સ્વામી વિવેકાનંદ : કથિત આંબેડકરવાદી ‘ભારત તેરે ટુકડે’વાળી જેહાદી ગેંગને સૂચક સંદેશ...!

    ૧૪-જુલાઇ-૨૦૧૮

 
 
૪ જુલાઈ, ૨૦૧૮, સ્વામી વિવેકાનંદજીની ૧૧૭મી પુણ્યતિથિ નિમિત્તે ધ ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિકમાં ૫ જુલાઈ, ૨૦૧૮ના રોજ જેએનયુના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી અવિજીત પાઠકનો પ્રસ્તુત લેખનો ભાવાનુવાદ સાંપ્રત માહોલમાં સ્યૂડો-સેક્યુલરિસ્ટો અને સ્યૂડો-આંબેડકરવાદીઓની રાષ્ટ્રવિઘાતક સમાજ જીવનને વેરવિખેર કરનારી, સામે સાવધાનીના સૂર સાથે ભારતીય દર્શનની ઉદારતા અને મહાનતાને ઉજાગર કરનારી હોઈ, ‘સાધના’ના યુજ્ઞ વાચકો માટે વિચારોત્તેજક બની રહેશે...
સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે હાલની સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ-સાર એ છે કે, આપણે પ્રવર્તમાન વિવિધ દૃષ્ટિકોણની તરફેણ કે વિરુદ્ધ હોવાને બદલે તેનાથી ઉપર ઊઠીને, એવા વૈવિધ્યપૂર્ણ - આધ્યાત્મિકતા-યુક્ત - સમૃદ્ધ-સમતામૂલક-સર્વસમાવેશક સમાજજીવન, રાષ્ટ્રજીવન, જાહેરજીવન અને વૈશ્ર્વિક- સંવાદની ભૂમિકા ઊભી કરવાના સભાનતાપૂર્વકના પ્રયાસો કરવા અનિવાર્ય છે. આજની સર્વસત્તાવાદી વિચારધારા અને બૌદ્ધિક-અસ્પૃશ્યતાને (ડૉ. પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાતના વિરોધ જેવી) દૂર દૂર સુધી હડસેલી મૂકવા માટે, આપણે ગુ‚નાનક, સંત કબીર, સ્વામી વિવેકાનંદ, કાર્લ માર્ક્સ, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સૂફીસંત શિરોમણી જલાલુદ્દીન ‚મી સાથે પુન: એકીકૃત સંવાદ-સમગ્રતાયુક્ત સંવાદ-સખ્ય-સંવાદની ભારતીય વિભાવનાની પુન: પ્રતિષ્ઠા કરવી અનિવાર્ય છે, અને એ જ હશે સ્વામી વિવેકાનંદજીને તેમની ૧૧૭મી પુણ્યતિથિએ આપણી સાચી અને પૂરી શ્રદ્ધાંજલિ - આદરાંજલિ... !
 
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નરેન્દ્ર નામનો એક ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરેલ નવયુવક. શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જેઓ તેમની અસાધારણ સાદગી-સરળતા સાથે તળપદી સાધુતાને અકબંધ રાખી વેદાંતના શાણપણ સાથે તેનું સંયોજન કરી શકવાનું સામર્થ્ય ધરાવતા હતા, તેમના શરણમાં જઈ પહોંચી સ્વામી વિવેકાનંદરૂપે વિશ્ર્વવિખ્યાત થયા ! આવા સ્વામીજીના સૂક્ષ્મ, ગહન, સંવેદનક્ષમ સંદેશને સમજવા માટે જે શાંત, ખુલ્લું મન અને કુશાગ્રબુદ્ધિ જોઈએ, તેની ઊણપ આજના માહોલમાં જણાઈ આવે છે...
 
