પ્રકરણ ૩ - ગુલાલને જોઈને એનાં રૂંવાડે રૂંવાડે લવ ફિલિંગ્સ ડાઉનલોડ થઈ જતી

    ૧૭-ઓગસ્ટ-૨૦૧૮   

 
અમદાવાદના હાઈફાઈ એરિયામાં આવેલા આલિશાન બંગલાનો ગેટ ઓપન થયો. સિક્યુરિટી ગાર્ડસે કરેલી સલામને પોતાના ટોપ પરથી સરકાવીને પાછળ ફેંકી દેતી મર્સિડિઝ બેન્ઝ અંદર પ્રવેશી. બંને છેડે બગીચો હતો અને વચ્ચે રોડ. આસપાસ ઊભેલા ઝાડ અને ફોરેન ઇમ્પોર્ટ ફ્લાવર્સના છોડ વચ્ચેથી પસાર થઈને ગાડી બંગલાના દરવાજે ઉભી રહી. નિખિલ ઊતર્યો અને રૂઆબભેર અંદર પ્રવેશ્યો. નિખિલ ડ્રોઈંગરૂમના સોફામાં ગોઠવાયો એ સાથે જ બંગલાનો રસોઈયો કિરણ એના માટે પાણી અને જ્યુસ લઈને હાજર થઈ ગયો.
 
જ્યુસ પીને એ ઊભો થયો ને પપ્પાના રૂમમાં પ્રવેશ્યો. એના પપ્પા મહેન્દ્રભાઈનું લકવાગ્રસ્ત શરીર મોટા બેડ પર લાકડું પડ્યું હોય એમ પડ્યું હતુ. મમ્મી બેડની ધાર પર બેઠાં હતાં. મહેન્દ્રભાઈનું ડાબી તરફનું આખું શરીર પથ્થર બની ગયું હતું. સ્પર્શની ભાષા સમજવી અને માણવી પણ હવે એ તરફના શરીરના ગજા બહારની વાત હતી અને સુનંદાબહેન એજ તરફના નિર્જીવ પગ પર હાથ ફેરવી રહ્યાં હતા.
 
‘મમ્મી, તું ડાબી તરફનો પગ દબાવી રહી છે.’ નિખિલે અંદર પ્રવેશતા જ કહ્યું. સુનંદાબહેને હસીને હાથને જમણા પગ પર મુક્યો અને બોલ્યા, ‘આવી ગયો બેટા !’
‘હા, મમ્મી! શું કહે છે પપ્પા?’
‘બીજું શું ! રોજ જે કહેતા હોય છે એ જ. એમને આ ઘરમાં વહુના ઝાંઝરનો રણકાર સાંભળવો છે. અને હવે તો હું પણ અધીરી થઈ ગઈ છું. છવ્વીસનો તો થયો. હવે કેટલી રાહ જોવરાવવી છે તારે ? ક્યાં સુધી અમારેય નોકરોના હાથનું જમવાનું ? વહુ એક કપ ચા બનાવીને પીવરાવશે તોય અમારે તો જલસા પડી જશે. એમાં પોતાનાપણાની સુગંધ હશે.’
‘બસ, બહુ જ જલદી ! ચિંતા ના કરો તમે !’
‘કોઈ છોકરી છે તારા ધ્યાનમાં ?’
‘હા.’
‘તો બોલતો કેમ નથી? ક્યારે લઈને આવે છે ઘરે ?’
‘કમિંગ સુન. ચાલો ગુડનાઈટ.’ જાણે કોઈ નવી ટીવી સિરિયલના લોંચિંગની એડવર્ટાઈઝ કરતો હોય એમ બોલીને નિખિલ બહાર નીકળી ગયો. એની મમ્મીનો અવાજ એની પીઠ પર ટપ્પી ખાઈને એના કાનમાં ઠલવાયો. ‘બેટા, જલદી કરજે હોં. હવે આ દેહનો કેટલો ભરોસો.’
 
