ભયંકર સામૂહિક આત્મહત્યાઓથી ઇતિહાસ ભરેલો પડ્યો છે!!

    ૨૧-જુલાઇ-૨૦૧૮   

 
 
જુલાઈના પ્રથમ અઠવાડિયામાં દિલ્હીના બુરાડી સંત નગરમાં એક જ પરિવારના ૧૧ લોકોએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તપાસ ચાલુ છે. કોઈ ઢોંગી ધુતારાએ એમને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને એકસાથે આખા પરિવારનો જીવ લઈ લેવા માટે પ્રેર્યા હોય અને આ પરિવારે મોક્ષની પ્રાપ્તિ માટે સામૂહિક આત્મહત્યા કરી હોય તેવું કહેવાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઝારખંડના હઝારીબાગમાં એક જ પરિવારના છ લોકોએ સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. બુરાડીની ઘટનામાં કારણ સ્પષ્ટ નથી. ઝારખંડની ઘટનામાં પરિવારનું દેવું વધી જતા સામૂહિક આત્મહત્યા થઈ છે. ઘટનાનાં કારણો ગમે તે હોય પરંતુ તેના મૂળમાં ઊંડા ઉતરીએ તો આ પ્રશ્ર્ન પરિવારનો પ્રશ્ર્ન છે. પારિવારિક જીવન જ્યારે પડકારરૂપ થઈ જાય અને પરિવારના મોભી પણ આવેલી સમસ્યાનો ઉકેલ ના લાવી શકે અથવા કોઈ પરિવાર અંધશ્રધ્ધા તરફ ધકેલાય ત્યારે સમાજમાં આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. આથી સામૂહિક આત્મહત્યાની આવી ઘટનાઓમાં પારિવારિક મુદ્દો પણ ઉપસ્થિત થાય છે. ઉપરાંત આ ઘટના બન્યા બાદ મીડિયામાં થયેલી ચર્ચામાં બીજો પણ એક મુદ્દો ઉઠ્યો. જેમાં કેટલાક લોકોએ હિન્દુ ધર્મ અને અંધશ્રધ્ધાને લઈને મનઘંડત ચર્ચાઓ કરી હિન્દુ ધર્મને સામૂહિક આત્મહત્યા સાથે સાંકળી બદનામ કરવાની કોશિષ કરી. હિન્દુ ધર્મ જીવનવૃત્તિ શીખવે છે જ્યારે આ સામૂહિક આત્મહત્યાઓ પરિવારમાં વકરેલી મૃત્યુવૃત્તિનું પરિણામ છે. ખરેખર તો આવી ઘટનાઓ અટકાવવા માટે પરિવારમાં સદ્ગુણોનું સિંચન આવશ્યક છે.
 

 
 
માત્ર હિન્દુ ધર્મની વાત નથી, ઈસાઈ, ઈસ્લામ જેવા અન્ય ધર્મમાં તો એવી અનેક ઘટનાઓ બની છે જેમાં ધર્મના નામે અંધશ્રધ્ધા ઉભી કરી સેંકડો લોકોને સામૂહિક આત્મહત્યા માટે પ્રેરવામાં આવ્યા છે. વિશ્ર્વમાં બનેલી આવી ઘટનાઓ જાણીએ અને પારિવારિક મૂલ્યોનું સંવર્ધન કરી તેના ઉકેલો લાવીએ. સૌ પ્રથમ જોઈએ અન્ય ધર્મોમાં બનેલી સામૂહિક આત્મહત્યાઓનો ઇતિહાસ.
ઇસાઈ, ઇસ્લામ અને સામૂહિક આત્મહત્યા
ઇસાઈ ગુરુની આજ્ઞાથી ૯૭૮ લોકોએ ઝેર ગટગટાવ્યું
 