હાલના ફાસ્ટ-ફૂડ કલ્ચર અને દોડધામની જીવનશૈલીમાં, ઉપનિષદીય શાણપણ સાથેના સાર્વજનિક વિચાર-વિમર્શમાં, શાણપણ અને બુદ્ધિ-કૌશલ્યનું સ્થાન છીછરાપણાએ, બિનજવાબ- દેહિતાએ અને કથિત પંથ-મઝહબ-સંપ્રદાયે લઈ લીધું છે. તેમાંથી જ એકાંગી, આક્રમક, અસહિષ્ણુ અને આપસાચુકલાં જેહાદી તત્ત્વોને વકરવાની છૂટ મળે છે ! તેની સામે ખુલ્લા સમાજ, લોકશાહી રાષ્ટ્ર-રાજ્યો અને વિશ્ર્વનાં ઉદારમતવાદી પરિબળો અસહાય થતાં જોવા મળે છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીના વૈશ્ર્વિક-એકતાના સંદેશનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. સ્વામીજીનું જીવન એટલે પરસ્પર વિરોધી જણાતાં વિસંવાદી વાજિંત્રોને સુસંવાદી સંગીતમાં ઢાળવાની સૂક્ષ્મતમ બુદ્ધિપ્રતિભા, સંવેદનક્ષમતા અને શાણપણ...
સ્વામી વિવેકાનંદ એક અર્થમાં ‘હિન્દુ’ સંન્યાસી હોવાથી, એક તરફ હિન્દુત્વવાદી પરિબળો તેમને પોતાના આદર્શ પુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરે છે, જ્યારે કથિત ડાબેરી-ઉદારમતવાદીઓ (જેઓ માઓવાદી-નક્સલવાદી હિંસા-અરાજકતાને સમર્થન આપે છે, તેમને ઉદારમતવાદી કહી શકાય? એ તો ‘ચમકતા અંધકાર’ જેવી વદતો વ્યાઘાત - પરસ્પર વિરોધિતા જણાય છે!) વિવેકાનંદની વાત આવતા જ એકદમ સભાન બની જઈ, વિવેકાનંદજીથી અંતર જાળવી રાખવાની નાકામ કોશિશ કરે છે. આવી સ્થિતિમાં ભારતવર્ષ કે જે તેની ઉપનષદીય-વૈદિક પરંપરા, સખ્ય - સંવાદ-સંસ્કૃતિ માટે સહસ્રાવધિ વર્ષોથી વિશ્ર્વવિખ્યાત છે; ત્યાં ડાબેરીઓના આવા સંકીર્ણ વલણથી પરસ્પર સખ્ય-સંવાદની સંભાવનાને જ તેનાથી મોટો આઘાત પહોંચે છે ! હકીકતમાં આ જ ‘અસહિષ્ણુતા’ છે.
 
૧૮૯૩નું સ્વામી વિવેકાનંદજીનું ઐતિહાસિક શિકાગો ઉદ્બોધન એ રીતે સૂચક છે. સ્વામીજીએ ‘હિન્દુ ધર્મ’ વિશે ગૌરવભાવ વ્યક્ત કરતી વેળાએ, હિન્દુ ધર્મને વિશ્ર્વના અનેકવિધ ધર્મોની માતા તરીકેનું ગૌરવ પ્રદાન કરેલું છે. ‘માતા’ આ એક શબ્દમાં જ ભારતીય સંસ્કૃતિ, ભારતીય જીવનદર્શન અને ભારતીય ચિંતનનો લાવણ્યયુક્ત સાર-નવનીત પ્રગટ થાય છે ! જેમ માતા કદાપિ કુપુત્રો પ્રત્યે પણ કુમાતા થઈ શકતી નથી, તે જ રીતે ‘હિન્દુ જીવનદર્શન’ પણ અદ્વૈતને વરેલું હોઈ, હિન્દુ માટે કોઈ પરાયું, શત્રુ કે પ્રતિસ્પર્ધી નથી. એટલે જ ભારતવર્ષમાં સદીઓના બાહ્ય આક્રમણ અને આંતરિક વિખવાદો વચ્ચે પણ સંત-પરંપરા, ભક્તિ-પરંપરા, શૂરવીરોની પરંપરા - ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ પનપતી આવી છે જેને આપણે ભારતવર્ષની મેઘધનુષી-સંસ્કૃતિ પણ કહી શકીએ !
 
એટલે જ તો સ્વામીજીએ તેમના ઐતિહાસિક ઉદ્બોધનમાં અમેરિકામાં કહેલું કે, મને એ વાતનું ગૌરવ છે કે અમારા દેશે વિશ્ર્વના અનેક પીડિત, આહત, તરછોડાયેલા, હાંકી કાઢેલાઓને ઉદારતાથી-આત્મીયતાથી આશ્રય આપ્યો છે. સ્વામીજીએ તેમના વિદેશી મિત્રોને કહેલું, આજે ભારત ભલે પરાધીન હોય, પરંતુ હવે તે સૂતેલો સિંહ, આળસ મરડી ગર્જના કરી ઊભો થઈ રહ્યો છે...
 
