પ્રકરણ - ૪ : હું ગુલાલને મેળવવાં ગમે તે કરીશ…. ગમે તે !

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૮   


 


ગુલાલે ક્લિક કરી મ્લહારની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી ત્યાં જ નિખિલ એની કેબિનમાં દાખલ થયો.
‘હાય, ડિયર શું કરે છે ? કોઈ દિવસ નહીં ને આજે ગુલાલને થોડો અપરાધભાવ મહેસૂસ થયો. એણે ફેઇસબૂક મિનિમાઈઝ કરી નાંખ્યું.

‘હેલ્લો નિખિલ ! પ્લીઝ કમ ! કાંઈ ખાસ કામમાં નથી. બોલને શું કામ હતું?’
‘મેં તને વાત તો કરી. અમેરિકાથી એક કંપની આવી છે. એની ડિલ પર જાઉં છું. કંપની જોરદાર છે. જો માની જાય તો વરસે દાડે કરોડોનો બિઝનેસ મળે એમ છે. તું સાથે આવે તો સારું.’
‘ના યાર, સહેજ ફિવર જેવું લાગે છે. હું ઘેર જ જાઉં છું. પ્લીઝ, મેનેજ કરી લે ને યાર!’ ગુલાલ એનાથી છટકવા માંગતી હતી. એણે કોમ્પ્યુટર શટ ડાઉન કરતાં કહ્યું.

‘ઓ.કે ધેન નો પ્રોબ્લેમ, તબિયત વધારે ખરાબ હોય તો હું તારી સાથે દવાખાને આવું.’
‘ના, ના એવું કાંઈ નથી! આઈ કેન મેનેજ. ઓ.કે બાય.’ ગુલાલ ઊભી થઈ ગઈ. નિખિલ પણ એની સાથે જ બહાર નીકળ્યો. એ એની બેગ લેવા કેબિન તરફ વળ્યો અને ગુલાલ બહાર નીકળી ગઈ. કેબિનમાં પ્રવેશતા પહેલાં એણે એક તરસી નજર ગુલાલ તરફ ફેંકી. એ વખતે એના ચહેરા પરનું બનાવટી હાસ્ય ઊડી ગયું હતું અને એના સ્થાને કોઈક બીજો જ ભાવ આવીને બેસી ગયો હતો.

મલ્હાર સાથે ફેઈસબૂક ફ્રેન્ડશીપ પછી ચારેક દિવસ બાદ મલ્હારે ચેટિંગ પર મેસેજ મોકલ્યો, ‘હાય, હાઉ આર યુ ?’ એ વખતે ગુલાલ ઓફિસથી ઘર તરફ જઈ રહી હતી. મોબાઈલ પર મલ્હારનો મેસેજ જોઈ એ રાજી થઈ. આ રીતે ફ્રેન્ડસ સાથે ચેટિંગ કરવાનો અને ખૂબ શોખ હતો, ખૂબ ગમતું.
ગુલાલે મેસેજ સેન્ડ કર્યો, ‘હેલ્લો, આઈ એમ ફાઈન, હાઉ આર યુ ?’
‘ફાઈન !’ શરૂઆત હતી એટલે મલ્હાર થોડો મુંઝાઈ રહ્યો હતો. આગળ શું વાત કરવી એ ન સમજાતા એણે રૂટીન પ્રશ્ન પૂછી લીધો, ‘તમારી હોબીઝ કઈ કઈ છે ?’

ગુલાલે લખ્યું, ‘મને ફિલ્મો જોવાનો, ફ્રેન્ડઝ બનાવવાનો, રીડિંગનો અને અફકોર્સ ચેટીંગનો બહુ શોખ છે અને તમારી હોબી?’
ઓહ, આઈ કાન્ટ બિલીવ ઈટ.’ સામેથી મેસેજ આવ્યો, ‘ગજબનો સંયોગ છે. તમારી હોબી અને મારી હોબી સેઈમ જ છે. મને પણ તમારી જેમ ફિલ્મો જોવાનો, નવા નવા ફ્રેન્ડઝ બનાવવાનો, પુસ્તકો વાંચવાનો અને ચેટિંગનો બહુ શોખ છે. હું કલાકોના કલાકો ચેટિંગમાં જ વિતાવી દઉં છું.’

