શ્રાવણમાસના શુભાઆરંભે એક સતી સ્ત્રી પર ભોળાનાથે વરસાવેલા આશીર્વાદની કથા…

    ૧૦-ઓગસ્ટ-૨૦૧૮   
 

 
 
 
સતી સિમંતીની વ્રત
 
વ્રતની વિધિ :
 
સોમવારનું અખંડ વ્રત કરતી કુંવારી કન્યા કે સોહાગણ સ્ત્રીએ પ્રત્યેક સોમવારે પ્રાતઃકાર્ય પતાવી નદી સ્નાન કરી શિવજીની પૂર્ણ શ્રદ્ધાથી આરતી કરવી. ઘેર આવી બાજોઠ પર ઘીનો દીવો કરી વાર્તા સાંભળવી. પછી જ એકટાણું કરવું.
 
વાર્તા :
 
પહેલાંના જમાનાની વાત છે. ચંદ્રસેન નામનો રાજા હતો. રાજા એટલે દેવાંશી, પ્રજા જ પુત્ર, પ્રજા જ પિતા એવું માનનારો પોતાની પ્રજા માટે પ્રાણ આપી દેવા તૈયાર એવો આ રાજા દાન-દક્ષિણા, ગરીબોના દુઃખોને દૂર કરનારો હતો. જાણે ઉજેણી નગરીનો પરદુઃખભંજન રાજા વિક્રમ જોઈ લો તેના રાજ્યમાં પ્રજા આનંદ મંગળથી રહેતી અને સંપત્તિવાન રાજાને બે રાણીઓ હતી. બધી વાતે રાજા સુખી હતો. પરંતુ એક જ વાતનું તેને દુ:ખ હતું. તેને ઘેર શેર માટીની ખોટ હતી. બંને રાણીઓ રાજાને સમજાવે છે કે, આપ બીજી રાણી લાવો. આપણા કુળમાં વારસ આવશે.
 
રાજા કહે કે નહીં આપણે કોઈનું ખરાબ કરવામાં શૂન્ય નથી કોઈને માટું બુરું ઇચ્છતા નથી, અને સાથે સાથે ઇષ્ટદેવ ભગવાન શંકરની પારી અખંડ સેવા શું એળે જશે ?
 
ના… મને મારી ભક્તિમાં વિશ્ર્વાસ છે ભગવાન ભોળાનાથ ઉપર મને અતૂટ વિશ્વાસ છે કે એકને એક દિવસ મહાદેવ મારા ઉપર કરુણા કરશે. કૃપા કરશે અને મારું વાંઝિયા મેણું ટળશે. માટે હવેથી આવી ગાંડી વાતો ન કરતાં.
 
એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાવ નારદજીને મારા દુ:ખનું કારણ પૂછું. કાંઈક રસ્તો મળશે એમ વિચારી રાજાએ દેવર્શી નારદજીનું સ્મરણ કર્યું. નારાયણ… નારાયણ કરતાં કરતાં નારદમુનિ આવે છે અને આશીર્વાદ આપતાં બોલ્યા, રાજન ! મને કેમ યાદ કરવો પડ્યો ? ત્યારે રાજા ચંદ્રસેને કહ્યું : મહારાજ આપ તો જાણો છો, તેમ છતાં આપના આશીર્વાદથી અહિંયા કોઈ જ દુઃખી નથી બસ આ રાજના વારસદારની ખોટ છે આપ કાંઈક ઉપાય બતાવો કે જેને લઈને અમારા ઉપર ભગવાનની કૃપા થાય. નારદજીએ તેનું ભવિષ્ય જોઈને કહ્યું, સંતાન સુખ નથી પરંતુ જો શ્રદ્ધા અને ભાવનાથી મહાયજ્ઞ કરો તો અવશ્ય ભગવાનની કૃપા થશે. આરંભેલો યજ્ઞ પૂર્ણ થાય પછી યજ્ઞની પ્રસાદી તારી રાણીને આપજે. તારા ભાગ્યમાં પુત્ર સુખતો નથી પણ મહાયજ્ઞ કરી પ્રભુને પ્રસન્ન કરીને જો પ્રસાદ તારી રાણકીને આપવામાં આવે તો શ્રી ભગવાન નારાયણની કૃપા થશે, અને તારે ત્યાં એક સુંદર કન્યા રત્નનો જન્મ થશે. આટલા આશીર્વાદ આપીને નારદજી જપતાં જપતાં અંતર ધ્યાન થઈ ગયા.
 