 
રાતના બાર વાગવા આવ્યા હતા. બંગલાના ત્રીજા માળે આવેલા વેલ ઇન્ટિરીયર્ડ બેડરૂમના વેલ્વેટી બેડમાં આડા પડેલા નિખિલના કાનમાં હજુ એની મમ્મીના શબ્દો પડઘાઈ રહ્યાં હતા. ‘બેટા જલદી કરજે હો. આ દેહનો કેટલો ભરોસો.’ અને એણે નક્કી કરી લીધું કે બસ હવે ચટ્ટ મંગની અને પટ્ટ બ્યાહ.
 
એણે સૂવા માટે આંખો મીંચી પણ આંખો સપનામાં સરી પડી. આંખ સામે એક ગુલાબી ચહેરો તરવરી ઉઠ્યો. ગાલ પરથી વાળની લટ પણ સરકી જાય તો લોહીનો ટશિયો ફૂટી જાય એવો ચહેરો. એ ચહેરો જેને એ સમજણો થયો ત્યારથી પાગલની જેમ ચાહતો હતો. એ ચહેરો જેના પર મઢાયેલી બિલોરી આઈઝની કીકીમાં આજીવન સેવ થઈ જવા માટે એ આતુર હતો. એ ચહેરો જેને એના રૂંવાડે રૂંવાડે લવ ફિલિંગ્સ ડાઉનલોડ થઈ જતી.
 
ગુલાબના ફુલોના અર્કમાંથી બનેલો એ ચહેરો હતો ગુલાલનો. એના સપનાની રાજકુમારી હતી. પણ આજ સુધી એને કહેવાની હિંમત નહોતો કરી શકયો. આટલી મોટી કંપનીનો પાર્ટનર. જે એની વાક્છટાથી ભલભલા બિઝનેસ માંધાતાઓને આંજી નાંખતો હતો એ એક પચ્ચીસ વર્ષની નટખટ છોકરી સામે જીભ નહોતો ઉપાડી શકતો. જોકે હજુયે ના જ ઉપાડી શકત. પણ એની મમ્મીના છેલ્લા શબ્દોએ એનામાં હિંમતનો સંચાર કરી દીધો હતો. એણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય આવતીકાલે તો એ ગુલાલ સમક્ષ એના પ્રેમનો એકરાર કરી જ લેશે.
 
***
 
સવારના સાડા દસને પાંચ થઈ હતી. ગુલાલ હજુ હમણાં જ આવીને બેઠી હતી. હજુ તો એણે કોમ્પ્યુટર પણ ઓન નહોતું કર્યું ત્યાં જ ઈન્ટરકોમની રીંગ વાગી.
‘હાય, ગુલાલ! ગુડ મોર્નિંગ. ’
‘વેરી ગુડમોર્નિંગ નિખિલ, બોલ!’
‘આજે સાંજે તુ શું કરે છે?’
‘ખાસ કશું નહિં. ફ્રી જ છું.’
‘તો મારી સાથે ડિનર લઈશ?’
‘ક્યા બાત હૈ! કદી આઈસ્ક્રીમ પણ નથી ખવડાવી ને આજે ડાયરેક્ટ ડિનર? તબિયત તો સારી છે ને ?’
‘હા, તબિયત તો સારી જ છે. બસ. તું તૈયાર રહેજે. આપણે ઓફિસથી ડાયરેક્ટ જ જઈશું. કલાક વધારે મળશે તો થોડી વાતો પણ થશે.’
 
‘ઓ.કે. તૈયાર રહીશ. પણ એ તો કહે બીજું કોણ આવવાનું છે સાથે?’
‘બસ, આપણે બે જ. મેં કીધું ને કે મારે તારી સાથે થોડી અગત્યની વાત કરવાની છે. તું અત્યારથી જ બધું ના પૂછી લે. ચાલ ફોન મૂક અને સાડા છ વાગે તૈયાર રહેજે. તારા ડ્રાઈવરને સાથે આવવાની ના પાડી દેજે અને મમ્મીને પણ કહી દેજે કે મોડું થશે. રાત્રે હું જ તને ઘરે ડ્રોપ કરી દઈશ.’
 