‘ઓહ રીઅલી...’ ગુલાલે લાઉડ લાફના સ્માઇલી સાથે મેસેજ મોકલ્યો.’
‘યેસ, રીઅલી ’ મલ્હાર ગુલાલના મેસેજમાં રહેલો ઉપહાસભાવ ના સમજી શક્યો.’
‘મિ. મલ્હાર! તમે કયા જમાનામાં જીવો છો? ફ્લર્ટિંગ માટેના આ બધા નુસખાઓ જૂના થઈ ગયા.’
‘નો..નો હું ખરેખર કહું છું. મારી હોબીઝ પણ એ જ છે. આઈ સ્વેર! તમારી સામે થોડું ખોટું બોલીશ?’
‘કેમ, મારી સામે કેમ ખોટું ના બોલો? આપણે હજુ ક્યાં એકબીજાને બરાબર ઓળખીએ પણ છીએ ?’
‘થોડા સમય પહેલાં નહોતા ઓળખતાં, પણ હવે તો ઓળખીએ છીએ ને? અને આમેય તમે મારા પર વિશ્વાસ રાખીને મારી સાથે ચેટિંગ કરો છો એટલે મારાથી તમારો વિશ્વાસઘાત કેવી રીતે થાય? આઈ સ્વેર યાર, હું ફ્લર્ટિંગ નથી કરતો, સાચું કહું છું!’ ગુલાલને મલ્હારના મેસેજમાંથી સચ્ચાઈની સુગંધ આવી રહી હતી. એને આ નવા ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવાની મજા પડી રહી હતી. એણે મજાકમાં કહ્યું, ‘ઓ.કે, તમેં કીધું અને મેં માની લીધું. આમ નાના છોકરા જેમ રડવા શું બેઠા છો?’
‘ઓ. મેડમ ! રડવાનું કામ તમારું ગર્લ્સનું છે, અમારું નહીં, શું સમજ્યા!’
‘હવે તો મને સ્યોર થઈ ગયું છે કે તમે બાબા આદમના જમાનાના જ પર્સન છો. ગર્લ્સ રડતી એ વાત હવે જૂની થઈ ગઈ. હવે તો એ રડાવે છે, અન્ડરસ્ટેન્ડ ?’
‘જમાનો ભલે બદલાય, સત્ય કદી નથી બદલાતું !’ ગુલાલ આ મેસેજનો ધારદાર જવાબ આપવા માંગતી હતી પણ એનું ઘર નજીક આવી ગયું હતું. મલ્હાર સાથે ચેટિંગ કરવામાં એને ખબર પણ નહોતી રહી કે ગાંધીનગરથી અમદાવાદનું ત્રીસ કિલોમીટરનું અંતર કેવી રીતે કપાઈ ગયું. એણે તરત જ મેસેજ કર્યો, ‘ઓ.કે બાય ડિયર.નાઈસ ટુ ચેટ વિથ યુ.’
‘થેંકસ, આઈ ઓલ્સો એન્જોય્ડ. શું મને તમારું મેઈલ આઈ. ડી મળી શકશે? મલ્હારનો મેસેજ આવ્યો. ગુલાલની ગાડી એના બંગલાના ગેટમાં પ્રવેશી રહી હતી. એણે ફટાફટ એનું મેઈલ એડ્રેસ ટાઈપ કર્યું અને મલ્હારને સેન્ડ કરી દીઘું. સામેથી મલ્હારનો મેસેજ પણ આવી ગયો, ‘થેંકસ, ગુડ નાઇટ.’
‘ગુડ નાઈટ.’ ગુલાલે વિશ કરીને લોગ આઉટ કર્યું.
ગુલાલ ઘરમાં પ્રવેશી. સાંજના પોણા સાત વાગી રહ્યાં હતા. સરવન્ટ સુધીરે આવીને પાણી આપ્યું.
ગુલાલે પૂછ્યું, ‘મમ્મી, ક્યાં ગઈ છે?’
‘બા મંદિરે ગયાં છે, બસ, આવતાં જ હશે.’