નારદજીની વાતથી રાજાને અતિ આનંદ થયો છે તેણે તુરત જ મહાયજ્ઞ કરવાની તૈયારીઓ કરવા માંડી નક્કી કરેલી તિથિ મુહૂર્ત આવ્યું છે. બધા દેવોનું આહ્‌વાન કરીને મહાયજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહૂતિ થઈ. રાજાએ મહાયજ્ઞનો પ્રસાદ રાણીઓને આપ્યો છે.
 
થોડા સમય પછી બંને રાણીમાં નાની રાણીએ પુત્રીને જન્મ આપ્યો. પછી તો જ્યોતિષીને બોલાવ્યા. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે દીકરીના જોષ જોઈને કહો. જ્યોતિષીએ કહ્યું, કુંભ રાશિ આવે છે. એટલે સિમંતિની નામ સારું છે અને આ કુંવરીને ચૌદ વર્ષે વિધવા થવું પડે તેવા યોગ છે. જ્યોતિષીની વાત સાંભળીને રાજાને ચિંતા થવા લાગી ત્યારે જ્યોતિષી કહ્યું કે, એક રીતે કુંવરીને પાછો રાજ્યનો યોગ છે માટે ચિંતા કરશો નહીં. ભગવાન શંકરની કૃપાથી કુંવરીનું સૌભાગ્ય પાછું મળશે.
 
દિવસે દિવસે કુંવરી મોટી થતી જાય છે, જ્યારે સિમંતીની ઉંમર પરણવા લાયક થઈ ત્યારે સિમંતીનીનું વેવિશાળ નૈષધ દેશના નળ રાજાના પુત્ર ચિત્રઅંગદ સાથે થયું.
 
સિમંતીનીની ઉંમર ચૌદ વર્ષની થવા આવી હતી. ત્યાં એક દિવસ પોતાની સખીઓ સાથે રમતા રમતા વાતમાને વાતમાં તેની જાણમાં આવી ગયું કે, પોતે ચૌદ વર્ષે વિધવા થશે તેવા યોગ છે. આ વાત જાણતાં તે જરા પણ, ગભરાયા વિગર પોતાના ઉપર આવનાર દુઃખ વિષે વિચાર કરવા લાગી. છેવટે કોઈ ઉપાય ન સૂઝવાથી સિમંતીની ચાર્વાક્ય ઋષિના પત્ની મૈત્રેથી પાસે ગઈ. સિમંતીનીને મૈત્રેયીએ પૂછ્યું, હે દીકરી ! ઉદાસ કેમ છે ? તને શું દુઃખ છે ?
 
ત્યારે સિમંતીએ કહ્યું, ‘હે માતા ! મેં સાંભળ્યું છે કે મારા પ્રારબ્ધમાં ચૌદને વરસે વૈધવ્યના યોગ છે. તો આપ મને તેમાંથી ઉગારવાનો કોઈ ઉપાય બતાવો. જેનાથી એ આવનારું દુઃખ અટકે.’
 
સિમંતીની વાત સાંભળીને મૈત્રેયીએ કહ્યું, બહેન ભાવિ કદી મિથ્યા થતં નથી. શ્રદ્ધાપૂર્વક શંકર-પાર્વતીનું પૂજન કર પાર્વતીની સેવા કર. તારા ઉપર ગમે તેટલું દુઃખ આવી પડે તેમ છતાં સોળ સોમવારના વરત અધૂરાં રાખીશ નહીં અને તેના ફળરૂપે આવનાર આપત્તિમાંથી ઉગરી જઈશ. આમ કહીને મૈત્રેયી સિમંતીનીને જવાની અનુમતી આપી.
 
પછી તો શ્રાવણ માસના પહેલા સોમવારથી જ સિમંતીની એ સોળ સોમવારના વ્રત આદર્યા છે. ઋષિ પત્નીના કહેવા મુજબ સિમંતીની દરરોજ શંકર પાર્વતીની પૂજા કરે છે. આમ થોડા વખત પછી સિમંતીનીનું લગ્ન ચિત્રઅંગદ સાથે આનંદ મંગળપૂર્વક થઈ ગયું. સિમંતીની પોતાને સાસરે ગઈ. ત્યાં પણ તેણે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક સોળ સોમવારનું વ્રત પૂજન ચાલું રાખ્યા.
 
