...તો લોકમત ઘડનારાઓ ઉપરથી વિશ્ર્વાસ ઉઠી જશે

    ૧૬-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
તાજેતરમાં એક ઘટના બાબતે દેશમાં એક મોટી મીડિયા ટ્રાયલ ચાલી. ઘટના આ પ્રકારની હતી. ઝારખંડના રામગઢમાં ગોમાંસનો વેપાર કરતા હોવાની વાતે અલીમુદ્દીન અનસારી નામના શખ્સની આશરે ૧૦૦ લોકોના એક ટોળાએ હત્યા કરી નાખી. ઝારખંડની ફાસ્ટટ્રેક કોર્ટે કહેવાતા આઠ ગૌરક્ષક આરોપીઓને જનમટીપની સજા ફરમાવી. આરોપીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા. હાઈકોર્ટે આઠેય આરોપીઓની સજાને સસ્પેન્ડ કરી અને આઠેયને જામીન ઉપર છોડ્યા.
 
પણ ઘટનાની પરાકાષ્ટા હવે આવે છે. કેન્દ્રીય મંત્રી શ્રી જયંત સિંહાએ જામીન ઉપર મુક્ત થયેલા આ આઠેય આરોપીઓને પોતાના બંગલે બોલાવી તેમનું હારતોરાથી અને મીઠાઈથી સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રી દ્વારા થયેલા આરોપીઓના સ્વાગતની વાત મીડિયાએ ઉઠાવી લીધી. એક મંત્રી દ્વારા ગુનેગારનું સ્વાગત થયું તે બાબત દેશભરની ચર્ચાનો વિષય બની ગયો. દેશભરનાં અખબારોએ તેમના તંત્રીલેખોમાં, કોલમિસ્ટોએ તેમની કોલમોમાં, ટેલિવિઝન પર થતી ડિબેટમાં, કર્મશીલો દ્વારા થતા દેખાવોમાં, કહેવાતા બૌદ્ધિકો દ્વારા પ્રગટ થતા ચિંતનમાં ‘રાજનેતા અને ગુનેગાર’ વિષય પર જબરદસ્ત વિચારવલોણું ચાલ્યું. આખા દેશના વાયુમંડલમાં આ વિષયે ધમાચકડી મચાવી દીધી. એક કેન્દ્રીય મંત્રી આરોપીઓનું સન્માન કરે...! શરમ... શરમ...!
 
ભારત જેવા લોકશાહી દેશમાં આ પ્રકારની મીડિયા ટ્રાયલ ચાલે તેમાં કાંઈ નવું નથી. કેટલીક વાર તો દેશના બૌદ્ધિકો, ચિંતકો, એક્ટિવિસ્ટો મીડિયામેનો દ્વારા મૂલ્યોની હિફાજત માટે થતો આક્રોશભર્યો સંવાદ કે વાદ-વિવાદ આવકારપાત્ર પણ છે અને આ પ્રકારે થતી રાષ્ટ્રીય ચર્ચાઓ પ્રજાતંત્રને સ્વસ્થ અને તાજગીપૂર્ણ રાખવામાં ચોક્કસ લાભદાયક બની રહેતી હોય છે.
પણ થોડાક ભૂતકાળના અરસામાં ઘટેલી ચર્ચાસ્પદ ઘટનાઓ પરત્વે લોકમત ઘડનાર સમીક્ષકોની તટસ્થતા બાબતે ભારે શંકા-કુશંકા સેવાઈ રહી છે. આપણા દેશમાં કોઈ પણ ઘટના બાબતે લોકમત ઘડવામાં કહેવાતા બુદ્ધિજીવીઓ, કર્મશીલો, માનવતાવાદીઓ, સેક્યુલારિસ્ટો, ડાબેરીઓ અને ચોક્કસ મઝહબી પંથોના ટેકેદારો હંમેશા અગ્રેસર રહ્યા છે. આ લોકો વિશેષ કરીને રાષ્ટ્રવાદી કે હિન્દુવાદી હોવાની છાપ ધરાવતા લોકોની બાબતમાં બનેલી નાનકડી ઘટનાને પણ વરવું સ્વરૂપ આપી હિન્દુત્વને વગોવવામાં જરાય પાછા પડતા નથી. ક્યારેક આ લોકો નીર-ક્ષીર વિવેક ભૂલી કોઈ ચોક્કસ પક્ષ, નેતા, સંગઠન કે વિચાર-ધારાને લક્ષ્ય બનાવી હેતુપૂર્વકનો હોબાળો કરતા હોય તેવું લાગે છે. તો ક્યારેક ચોક્કસ રાજનેતાઓનાં કરતૂતોની પરાણે ઉપરછલ્લી ટીકા કરી તેમને મીડિયા ટ્રાયલમાંથી જતા કર્યા હોય તેવું પણ લાગે છે...
 