૧૮ નવેમ્બર, ૧૯૭૮ અમેરિકાના દક્ષિણ ક્ષેત્રના ગુયાનાના જંગલમાં લગભગ ૯૭૮ લોકોએ તેમના ઇસાઈ આધ્યાત્મિક ગુરુ જીમ્સ જોન્સના એક જ આદેશ પર ઘાતક ‘સાઈનાઈડ’નો ડોઝ લઈને જીવનનો અંત આણ્યો હતો. જેમાં નાનાં બાળકો પણ હતાં, જેમને તેમનાં માતા-પિતાએ આ ઘાતક ઝેર આપ્યું હતું. આ ઘટનામાં ૯૧૨ લોકો માર્યા ગયા. જીમ્સ જોન્સના આ અનુયાયીઓ "જોન્સ ટાઉન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં એકત્ર થયા હતા. આ બધા વ્યક્તિઓ એ લોકો હતા જે અમેરિકાના રંગભેદથી અને સામાજિક ભેદભાવની સ્થિતિથી દૂર કોઈ શાંતિમય સ્વર્ગ જેવા ક્ષેત્રમાં જવા માગતા હતા. આ લોકો માટે જોન્સ સર્વસ્વ હતા, તેમના એક જ આદેશ પર તેઓએ સાઈનાઈડ જેવું ખતરનાક ઝેર પીધું હતું. આજે પણ વિશ્ર્વભરના મનોવૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ જે. જોન્સ આ રીતે ૧૦૦૦થી વધુ લોકો પર પ્રભાવ પાડી શક્યો. માનવશાસ્ત્રીઓએ લખ્યું કે જોન્સ વિશ્ર્વના માનસશાસ્ત્રમાં એક અનોખું ચેપ્ટર આલેખી ગયો, જેણે "પાવર ઑફ સિચ્યુએશનલ સોશ્યલ ઇન્ફ્લુઅન્સની થીયરીનાં આધારે નેતૃત્વ કરીને તેના અનુયાયીઓમાં મૃત્યુવૃત્તિ પેદા કરીને આત્મહત્યા તરફ દોર્યા હતા.
 

 
 

એક પાદરીએ ૫૦૦ શિષ્યોને બળી મરવા પ્રેરણા આપી
 
૧૯ માર્ચ, ૨૦૦૦ના રોજ યુગાન્ડાના એક ગામ કુન્હમાં એક પાદરી કે જેનું નામ જોસેફ હતું તેણે દુનિયાનો નાશ થવાનો છે એમ કહી એક ચર્ચમાં પ૦૦ શિષ્યોને ભેગા કરી ચર્ચના કમાડ બંધ કરી, અંદર કમાડ પર ખીલા ઠોકી શરીર પર જ્વલનશીલ પદાર્થો છાંટી બળી મરવાની પ્રેરણા આપી તે બધામાં મૃત્યુવૃત્તિ જાગ્રત કરી હતી અને જોતજોતાંમાં ૫૦૦ શિષ્યો બળી મર્યા.
 
કોઈ પણ શસ્ત્ર વગર સ્વેચ્છાએ આત્મહત્યા
 
ઇક્વેડોરના એક ટાપુ પર અંગ્રેજ સૈન્યની ટુકડીએ ત્યાંના એક આદિવાસી ગામને ઘેરો ઘાલ્યો. અંગ્રેજ ટુકડીએ જોતજોતાંમાં આખા ટાપુ પર કબજો જમાવી લીધો. અંગ્રેજ સૈનિકો પાસે લડવાનાં ઉત્તમ સાધનો હતાં, જ્યારે ત્યાંના રેડ ઇન્ડિયન્સ (આદિવાસી) લોકો પાસે સામાન્ય શસ્ત્રો હતાં. અંગ્રેજ ટુકડીની તાકાત જોતાં આદિવાસી ટુકડીના નેતાને લાગ્યું કે હવે જીવવું અશક્ય છે, તેથી તેણે આદિવાસી સમૂહને મરી જવાની આજ્ઞા કરી. આ આજ્ઞા સાંભળતાં આદિવાસીઓમાં મૃત્યુવૃત્તિ જાગી ઊઠી અને કોઈપણ શસ્ત્રના આઘાત સિવાય સ્વેચ્છાથી પ્રાણત્યાગ કર્યા. આ ઘટનાની નોંધ અંગ્રેજ ટુકડીના સેનાપતિએ જગત સમક્ષ મૂકી હતી.
 

 
  
