નામ પાછળ સિંહ લખો, મૂછો રાખો, નબળા વર્ગની સતામણી હવે નહિ ચાલે...

    ૨૮-જુલાઇ-૨૦૧૮

 
 
 
રાજપૂત સમાજનો ઠરાવ : સામાજિક સમરસતાની દિશામાં આવકારદાયક પગલું
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નામની પાછળ ‘સિંહ’ લખવા બાબતે કે ‘મૂછો’ રાખવા બાબતે દલિતો તથા અન્ય પછાત કે નબળા વર્ગના લોકો સાથે અત્યાચારના કિસ્સાઓ બની રહ્યા છે. આ સમયે ગુજરાતભરના ક્ષત્રિય-રાજપૂત સમાજે તાજેતરમાં એક મહત્ત્વનો ઠરાવ પસાર કર્યો છે. ૨૪ જૂનના રોજ, ગુજરાતભરનાં કારડિયા, ભોમિયા, નાડોદા સહિત બનાસકાંઠા અને રાપર પંથકનાં ક્ષત્રિય-રાજપૂતો બનાસકાંઠાના નડેશ્ર્વરી સ્થળે એકઠા થયા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિક સચિવ કે.જી. વણઝારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સમરસતા વધે અને સમાજ હિત સધાય તે આશયથી આ મીટીંગ મળી હતી. જેમાં સમરસ સમાજ માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતનાં બદલાતા સામાજિક સમીકરણોના સંદર્ભમાં ગુજરાતના ક્ષત્રિય-રાજપૂત સમાજની મીટિંગનો દલિત અત્યાચાર સંદર્ભે આ ઠરાવ અહીં પ્રસ્તુત છે.
ઠરાવ : નબળા વર્ગની સતામણી બંધ કરી રક્ષા કરો
તાજેતરમાં મીડિયામાં પ્રસિદ્ધ થયા પ્રમાણે કોઈ નબળા કે દલિત વર્ગની વ્યક્તિ ઘોડેસવારી કરવાના કારણોસર, સુંદર વસ્ત્રો પહેરવા, નામ સાથે ‘સિંહ’ જોડવાથી અથવા ‘મૂછો’ રાખવાના કારણે તેમના ઉપર અત્યાચાર કરવાની કે તેનો વિરોધ કરવાની ઘટનાઓ માટે આજની આ ક્ષત્રિય - રાજપૂત સભા દુ:ખની લાગણી અનુભવે છે. આવી ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી તેનો વિરોધ કરે છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી તીવ્ર લાગણી વ્યક્ત કરે છે.
 
રાજ્ય વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા માટે ચોક્કસ ગુણ / વ્યવસાય ધરાવતા સમૂહો / વર્ગો હોઈ શકે પરંતુ તેનો અર્થ ઊંચ-નીચના ભેદનો નથી. ભારત દેશની ઉજળી પરંપરા રહી છે કે મહારાણા પ્રતાપના દાદા રાણા સાંગાની પૂત્રવધૂ મેવાડની મહારાણી મીરાબાઈ, બ્રહ્મજ્ઞાની રોહિદાસ ચમારની શિષ્યા હતી. અર્જુન સીધી લીટીના વારસદાર તુંવરવંશના રાજપૂત બાબા રામદેવે મેઘવાળ / વણકર ક્ધયા ડાલીબાઈની સાથે જ સમાધી લઈને સામાજિક સમરસતાનો સંદેશો આપીને આજથી અંદાજે ૫૦૦ વર્ષ પહેલાં રાજપૂતો અને દલિતો માટે રણૂજા પોખરણ રાજ્યમાં એક વારિગૃહ, એક પૂજાગૃહ અને એક સ્મશાનગૃહનો અમલ કર્યો હતો. મૂછો રાખવાવાળા કે નામ પાછળ સિંહ લખવાવાળા જ ક્ષત્રિયો કે બહાદુર છે તેવું નથી. દશરથપુત્ર રામ કે વસુદેવસૂત કૃષ્ણ કે પાંડવોના નામ પાછળ સિંહ નહોતું છતાં તેઓ ઉચ્ચ દેવ કોટિના ક્ષત્રિયો હતા અને ધર્મયુદ્ધથી અસુરો, રાક્ષસો અને દુષ્ટોનો નાશ ન કરીને ઘનઘોર યુદ્ધમાં ટીંટોડાના ઇંડાંનું પણ રક્ષણ કર્યું હતું. બ્રાહ્મણ ઋષિ પરાશરે દલિત માછીમાર કોળી મત્સ્યગંધા સાથે લગ્ન કરીને જગતને પુત્રરૂપે ભગવાન વેદ વ્યાસ આપ્યા. જેમણે અનેક શાસ્ત્રો અને મહાભારત/ગીતાની રચના કરીને હિન્દુ ધર્મનો પાયો નાંખ્યો અને ભીલ વાલ્મીકીએ રામાયણ આપ્યું. પાંડુપુત્ર ભીમના ભીલ ક્ધયા હિડીમ્બા સાથે લગ્ન ન થયા હોત અને વીર ક્ષત્રિય ઘટોત્કચ પેદા ન થયો હોત તો ભગવાન કૃષ્ણ પણ પાંડવોને કૌરવો સામે વિજય અપાવી ન શક્યા હોત. વેદ વ્યાસની દલિત કોળી માછીમાર માતા સત્યવતીના ભીષ્મના પિતા શાંતનું સાથેના પુન: લગ્નથી જ પાંડવો અને કૌરવો પેદા થયા હતા. પ્રખર તપસ્વી વિશ્ર્વામિત્રના સ્વર્ગની અપ્સરા ગણિકા મેનકા સાથેના અનૈતિક સંબંધથી જન્મેલી અને ત્યજાયેલી શંકુતલાના પેટે જન્મેલ ભરતના નામે જ આપણો દેશ ભારત કહેવાયો. ભગવાન રામે ભીલ મહિલા શબરીનાં એઠા બોર ખાઈને આદિવાસી સેનાની સહાયથી અહંકારી રાવણ સામે વિજય મેળવ્યો હતો.
 

