પરિવર્તન રાતોરાત આવતું નથી એક પ્રેરણાત્મક પહેલ

    ૧૮-જુલાઇ-૨૦૧૮

 
 
બોબ મનરો કેનેડીયન આઈસ હોકીની નેશનલ ટીમના ખૂબ સારા પ્લેયર હતા. નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લીધા બાદ સામાજિક સેવાઓ કરવા માટે એ યુનોમાં જોડાયા અને આફ્રિકામાં એમની સેવાઓ આપી રહ્યા હતા.
 
એક દિવસ બોબ મનરો એમની કારમાં બેસીને આફ્રિકામાં આવેલી દુનિયાની સૌથી ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. મથારે ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલી ઝૂંપડપટ્ટી છે. બોબ મનરોએ જોયું તો ખૂબ મોટી સંખ્યામાં યુવકો એકઠા થયેલા હતા. બોબ મનરોએ એમની ગાડી ઊભી રાખી એમણે જોયું કે આ બધા યુવાનો ફૂટબોલ રમી રહ્યા હતા. ફૂટબોલ કાપડના ટુકડામાંથી બનાવેલો અને રમવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે કોઈ ફૂટબોલને પગથી લાત મારે એ પહેલા તો બીજો યુવક એમને લાત મારીને નીચે પાડી દે.
 
બોબ મનરોએ યુવાનોને પોતાની પાસે બોલાવ્યા. યુવાનો ચારે બાજુથી એમને ઘેરી વળ્યા. બોબે પોતાની પાસેના એક પેમ્ફ્લેટમાં રહેલ ફૂટબોલનું ચિત્ર યુવાનોને બતાવીને કહ્યું, ‘તમે જે બોલથી રમો છો એ બોલ ન ચાલે, ફૂટબોલ રમવા માટે આવો બોલ જોઈએ. હું તમારા માટે કાલે આવો બોલ લઈ આવીશ.’ બધા યુવાનો ખૂબ રાજી થયા.
 
બીજા દિવસે બોબ મનરો આ યુવાનો માટે થોડા ફૂટબોલ લઈને આવ્યા. બોલ યુવાનોને આપતા પહેલાં કહ્યું, ‘તમારે આ બોલથી રમવું હોય તો એના માટે સારું મેદાન જોઈએ એટલે ગંદગી સાફ કરીને મેદા તૈયાર કરો.’ યુવાનોને તો ફૂટબોલથી રમવું હતું એટલે એમણે ઝૂંપડપટ્ટીની આસપાસની ગંદકી સાફ કરીને ફૂટબોલ માટેના મેદાનો બનાવ્યા. નિયમ મુજબ જ ફૂટબોલ રમાય એ માટે ૧૯૮૭ની સાલમાં ‘મથારે ફૂટબોલ ક્લબ’ની સ્થાપના કરવામાં આવી. આ ક્લબના સભ્ય બનવું હોય તો એ માટે ફરજીયાત ભણવાનું એટલે યુવાનોએ ભણવાનું પણ શરૂ કર્યું.
 
ધીમે ધીમે ઝૂંપડપટ્ટીની ગંદકી સાફ થવા લાગી. યુવાનોએ ભણવાનું ચાલુ કર્યું એટલે એમના વિચારો પણ બદલાવા લાગ્યા. બોબ મનરોની નાની એવી શરૂઆતથી ગજબનું પરિવર્તન આવ્યું. હજારો યુવાનો ‘મથારે ફૂટબોલ ક્લબ’માં જોડાયા અને સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે બોબ મનરોને ૧૯૮૭માં આ કાર્યની શરૂઆત કરી અને ૪ વર્ષ બાદ ૧૯૯૧માં કેનેડીયન ફૂટબોલ ટીમના તમામ ૧૧ ખેલાડીઓ મથારે ઝૂંપડપટ્ટીના યુવાનો હતા.
 
મિત્રો, પરિવર્તન રાતો રાત ન આવી જાય. પરિવર્તન તરફનું પ્રથમ પગલું ખૂબ નાનું હોય પણ સમય જતાં સાચી દિશામાં ઉઠાવેલું પગલું કલ્પના પણ ન કરી શકાય એવું મોટું પરિવર્તન લાવી દે છે.