અમને લોકોને સ્વર્ગનો દરવાજો દેખાય છે
 
માર્ચ ૨૬, ૧૯૯૭ના સાન ડિઆગોના ૯૧૧ કોલ સેન્ટરને એક સંદેશ મળ્યો, જેમાં માસ સ્યુસાઈડના ખબર અપાયા. પોલીસ પહોંચી તો ૨૧ પુરુષો અને ૧૮ મહિલાઓના મૃતદેહ પડ્યા હતા. દરેકે કાળા કલરના બ્લેન્કેટ અને કાળા રંગના એકસરખા નાઈકી શુઝ પહેર્યાં હતાં. કોઈના શરીર પર કોઈ ઘાવ કે ઝપાઝપીનાં નિશાન ન હતાં. પોસ્ટમોર્ટમમાં ખૂલ્યું કે તમામે એપલ જ્યુસ-વોડકા સાથે ઘાતક દવાનું કોકટેલ પીધું હતું. આ મૃતકોમાંના તમામ "હેવન્સ ગેઈટ (સ્વર્ગના દરવાજા) ગ્રુપના સભ્યો હતા. માર્શલ એપ્પલ વ્હાઇટ આ ગ્રુપનો વડો હતો. તેણે પણ આત્મહત્યા કરી હતી. તેણે મરતા પૂર્વે એક વીડિયો બનાવ્યો હતો. તે કહેતાં સંભળાયો કે ‘અમે લોકો હવે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ. અમને હેવન્સ ગેઈટ દેખાય છે. અમને સ્વર્ગમાં લઈ જવા માટે એક યુએફઓ આવી રહ્યું છે.’ આ એક ધાર્મિક ગ્રુપ હતું, જેને અમેરિકનો "યુએફઓ રીલીજીયસ મીલીયર્સ કલ્ટ - (પંથ) તરીકે ઓળખાવતા હતા. આ પંથમાં હ્યુમન ઇવોલ્યુશનરી લેવલમાં ગ્રેજ્યુએટ કરાવતું હતું અને જે ગ્રેજ્યુએટ થાય તે બધાને સામૂહિક આત્મહત્યાની છૂટ હતી. તેઓ એવું માનતા કે પૃથ્વીનો ગ્રહ રીસાયકલ થવાનો છે, જેથી જેઓએ બચવું હોય તેણે આ ગ્રહ છોડી જવો જોઈએ.

ઈસાઈ સંગઠનના લોકોએ હતાશામાં સામૂહિક આત્મહત્યા કરી
 
૧૯૮૪માં "ઓર્ડર ઓફ ધ સોલર ટેમ્પલ નામનું એક ઈસાઈ સંગઠન યુરોપમાં શરૂ થયું હતું. આ ધાર્મિક સંગઠન એલિએસ્ટર ક્રોલી અને ફ્રિમેન્સનરીના શિક્ષણ પર આધારિત હતું. આ લોકોને દૃઢ વિશ્ર્વાસ હતો કે પૃથ્વીનો વિનાશ નજીકમાં છે. આથી બીજા ગ્રહ પર સ્વર્ગ ઉતારીને તેના સભ્યોએ શાસન કરવું જોઈએ. જ્યારે તેમને થયું કે આ વિચાર સત્ય અને શક્ય નથી ત્યારે તે હતાશામાં સરી પડ્યા અને કશુંક પરિવર્તન લાવવાનો નિર્ણય પોતાના હાથ પર જ લઈ લીધો હતો. અનેક લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરનારા લોકોના પરિવારના કોઈએ આ વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તેમને ચોક્કસ બચાવી શકાયા હોત.
 

 
કયામતનો દિવસ
 
જાપાનમાં પાટનગર ટોકિયોમાં સબવેમાં પ્રાણઘાતક એવા સારિન ગેસનો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં તેમજ સેંકડો લોકો પ્રભાવિત થયા. આ ગ્રુપ ‘Doom’s Day’ (કયામતનો દિવસ) તરીકે ઓળખાય છે. આ ગ્રુપનો નેતા શોકો નામનો જાપાની નાગરિક છે. ૧૯૮૦માં આ પંથની સ્થાપના થઈ અને ૧૯૯૫માં સામૂહિક મૃત્યુની ઘટના બની. શોકો પોતે અંધ હતો. ૨૨ વર્ષ સુધી શોકો જેલમાં રહ્યો. આ પંથના પ્રભાવમાં અનેક બુદ્ધિજીવીઓ પણ હતા. તાજેતરમાં જ આ પંથના છ સમર્થકોને ફાંસી આપવામાં આવી છે.

૧૯૦૫ પાનાની સ્યુસાઈડ નોટ
 
અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતી ૩૫ વર્ષની મિસેલ હિસમેન પાંચ વર્ષથી સ્યુસાઈડ નોટ લખતી હતી. સતત ૧૯૦૫ પાનાની સ્યુસાઈડ નોટ લખ્યા બાદ ૧૮-૯-૨૦૧૦ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટી નજીક પિસ્તોલથી તેણે પોતાના પર ગોળી છોડી આત્મહત્યા કરી લીધી. તેણે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે "મૂલ્યો અને પરંપરાગત માન્યતાઓ બધું ખોટું છે. આપણું અસ્તિત્વ તદ્દન નિરર્થક છે. જીવન અને મૃત્યુ વચ્ચે જિંદગી પસંદ કરવાનું કોઈ કારણ નથી. આ વ્યક્તિગત આત્મહત્યા છે, પરંતુ તે સ્યુસાઈડ નોટમાંથી જે ભાવ ફલિત થાય છે તે મૃત્યુવૃત્તિ તરફ દોરે છે. આવા કુવિચારો જ ભવિષ્યમાં સામૂહિક આત્મહત્યાનું દૂષણ ઊભુ કરી શકે છે. આવા કુવિચારોમાંથી સંસ્કારસભર પરિવાર જ બચાવી શકે છે.