આ લેખમાં અમે દેશમાં બનેલી કેટલીક ચકચાર મચાવનારી ઘટનાઓ નોંધી છે, જેની બાબતમાં લોકમત ઘડનાર આ લોકોએ પક્ષપાતી વલણ દાખવ્યું છે અને બનેલી ઘટના બાબતે જે પ્રકારે રાષ્ટ્રીય વાતાવરણને આંદોલિત કરવું જોઈએ તેમાં તેઓ ઇરાદાપૂર્વક કાચા પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
આ રહી એ ઘટનાઓ...
 
ઘટના : ૧ ઇન્દિરા ગાંધીએ પ્લેન હાઈજેક કરનારાઓને ધારાસભાની ટિકીટો આપી
 
એ દિવસ હતો ૨૦ ડિસેમ્બર ૧૯૭૮નો. એરલાઇન્સ વિમાન ઈંઈ ૪૧૦ લખનૌથી વારાણસી જઈ રહ્યું હતું, જેમાં ૧૧૭ મુસાફરો હતા. એકાએક બે યુવકોએ વિમાનના મુસાફરોને જીવલેણ હથિયારો બતાવી પ્લેનને હાઈજેક કર્યું અને ધમકી આપી કે વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારે શ્રીમતી ઇન્દિરા ગાંધીને જેલમાં પૂર્યા છે તેમને તાત્કાલિક મુક્ત કરો. નહીં તો તમામ મુસાફરો સહિત પ્લેનને ફૂંકી મારવામાં આવશે.
 

 
 
ઇન્દિરા ગાંધીને ભ્રષ્ટાચારના કેટલાક આરોપોસર જેલમાં પૂરવામાં આવ્યાં હતાં. ધમકી આપનાર આ બંને યુવાનો યુવક કોંગ્રેસના નેતા હતા. એકનું નામ ભોલાચંદ્ર પાંડે અને બીજાનું નામ દેવેન્દ્ર પાંડે. વડાપ્રધાન મોરારજી દેસાઈએ પ્લેનના હાઈજેકરોને જબ્બે કરવાની સૂચના આપી. આખરે બંને યુવકો સરેન્ડર થયા. બંનેને દોઢ વર્ષની સજા થઈ. પ્લેનને હાઈજેક કરવું તે કાયદાની ભાષામાં આતંકવાદી કૃત્ય ગણાય. પણ આ બંને ગુનેગાર યુવકો બાબતે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ શો નિર્ણય કર્યો તે જાણવું છે ? આ બંને ગુનેગારોને તેમણે ૧૯૮૦ની ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ટિકિટો આપી અને ચૂંટણીમાં આ બંને ગુનેગારો ચૂંટાઈ પણ ગયા. હવે જેલવાસ ભોગવી ચૂકેલા આ ગુનેગારનું શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાજકીય પદ આપી સન્માન કર્યું તે બાબતે દેશના બૌદ્ધિકો, ચિંતકો, મીડિયામેન શું સમીક્ષા કરશે ? એક પૂર્વ વડાપ્રધાને હાઈજેકરોને આપેલા આશીર્વાદ બાબતે શું દેશને આંદોલિત કરવામાં આવ્યો હતો ખરો ?
 