સ્વામી વિવેકાનંદજીએ તેમની આગવી શૈલીમાં જણાવેલું કે, ભારતવર્ષના યુવાનોએ તેમના સ્નાયુઓ પોલાદી અને જ્ઞાનતંતુઓ લોખંડી બનાવવા પડશે. દૈન્યતા, પરાધીનતા, કાયરતા છોડીને ફૂટબોલ ખેલો ! ફૂટબોલ ખેલ્યા પછી જ ભારતના યુવાનો, તમને શ્રીકૃષ્ણના સામર્થ્ય અને તેમના ગીતાના ઉપદેશની મહત્તાની સાચી અનુભૂતિ થઈ શકશે ! તેનાથી જ પરાધીન ભારતને તેની ગૌરવશાળી ઓળખનું પુન: સ્મરણ થઈ શકશે. હવે ભારતવર્ષ પુન: તેના આત્માની ખોજમાં લાગી પડ્યું છે અને ભારતવર્ષની જે વિશેષતા-વિશિષ્ટતા છે તેનું નિદર્શન કરવા માટે ભારતની યુવાપેઢી ભારતમાતાના આત્મસન્માનને પુન: સુપ્રતિષ્ઠ કરવા સક્રિય થઈ રહેલ છે.
 
ભારતના જાહેરજીવનમાં અત્યારે જે રાષ્ટ્રવ્યાપી ચર્ચા ચાલે છે, તે સંદર્ભમાં સ્વામી વિવેકાનંદજીના ઉપરોક્ત વિચારોમાં ધર્મના અધિષ્ઠાનપૂર્વકના રાષ્ટ્રભાવનાં બીજ જોવા મળે છે, તેનો ઇન્કાર કરી શકાય તેમ નથી. વિવેકાનંદજીમાં એક તરફ ‘હિન્દુ’ હોવાનું ગૌરવ અને તે સાથે જ તેમના મહાન ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની સમન્વયિક આધ્યાત્મિકતાનું સંયોજન થયેલું જોવા મળે છે. (પશ્ર્ચિમી ચિંતનમાં ઉદારમતવાદ એટલે ‘સહિષ્ણુતા’ માત્રથી અટકી જવું. ભારતીય ચિંતન અન્યને માત્ર સહી લેવાની વાત આગળ અટકી પડતું નથી. વૈદિક ચિંતનમાં ‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ નિખિલ બ્રહ્માંડના પ્રત્યેક અણુ-પરમાણુમાં અંતર્નિહિત એકત્વની પરિકલ્પના છે, (જેને કૉસ્મિક કોન્શ્યસનેસ - બ્રાહ્મીચેતના પણ કહે છે !) એટલે જ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ચિંતન ‘સર્વધર્મ સહિષ્ણુતા’ કે ‘સર્વધર્મ સમભાવ’ સુધી આવીને અટકી જતું નથી. પરંતુ તેમના મતે ભારતીય દર્શન એટલે ‘સર્વધર્મ મમભાવ’ - બધા જ ધર્મ મારા છે. દરેક ધર્મ એક જ સત્ય ઉચ્ચારે છે. જેમ અનેક નદીઓ તેના વાંકા-ચૂંકા માર્ગે વહીને, છેવટે એક જ સમુદ્રમાં મળે છે તેમ; વિવિધ પંથ-સંપ્રદાય એક જ ઈશ્ર્વરને પહોંચવાના વિવિધ માર્ગો છે. ગમે તે માર્ગે જાવ. છેવટે તે એક જ ઈશ્ર્વરને મેળવી આપશે ! આ છે હિન્દુ જીવનદર્શન ! જે પરંપરાગત અર્થમાં કોઈ ચોક્કસ જડબેસલાક ઉપાસન પદ્ધતિ કે મત-સંપ્રદાય નથી જ ! તેથી જ ભારતીય ચિંતનમાં કોઈની જમીન-સંપત્તિ છીનવી લેવાનો કે જીતી લેવાનો ખ્યાલ નથી, પરંતુ પોતાના મનને જીતી લેવાનો ભાવ રહેલો છે !
 
સ્વામી વિવેકાનંદજી તેમના વ્યવહારુ વેદાંત વિશે વાતની સુપેરે માંડણી કરતાં કહે છે કે, આપણે આપણી ધાર્મિકતા-આધ્યાત્મિકતાને પર્વતોની ગુફાઓ અને ગિરિશ્રૃંગો ઉપરથી તળ ધરતી ઉપર સામાન્ય લોકસમૂહવગી કરવાની અનિવાર્યતા છે. જેનાથી સમગ્ર રાષ્ટ્ર અને આખોયે સમાજ જાગી ઊઠવો જોઈશે ! એટલે જ વિવેકાનંદજી જૂના ધર્મને સ્થાને નવા ધર્મની વ્યાખ્યા આપતાં જણાવે છે : "જૂના ધર્મો ઈશ્ર્વરમાં શ્રદ્ધા સાથે આપણને જોડે છે. નવો ધર્મ પોતાની જાતમાં શ્રદ્ધા મૂકવાનું શીખવે છે. આ રીતે ‘આત્મદીપો ભવ:’ એ જ ખરી આસ્તિકતા છે ! સ્વામીજીનો આ મૌલિક વિચાર સ્વાર્થ પ્રેરિત નથી. પરંતુ માત્ર પોતાની જાતમાં જ શ્રદ્ધા-વિશ્ર્વાસ નહીં, માનવમાત્રની ભલાઈમાં વિશ્ર્વાસની ભાવના ઉજાગર કરે છે, કારણ કે સચરાચર સૃષ્ટિ એક જ ગુણાતીત-ભાવાતીત પરમબ્રહ્મનો જ આવિષ્કાર છે !
 