‘ઓ.કે, તું જા. જમવાનું મારા રૂમમાં જ આપી દેજે.’
‘ઓ.કે મેડમ !’
સુધીર ગયો. ગુલાલ બાથરૂમમાં પ્રવેશી. આજે ગરમી બહુ હતી. એ ઠંડા પાણીના શાવર નીચે ઊભી રહી ગઈ. ફ્રેશ થઈને બહાર આવી, વાળ ઝાટકતી આઈના સામે ઊભી હતી ત્યાં જ એને મમ્મીનો અવાજ આવ્યો,
‘ભાઈ, ગુલાલ કેમ આજે વહેલી આવી ગઈ છે? એની તબિયત તો સારી છે ને?’ સુધીર જવાબ આપે એ પહેલાં જ ગુલાલ બહાર આવી ગઈ, ‘મમ્મી, તું યે વધારે પડતી ચિંતા કરે છે. મારે અડધો કલાકેય વહેલા ના આવવું?’
‘એવું નથી બેટા, મને તારી બહુ ચિંતા થાય છે.’
‘મારી ચિંતા છોડ અને તારા શરીરની ચિંતા કર! જોને હમણાં હમણાં તું બહુ સુકાતી જાય છે. કોઈ તને જુએ તો કહે નહિ કે આ માજી કરોડપતિ હશે. સુખ અને શાંતિની જિંદગી ગુજારતાં હશે. મમ્મી, તને કંઈ ચિંતા છે?’
‘ના રે મને શું ચિંતા હોય...? અને એય, મને માજી ના કહીશ હોં. હજુ તો તારાં લગ્ન થાય અને તારા દીકરાને સ્કૂલે મૂકવા જવાનું હોય એ વખતે હું માજી કહેવાઉં. શું સમજી!’
જવાબ આપીને પહેલા કૌશલ્યાબહેન હસી પડ્યાં અને પછી ગુલાલ. બંનેના હાસ્યમાં પુરુષ પડઘાઈ રહ્યો હતો. ફર્ક માત્ર એટલો જ હતો કે એક હાસ્યમાં પુરુષના અભાવનો વસવસો હતો અને બીજામા પુરુષનો ઇંતજાર.
રાતનો દોઢ વાગી રહ્યો હતો. વિશાળ બંગલાના વિશાળ બેડરૂમમાં બેઠેલી ગુલાલને આજે ઊંઘ નહોતી આવતી. ગુલાલ બેડની બેક સાઈડ પર ઓશીકું મૂકીને એને અઢેલીને બેઠી હતી. એના નાજુક ખોળામાં લેપટોપ હતું. એ ફેઈસબૂક જોઈ રહી હતી. એણે ગમતા સોંગ્સની યુટ્યૂબ લિંક વોલ પર શેર કરી અને ફ્રેન્ડ્સને ટેગ કર્યા. રાતના સાડા નવથી દોઢ વાગ્યા સુધી એ ફેસબૂક પર ચીટકેલી રહી. જોકે ફેઈસબૂક તો એના પોતાના દ્વારા એના મનને બનાવવાનું બહાનું માત્ર હતું. બાકી એ મલ્હાર તરફથી કોઈ મેસેજ આવે તેની રાહ જોઈ રહી હતી. ચેટિંગમાં છેલ્લે મલ્હારે એનો ઈમેલ પણ લીધો હતો. થોડા જ દિવસ ફેઈસબૂક ફ્રેન્ડશીપથી એ મલ્હાર તરફ આકર્ષાઈ હતી. કોણ જાણે કેમ એને મલ્હાર સાથે ચેટિંગ કરવાનું ગમતું હતું, પણ આજે મલ્હારનો કોઈ મેસેજ નહોતો. આખરે અઢી વાગે કંટાળીને એ ફેઈસબૂકમાંથી લોગ આઉટ થઈ અને લેપટોપ શટ ડાઉન કર્યું. ત્યાં સુધી એનું મેઈલ પણ ખાલી જ હતું અને મન પણ. મલ્હારના એક માત્ર મેઈલ કે મેસેજથી એ મન ભરાઈ જાય એમ હતું પણ એ ન આવ્યો.

