પ્રકરણ - ૭ : મલ્હારને મળવાનાં શમણાં વચ્ચે એક ખિખિયાટા કરતી ડાકણ જેવી ઘટના યાદ આવી

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૮   

 
દિવસે ને દિવસે ગુલાલ અને મલ્હાર એકબીજાની વધુને વધુ નજીક આવી રહ્યાં હતાં. હજુ કોઈએ એકબીજાનો મોબાઈલ નંબર માંગ્યો પણ નહોતો અને આપ્યો પણ નહોતો. બંનેની મોજ સોશિયલ મીડિયા જ હતી અને મોજ કરતાં હતાં. રોજ કલાકો સુધી ચેટિંગ કરતાં, રોજ ઢગલાબંધ ઈ-મેઈલ મોકલતા અને ફેઈસ બુક પર એકબીજાને ગમતાં ગીતોના વિડિયો પોસ્ટ કરતાં. મલ્હાર ફેઈસબૂક પર રોજ કમસે કમ એક સોંગ તો ડેફિનેટલી ગુલાલ માટે મૂકતો. ક્યારેક એ ‘કૈસે બતાયે, ક્યું તુઝકો ચાહે, યારા બતા ના પાયે, બાતેં દિલોકી દેખો ઝુબાંકી આંખે તુજે સમજાયે! તૂં જાને ના...’ સોંગ દ્વારા એની મજબૂરી વ્યક્ત કરતો. ક્યારેક, ‘તેરે મસ્ત મસ્ત દો નૈન, મરે દિલકા લે ગયે ચૈન...’ દ્વારા એના ગુમ થયેલા મનના ચેનની તપાસ કરતો, તો ક્યારેક, ‘તુજમેં રબ દિખતા હૈ... યારા મૈં કયા કરું ?’ સોંગ દ્રારા ગુલાલને રબના સ્થાને મૂકી પ્રશ્ર્ન કરતો.
ગુલાલની ફરમાઈશ પર મલ્હારે એના ઢગલાબંધ ફોટોગ્રાસ એને મેઈલ કર્યા હતા. ગુલાલ લેઇટ નાઇટ સુધી એના ફોટોગ્રાસ જોયા કરતી. કયારેક એની આંખોમાં તાક્યા કરતી, ક્યારેક લેપટોપ સ્ક્રિન પર દેખાતી એની છાતી પર માથું ઢાળી દેતી તો કયારેક એની આછી ઉગેલી દાઢી પર આંગળીઓ ફેરવી લેતી.
 
સામે પક્ષે મલ્હારની હાલત પણ એવી જ હતી. સાઇબર કાફેનું બોક્સ હવે એના માટે કપલરૂમનું બોકસ બની ગયું હતું. એ બોક્સમાં એક તરફ એ હોય અને બીજી તરફ કોમ્પ્યુટર સ્ક્રિન પર ગુલાલે મોકલેલી તસવીરો. એ ગુલાલ કરતાં વધારે આગળ હતો. એ એની ખુલ્લી જુલ્ફોમાં હાથ ફેરવવાનું, કે એની આંખોમાં ડુબવાનું કે એના ગાલને પંપાળવાનું ક્યારેય નહોતો કરતો. એ તો માત્ર રેડ ચેરી જેવા એના હોઠ પર જ આંગળીઓ ફેરવ્યા કરતો અને મોકો મળે તો તસવીરને ઝૂમ કરીને કમ્પ્યૂટર સ્ક્રીનને ચૂમી પણ લેતો. ગરમાવો આવતો પણ નિર્જીવ. એને તરસ હતી ધગધગતા લોહીના ઉન્માદી ગરમાવાની. પણ એના માટે ‚રૂબરૂ‚ મળવું અને ભળવું જરૂરી હતું.
 