ઘટના : ૨ શ્રીનગરમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનો વિરોધ કરનાર મહંમદશફીને રક્ષણ રાજીવ ગાંધીએ આપ્યું હતું
 
સન ૧૯૮૮માં મહાત્મા ગાંધીના જન્મદિવસે શ્રીનગરની હાઈકોર્ટના પ્રાંગણમાં ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની હતી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ. આર. પાઠકના વરદ્ હસ્તે પ્રતિમાની સ્થાપના થનાર હતી, પરંતુ શ્રીનગરના વકીલોએ ગાંધીજીની પ્રતિમા મુકાય તેનો વિરોધ કર્યો અને હિંસક આંદોલન કરી ભાંગફોડ કરવાની ધમકી આ વકીલોએ આપી. સરકાર ડરી ગઈ અને ગાંધીજીની પ્રતિમા સ્થાપવાનો કાર્યક્રમ આખરે રદ કરવામાં આવ્યો. આપણે એ જાણવું છે કે ગાંધી પ્રતિમાનો વિરોધ કરનાર આ આગેવાન વકીલ નેતા કોણ હતા ? આંદોલનના આગેવાન નેતા હતા મહંમદ શફી ભટ્ટી. વડાપ્રધાન રાજીવ ગાંધી જ્યારે જ્યારે કાશ્મીર પ્રવાસે હોય ત્યારે આ મહંમદ શફી ભટ્ટીને હંમેશાં પોતાના પ્રવાસમાં તેઓ અવશ્ય પોતાની સાથે રાખતા. રાજીવ ગાંધીના પરમ મિત્ર હોવાથી અને તેમના દબાણથી મીડિયાએ આ ઘટના બાબતે મૌન સેવ્યું હતું.
 
ઘટના : ૩ વડાપ્રધાન મનમોહનસિંહે જનમટીપ પામેલાને આયોજન પંચમાં નીમ્યા
 
ડૉ. વિનાયક સેન નામના શખ્સ છત્તીસગઢમાં ખુલ્લંખુલ્લા માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. તેઓ નકસલીઓને ગુપ્ત માહિતી પહોંચાડતા હતા અને નકસલીઓ આ માહિતીને આધારે ભાંગફોડ, હત્યાઓ અને વિસ્ફોટો કરતા હતા. નકસલીઓને માહિતી પહોંચાડવાના કાર્યમાં તેઓ રંગે હાથ પકડાઈ ગયા. તેમના પર કેસ ચાલ્યો. પુરાવા પ્રાપ્ત થતાં છત્તીસગઢની સેસન્સ કોર્ટે વિનાયક સેનને જન્મટીપની સજા કરી. ૨૦૦૭થી છત્તીસગઢ સરકારે તેમને બે વર્ષ માટે જેલમાં પૂરેલા. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા. માઓવાદીઓએ વિનાયકને મુક્ત કરાવવા પોસ્ટર્સ લગાવ્યાં.
 

 
 
માઓવાદીઓએ ઓરિસ્સાનાં એક રેલવે સ્ટેશનને પણ ઉડાવી દીધું... જામીન પર છૂટેલા આ ગુનેગાર વિનાયક સેનને વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની કેન્દ્ર સરકારે તા. ૧૩-૫-૨૦૧૧ના રોજ કેન્દ્રના આયોજન પંચની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરી અપરાધીનું બહુમાન કર્યું. આરોગ્યક્ષેત્રમાં બારમી પંચવર્ષિય યોજના માટે રણનીતિ તૈયાર કરવામાં પંચને સલાહ આપવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. આ ઘટના સામે દેશમાં બૌદ્ધિકો, મીડિયામેનોએ કેટલી ચર્ચા કરી હતી ? શા માટે અડધાપડધા મનથી જ મામલો થાળે પાડી દીધો હતો ? આપણને આશ્ર્ચર્ય થશે કે વિનાયકને છોડાવવા અમર્ત્યસેન, રાજેન્દ્ર સચ્ચર, વૃંદા કરાત, અપર્ણા સેન, એમેન્સ્ટી ઇન્ટરનેશનલના નેતાઓ સૌ બહાર આવી ગયા હતા. આ બધા માનવતાવાદીઓના દબાણથી મીડિયાકર્મીઓ શાન્ત થઈ ગયા હતા. શા માટે ગુનેગારને બચાવવા આ લોકો બહાર આવે છે ?
 
