બિહારમાં મુસ્લિમોએ દલિત પરિવારને જીવતો સળગાવી દીધો

    ૧૪-જુલાઇ-૨૦૧૮

 
બિહારના કટિહાર જિલ્લાના આઝમનગર ધોરદોહ ગામે મુસ્લિમો દ્વારા એક દલિત પરિવારના ૪ લોકોને જીવતા જલાવી દેવાની ઘટના બની છે. અહીંના ઘોરદોહ નામના ગામે ૩૫ વર્ષના પંચમદાસ પોતાની ૩૨ વર્ષીય દિવ્યાંગ પત્ની મંજુલા દેવીજી, પ્રીતિ અને કિરણ નામની બે દીકરીઓ સાથે રહેતા હતા. ગરીબ પંચમદાસ ચાની દુકાન ચલાવી પેટિયું રળતા હતા.
૧૧ જૂન, ૨૦૧૮ના રોજ પંચમદાસ પોતાની ચાની દુકાન બંધ કરી પોતાના પરિવાર સાથે સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ પડોશમાં રહેતા અબ્દુલ રહેમાન પોતાના સાળાઓ સાથે પેટ્રોલ અને માચિસ સાથે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેની દિવ્યાંગ પત્ની અને બે અને ચાર વર્ષની માસૂમ બાળકીઓ સહિત પંચમદાસને બાંધી દઈ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. બન્ને બાળકીઓનાં મૃત્યુ તો ઘટનાસ્થળે જ થઈ ગયાં હતાં, જ્યારે ૭૦ ટકા બળી ગયેલી પંચમની પત્ની મંજુલાએ હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડી દીધો હતો, જ્યારે ૯૦ ટકા બળી ગયેલ પંચમદાસ પણ આ લખાય છે ત્યાં સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
 
સ્થાનિક લોકો મુજબ અબ્દુલ રહેમાન અને તેના સાળાની નજર પંચમદાસ જે જમીન પર રહેતો હતો, તેના પર હતી. તેણે અનેકવાર અહીંથી ભાગી જાઓ નહીં તો જાનથી જશોની ધમકીઓ પણ આપી હતી, પરંતુ અહીં રહેતા દલિતો એટલા ગરીબ છે કે તેઓ અન્ય સ્થળે વસી પણ શકતા નથી. પરિણામે સ્થાનિક મુસ્લિમોના જોર-જુલમ સહીને પણ અહીં પડી રહે છે. પંચમદાસ પર પણ અબ્દુલ રહેમાને અનેક અત્યાચારો કર્યા હતા, છતાં તે અહીંથી ન જતાં તેણે આખેઆખા દલિત પરિવારને જીવતો જ બાળી મૂક્યો હતો.
 

 
 
દુ:ખદ અને આઘાતજનક વાત એ છે કે, છાસવારે દેશમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા હોવાનું કહી છાતીઓ પીટતા કથિત સેક્યુલરવાદી માધ્યમો, સંગઠનો, રાજકીય પક્ષો અને દલિત અગ્રણીઓએ આ હૃદયદ્રાવક ઘટનાની નોંધ સુધ્ધાં પણ લીધી નથી. રોહિત વેમૂલા અને ઉના કાંડ વખતે સંસદથી માંડી સડકો ગજવનારા લોકો બિહારમાં એક આખા દલિત પરિવારને જીવતો બાળી મૂકવામાં આવે છે ત્યારે સેક્યુલરવાદ અને મત બેન્કની કોઠીમાં છુપાઈ જાય છે. મહારાષ્ટ્રમાં માસૂમ દલિત બાળકોને નગ્ન કરી ફેરવવાના વીડિયોને વાયરલ કરી વિધવા વિલાપ કરતા રાહુલ ગાંધીએ બિહારમાં માત્ર ૪ અને ૨ વર્ષની માસૂમ દલિત દીકરીઓને જીવતી બાળી નાખવાની ઘટના અંગે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી, કારણ કે અત્યાચાર કરનાર મુસ્લિમ છે. તેમની વિરુદ્ધ બોલતાં સેક્યુલરવાદી ગેંગને કદાચ મતબેન્કની આંખોની શરમ નડે છે.
આ દેશમાં પછી બંગાળ હોય કે બિહાર કે પછી કેરલ હોય કે, તમિલનાડુ, જ્યારે મુસ્લિમો દ્વારા દલિતોની હત્યા થાય છે. ત્યારે ત્યાં માત્ર દલિત નથી મરતો, મરે છે દેશનાં સેક્યુલર માધ્યમોની ઢોંગી સેક્યુલર નેતા-પક્ષોના જાતે બની બેઠેલા દલિતોદ્ધારકોની નૈતિકતા. જે દેશમાં અત્યાચારોનો વિરોધ પણ જાતિ અને ધર્મના આધારે થતો હોય તે દેશમાં દલિતો પર અત્યાચાર ક્યાંથી અટકવાનો ?
 
દેશના બંગાળથી માંડી બિહાર અને કેરલથી માંડી આસામ સુધી બની રહેલા આ પ્રકારની ઘટનાઓ દેશમાં છેલ્લા કેટલાક સમયથી દલિત-મુસ્લિમ એકતાની વાતો કરનારાઓના ગાલ પર જોરદાર તમાચો છે.