ઈસુ સ્વર્ગમાં લઈ જશે
 
૨૧ મે ૨૦૧૧નો એક કિસ્સો પણ આંખ ખોલનારો છે. આ દિવસે પાદરી હેરાલ્ડ કેમ્પિંગે એવી ભવિષ્યવાણી કરી કે, "હવે દુનિયાનો સર્વનાશ થશે અને ઈસુ પોતે આવી પોતાના સાચા અનુયાયીઓને સ્વર્ગમાં લઈ જશે. આવી ભવિષ્યવાણી લોકોને મૃત્યુવૃત્તિ તરફ ધકેલે છે.

ગેરમાર્ગે દોરતા ગુરુ
 
ગ્રીસ દેશમાં સોક્રેટિસના જમાનામાં તત્ત્વજ્ઞાનની એક શાખા હતી, જેમાં આત્મહત્યાને મોટી પ્રતિષ્ઠા આપવામાં આવતી હતી. આ પંથના તત્ત્વજ્ઞાનીઓ કહેતા કે, જીવન એક દુ:સ્વપ્ન છે અને તે જલદીથી પૂરું થઈ જાય તે જ સારું. આ પંથના ગુરુઓ લોકોને સમજાવતા કે આપઘાત એ સમજુ માણસનો શ્રેષ્ઠ માર્ગ છે. આજના અવકાશયુગમાં પણ એક વિચિત્ર ઘટના બની, જેમાં એક ગુરુના કહેવાથી ઝેર પીને ઢળી પડેલા અનુયાયીઓ જોવા મળ્યા છે. વિચિત્ર વાત એ છે કે શિષ્યો તો મૃત્યુ પામ્યા પણ આત્મહત્યાવાદી આ ગુરુ પૂરાં ૮૦ વર્ષ જીવ્યા હતા.

જન્નતની લાલચ આપી ઇસ્લામમાં આત્મઘાતીઓ તૈયાર થાય છે
 
સામૂહિક આત્મહત્યાની કલ્પના દરેક પંથમાં છે. ઇસ્લામમાં શહીદની કલ્પના કરવામાં આવી છે. જે મુજાહિદો મજહબ માટે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરે છે, તેમને જન્નત અથવા સ્વર્ગ મળે છે તેવા પ્રબળ ખ્યાલને આધારે આ મુજાહિદો સામૂહિક રીતે આત્મઘાતી પગલાં લે છે. ઇસ્લામમાં કેટલાક કટ્ટરપંથીઓ માઈન્ડ વોશ કરીને, જન્નતની લાલચ આપીને આત્મઘાતી બોંબરોનો મોટો કાફલો તૈયાર કરે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે મરનારને કબરમાં રહેવું પડે છે, પછી જન્નત કે જહન્નમ નક્કી થાય છે. પરંતુ પોતાના ધર્મ માટે સામે ચાલીને મોતને ગળે લગાડનારને કબરમાં પણ ન જવું પડે કે હિસાબ-કિતાબ પણ ના થાય, ડાયરેક્ટ જન્નતનશીન થાય. આવું કહી આ લોકો સેંકડોની સંખ્યામાં સ્યૂસાઈડરો તૈયાર કરતા હોય છે. એ લોકો ભલે જુદી જુદી જગ્યાએ મરે પણ સમૂહમાં આત્મઘાતી બનતા હોવાથી એ પણ સામૂહિક આત્મહત્યા જ છે.

જૌહર સામૂહિક આત્મહત્યા હરગિજ નથી
 
હિન્દુ ધર્મમાં એક સમયે હજારો નારીઓ આગમાં કૂદીને જૌહર કરતી હતી. કેટલાક લોકો એને સામૂહિક આત્મહત્યા કહે છે, પરંતુ જીવનથી હારીને, સમસ્યાઓથી પીડાઈને કે સ્વર્ગ કે મોક્ષની લાલચે એ મહાન નારીઓ જૌહર નહોતી કરતી. પોતાના રાજાઓની શહીદી બાદ યવનોનાં હાથમાં પોતાનું જીવન અને આબ‚ દૂષિત ના થાય તે માટે જૌહર કરતી હતી. મૃત્યુ હતું પણ જીવનને અજવાળવા માટેનું - આ માર્મિક ભેદ હિન્દુ અને અન્ય ધર્મની ફિલસૂફીમાં છે.