 ઘટના : ૪ શરદ પવારે આતંકી ઈશરતના પરિવારને ૧ લાખ રૂપિયાની મદદ કરી હતી
 
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે મુંબઈથી આવેલ ઈશરત જહાં અને તેના ત્રણ સાથીદારો જાવેદ, અમજદ અલી રાણા અને જિશાન જૌહર અમદાવાદમાં ૧૫ જૂને થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. આદત મુજબ વિપક્ષો, સેક્યુલારિસ્ટો માનવતાવાદીઓએ કાગારોળ કરી મૂકી કે ઈશરત આતંકવાદી ન હતી. તે નિર્દોષ હતી. નિર્દોષ એવા ચાર લોકોને પોલીસે મારી નાખ્યા છે. મહારાષ્ટ્રના ઈશરત જહાઁના રહેઠાણ મુંબ્રામાં એક જાહેરસભા કરવામાં આવી.
 

 
 
આ જાહેરસભામાં એન.સી.પી.ના નેતા શરદ પવારે મંચ પર ઉપસ્થિત રહી ભાષણ કરતા કહ્યું કે, ‘ઈશરત જહાઁ એક નિર્દોષ યુવતી હતી. તેમ છતાં તેને ત્રાસવાદી ચીતરી તેની હત્યા કરી છે. સભા બાદ શરદ પવારે ઇશરતના પરિવારને એક લાખ રૂપિયાની રકમ મદદરૂપે આપી. પણ જ્યારે ઇન્ડિયન મુઝાહિદ્દીને ઇશરતને પોતાના ત્રાસવાદી સંગઠનની સભ્ય ગણાવી અને ઇશરતને ‘શહીદ’નો ખિતાબ આપ્યો ત્યારે સત્ય બહાર આવી ગયું કે, ઇશરત નિર્દોષ ન હતી પણ ત્રાસવાદી સંગઠનની સભ્ય હતી. તા. ૨૬/૧૧ની મુંબઈની આતંકી ઘટનાના કુખ્યાત આતંકવાદી ડેવિડ હેડલીએ પણ મુંબઈની અદાલતમાં કબૂલાત કરી કે ઈશરત જહાં લશ્કરે તોઈબાની આતંકવાદી સભ્ય હતી. પૂર્વ સંયુક્ત સચિવ એ. કે. જૈને પણ ઘટસ્ફોટ કર્યો હતો કે ઈશરત જહાંના મામલામાં પહેલા દિવસથી જ તેનાં આતંકવાદી કનેક્શન હોવાની જાણકારી અમારી પાસે હતી. આ વાત તેમણે ૨ માર્ચ ૨૦૧૬ના રોજ પ્રગટ કરી હતી.
 
ઘટના : ૫ ગૃહમંત્રી ચિદમ્બરમે આતંકી ઇશરતને બચાવવા એફિડેવિટ બદલી હતી
 
ગૃહમંત્રી પી. ચિદમ્બરમે આતંકી ઇશરત જહાંને બચાવવા સરકારી એફિડેવિટમાંથી તેના આતંકવાદી કનેક્શનને હટાવવા દબાણ કર્યું હતું અને નવી એફિડેવિટ બનાવડાવી હતી. જેમાં ઇશરતનાં આતંકવાદી કનેક્શનની વાતને રદ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારી જી. કે. પિલ્લાઈએ તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ કબૂલ્યું હતું કે, ઇશરત કેસમાં એફિડેવિટ બદલવાનો નિર્ણય મનમોહનસિંહની સરકારમાં રાજકીય સ્તરે થયો હતો. પૂર્વ ઉચ્ચ અધિકારી આર. કે સિંહે પણ કહ્યું હતું કે, ‘ઇશરત કેસમાં રાજકીય કારણોસર બીજી એફિડેવિટ કરવામાં આવી હતી. ચીફ અધિકારી આર. વી. એસ. મણીએ તો ત્યાં સુધી કબૂલાત કરી હતી કે, ‘મને સિગરેટના ડામ દઈ ઇશરતની બદલાયેલી એફિડેવિટ પર મારી સહી લેવામાં આવી હતી.’ ખુદ ચિદમ્બરમે તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ સ્વીકાર્યું હતું કે, ‘મારા કહેવાથી એફિડેવિટમાં બદલાવ કરાયો હતો અને મંત્રી હોવાના નાતે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.’ ગુનેગારોનો સફાયો કરવાની જેના શીરે જવાબદારી છે તેવા તત્કાલિન ગૃહમંત્રી આતંકીને બચાવવા નીકળી પડે ત્યારે આ દેશના લોકતંત્રનું રખોપુ કોણ કરશે ? રાજનેતા અને ગુનેગારના નાજાયજ સંબંધો બાબતે શું દેશને આંદોલિત કરવામાં આવ્યો હતો ખરો ?
 
