંમર છે.’ પણ.. પણ... પણ... શું ઝાડે પૂછ્યું બાળકને તો બાળકે કહ્યું, મારે ભણવું તો છે, પણ મારી પાસે આગળ ભણવાના પૈસા નથી. આંબાએ કહ્યું, ‘તું મારી કેરીઓ લઈજા ને બજારમાં વેચી આવ. જે કેરી વેચતા પૈસા આવે તું એની ફી ભરી આપજે ને બાળક કેરીઓ ઉતારી શહેર ભણી ચાલ્યો. ને ફરી પાછો ઘણાં વર્ષો સુધી ના દેખાયો.

ને ફરી ઘણા વર્ષો પછી બાળક આવ્યો. હવે તો એને દૂરથી આવતો જોઈ આંબાનું ઝાડ ફરી ખુશ થઈ ગયું. જેમ જેમ નજીક આવતો ગયો એમ ઝાડ વધુ ખુશ થવા લાગ્યું ને આવતાં ઝાડે કહ્યું કેમ છે ? શું ફરી કંઈ થયું છે ? બાળકે કહ્યું, હા... મારું ભણવાનું પૂરું થયું ને મને મને ખૂબ સારી નોકરી મળે ગઈ છે ને મારા લગ્ન પણ થઈ ગયાં છે. ‘પણ... પણ...’ પણ શું ઝાડે પૂછ્યું. મારું પોતાનું ઘર બનાવવું છે. ને આંબાએ કહ્યુંચિંતા કર. તું મારી બધી ડાળીઓ કાપીને લઈ જા ને એમાંથી તારું ઘર બનાવ ને યુવાન (બાળક) આંબાની ડાળીઓ કાપીને ચાલતો થઈ ગયો. ને આંબો સાવ ઠૂઠો થઈ ગયો. કોઈ એની સામે પણ ના જુએ. હવે તો આંબાએ આશા પણ છોડી દીધી કે એને કોઈ મળવા આવશે.

ને ફરી ઘણાં વર્ષો પછી એક વૃદ્ધ આંબા પાસે આવ્યો. આંબાના ઝાડને કહ્યું, ‘તમે મને નહીં ઓળખો પણ હું નાનો બાળક છું. જે તમારી આજુ-બાજુ રમતો ને તમારા પર ચડી કેરીઓ ખાતો ને વારંવાર જ્યારે જરૂર પડે ત્યારે તમારી પાસે આવતો અને તમે મને મદદ કરતાએ દુ: સાથે કહ્યું, ‘બેટા, તારી બધી વાત હું સમજ્યો પણ હવે તો મારી પાસે તો કંઈ બચ્યું નથી કે તારી મદદ કરી શકું.’

વૃદ્ધની આંખમાં આંસુ હતાં. ને ઝાડને ભેટી પડ્યો ને કહ્યું, આજે મારે તમારી પાસે કંઈ જોઈતું નથી હું તો તમારી સાથે રમવા આવ્યો છું. તમારા ખોળામાં માથું રાખી સૂવા માગું છું. ને જાણે આંબાના ઝાડમાં ચમત્કાર થયો. આંબાની સુકાયેલી ડાળીઓમાં જાણે જીવ આવ્યો ને નવા અંકુરો ફૂટ્યા.

વૃક્ષ આપણાં માતા-પિતા જેવું છે. જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રહેવું, રમવું, વાતો કરવી. ખૂબ ગમતું પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા. એમની નજીક ત્યારે આવ્યા જ્યારે એમની કોઈ ‚રિયાત કે સમસ્યાઓ ઊભી થઈ. પણ આજે ઠૂંઠા આંબાના ઝાડની જેમ માતા-પિતા આપણી રાહ જુએ છે.

આપણે જઈને એને ભેટી પડીએ તો એમનાં ઘડપણમાં ફરી કૂંપળો ફૂટશે. નહીં તો તમે પણ તૈયાર રહો, જેમ તમે કર્યું એમ તમારાં બાળકો પણ તમારી સાથે કરશે.

તો ચાલો માતા-પિતાનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.