‘ઓ.કે. ડિયર. ’ ગુલાલને હતું કે કોઈ કૌટુંબિક કે ઓફિસની વાત હશે. એણે ફટ દઈને હા પાડી દીધી.
સાંજના બરાબર સાડા છ અને પાંચે નિખિલ ગુલાલ માટે મર્સિડિઝનું ડોર ઓપન કરી રહ્યો હતો. એને જોઈને ગુલાલ ચોંકી ગઈ. રોજ એકદમ ફોર્મલ ઓફિસ વેરમાં રહેતા નિખિલે આજે ગેપનું પેપે જિન્સ અને ટી-શર્ટ પહેર્યા હતા. કાંડા પર ફેન્કમુલરની રીસ્ટ વોચ હતી. પગમાં અન્ડર આર્મરના સ્પોર્ટ શુઝ અને આંખે કિલર લૂપનાં ગોગલ્સ.
‘ઓહ માય ગોડ! યુ આર લુકિંગ સો હેન્ડસમ નિખિલ ! બહુ યંગ લાગે છે તુ આ ડ્રેસમાં.’
‘ખોટા વખાણ ના કર. હું ગમે તે પહેરું તારી આગળ તો ફિક્કો જ લાગીશ. ચાલ, ગાડીમાં બેસ.’
નિખિની ગાડી ગાંધીનગરની એમની કંપનીના ગેટમાંથી બહાર નીકળી અને થોડી જ વારમાં મેઈન રોડ પર આવી ગઈ. આમ તો ગુલાલ કેટલીયે વાર એની બાજુની સીટમાં બેઠી હતી. પણ આજે નિખિલને બહુ અલગ ફિલ થઈ રહ્યું હતું. એ બહુ રોમાંચિત હતો.
 
હોટલ આવી ત્યાં સુધી નિખિલે ગુલાલને અવનવી વાતોમાં ઉલજાવી રાખી. ફાઈવ સ્ટાર હોટલ ‘ગ્રાન્ડ ફૂડ’ના પાર્કિંગમાં કાર પાર્ક કરી નિખિલ ગુલાલને લઈને સીધો લિફ્ટમાં બેસીને ચોથા માળે પહોંચી ગયો. મંદ મંદ રોશની હતી. છીપલાંના તોરણોની આડશમાંથી કેન્ડલ લાઈટ ડિનર લઈ રહેલા કપલ્સ દેખાઈ રહ્યા હતા. નિખિલે છેક છેલ્લાં ખૂણા પર પસંદગી ઉતારી. બંને ત્યાં બેઠા. ગુલાલને થોડું થોડું સમજાઈ રહ્યું હતું. પણ એ કંઈ જ ના બોલી. માત્ર સંકોચ અનુભવી રહી હતી. નિખિલે એની પસંદગીની વાનગીઓનો ઓર્ડર આપી દીધો. થોડીવાર બંનેમાં મૌનનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું. ટેબલની વચ્ચોવચ્ચ સળગી રહેલી મીણબત્તીનો પ્રકાશ ગુલાલના ચહેરા પર પડી રહ્યો હતો. નિખિલ મટકુંય માર્યા વગર સહારાના રણની તરસથી એને પી રહ્યો હતો. ગુલાલને સમજાઈ નહોતુ રહ્યું કે આ વાતાવરણમાં વાત શું કરવી અને નિખિલ કાંઈ બોલી નહોતો રહ્યો. આખરે રાહ જોઈને ગુલાલે જ પોતાના ગુલાબી હોઠ ખોલ્યા. ‘નિખિલ હવે તો કહે શું કામ હતું ?’ નિખિલના ગળે શોષ પડ્યો. એણે ત્રણ વાર ખોંખારો ખાધો. બે વાર પાણી પીધુ પછી ખિસ્સામાં મૂકી રાખેલું એક નાનકડું ગુલાબ ગુલાલ સામે ધરતાં બોલ્યો. ‘ગુલાલ તું આ ગુલાબ કરતાંયે વધારે કોમળછે. આ ગુલાબને ખિસ્સામાં રાખી રાખીને હવે હું થાકી ગયો છું. મારી છાતીમાં ગુલાલ બેઠી છે એટલે આ ગુલાબ ફિક્કું લાગે છે. ગુલાલ, માત્ર ત્રણ શબ્દો કહેવા જ હું તને અહીં લાવ્યો છું. આઈ લવ યુ ગુલાલ. હું તને ખૂબ ચાહું છું. સમજણની સરહદમાં પગ મૂક્યો ત્યારથી તને પૂજું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે... વિલ યુ મેરી મી?’
 