ઘટના : ૬ અર્જુનસિંહે ભોપાલ ગેસ દુર્ઘટનાના આરોપી એન્ડરસનને પ્લેનમાં ભગાડી દીધા હતા
 
૨ ડિસેમ્બર, ૧૯૮૪ના રોજ ભોપાલની યુનિયન કાર્બાઈડમાં લીક થયેલા ઝેરી ગેસને કારણે ૧૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યા અને પચાસ હજારને ઝેરની અસર થતાં કેટલાક વિકલાંગ બની ગયા. ૭ ડિસેમ્બરના રોજ કંપનીના સીઈઓ એન્ડરસન ભોપાલ આવ્યા. ત્યાં તેમની ધરપકડ થઈ. તેમને કાર્બાઈડ કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રાખવામાં આવ્યા. તે વખતના કલેક્ટર મોતીસિંહે તરત જ તેમને જામીન આપી દીધા અને સરકારી પ્લેનમાં તેમને દિલ્હી મોકલી આપવામાં આવ્યા. અર્જુનસિંહ તે વખતના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા અને દિગ્વિજયસિંહ મિનિસ્ટર હતા. રાજીવ ગાંધીની સૂચનાથી અર્જુનસિંહે એન્ડરસનને છોડવાનો હુકમ કરેલો.
 

 
 
કેન્દ્રીય ગૃહસચિવ આર. ડી. પ્રધાને રાજીવ ગાંધીના કહેવાથી મધ્યપ્રદેશના મુખ્ય સચિવ બ્રહ્મપ્રકાશને ફોન કરી એન્ડરસનને મુક્ત કરી દિલ્હી મોકલવાનું ગોઠવ્યું હતું. કલેક્ટર મોતીસિંહ તથા એસ. પી. સ્વરાજપુરી પોતાની ગાડીમાં ગુન્હેગાર એન્ડરસનને મૂકવા ગયેલા. અર્જુનસિંહે એન્ડરસનને પ્લનેમાં બેસાડી વિદેશ ભગાડી મૂક્યા. રાજીવ ગાંધીના ભૂતપૂર્વ સેક્રેટરી પી.સી. એલેકઝાન્ડરે ઘટસ્ફોટ કર્યો હતો કે રાજીવ ગાંધીના આદેશથી એન્ડરસનને મુક્ત કરાયા હતા. જ્યારે તે વખતના ગૃહસચિવ કે. એસ. શર્માએ પણ કહ્યું હતું કે એન્ડરસનને છોડવાનો હુકમ અર્જુનસિંહે જ આપ્યો હતો. અલબત્ત આઠમી ડિસેમ્બરના ઈઈંઅ રિપોર્ટમાં રાજીવ ગાંધીની સૂચનાથી જ એન્ડરસન છૂટ્યા છે તેવી નોંધ થઈ છે. આ કોર્પોરેટ ટેરરિસ્ટને અર્જુનસિંહ અને રાજીવ ગાંધીએ પ્લેનમાં ભગાડી મૂક્યો. પંદર હજાર ભારતીયોની હત્યાના દોષિતને દેશના સી.એમ. અને પી.એમ. પોતાના સહિયારા પ્રયત્નોથી દેશબહાર સલામત રીતે ભગાડી મૂકે તેની તીખી અને તટસ્થ આલોચના શું આ દેશના બૌદ્ધિકો, કર્મશીલો, સેક્યુલારિસ્ટો અને મીડિયાકર્મીઓએ કરી હતી ખરી ? આ પાપ પર ઢાંકપીછોડો કરવા પાછળ કયા ઇરાદા હતા ?