***

ગુલાલ એના લેપટોપ પર મલ્હાર તરફથી કોઈ કોમ્યુનિકેશન થાય તેનો ઇંતજાર કરતી આહ ભરી રહી હતી, બરાબર એ જ વખતે એના ઘરથી માત્ર થોડાક જ કિલોમીટર દૂર આલીશાન ડ્રોઈંગરૂમના સોફામાં બેઠેલો નિખિલ પણ એના લેપટોપની સ્ક્રિન પર ગુલાલની એક પછી એક તસવીરો જોઈને ઊંડી આહ ભરી રહ્યો હતો.

નિખિલ પાસે ગુલાલના લગભગ પંદરસો જેટલા ફોટોગ્રાફસ હતા. છેક સમજણો થયો ત્યારથી લઈને આજ સુધી એણે ભેગા કરેલા ફોટોગ્રાફ્સ જ હવે એનો શ્વાસ હતા. જે દિવસે ગુલાલે એની સાથે લગ્ન કરવાની ના પાડી હતી એ દિવસથી નિખિલ પુરુષ મટીને દેવદાસ બની ગયો હતો. એ દિવસે એણે પહેલી વાર શરાબ પીધી હતી, એ દિવસે પહેલી વાર એ ગુલાલ માટે રડ્યો હતો. પણ ગુલાલ આ વાતથી તદ્દન અજાણ હતી. એને તો એમ હતું કે નિખિલે હસીને સત્ય સ્વીકારી લીધું એટલે વાત પતી ગઈ. પણ એને શી ખબર વાત પતી નહોતી, વાત તો ત્યાંથી શરૂ થતી હતી.

નિખિલના કાને ઈયર ફોન લાગેલા હતા. ઈયર ફોન વાટેથી રાહત ફતેઅલીખાનનો દર્દીલો અવાજ એના કાનમાં રેડાઈ રહ્યો હતો અને સીધો દિલમાં ઊતરી રહ્યો હતો. જાણે છાતી પર કરવત ફરી રહી હતી. નિખિલની કીકીઓમાં તસવીરમાં પુરાયેલી ગુલાલ રેડાઈ રહી હતી અને કાનમાં ગીતના શબ્દો,

‘મૈં જહાં રહૂં, મૈં કહીં ભી હૂં .... તેરી યાદ...સાથ હૈ....
કિસીસે કહું, કે નહીં કહું ... યે જો દિલ કી .... બાત હૈ....
કહીં તો દિલમેં યાદોં કી.... ઈક સૂલી ગડ જાતી હૈ,
કહીં હર ઈક તસવીર બહુત હી, ધૂંધલી પડ જાતી હૈ.
કોઈ નઈ દુનિયા કે નયે રંગોમેં ખૂશ રહેતા હૈ...
કોઈ સબ કુછ પાકે ભી, યે મન હી મન કહેતા હૈ...’
‘મૈં જહાં રહૂં, મૈં કહીં ભી હૂં .... તેરી યાદ...સાથ હૈ....
યે જો દિલ ... ઉદાસ હૈ......’

***

અચાનક એક સુંવાળો હાથ નિખિલના માથે ફર્યો. એણે ચોંકીને પાછળ જોયું. મમ્મી સુનંદાબહેન લાચાર નજરે એની સામે જોઈ રહ્યાં હતાં. મા હતી, બધું પામી ગઈ. કશુંય પૂછ્યા વગર એમણે ટૂંકમાં જ કહ્યું,‘બેટા, મને ખબર છે કે તું ગુલાલને ચાહે છે. પણ હવે એટલું જ કહીશ કે ભૂલી જા એને. એના માટે જિંદગી ના ખરાબ કર!’ નિખિલ કંઈ જ ના બોલી શકયો. લેપટોપની સ્ક્રીન પર ગુલાલની તસવીર સ્માઈલ વરસાવી રહી હતી, ઈયર ફોનમાંથી ગીતના દર્દભર્યા શબ્દો કાનમાં ઠલવાઈ રહ્યા હતા. અને આ બાજુ નિખિલના ગળામાં ભરાયેલો ડૂમો વરસાદ બનીને એની મમ્મીના પાલવમાં ઠલવાઈ રહ્યો હતો. નિખિલે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં એની મમ્મીને કહ્યું, ‘મમ્મી, હું ગુલાલ વગર નહીં જીવી શકું. મારે કોઈ પણ ભોગે એ જોઈએ છે. કોઈ પણ ભોગે.. હું એને મેળવવા માટે ગમે તે કરીશ મમ્મી, ગમે તે !’
પ્રકરણ ૨ની લિંક...
 
 
પ્રકરણ ૩ની લિંક...