બે મહિના થઈ ગયા હતા. ગુલાલ મલ્હારના પ્રેમમાં ભીંજાઈ રહી હતી અને મલ્હાર પર ગુલાલના ઇશ્કનો ગુલાલ છંટાઈ રહ્યો હતો. બસ ઇન્તજાર હતો રૂબરૂ‚મળીને એકમેકને વળગીને, આલિંગીને, ચૂમતાં ચૂમતાં આઈ લવ યુ કહેવાનો.
બપોરના સાડા બાર વાગ્યા હતા. મલ્હાર સાઇબર કાફેમાં એની રોજની જગ્યાએ બેઠો બેઠો ગુલાલના ફોટા જોઈ રહ્યો હતો. ગુલાલના લપસણા લીપ્સ જોઈ મલ્હારના શરીરમાં ગરમી ફરી વળી. એણે ફટાફટ યુ ટ્યુબ પરથી ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’નું ‘પી લૂં તેરે નીલે નીલે હોઠોં કી શબનમ... સોંગની લીંક ફેઈસબુક વોલ પર મૂકી ગુલાલને ટેગ કર્યું. બરાબર એ જ વખતે કોઈએ પાછળ આવીને એની પીઠ પર ઘબ્બો માર્યો, ‘કસ કાય મિત્ર! મજેત આહે? ખૂબ દિવસ નંતર ભેટલા તુ !’
 
મલ્હારે પાછળ ફરીને જોયું. એનો દોસ્ત કેશવ આમટે કંઈક વિચિત્ર મોં કરીને ઊભો હતો. મલ્હારે તરત જ સ્ક્રીન મિનિમાઈઝ કરી નાંખી, ‘હાય ડ્યુડ, હાઉ આર યુ ?’
‘હું ક્યાંથી મજામાં હોંઉં, મને ક્યાં તારી ગુલાલ જેવી છોકરી મળી છે?’
‘અને મળશે પણ નહીં, તું કાગડો થઈને કોયલના ખ્વાબ જોવાનું છોડી દે.’
‘છોડી જ દઈશ દોસ્ત, મને પણ સમજાઈ ગયું છે કે બધા કાગડાઓના ભાગમાં દહીંથરું નથી આવતું. તું તો નસીબદાર છે.’
‘ઈર્ષા આવે છે મારી ? હવે અહીં વધારે ઉભો ના રહેતો, ગુલાલના મારા પર આવેલા મેઈલ જોઈશ તો સળગી જઈશ.
‘જોયા છે દોસ્ત, એટલે તો વાત કરું છું. તમે બેટમજી મેઈલ અને ચેટિંગ કરવામાં એટલાં મશગૂલ હો છો કે તમારી પાછળ આવીને હું ઊભો રહી જાઉં છું તો પણ તમને ખબર નથી પડતી.’
‘જો કેશવીયા, હવે કયારેય ઊભો રહ્યો છે તો મારી મારીને તારાં હાડકાં ભાંગી નાંખીશ. તને શરમ નથી આવતી કોઈનું પ્રાઇવેટ કોમ્યુનિકેશન જોતાં ?’
‘કોઈનું નથી જોતો! મારા જિગરજાન દોસ્તનું જોઉં છું.’
‘દોસ્ત જિગરજાન હોય તો પણ એની જાનમાં જ જવાય, એના બેડરૂમમાં નહીં, સમજ્યો? ચાલ નીકળ અહીંથી. મને મારું કામ કરવા દે!’
‘તારે જવું હોય તો જા. આપણે તો અહીં જ ઊભા રહેવાના.’
કેશવ મેકડોનાલ્ડના સ્ટેચ્યુ જેવું મોં કરીને ઊભો રહી ગયો. આખરે મલ્હાર જ લોગ આોફ કરીને બહાર નીકળી ગયો, ‘તું નહીં સુધરે. ચાલ હું જાઉં છું. સી યુ.’ કેશવ સાઈબર કાફેની બારીમાંથી મલ્હારની અદૃશ્ય થતી પીઠને જોઈ રહ્યો. એ અદૃશ્ય થયો એટલે એ મલ્હાર બેઠો હતો એ જ કોમ્પ્યુટર પર બેસી ગયો અને સાઈન ઈન કર્યું.
  