ઘટના : ૭  ૫૮ નિર્દોષોને મારી નાખનારને બચાવવા કેરળની આખી વિધાનસભા મદદે આવી
 
૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ કોઇમ્બતૂરમાં વિસ્ફોટો થયા. આ વિસ્ફોટોમાં સદ્ભાગ્યે અડવાણીજી બચી ગયા. કુલ ૧૪ બ્લાસ્ટ થયા. આ વિસ્ફોટોમાં ૫૮ નિર્દોષોનો ભોગ લેવાયો. ૨૦૦ લોકો ઘવાયા અને ૧૬૬ આરોપીઓ પર કેસ દાખલ થયા. આ વિસ્ફોટોના કાવતરાખોર અલઉમ્માના સૂત્રધાર બશા અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના અબ્દુલ નાસેર મદની જવાબદાર હતા. ‘ઓપરેશન અલ્લાહો અકબર’ હેઠળ આ વિસ્ફોટો થયા. પરંતુ દુ:ખની બાબત એ હતી કે કોઇમ્બતુર બોંબ બ્લાસ્ટના આરોપી એવા કેરળના નાસેર મદની સામે ઇરાદાપૂર્વક ઢીલી તપાસ થઈ તેવા આક્ષેપો થયા. સરકાર પૂરતા પુરાવા ભેગા ન કરી શકવાને કારણે નાસેર મદની છૂટી ગયો. તેની મુક્તિના જશ્નમાં ખુદ કેરળના ગૃહમંત્રી આનંદની ઉજવણી કરવા ઉપસ્થિત રહ્યા હતા.
૨૦૦૬ એપ્રિલમાં સમગ્ર કેરળ વિધાનસભાએ માનવતાને ધોરણે સર્વાનુમતે આરોપી નાસેર મદનીને છોડવાનો ઠરાવ કર્યો. આશ્ર્ચર્યની વાત એ છે કે વિધાનસભા ગૃહમાં એક પણ સભ્યે આનો વિરોધ ન કર્યો. આ ઠરાવ કેરળની સીપીએમની સરકારે મૂક્યો હતો અને કોંગ્રેસે તેને ટેકો આપ્યો હતો. વાચકોને યાદ અપાવવું રહ્યું કે, ‘૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે ડાબેરીઓ નાસેર મદનીની પાર્ટી સાથે સમજૂતી કરી ચૂંટણી લડ્યા હતા. રાજનેતાઓ અને અપરાધીઓને ધિક્કારવા દેશના કર્મશિલો, એક્ટિવિસ્ટો, બૌદ્ધિકો અને મીડિયામેનોએ તેમની અપવિત્ર સાઠગાંઠ વિરુદ્ધ કેટલું પ્રજાજાગરણ કર્યુ હતું ?

ઘટના : ૮ રાહુલ ગાંધી ‘ભારત કી બરબાદી તક જંગ રહેગી’ પોકારનારાઓની પીઠ થાબડવા પહોંચી ગયા હતા
 
તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્હીની એક હૉસ્પિટલમાં સિયાચીનની બર્ફિલી ચાદર હેઠળ દટાયેલા દેશ માટે લડતા લાન્સનાયક હનુમંતથપ્પા અંતિમ શ્ર્વાસ લઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સંસદ પર આતંકી હુમલો કરનાર અફજલ ગુરુની ફાંસીની વરસીના દિવસે ઉમર ખાલિદની આગેવાની નીચે કેટલાંક દેશવિરોધી તત્ત્વો "ભારત કી બરબાદી તક જંગ રહેગી, ‘કિતને અફજલ મારોગે, ઘર ઘર સે અફજલ નીકલેગા’ અને ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ’ જેવા સૂત્રો પોકારતા હતા ત્યારે માથા ફરેલ આ યુવાનોની પીઠ થાબડવા ખુદ રાહુલ ગાંધી આ યુનિવર્સિટીમાં પહોંચી ગયા હતા. આવા યુવકોને હાફિઝ સઇદ સમર્થન આપે તે તો સમજી શકાય પણ જ્યારે રાહુલ ગાંધી પોતે આ યુનિવર્સિટીમાં જઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને સમર્થન આપે, તેમના હોંસલા બુલંદ બનાવે તેના જેવી કમનસીબ ઘટના દેશમાં બીજી કઈ હોઈ શકે ? જનમતના ઘડવૈયાઓએ રાહુલ ગાંધીની રાષ્ટ્રવિરોધી બાલિશતાને ફટકાર લગાવી હતી ખરી ?
 