સ્વામીજીનું આ ચિંતન સંકીર્ણ રાષ્ટ્રવાદ સામે પણ ચેતવણી આપે છે. (‘રાષ્ટ્રવાદ’, ‘રાષ્ટ્ર-રાજ્ય’ જે આધુનિક અર્થમાં પ્રયોજાય છે, તે પશ્ર્ચિમી ચિંતનમાંથી આવેલું છે. જે સંઘર્ષમૂલક છે. જ્યારે વૈદિક રાષ્ટ્રભાવ માત્ર ભૂરાજકીય નહીં. ભૂસાંસ્કૃતિક પણ છે.) એટલે જ સ્વામીજી ભારતવર્ષનાં દીન-દુખિયાંની વેદનાને સશક્ત વાચા આપતાં જણાવે છે : લાખો દેશબાંધવો આજે ભૂખ-તરસ, વ્યાધિથી ઉત્પીડિત છે. આવું સદીઓથી તેઓ સહન કરતાં રહ્યાં છે. તમને લાગે છે કે, આપણા રાષ્ટ્ર ઉપર, સમાજ ઉપર અજ્ઞાનતાનું કાળું વાદળ છવાઈ ગયું છે ?! શું તેનાથી તમારી ઊંઘ હરામ થઈ જતી નથી ?! આવી વિષમ પરિસ્થિતિનો એકમાત્ર ઇલાજ છે : મુક્તિ અપાવનારી સાચી વિદ્યા-કેળવણી ! એ માટે સ્વામીજી તેમના સન્યાસી-બાંધવોને લોકશિક્ષણના કામે લાગી જવાનો અનુરોધ કરે છે.
સ્વામીજીએ ભવિષ્યવાણી કરી છે : હવે ‘શૂદ્રો’ કહેવાતા લોકોનું કચડાયેલાઓનું રાજ્ય સ્થપાશે! સ્વામીજી ઉમેરે છે, મારા પ્રિય દેશબાંધવો. આપણા સમાજના કથિત નિમ્ન-કક્ષાના લોકો, અજ્ઞાની લોકો, ગરીબો, અભણ, મોચી, ભંગી (સફાઈ કામદાર), એ સઘળાં આપણા જ રક્ત-મજ્જા-માંસ-સ્નાયુઓ છે ! એ આપણા જ બાંધવો છે ! આ રીતે સંપૂર્ણ રાષ્ટ્રનું-સમગ્ર સમાજનું આંતરિક-સ્વૈચ્છિક શુદ્ધીકરણ, એકરસતા, સમરસતાયુક્ત સુધારણાનો સ્વામી વિવેકાનંદજીનો હકારાત્મક (પોઝિટિવ) અભિગમ; આજના કથિત આંબેડકરવાદીઓને ગમશે નહીં જ ! કારણ કે સ્વામીજીનો અભિગમ પ્રાયશ્ર્ચિત્ત ભાવથી, આપણાં કેટલાક પૂર્વજોના પાપોને નષ્ટ કરવાનો રહ્યો છે. તેથી જ તેમાં સંઘર્ષ કે વેરવસૂલી નહીં, પરંતુ એકાત્મભાવનો સંદેશ રહેલો છે. પરંતુ કમનસીબે આજના સ્યુડો આંબેડકરવાદીઓ -વાસ્તવમાં તેઓ જેહાદી તત્ત્વો છે, - માઓવાદી-નક્સલવાદી છે, જેમને મન ભારતમાં નાત-જાતવાદને ખત્મ કરવો એટલે હિન્દુધર્મને જ ખત્મ કરવો એવો અર્થ કમનસીબે વ્યવહારમાં થઈ રહ્યો છે !
એવી જ રીતે પશ્ર્ચિમી અભિગમથી પ્રેરિત ભારતમાં ચાલી રહેલી નારીવાદી ચળવળ કરનારાઓને પણ સ્વામીજીની વાત જોખમી લાગે છે કે, સ્ત્રી એ પ્રથમ માતા છે અને છેવટે પણ માતા જ છે !
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક