ડોમિસાઇલ વિવાદમાં ગુજરાતની જીતના સંકેત

    ૨૬-જૂન-૨૦૧૮   

 
 
ગત સોમવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત સરકારની અપીલ માન્ય રાખીને ગુજરાતની ડોમિસાઇલ નીતિને યથાવત્ રાખી છે અને તેને કારણે ગુજરાતી વિદ્યાર્થીઓ તેમજ તેમનાં વાલીઓએ રાહતનો દમ લીધો છે. આ અગાઉ જોકે, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠેલા શિક્ષણના દલાલો ગેલમાં હતા કેમ કે ડોમિસાઇલ અંગે ગુજરાત સરકારના ૧૯૬૪ના ઠરાવ છતાં (મૂળ ઠરાવ ૧૯૫૦નો છે, પણ ત્યારે અલગ ગુજરાત રાજ્ય નહોતું, તેથી આપણે ૧૯૬૪ના ઠરાવને આધાર માનીએ.) ગુજરાત હાઈકોર્ટે આ મહિનાના પ્રારંભે કેટલાક બહારના વિદ્યાર્થીઓની અપીલ ગ્રાહ્ય રાખીને ગુજરાત એમબીબીએસ પ્રવેશ સમિતિને નોટિસ આપી હતી. માનનીય અદાલતના આ પગલાથી થોડા દિવસ સુધી મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓ ટેન્શનમાં હતા, કેમ કે બહારના વિદ્યાર્થીની સરખામણીમાં બે-ચાર માર્કના તફાવતને કારણે ઘરના વિદ્યાર્થીઓનું ઍડમિશન જોખમમાં આવી શકે તેમ હતું, પણ હવે ગુજરાતને રાહત છે.
 
શાસન, વહીવટીતંત્ર, રાજકારણીઓ, પોલીસતંત્ર, ન્યાયતંત્ર...આ બધાંને ઘણી વાર ખ્યાલ જ નથી આવતો કે અસંતોષ અને આંદોલનની આગ ક્યારે-ક્યાંથી ફૂટી નીકળે છે. દરેક તંત્ર પોતપોતાની ગણતરી મુજબ, પોતપોતાની બંધારણીય અને કાયદાકીય જવાબદારી મુજબ પગલાં લે છે, પરંતુ એ પગલાં હંમેશાં ન્યાયી હોય એવું બનતું નથી. બરાબર આ જ સ્થિતિ હાલ ગુજરાતમાં ઊભી થઈ છે. ડોમિસાઇલના મુદ્દાને વિવાદનો મુદ્દો બનાવીને કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવવા માગે છે અને એ રીતે ગુજરાત રાજ્યમાં કાયમ માટે મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ખોરવી નાખવા માગે છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને શિક્ષણની હાટડીઓ ખોલી બેઠેલા લોકો તેમના ટૂંકા સ્વાર્થ માટે જે ખેલ ખેલી રહ્યા છે તેનાથી અદાલતના માધ્યમથી તેઓ કદાચ જીતી જશે એવું તેમને લાગતું હશે, પરંતુ તેને કારણે ગુજરાતી વિદ્યાર્થીઓને જે અન્યાય થશે, આ વિદ્યાર્થીઓના વાલીઓને જે પીડા થશે તેનો કોઈને અંદાજ જ નથી. જોકે હવે અદાલતના ચુકાદાથી હાલ આવી આશંકા ઉપર પૂર્ણવિરામ મુકાયું છે. સિવાય કે કેસ સુપ્રીમ કોર્ટમાં જાય તો વાત અલગ છે.
 
મૂળ સવાલ એ હતો કે, એકાદ વર્ષ પહેલાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં માત્ર ૧૨મું ધોરણ ભણવા આવનાર વિદ્યાર્થીઓ ગુજરાતી કેવી રીતે થઈ જાય? વળી આવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે મળી જાય છે તે પણ એક સવાલ છે. જેમનો જન્મ અહીં ન હોય, જેઓ મોટાભાગનો સમય આ રાજ્યમાં રહ્યા ન હોય તેમને ડોમિસાઇલ પ્રમાણપત્ર મળે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર નહીં જ થયો હોય એવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે ખરું ? તો પછી શા માટે ભ્રષ્ટાચાર અને ગેરરીતિને પ્રોત્સાહન મળે તેવી સ્થિતિ પેદા કરવામાં આવે છે ?
 
સવાલ એ થાય છે કે માત્ર ૧૨મું ધોરણ ભણીને મેડિકલમાં પ્રવેશ લેવા માટે તેઓ ગુજરાતમાં શા માટે આવ્યા છે ? શું એ વાસ્તવિકતા નથી કે ગુજરાત વિકસિત છે એ કારણે તેને આવી બાબતો સહન કરવી પડે છે ?
 
હા, અહીં સશસ્ત્ર દળોના પરિવારોનાં બાળકોનું વિચારવું પડે. તેઓ પણ આ કેસમાં પક્ષકાર હતા. પણ આ જવાબદારી કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકારની આ અંગે તદ્દન સ્પષ્ટ અને કડક નીતિ હોવી જ જોઈએ કે સશસ્ત્ર દળોના પરિવારનાં બાળકો જ્યાં પણ હોય ત્યાં તેમને ઍડમિશનમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડવી ન જોઈએ. આ ફરજ આપણા સૌની છે, કેમકે જે પરિવારના જવાનો સરહદ પર કે અન્ય સ્થળે આપણા માટે રક્ષણ કરવા જીવના જોખમે ફરજ બજાવે છે તેમનાં બાળકોના ભણતર માટે આટલું ન થઈ શકે તો દેશ તરીકે આપણે કશા લાયક નથી. મારી તો લાગણી છે કે જો આ કેસ સુપ્રીમ કોર્ટમાં જાય તો કોર્ટે એવો આદેશ કેન્દ્ર સરકારને કરવો જ જોઈએ કે સશસ્ત્ર દળોના પરિવારનાં બાળકોના ઍડ્મિશન માટે સ્પષ્ટ નીતિ હોવી ફરજિયાત છે.
 
સોમવાર સવાર સુધી ચિંતા એ વાતની હતી કે, આ વખતે પણ (જો...) અદાલતના આ આદેશને કારણે જે ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ મેડિકલમાં પ્રવેશ નહીં મેળવી શકે તેમને શું અન્ય રાજ્યો પ્રવેશ આપશે ? અદાલતોમાં કેસ લડતા ક્લાસિસના સંચાલકો તેમજ તેમના વકીલો શું એ ખાતરી આપી શકે એમ છે કે જે ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અન્યાય થશે તેમને એ લોકો અન્યત્ર પ્રવેશ અપાવશે ?
 
ધારી લો કે કદાચ અન્ય રાજ્યમાં પ્રવેશ મળે (જે શક્ય તો નથી જ કેમકે ત્યાં પણ ડોમિસાઇલનો મુદ્દો છે જ) તો ગુજરાતી છોકરા-છોકરીઓને પોતાનું વતન-રહેણીકરણી અને ખોરાકની ટેવો છોડીને એવી જગ્યાએ જવું પડશે જ્યાં એમાંનું કશું જ નહીં હોય એનું શું? સાથે એવા વિદ્યાર્થીઓના વાલીઓની પીડાનું શું ?
 

 
 
આ ગુજરાતી વિદ્યાર્થીઓના કુદરતી ન્યાયના હનન માટે જવાબદાર કોણ ગણાશે ?
 
હકીકત એ છે કે મેડિકલ ઍડ્મિશનની પ્રથા અને પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યના વિદ્યાર્થીઓને ૮૫ ટકા બેઠક ફાળવવી અને બાકીની ૧૫ ટકા બેઠક અન્ય રાજ્યના અથવા એનઆરઆઈ અથવા મેનેજમેન્ટ ક્વોટા માટે રાખવી. આ પ્રથા અને પ્રક્રિયાનું પાલન વર્ષોથી થાય છે, પરંતુ ગુજરાતમાં આ પ્રક્રિયામાં ભંગાણ પાડી દેવાનો કારસો રચાઈ રહ્યો છે.
આ કારસો રચવા માટે બહારનાં તત્ત્વો જેટલાં જવાબદાર છે એટલા જ જવાબદાર ગુજરાતનાં તત્ત્વો પણ છે. બહારનાં તત્ત્વો જાણે છે કે સરેરાશ ગુજરાતી વેપારી માનસિકતા ધરાવે છે અને વેપારમાં નફા માટે કંઇપણ કરી શકાય. વળી આવી વેપારી માનસિકતાને કારણે શિક્ષણ અને મેરિટનું સ્તર પણ એવું છે કે બહારનાં તત્ત્વોને તેનો દુરુપયોગ કરવાની તેમજ મજાક ઉડાવવાની તક મળી રહે છે. ભોળા ગુજરાતીને સારા માર્ક આવ્યા પછી પણ બીજી લાઇન લેવા કન્વિન્સ કરી શકાય છે અથવા અન્ય દેશમાં જવા સમજાવી દઈ શકાય છે.
 