 
 
ઘટના : ૯  સ્વામી શ્રદ્ધાનંદની હત્યાના હત્યારાને મહાત્મા ગાંધી ‘હત્યારો’ માનવા પણ તૈયાર ન હતા.
 
સ્વામી શ્રદ્ધાનંદ વકીલાત સુધી ભણ્યા હતા. તેઓ સ્વામી દયાનંદના પરમ ભક્ત હતા. સ્વામીજીના આદેશથી તેમણે સંન્યાસ લીધો હતો. હરિદ્વારમાં તેમણે ગુરુકુળની સ્થાપના કરી હતી. સ્વામીજી કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા હતા. જ્યારે ગાંધીજીએ ખિલાફત આંદોલન છેડ્યું ત્યારે સ્વામીજીએ આ આંદોલનમાં ભાગ લીધો અને તેમણે જેલવાસ પણ ભોગવેલો. પરંતુ હિન્દુઓના ધર્માંતરના પૂરને રોકવા માટે ધર્માન્તરિત લોકોને ફરીથી હિન્દુ બનાવવા તેમણે શુદ્ધીકરણ આંદોલન શ‚ કરેલું. સ્વામીજીના પ્રયત્નોથી ઇસ્લામમાં ગયેલા હજારો હિન્દુઓ ફરીથી હિન્દુ બનવા લાગ્યા. સન ૧૯૨૩ના પૂર્વાર્ધમાં માત્ર સંયુક્ત પ્રાંતના કેટલાક ભાગોમાં જ અઢાર હજારથી વધુ મુસ્લિમો પુન: હિન્દુ બન્યા. આ પ્રવૃત્તિથી કેટલાક કટ્ટરવાદી તત્ત્વો ગિન્નાયા અને ૨૩ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ અબ્દુલ રશીદ નામના એક ઝનૂની મુસ્લિમે સ્વામીજીના ઘેર જઈ તેમના દેહ પર રિવોલ્વરથી ચાર ગોળીઓ ધરબી દઈ તેમની હત્યા કરી નાંખી. કોર્ટમાં અબ્દુલ રશીદનો ગુનો સાબિત થયો અને તેને ફાંસીની સજા થઈ. ૧૯૨૬ના કોંગ્રેસના ગુવાહાટી અધિવેશનમાં સ્વામી શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ તો પારિત થયો પણ કોંગ્રેસી નેતા પટ્ટાભિ સીતારામૈયાના મત મુજબ અબ્દુલ રશીદ બાબતે ગાંધીજીનો અભિપ્રાય સાવ વિચિત્ર હતો. પટ્ટાભી સીતારામૈયાએ ‘કોંગ્રેસ કા ઇતિહાસ’ નામના પુસ્તકના પાના ૫૧૬ પર ગાંધીજી જે શબ્દો બોલ્યા હતા તેની નોંધ આ પ્રમાણે કરી છે. "મૈને અબ્દુલ રશીદ કો ‘ભાઈ’ કહા હૈ ઔર મૈં પુન: ઉસે ‘ભાઈ’ કહતા હૂઁ મૈં તો અબ્દુલ રશીદ કો સ્વામીજી કી હત્યા કા દોષી ભી નહીં માનતા વાસ્તવમેં દોષી તો વો હૈ જિન્હોંને એક દૂસરે કે વિરુદ્ધ ઘૃણા ફેલાઈ મહાત્મા ગાંધી આ શબ્દો કોઈ નબળી માનસિક ક્ષણોમાં બોલ્યા ન હતા, પરંતુ સોચી સમજીને અને મક્કમ મનથી બોલ્યા હતા. ‘રશિદ કો ભાઈ કહા હૈ ઔર મેં પુન: ઉસકો ભાઈ કહેતા હું’ આ ભારવાચક શબ્દોથી તેમનું મંતવ્ય સ્પષ્ટ થઈ જાય છે. તેમાં ભ્રમ રહેવાની જરાપણ ગુંજાઈશ નથી. તેથી પણ આગળ ગાંધીજીએ બંગાળી હિન્દુઓના લોહીથી હુબલી નદીને લાલ કરી નાખનાર સુહરાવર્દીને ‘શહીદ’ની ઉપમા આપી હતી અને કેરળમાં ખિલાફત ચળવળ દરમિયાન ૧૫૦૦ હિન્દુઓની હત્યા કરનાર મોપલા મુસ્લિમોને ધર્મભીરુ કહ્યા હતા. ફાંસી પામેલા અપરાધીને ‘ભાઈ’ કહી સન્માન કરનાર પ્રાત: સ્મરણીય ગાંધીજીનો બચાવ કેવી રીતે કરી શકાય ? શું તેમના આ વિધાન પર મીડિયા ટ્રાયલ ચાલી હતી ? બૌદ્ધિકોએ વિરોધ કર્યો હતો ? અપરાધીનું સન્માન કરનાર મહાત્મા ગાંધી વિષે આજના બૌદ્ધિકો, મીડિયામેનો શી સમીક્ષા કરશે ?
 