કેન્ડલની રોશનીની આછા ઉજાસમાંય નિખિલે નોંધ્યું કે ગુલાલના ચહેરાએ રતાશ પકડી હતી. એનો ચહેરો લાલ બની ગયો હતો. એ નીચે જોઈ ગઈ. એના હોઠ સિવાઈ ગયા. નિખિલે ફરી કહ્યું. ‘ગુલાલ, જલદી બોલ. તારો જવાબ સાંભળવા મારા કાન વર્ષોથી તરસી રહ્યા છે. મને ખબર છે તું પણ મને પસંદ કરે છે. પણ મારે તારા મોંઢે સાંભળવું છે. જલદી બોલ ગુલાલ. વર્ષો તો વહી ગયા પણ આ ક્ષણો નથી જતી. કહી દે કે તું પણ મને પ્રેમ કરે છે.’
 
અને ગુલાલે હળવેકથી કહ્યું. ‘સોરી નિખિલ. હું તને પ્રેમ નથી કરતી.’ નિખિલને લાગ્યું જાણે ટેબલ વચ્ચે સળગતી મીણબત્તી કોઈએ એના હૃદય પર ચાંપી દીધી છે. એ પથ્થર બનીને ફાટેલા મોઢે એને તાકી રહ્યો. ગુલાલે એના હાથ પર હાથ મૂકી દીધો. ‘નિખિલ, ખોટું ના લગાડતો. પણ મેં તને ક્યારેય એ નજરે જોયો જ નથી. તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારી પોતાની કેટલીય ઈચ્છાઓ છે, સપનાંઓ છે, અરમાનો છે. આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ મી, અન્ડરસ્ટેન્ડ ના? ’
 
‘યા ! ડોન્ટ વરી.’ નિખિલે આંખમાં આવી પડેલાં ઝળઝળિયાંને માંડ માંડ ખાળ્યાં.
ગુલાલે એનો હાથ પકડી લીધો. ‘પણ આપણી ફ્રેન્ડશીપને આંચ ના આવવી જોઈએ. ઓ.કે. વચન આપ મને કે તું બદલાઈશ નહીં. ’
 
‘નહિં બદલાઉ બાબા? ચિંતા ના કર!’ નિખિલે હસીને એને વચન આપી દીધું. પછી બંને પેટ ભરીને જમ્યા. મોજમસ્તીની વાતો કરતાં કરતાં ઘર બાજુ રવાના થયા. રાત્રે અગિયાર વાગ્યે નિખિલે ગુલાલને એના ઘેર ઉતારી ત્યારે આખા રસ્તે નિખિલના જોક્સ સાંભળતી આવેલી ગુલાલ હસી હસીને બેવડ વળી ગઈ હતી. ગાડીમાંથી ઉતરીને એ નિખિલની સાઈડમાં આવી. નિખિલ પણ હસી રહ્યો હતો. એણે એના ગાલ પર હાથ ફેરવ્યો. ‘ડિયર, વેરી સોરી. એન્ડ ગુડનાઈટ.’
 
‘જો પાછું સોરી કહ્યું. હવે કહીશ તો કીટ્ટા કરી દઈશ. આપણી ફ્રેન્ડશીપ પણ ફોક...’ નિખિલે હસીને કહ્યું અને ગાડી વાળી દીધી. આગળ જઈ હળવેકથી પાછળ જોયું. એની જિંદગી દરવાજા પાછળ અદૃશ્ય થઈ રહી હતી. તરત જ નિખિલના ચહેરાનં હાસ્ય ઉડી ગયું અને ચહેરામાં એક નવો નવો જ રંગ આવીને બેસી ગયો. વલવલતી વેદનાનો કાળો અને તમાચો ખાધેલા ગાલનો લાલ રંગ.
  