ઉચ્ચ શિક્ષણ મેળવેલા ગુજરાતીઓને ક્લાસિસ ખોલવા માટે મૂડીરોકાણ કરવા સમજાવી લઈ શકાય છે અને પછી એ જ ક્લાસિસમાં અન્ય રાજ્યોના શિક્ષકો અન્ય રાજ્યોના વિદ્યાર્થીને ભણાવે અને એ વિદ્યાર્થીઓ મેરિટનો હવાલો આપીને માનનીય અદાલતમાંથી ઍડ્મિશનનો હુકમ મેળવી આવે..! અને આ બધા ઉપરાંત પાછો અનામતનો માર..!
આ એક અતિશય ખતરનાક વિષચક્ર ચાલે છે. તેની સામે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે. તેઓ શક્ય ત્યાં બધે રજૂઆત કરી રહ્યા છે અને આવેદન આપી રહ્યા છે, પરંતુ કમનસીબે આ વર્ગની વાત સાંભળનાર બહુ ઓછા લોકો છે. હાલ આંદોલન કરી રહેલો આ વર્ગ ઉચ્ચ મધ્યમવર્ગીય છે જે નથી રસ્તા ઉપર આવીને સૂત્રોચ્ચાર કરી શકતો કે નથી તોડફોડ અને હિંસા કરી શકતો. તેનું પરિણામ એ આવ્યું છે કે સામાન્ય રીતે દરેક બાબતમાં કૂદી પડતું મીડિયા પણ હાલ આ ગુજરાતી વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આગળ આવતું નથી. ગુજરાત જાણે નધણિયાતું ખેતર હોય એવી સ્થિતિ થઈ રહી છે. બીજાં રાજ્યો પોતે પ્રગતિ અને વિકાસ કરી શકતાં નથી એ કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે અહીં આવે છે અને તેમ છતાં અન્ય રાજ્યોના રાજકારણીઓનો, વહીવટીતંત્રનો, અધિકારીઓનો તેમજ અન્ય રાજ્યોના મીડિયાનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ તો ઓછો થતો જ નથી. આ તમામ કારણોસર ગુજરાત ખૂબ ઝડપથી પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં માત્ર સુરતમાં હિન્દીભાષીઓની સંખ્યા વધારે હતી... પણ આજે રાજ્યના દરેક મોટા શહેરમાં હિન્દી વિના ચાલતું નથી. મૂળ ગુજરાતી પણ હિન્દી ન બોલે તો એનું કામ ન થાય એ સ્થિતિ મેં પોતે અનુભવી છે.
 
ફરી એક વખત કહું છું કે કોઈ ભાષા પ્રત્યે, કોઈ પ્રદેશના લોકો પ્રત્યે દ્વેષ કે રોષ નથી, પરંતુ પોતાની ભાષા-સંસ્કૃતિ ખતમ થઈ રહ્યાનું દુખ જ‚ર છે. સમગ્રતયા મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓને તેમના પોતાના વાતાવરણમાં અભ્યાસ કરવા મળે એ વધારે ઇચ્છનીય છે, જેનાથી તેમની પોતાની શૈક્ષણિક કારકિર્દી તો ઉજ્જ્વળ બને જ છે, સાથે વાલીઓને પણ આર્થિક અને સામાજિક રાહત રહે છે. આ જ કારણે તો ડોમિસાઇલ છે, પછી તેમાં ફેરફારો કરવાના પ્રયાસ કેટલે અંશે યોગ્ય ગણાય !?