૨૦૧૯માં લોકવિશ્ર્વાસની ખરી જીત એટલે ભવ્ય વિજય...

    ૨૭-જુલાઇ-૨૦૧૮   

 
 
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મામલે ગત અઠવાડિયે મોદી સરકાર સામે ટીડીપી દ્વારા લવાયેલ અવિશ્ર્વાસના પ્રસ્તાવ બાદ એનડીએનો વિજય થયો. મતદાનમાં એનડીએને ૩૨૫ મત મળ્યા અને કોંગ્રેસ સહિતના સંયુક્ત વિપક્ષોનું ૧૨૬ મતે કોકડું વળી ગયું. શિવસેના અને બીજુ જનતા દળના સાંસદોએ ગૃહનો બહિષ્કાર કરી ચર્ચા કે મતદાનમાં ભાગ ન લીધો.
 
શાસક અને વિપક્ષ બંનેએ આ પ્રસ્તાવની રમત રમવાનું નક્કી કર્યું. ટીડીપીને આંધ્ર રાજ્યમાં અને વિપક્ષી મોરચામાં પણ પોતાની પ્રમુખ વિપક્ષ તરીકેની ભૂમિકા ઉપસાવવી હતી. કોંગ્રેસને આ પ્રસ્તાવ મુદ્દે સરકાર પર પસ્તાળ પાડવાનો મોકો જોઈતો હતો. વિપક્ષોને લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષી એકતાનો દાણો પણ ચાંપી જોવો હતો. ભાજપ માટે વિપક્ષો રાજકીય વ્યૂહમાં કેટલા કાચા છે તે પુરવાર કરવાની વધુ એક તક ઊભી થઈ હતી.
 
રૂટિન અને કંટાળાજનક બની રહેનારી આ પ્રસ્તાવ પરની ચર્ચાને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘હગ’ આપીને તથા બાદમાં આંખ મિચકારી જરા મનોરંજક સાથે અપમાનજનક બનાવી દીધી.
 
નરેન્દ્ર મોદીને ભેટવાનું અને આંખ મિંચકારવાનું રાહુલનું કૃત્ય એમના પદને શોભે તેવું નહોતું. સ્પીકર સુમિત્રા મહાજને આ વર્તાવ સંસદની ગરિમા વિરુદ્ધનો હોવાની ટકોર કરી. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટીના અધ્યક્ષ રાહુલે જાહેરમાં કહ્યું કે, ‘હું સંઘ અને ભાજપનો આભારી છું કે તેમણે મને હિન્દુ, શિવજી અને કોંગ્રેસનો સાચો અર્થ સમજાવ્યો.’ આટલાં વર્ષો હિન્દુસ્થાનની ભૂમિ પર વિતાવ્યા છતાં આ વિદેશી માતાના પુત્રને અત્યાર સુધી ‘હિન્દુ’ કે ‘શિવજી’નો અર્થ ખબર નહોતી એ આઘાતજનક છે. રાહુલના કહેવા મુજબ એને ‘કોંગ્રેસ’નો અર્થ પણ ભાજપ-સંઘે શિખવાડ્યો એ મોટી વિડંબણા કહેવાય. જેની ગળથૂથી જ કોંગ્રેસની છે એ પણ જો આવું કહેતા હોય તો દુનિયા એને ‘પપ્પુ’ કહે એમાં કોઈ વાંધો હોઈ શકે ખરો ?
 
રફાલ વિમાન કોન્ટ્રાક્ટ, માર્કેટીંગના ‚પિયા ધનિકો પાસેથી મેળવવા, ચીની પ્રમુખની એજન્ડા વિનાની મુલાકાત વગેરે બાબતે ભાજપને ઘેરવાની કોંગ્રેસને તક મળી ગઈ હતી પણ આરોપ મુક્યા બાદ કોંગ્રેસ પાસે કોઈ નક્કર જવાબ નહોતા. સંસદમાં ભજવાયેલાં દૃશ્યો જોઈ પ્રશ્ર્ન જાગે છે કે ટીવી પર કોઈ નજારો સર્જવા માટે સંસદ રચાઈ છે? સંસદીય કાર્યવાહીનો મૂલ્યવાન સમય આ રીતે વેડફવો જોઈએ ?
 
રાહુલે એનડીએ સરકાર પર મૂકેલા આરોપો નરેન્દ્રભાઈએ આકરા શબ્દોમાં વખોડી નાંખ્યાં કે, કોંગ્રેસને પોતાનામાં અને પોતાની કાર્યશૈલીમાં વિશ્ર્વાસ નથી. આ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસીઓ એનડીએ સરકાર સામે નહીં પણ પોતાની જ સાથે ઊભેલા નાના વિપક્ષો પર કેટલો વિશ્ર્વાસ મૂકી શકાય તેની પરીક્ષા કરવા માટે લાવ્યા છે. કોંગ્રેસને સત્તામાં આવવાની ઉતાવળ છે એટલે જ વારંવાર તેમની જગ્યાએથી ઉઠીને અહીં આવે છે. એ લોકો મને ચોકીદાર નહીં ભાગીદાર કહે છે. હું ભાગીદાર પણ છું અને ચોકીદાર પણ છું. હું ગરીબોના દુ:ખનો ભાગીદાર છું.
 
આ ચર્ચાના આધારે મતદારો લોકસભા ચૂંટણી અંગે પોતાનો મત બાંધી લેશે તેવી આશા રાખવી પણ વધારે પડતી છે. ચૂંટણીને હજુ આઠથી દસ મહિનાની વાર છે અને રાજકારણમાં ક્યારેક એક રાતનો સમયગાળો પણ બહુ લાંબો ગણાઈ જતો હોય છે.
 
અવિશ્ર્વાસની આફત તો એનડીએ સરકારે અટકાવી દીધી અને ૩૨૫ મત મેળવી વિશ્ર્વાસ ટક્યો એ સરકારનાં પ્રજાલક્ષી કાર્યોની ફળશ્રુતિ છે પણ જનતાનો ‘વિશ્ર્વાસ’ મત જીતવો એટલો જ જરૂરી છે. એનડીએ એમાંય પાછી પાની નહીં કરે. ૨૦૧૯માં લોકવિશ્ર્વાસની ખરી જીત એટલે ભવ્ય વિજય.