***
 
લગભગ પોણો એક વાગ્યો હતો. ગુલાલ મલ્હારે ફેઈસબૂક પર ટેગ કરેલું વિડિયો સોંગ સાંભળી રહી હતી,
‘પી લૂં તેરે નીલે નીલે નૈનો સે શબનમ, પી લૂં...
પી લૂં તેરે ગીલે ગીલે હોટોં સે સરગમ, પી લૂં...’
ગુલાલ આ સોંગમાંથી ઝરતી મલ્હારની તરસ ફિલ કરી શકતી હતી. પણ બંને પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એણે પણ એક સોંગ મલ્હારને ટેગ કર્યું,
‘હોલે હોલે સે હવા લગતી હૈ.... હોલે હોલે સે દવા લગતી હૈ...
હોલે હોલે સે દુઆ લગતી હૈ ...ના!
હોલે હોલે ચંદા બઢતા હૈ... હોલે હોલે...ઘૂંઘટ ઉઠતા હૈ...
હોલે હોલે સે નશા ચઢતા હૈ...ના!
તુ સબર તો કર મેરે યાર, જરા સાંસ તો લે દિલદાર,
હર ફિકરનું ગોલી માર યાર હૈ દિન જિંદડી દે ચાર..
હોલે હોલે હો જાયેગા પ્યાર, ચલ યાર હોલે હોલે હો જાયેગા પ્યાર.... હોલે.. હોલે...
મલ્હારની હોઠ પીવાની તરસને હોલે હોલે આગળ વધવાનું સિગ્નલ આપીને ગુલાલ ફેઈસબૂકમાંથી લોગ ઓફ થઈ રહી હતી ત્યાં જ અંતરા અંદર આવી,‘ગુલાલ, એક ખુશખબર છે!’
‘તને તો ખબર છે અંતરા, મારા માટે ખુશખબર એક જ હોઈ શકે, મલ્હાર સાથેનું ડેટિંગ! એ સિવાય કંપનીને કરોડોનો બિઝનેસ મળ્યો કે ફલાણો એવોર્ડ મળ્યો એ ન્યૂઝ મારા માટે માત્ર સારા સમાચાર છે, ખુશખબર નહીં.’
‘અરે, બાબા! ડેટિંગ ગોઠવાઈ ગયું એમ જ સમજ!’
‘હેં... શું વાત કરે છે! જલદી કહે શું વાત છે!’ ગુલાલ ઉત્સાહમાં આવી ગઈ. અંતરાએ આંખ મિંચકારતા કહ્યું,
‘આવતા અઠવાડિયે મુંબઈમાં દસ દિવસનો ઇન્ટરનેશનલ સોફ્ટવેર સેમિનાર યોજાઈ રહ્યો છે. એમાં તને અને નિખિલ સરને સ્પેશિયલ ગેસ્ટ તરીકે દસે-દસ દિવસ હાજર રહેવાનું ઇન્વિટેશન છે. પહેલા અને છેલ્લા દિવસે બે ખાસ સોફ્ટવેરના લોન્ચિંગ પણ તારા હાથે છે. અને પાંચમા દિવસે નિખિલ સરના હાથે એક ઈ-મેગેઝિનનું લોંચિંગ છે. તું મુંબઈ જઈને મલ્હારને મળવાનો મોકો શોધી રહી હતી ને! લે મળી ગયો મોકો. એક દિવસ માટે નહીં પૂરા દસ દિવસ માટે.
‘વાઉ.... ઈટ્સ ગ્રેટ.’ ગુલાલ ઊછળી પડી.
‘બોલ, જાય છે ને? તો હું આયોજકોને તારી એર ટિકિટ અને હોટેલ બુકિંગનું કહી દઉં!’
‘શ્યોર જાઉં છું. પણ એક કામ કર! આયોજકોને એર ટિકિટ જ બુક કરવાનું કહેજે. અને તાજમાં મારું પર્સનલ બુકિંગ કરાવી દે. કોઝ, એ લોકો નિખિલનું અને મારું એક જ હોટેલમાં બુકિંગ કરાવશે. અને મારે એની સાથે નથી રહેવું.’
‘ઓ.કે. સ્યોર...’
અંતરા ચાલી ગઈ. ગુલાલે તરત જ મલ્હારને મેઈલ કર્યો, ‘મલ્હાર, મેં કહ્યું હતું ને કે આપણું મળવાનું સમય જ નક્કી કરશે. સમયની કંકોતરી આવી ગઈ છે. આવતા વીકે એકવીસમી તારીખે હું મુંબઈ આવી રહી છું. પૂરા દસ દિવસ રોકાઈશ. હોટેલ તાજમાં મારું બુકિંગ થવાનું છે. રૂમ નંબર હું તને પછી જણાવી દઈશ. અને આપણે ક્યાં અને કેવી રીતે મળીશું એ પણ નક્કી કરી લઈશું. હું બહુ ખુશ છું મલ્હાર, તને મળવા આવી રહી છું.’
 