***
 
ગુલાલ એની કેબિનમાં બેઠી હતી. ત્યાં જ ઇન્ટરકોમ પર ફોન આવ્યો. ‘ગુલાલ.’
‘યા નિખિલ !’
‘સાંજે શું કરે છે ! ફ્રી હોય તો એક કામ હતું.’
‘ગયા મહિને ગ્રાન્ડ ફૂડમાં લઈ જઈને જે કામ હતું એ તો ફરી નથી ને? મારો જવાબ ફરશે નહીં હો!’ ગુલાલે નિખિલને મહિના પહેલાની વાત યાદ કરાવી. અને એ હસી પડી. સામે નિખિલ પણ હસ્યો. ‘ના, હવે તો તુ હા પાડે તોય તને નથી પરણવાનું. ચાલ મસ્તી છોડ. વાત એમ છે કે અમેરિકાથી એક મોટી કંપની આવી છે. એક ડીલ સેટ કરવાની છે. આ તો થયું તુ પણ આવતી હોય તો સારું.’
‘ના યાર ! તુ જ પતાવી લેને. મારી તબિયત સારી નથી.’
‘ઓ. કે. ફાઈન.’
નિખિલનો ફોન મૂકી ગુલાલ એના કોમ્પ્યુટર તરફ ફરી. કોલકત્તાના એક કલાયંટનો મેઈલનો જવાબ આપ્યો. પછી ખાસ કોઈ કામ નહોતું એટલે ફેઈસબુક ઓપન કર્યું. એ સાથે જ પેલો ચીપકુ જેમ્સ ટપકી પડ્યો. ‘હાય ડિયર ! હાઉ આર યુ?’ ગુલાલને બરાબરનો ગુસ્સો ચડ્યો. એ વિચારવા લાગી. આ શું. જ્યારે જુઓ ત્યારે ટપકી પડવાનું. આ માણસને સેન્સ જેવું જ નથી લાગતું. લાગે છે હવે તો આને કડક શબ્દોમાં કહી જ દેવું પડશે. એણે તરત મેસેજ ટાઈપ કર્યો. ‘યુ આર વેરી સેન્સલેસ પર્સન. જ્યારે જુઓ ત્યારે ટપકી પડે છે. રોડ પર રખડતા રોમિયો કરતાંય તુંતો ગયો ગુજર્યો લાગે છે. મહિનાઓથી હું જવાબ નથી આપતી તોયે નથી સમજાતું કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો? હવે મને ક્યારેય મેસેજ ના કરતો. અધરવાઈઝ પોલીસ કમ્પલેઈન કરી દઈશ. ગો ટુ હેલ !’
 
ગુલાલે જેમ્સની નાની યાદ આવી જાય એવો મેસેજ એને મોકલી દીધો. બીજી જ સેકંડે જેમ્સ રફુચક્કર. ગુલાલે રાહતનો શ્વાસ લીધો.
 
આ ઘટનાના એક અઠવાડિયા બાદ ગુલાલ એક દિવસ ફેઈસબુક જોઈ રહી હતી ત્યાં જ એના પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. ગુલાલે એની પ્રોફાઈલ ઓપન કરી ચેક કરી. એનું નામ મલ્હાર હતું. વધુ વિગતો નહોતી. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવાનો ગુલાલને ખૂબ શોખ હતો. એણે થોડું વિચારી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ એસેપ્ટ કરી લીધી. એ વખતે એને ખબર નહોતી કે આ એક ક્લિક એની જિંદગીમાં દેવદાસ જેવા પ્રેમ અને શકુનિ જેવા પ્રપંચનાં બેવડાં ઝંઝાવાત સર્જાશે.
 
 ***
ક્રમશઃ 
 
પ્રકરણ ૧ની લિંક
 
 
પ્રકરણ ૨ ની લિંક