આમ એક દિવસ સિમંતીની અને ચિત્રઅંગદ બંને જમનાજીને કિનારે ફરવા ગયા છે. ચિત્રઅંગદના મિત્રો નૌકા વિહા કરતાં હતાં. તેમણે ચિત્રઅંગદને જઈને પોતાની સાથે આવવા કહ્યું, સિમંતીની એ ચિત્રઅંગદને ના કહી પણ પોતાના મિત્રોનો આગ્રહ જોઈને ચિત્રઅંગદ નૌકામાં બેસી ગયો અને નૌકા નદીના પ્રવાહમાં આગળ વધવા લાગી. સિમંતીની નૌકાને જોઈ રહી છે એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું નદીના પાણી ઉછાળા મારવા લાગ્યા અને એક ઊછાળો એવો જોરદાર આવ્યો કે ચિત્રઅંગદ વાળી નૌકા પાણીમાં ઊંધી વળી ગઈ, નૌકામાં બેઠેલા નદીમાં તણાવા લાગ્યા.
 
કિનારે ઊભેલી સિમંતીનીએ આ દૃશ્ય જોયું અને બચાવો… બચાવો…ની બૂમો પાડી કલ્પાંત કરવા લાગી અને બેભાન થઈ ધરતી પર ઢળી પડી.
 
સિમંતીનીને બેભાન થઈ ગયેલી જોઈને દાસીઓ તેને મહેલમાં લઈ ગઈ અને મહેલમાં જ્યારે દાસીઓએ બનેલી વાત જણાવી એટલે મહેલમાં શોક છવાઈ ગયો.
 
આ બાજુ નૌકા ઊંધી વળી ગઈ, અને મિત્રો સાથે ચિત્રઅંગદ પણ ડુબાવા લાગ્યો, પણ સદ્‌ભાગ્યે તે જે જગ્યાએ પાણીમાં અંદરને અંદર ડૂબતો જ રહ્યો હતો તે જગ્યાએ પાતાળ લોકની નાગકન્યાઓ રમતી હતી. તેમણે ચિત્રઅંગદને ઉપાડી લીધો અને પછી પાતાળ લોકમાં પોતાના પિતા નાગરાજ પાસે લઈ ગઈ. નાગરાજને ચિત્રઅંગદ ઉપર દયા આવી. અને પોતાના નાગરક્ષકોને કહ્યું કે, જાવ આ નવયુવાનને દુવ્ય રથમાં બેસાડીને કિનારે પૃથ્વી લોકમાં મૂકી આવો.
 
આમ ચિત્રઅંગદ હેમખેમ નાગરાજની કૃપાથી કિનારે પહોંચી ગયો. યોગાનુયોગ સિમંતીની પણ આ વખતે જમુનાજીની પૂજા કરવા આવી હતી. ત્યાં જ પોતાના પતિને હેમખેમ આવતાં જોઈને સિમંતીની અને ચિત્રઅંગદ ભેટી પડ્યાં. પછી તો ચિત્રઅંગદે સર્વે હકીકત જણાવી અને કહ્યું કે તે તારા કરેલા સોળ સોમવારના વ્રતનું જ ફળ મળ્યું અને તારું અખંડ સૌભાગ્ય રહ્યું છે ત્યાં તો આખા નગરમાં ચિત્રઅંગદ પાછા આવ્યા છે તેવી વાત ફેલાઈ ગઈ અને નગરજનોએ પણ શ્રદ્ધા ભક્તિભાવથી વ્રત લેવાનો સંકલ્પ કર્યો છે.
 
આમ આનંદ મંગલમાં સમય જવા લાગ્યો. પછી તો મહાદેવની કૃપાથી સિમંતીનીએ દેવના ચક્કર જેવા આઠ પુત્રોને જન્મ આપ્યો છે. પુત્રીના વ્રતના પ્રભાવથી અને શંકર પાર્વતીની કૃપાથી સિમંતીનીની માતા મોટી ઉંમરે એક પુત્રીની માતા બની આમ સોળ સોમવારના વ્રતથી અને મહાદેવજીની કૃપાથી બધે જ આનંદ મંગળ વરતાયા છે.
 
હે મહાદેવજી ! સિમંતીનીને, તેની માતાને, ચિત્રઅંગદને ફળ્યા તેવા લખનાર, વાંચનાર, વ્રત કરનારા સાંભળનારા સર્વેને ફળજો અને સર્વેની મનોકામના પૂર્ણ કરજો.
 
જય મહાદેવજી બોલો, શંકર પાર્વતીની જય.. જય… જય…