માનસશાસ્ત્રીઓ શું કહે છે ?
 
જાપાનમાં ગુરુ લાઓત્ઝેએ બે પ્રકારના શિષ્યોની વાત કરી છે. (૧) Deciple of life અર્થાત્ જીવનવૃત્તિવાળો શિષ્ય અને (૨) Deciple of Death અર્થાત્ મૃત્યુવૃત્તિવાળો શિષ્ય જે હંમેશા મૃત્યુનો વિચાર કરે છે.
સિગ્મંડ ફ્રોઈડ નામના ખ્યાતનામ મનોવૈજ્ઞાનિકે પણ માણસમાં રહેલી આ જ બે વૃત્તિઓની ચર્ચા કરી છે. (૧) ઇથોઝ = જીવનવૃત્તિ અને (૨) થેનેટોસ = મૃત્યુવૃત્તિ.
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગના મત અનુસાર જે દર્દીઓ સારવાર લે છે અને તે ૩૫ વર્ષથી ઉપરના તમામ દર્દીઓનો મુખ્ય પ્રશ્ર્ન જીવનને ધાર્મિક દૃષ્ટિકોણ આપવાનો છે. જે દર્દીઓ આવો દૃષ્ટિકોણ પામી શકતા નથી તેઓ પોતાની વ્યાધિમાંથી બહાર પણ આવી શકતા નથી. આ લોકો મૃત્યુવૃત્તિને શરણે થઈ જાય છે. તેમને જીવનમાં જીવનવૃત્તિનો આશરો લેવાની વાત કરી છે.
જાણીતા મનોચિકિત્સક જ્યોર્જ ઔરવેલે તેમના પુસ્તકમાં લખ્યું છે કે આ પ્રકારનો પ્રભાવ ડાયનામાઈટ જેવો છે, જે સારાં અને ખરાબ બન્ને પ્રકારનાં પરિણામ લાવી શકે છે. માનસશાસ્ત્રનો બીજો એક સિદ્ધાંત છે કે મોટાભાગના લોકો એવું માને છે કે આવું કંઈ મારી સાથે થઈ શકે નહીં. જ્યારે તે આવા આધ્યાત્મિક પછી તે સાચા હોય કે ઠગ, તેમના શરણે બહુ જલદી ચાલ્યા જાય છે. સોશ્યલ સાયકોલોજિસ્ટો તેને "પાવર ઑફ ક્રાઉડ કહે છે. આ અન્યના વર્તન પર પ્રભાવ પાડવાની કળા છે અને એક પરનો પ્રભાવ બીજાને અસર કરે છે અને તે પણ જોડાય છે. આ સોશ્યલ સાયકોલોજીનો જ ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ તેના અનુયાયી ઊભા કરે છે અને એમાંના લોકોને સામૂહિક આત્મહત્યા માટે પણ પ્રેરે છે.

હિન્દુ ધર્મ સાચી સમજ આપે છે...
 
કેટલાક ઢોંગી પાદરીઓ, મૌલવીઓ, બાબાઓ અને બાવાઓ લોકોને સતત એક જ પટ્ટી પઢાવ્યા કરે છે કે, જગતમાં બીજું બધું મિથ્યા છે ને અસલી કંઈ હોય તો એ જન્નત, સ્વર્ગ, મોક્ષ જ છે. આ મોક્ષ મેળવો તો જ બધી યાતનાઓમાંથી છૂટી શકો. સ્વર્ગ મેળવવું હોય તો બધાં ભૌતિક સુખો છોડવાં પડે, દૈહિક એષણાઓ બાજુ પર મૂકવી પડે. ધર્મના નામે આ બધું ઠલવાયા કરે છે ને મોટા ભાગના લોકો આ વાતો સાચી માની લે છે, કેમ કે તેમણે ધર્મને લગતાં સાચા પુસ્તકો વાંચ્યાં નથી. તેના કારણે સામે બેઠેલા ખૂમચાધારીઓ પર આંધળો વિશ્ર્વાસ કરે છે. ધર્મના નામે આવી મનઘડંત વાતો ઢોંગીઓ કર્યા કરે છે ને લોકોને ભરમાવ્યા કરે છે. પોતાનાં ધર્મની સાચી સમજ લોકોમાં કેળવાય એ આ સમસ્યાનો ઉપાય છે. હિન્દુ ધર્મ આ બાબતે સાચી સમજ આપે છે. હિન્દુ ધર્મગ્રંથ જીવન-મૃત્યુ વિશે ખૂબ ઉચ્ચ વિચારો રજૂ કરે છે તે જોઈએ.