એ જ દિવસે સાંજે મલ્હારનો ઊછળતો- મચલતો મેઈલ આવી ગયો, ‘ઓહ માય ગોડ, ગુલાલ, અત્યાર સુધી હું મળવાની માળા જપતો બેઠો હતો અને હવે તું મળી રહી છે ત્યારે મારું મન ગભરાઈ રહ્યું છે. એક ગજબની બેચેની થઈ રહી છે. ક્યાં તું અને ક્યાં હું! હું તારા તેજનો સામનો કરી શકીશ કે નહીં એ ખબર નથી પણ મળવું છે જરૂર. ગુલાલ, જલદી આવ. આટલા દિવસો નીકળી ગયા પણ હવે આ અઠવાડિયું કાઢવું મુશ્કેલ બની જશે. એન્ડ યેસ. ગીવ મી યોર મોબાઈલ નંબર! હવે મેસેજિસથી નહીં ચાલે. એન્ડ પ્લીઝ નોટ માય મોબાઈલ નંબર...’
 
મલ્હારનો નંબર સેવ કરીને ગુલાલે એનો નંબર પણ એને સેન્ડ કરી દીધો. સાથે સાથે સૂચના પણ લખી, ‘મલ્હાર, બને ત્યાં સુધી આપણે સોશિયલ નેટવર્ક પર જ વાત કરીશું. મોબાઈલ પર વાત કરવી મારા માટે અનકમ્ફર્ટ રહેશે. આખો દિવસ કંપનીમાં અને રાત્રે ઘેર મમ્મી સાથે હોઉં છું. યુ નો યાર! સો પ્લીઝ અનનેસેસરી કોલ કે વોટ્‌સએપ બિલકુલ નહીં પ્લીઝ’
ત્રીજા દિવસે ગુલાલની એર ટિકિટ પણ આવી ગઈ હતી અને હોટેલ તાજમાં બુકિંગ પણ થઈ ગયું હતું. ગુલાલે તરત જ મલ્હારને મેઈલ કરી દીધો, ‘મલ્હાર, એકવીસમી તારીખે સવારે હું મુંબઈ આવી જઈશ. હોટેલ તાજના સ્યૂટ નંબર ત્રણસો ત્રણમાં મારું બુકિંગ છે. સવારે દસથી લઈને સાંજે ચાર સુધી સેમિનારમાં વ્યસ્ત હોઈશ. સાંજે છ વાગે ગેટ વે ઓફ ઇન્ડિયા પર જ હું તારી રાહ જોઈશ. આવી શકીશ?’
 
તરત જ મલ્હારનો મેઈલ આવી ગયો, ‘આવી શકીશ એમ કેમ પૂછે છે? તું કહેતી હોય તો અત્યારથી જ ગેટ વે ઓફ ઇન્ડિયાના ગેટ પર તારી રાહ જોતો ઊભો રહી જાઉં.
 