 
 
ગુરુ ગોવિંદસિંહે દરેક જાતિને મુછો-દાઢી રખાવી પાઘડી પહેરાવીને, નામ પાછળ ‘સિંહ’ લખાવીને ક્ષત્રિય બનાવી વિદેશી આતંકવાદથી દેશને મુક્ત કર્યો હતો. મહારાણા પ્રતાપે ભીલોને તેમના બરાબર ‘રાણા’ની પદવી આપીને મેવાડ બચાવ્યું હતું. શિવાજીએ નાના-મોટા દલિત સમૂહોને લશ્કરમાં ભેળવીને પૂણેથી કાબૂલ સુધી ભારત માતાનો ધ્વજ ફરકાવ્યો હતો. સગાસંબંધી રાજા મહારાજાઓ ફૂટી ગયા ત્યારે સફાઈ કામદાર વાલ્મીકી વાલીબેન વડારણ બાઈએ જાત બલિદાન આપીને જૂનાગઢના કૃષ્ણવંશી રા’નવધણને બચાવીને ચૂડાસમા રાજવંશને બચાવ્યો હતો. પોતાના પુત્રનું બલિદાન આપીને પન્ના દાસીએ મેવાડના રાજવંશને બચાવ્યો ત્યારે મહારાણા પ્રતાપ મળ્યા હતા.
 
૧૯૪૭ પછી શારીરિક ક્ષમતાની કસોટીના આધારે ભારતીય લશ્કરમાં ભરતી થાય છે. લશ્કરમાં અનામત ન હોવા છતાં પણ નાની-નાની ધી જ જાતિઓના યુવાનો કે જેમની સંખ્યા અંદાજે ૭૦ ટકા છે, તેમાં ભરતી થઈને અપ્રતિમ બલિદાન આપીને ભારતમાતાની રક્ષા કરે છે. આવા સમાજો મળીને બૃહદ ક્ષત્રિય સમાજ રચાય છે.
 
વણકર કબીરના કરોડો ઉચ્ચ વર્ગીય શિષ્યો તેમજ ગંગા સતી, જેસલ જાડેજા અને મેકરણ દાદા જેવા ક્ષત્રિય સંતોના અનેક શિષ્યો ભગવાન શંકરાચાર્યએ પુન: જીવીત કરેલી ભારતની અદ્વૈત પરંપરાનાં અમૃતપાન કરીને તરી રહ્યા છે. ત્યારે આપણો હિન્દુ / ભારતીય સમાજ ગુજરાતમાં અને ભારતમાં જાતિવાદી / કોમવાદી દાવાનળમાં ન હોમાય અને પોતાની કુળ / જાતિની ઉજળી પરંપરાને જાળવીને સામાજિક સમરસતા સાથે સામાજિક ન્યાય માટે મથે અને નાના-મોટાના ભેદભાવ ભૂલી ‘સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:’ વેદમંત્રને પચાવી પ્રગતિ કરે, તેવો આજની ક્ષત્રિય રાજપૂત સભા ઠરાવ કરે છે.
ભારતીય સમાજમાં કોઈ ઉચ્ચ કે કોઈ નીચ નથી
 
આ પ્રસંગે ગુજરાત સરકારના અધિક સચિવ શ્રી કે. જી. વણઝારાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ક્ષત્રિય-રાજપૂતોનો ૫૦૦૦ વર્ષનો ત્યાગ, બલિદાન, સમર્પણનો ઇતિહાસ, મહાભારત / ભગવદ્ ગીતાની પૃષ્ઠભૂમિ યાદ કરાવી રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, નીતિ અને સમાજ માટે મરી જવાની ક્ષત્રિયોની ઉજળી પરંપરા પુન:વાગોળી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતમાં દરેક જાતિને પોતાની આગવી રહન-સહન, ખાનપાન, બોલચાલ, રીતિરિવાજ, સંસ્કાર-સંસ્કૃતિ અને પોતાના જ ગોળ/વાડામાં લગ્ન કરવાની સ્વીકાર્ય વ્યવસ્થા છે. પરંતુ તેનો અર્થ કોઈ ઊંચ અને કોઈ નીચ છે તેવો નથી. જાતિ પ્રથા એક પ્રકારની Self Help Group - Guild - મહાજન પ્રથા છે. જેનાથી સમાજ સંચાલન સરળ બને છે. સમાજ સ્વયંશિસ્ત લાદે છે અને રાજતંત્ર પર વ્યવસ્થાનું ભારણ ઓછું થાય છે. તેનો અર્થ એવો પણ નથી કે કોઈ સમાજ કે જાતિ મિથ્યાભિમાનમાં ચૂર થાય અને કોઈ લઘુતાભાવથી દબાઈ જાય. બંને બાબતો તંદુરસ્ત સમાજ માટે ઘાતક છે.