 
 
...તો લોકમત ઘડનારાઓ ઉપરથી લોકોનો વિશ્ર્વાસ ઉઠી જશે
 
લોકતંત્રમાં પ્રભાવી લોકમત અત્યંત મહત્ત્વનો છે. જે રાજ્યતંત્ર પર અંકુશનું કામ કરે છે. પણ યક્ષ પ્રશ્ર્ન એ છે કે આ લોકમત કોણ ઘડી શકે ? આઝાદી પૂર્વેના સમયમાં લોકમત ઘડનાર વિભૂતિઓ, સંસ્થાઓ, વિચારધારાઓ યોગ્ય ઢંગથી કામ કરતી દેખાતી હતી. પરંતુ દૂર્ભાગ્યે આઝાદી પ્રાપ્ત કર્યા પછી લોકમત ઘડનાર સ્તંભો ર્જીણ થતા હોય તેમ દેખાય છે. વર્તમાનમાં લોકમત બ્રેડ-બટર મીડિયામેનો, કહેવાતા બુદ્ધિજીવીઓ, દંભી એક્ટિવિસ્ટો, સ્યુડો સેક્યુલારિસ્ટો, પથભ્રષ્ટ લિબરલો, માનવતાવાદીઓ, ડાબેરીઓ અને મજહબી સંસ્થાના વડાઓ ઘડી રહ્યા હોય તેવું દેખાય છે. આ બધા લોકમત સર્જકો તટસ્થ ભાવે કામ કરતા ન હોવાના કારણે પ્રજાનો વિશ્ર્વાસ ગુમાવી રહ્યા હોય તેવું જણાય છે. વર્તમાન પત્રો, ટીવી ચેનલો વગેરે પ્રચાર માધ્યમોના માલિકો કોણ છે ? તેમાં ઉદ્યોગ જગત કે રાજકીય માંધાતાઓનો હિસ્સો કેટલો છે ? લોકમત જાગ્રત કરનાર એક્ટિવિસ્ટો કોના ઇશારે ચાલે છે ? મીડિયા ટ્રાયલ કરવાવાળા લોકો કોના આદેશથી કામ કરે છે ? વિદેશથી આંદોલનકારીઓને કેટલું ધન મળે છે ? આના સ્પષ્ટ ઉત્તરો આપણને મળી શકશે ખરા ?
 
આદરણીય સ્તંભલેખક પદ્મશ્રી ગુણવંત શાહના તા. ૮ જુલાઈ, ૨૦૧૮ના દિવ્ય-ભાસ્કરમાં પ્રગટ થયેલ લેખમાં તેઓશ્રીએ નોંધેલ એક અભિપ્રાયને પુન: ટાંકવાનું મન થાય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રાખી ચક્રવર્તીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તસ્લીમા નસરીન બોલ્યા હતા કે, ‘મેં જોયું છે કે ભારતના લિબરલ અને બૌદ્ધિક નાગરિકો ઘણું ખરું એક જ રાજકીય પક્ષનું તાણતા હોય છે. જેઓ પોતાને સેક્યુલર કહેવડાવે છે એવા ઘણા લોકો હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી જૂથો માટે સમાન ભાવે અવાજ ઊઠાવતા નથી... બધા જ વર્ગના કટ્ટરપંથી લોકો માટે જો તમે નિંદા કરવાના ન હો તો તમે સેક્યુલર પણ નથી અને લિબરલ પણ નથી.’
 
લેખમાં પ્રગટ કરેલી ઘટનાઓના સંદર્ભમાં કેટલું સૂચક વિધાન છે આ !