***
 
રાત્રના સાડા બાર થયા હતા. ગ્રાસોબિઓના બ્રાન્ડેડ નાઈટવેરમાં સજ્જ ગુલાલ કયારનીયે મલ્હારના મેઈલ ચેક કરી રહી હતી. પહેલીવાર બ્લેન્ક મેઈલથી લઈને છેલ્લે આવેલા એના મેઈલના એક એક શબ્દને એ રીપીટેડલી વાંચી રહી હતી. એ વિચારી રહી હતી કે દોઢ બે મહિનામાં તો બંને કેટલાં ક્લોઝ થઈ ગયાં હતાં. જો ગોડને ગમતું હશે તો વચ્ચે રહેલું આ ક્લોથ્સનું અને હવાનું આવરણ પણ હટી જશે એટલા કલોઝ પણ થઈ જશે. ગુલાલ એના જ વિચાર પર શરમાઈ ગઈ.આ બધું થયું હતું માત્ર ઈન્ટરનેટને કારણે. બંને આટલાં નિકટ આવ્યાં હતાં ફક્ત મેઈલ અને મેસેજ થ્રુ. આ સાયબર જગત પણ ગજબ‚ છે. જેને ક્યારેય જોયા ના હોય, સાંભળ્યા ના હોય, સ્પર્શ્યા ના હોય એની સાથે પણ ઇશ્ક કરાવી દે. છેલ્લાં દસ વર્ષમાં માત્ર નેટ થ્રુ કેટલા યંગસ્ટર્સ વચ્ચે લવ થયો હશે કે મેરેજ થયાં હશે. ફેઈસબુક, ટ્વીટર, આ બધાંનાં નામ જુદાં હતાં પણ કામ તો એક જ હતું. દૂર દૂર રહેતા અજાણ્યા લોકોને પાસે લાવવાનું. ક્યારેક તો એટલા પાસે કે વચ્ચે હવાનું આવરણ પણ ના રહે. ગુલાલના વિચારો ગૂલેલમાંથી છૂટેલા પથ્થર જેમ કયાંયના ક્યાંય ફંગોળાઈ રહ્યા હતા.
 
સાંજના આઠ વાગ્યાથી લેપટોપ સામે બેસી બેસીને એ થાકી ગઈ હતી. એણે ઓશીકાનો ટેકો લીધો. લેપટોપમાં ખૂપેલી આંખોની પાંપણો ઢળી પડી. આજે કઈ તારીખ થઈ? યાદ નહોતું આવતું. એકવીસમી તારીખે આટલા વાગે તો એ મલ્હારને મળી ચૂકી હશે, જોઈ ચૂકી હશે. એ વિચારી રહી. એણે આસપાસ નજર દોડાવી. દીવાલ પર ડિજિટલ કેલેન્ડર હતું. આખા મહિનાની ડેઈટ્સ એના પર બ્લિંક થઈ રહી હતી. ગુલાલે એના પર નજર સ્થિર કરી. આજે બુધવાર એટલે સત્તર તારીખ, આવતી કાલે અઢાર, પછી ઓગણીસ, પછી વીસ અને પછી....એની નજર એકવીસ તારીખ પર જાય અને મલ્હાર સાથેની મુલાકાતનું સમણું આંજે એ પહેલાં જ અઢાર તારીખ પર પાછી ફરી. આવતી કાલે અઢારમી ઓક્ટોબર...
અઢાર ઓક્ટોબર. અચાનક એની આંખો એ તારીખ પર સ્થિર થઈ ગઈ. અઢાર ઓક્ટોબર એટલે એક કાળી રાત. સાત વર્ષ પહેલાં એના જીવનમાં આવેલા વાવાઝોડાની રાત. આ તારીખ એ ગુલાલ માટે ફક્ત તારીખ નહોતી પણ એના માથે પડેલો ઘણનો ઘા હતી, છાતીમાં ફરી વળેલી કરવત હતી.
 
ગુલાલના મન અને મગજમાંથી મલ્હારના વિચારો અને એકવીસમી તારીખ સુંવાળા શરીર પરથી રેશમી વસ્ત્ર સરકે એમ સરકી ગયા. હવે યાદ હતી તો માત્ર અઢારમી ઓક્ટોબરની એ તારીખ અને એ કારમી ઘટના. ગુલાલે આંખો મીંચી દીધી પણ સાત વર્ષ પહેલાંની અઢારમી ઓક્ટોબરની આથમતી સાંજ અને ઊગતી રાતની એ રક્તરંજિત ઘટના ખિખિયાટા કરતી ડાકણ જેમ એની સામે આવીને જ રહી.
 
(ક્રમશઃ)
 
અન્ય પ્રકરણ વાચમાં અહિં આપેલી લિંક પર ક્લિક કરો...