મંડુકાસન : પેટ અને પેટના આંતરડાના રોગ માટે ડાયાબિટીસ માટે આ આસન સારુ છે.

    ૦૫-જુલાઇ-૨૦૧૮

 
 
પરિચય : મંડૂકાસન મંડૂક જેવું આસન. મંડૂક એટલે દેડકો. આ આસન કરતી વખતે દેડકા જેવો આકાર થતો હોય તેને “મંડૂકાસન” કહેવામાં આવે છે.
 
સાવચેતી : પેટમાં કોઈ દુઃખાવો ઓપરેશન કે બી.પી.ની કોઈ સમસ્યા હોય તો ડોક્ટર કે યોગશિક્ષકની સલાહ લીધા પછી જ આસન કરવું.
 
સ્થિતિ : વજ્રાસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 
પદ્ધતિ : વજ્રાસનમાં બેસો. બન્ને પગની એડી જોડાયેલી રહેશે. તેની ઉપર નિતંબને ગોઠવીને ટટ્ટાર બેસી જાવ. હવે બન્ને હાથની મુઠ્ઠી વાળો. હાથના અંગૂઠાને મુઠ્ઠીની અંદર એવી રીતે ગોઠવો કે અંગૂઠાનો વાળી શકાતો હાડકાનો ભાગ જ મુઠ્ઠીની બહાર, ઉપરની તરફ દેખાય. બન્ને હાથની મુઠ્ઠી એવી રીતે ગોઠવો કે બન્ને હાથના નકલ્સ એકબીજાને ચીપકેલા રહે અને એ નકલ્સથી ચીપકેલ મુઠ્ઠીને બરોબર નાભિની નીચે મૂકો. શરીર ઉપરની તરફ ખેંચાયેલું સીધું અને ટટ્ટાર રાખો. જેથી નાભિની નીચેના ભાગમાં સહેજ દબાણ આપીને મુઠ્ઠી ગોઠવી શકાય. હાથના અંગૂઠાનો બહાર દેખાતો ઉપરનો હાડકાવાળો ભાગ પેટ પાસે દબાવવો જોઈએ.
 
હવે શ્વાસ છોડતા છોડતા સૌપ્રથમ કમ્મરેથી ધીરે ધીરે આગળનાં ભાગમાં ઝૂકો કમ્મરેથી બરોબર ઝુકાઈ ગયા પછી ધીરે ધીરે છાતી, ચહેરો નીચેની તરફ લાવો. આખરે જમીન ઉપર કપાળ કે માથું અડકાવી દો. બંને હાથની કોણીને જમીન તરફ ઢીલી મૂકી છે. હાથનાં અંગૂઠાનો હાડકા વાળો ભાગ પેટમાં દબાતા. પેટમાં દબાણ અને કમ્મરના ભાગમાં ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિ સંપૂર્ણ મંડૂકાસનની સ્થિતિ રહેશે. આ સ્થિતિમાં સામાન્ય શ્વાસોશ્વાસ લેવા અને રોકાઈ શકાય તેટલું રોકાવું.
પરત ફરવા માટે શ્વાસ લેતા લેતા સૌ પ્રથમ માથું કે કપાળ જે જમીનને અડકેલું છે તેને ઉપરની તરફ લઈ જાવ આ પછી… ચહેરો છાતી અને કમ્મરને ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાવ. વજ્રાસનની સ્થિતિમાં આવી ગયા પછી હાથને પણ મુક્ત કરો. મુઠ્ઠી છોડો રિલીઝ અને રિલેક્સ થાવ.
 

 
 
ધ્યાનમાં રહે :
 
- વજ્રાસનમાં નીચે નમતી કે ઝૂકતી વખતે. નિતંબ પગની એડીથી ઊંચકાઈ જવા જોઈએ નહીં. એ તો ચીપકેલા જ રહેશે.
- સૌપ્રથમ કમ્મરથી ઝૂકો પછી જ ચહેરો માથું ઝૂકવો.
- હાથની મુઠ્ઠી અને અંગૂઠાનો ઉપરને હાડકાવાળો ભાગ પેટના પોલાણમાં દબાવવો જ જોઈએ.
 
ફાયદા :
 
- પેટ અને પેટના આંતરડાને લાભ થાય છે.
- પેટ થાપા અને સાથળની ચરબી ઘટે છે.
- કમ્મરની નીચેના ભાગને સુદૃઢ બનાવે છે.
- પાચન તંત્રમાં સુધારો થાય છે.
- જાતિય ક્ષમતા વધારે છે. પ્રજનનતંત્રની મુશ્કેલીઓ દૂર કરે છે.
 
રોગમાં શ્રેષ્ઠ :
 
પેટ અને પેટના આંતરડાના રોગ માટે ડાયાબિટીસ માટે આ આસન સારુ છે.
સેકન્ડ વેરીયેશન : અહીં હાથની મુઠ્ઠી વાળવાના બદલે ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની મુઠ્ઠીને ગોઠવો અને આ ડાબા હાથની હથેળીને જમણા હાથની મુઠ્ઠી સાથે નાભિની નીચે ગોઠવો. અહીં જમણા હાથની મુઠ્ઠીમાં રાખવામાં આવેલ અંગૂઠાનું ઉપર તરફનું હાડકું પેટમાં દબાશે અને “પલ્સ” ને અનુભવ કરશે. બાકી બધી ક્રિયા ઉપર મુજબ જ રહેશે. માત્ર હાથની સ્થિતિ જ બદલાશે.