ઉંમરલાયક થવું એના કરતાં ઉંમરને લાયક બનવું સારું...

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
ઘરડું થવું છે કે વૃદ્ધ... ?
 
વસંતનો વૈભવ ખીલ્યો છે, સવારના પવનનો સ્પર્શ મધુર લાગે તેવા દિવસો શ‚ થયા છે. બાંકડાઓ નવપલ્લવિત થવા લાગ્યા છે, કાકાઓ અને ડોસાઓ અને ‘બા’ઓ અને માજીઓ બેઠી છે. હવે છીંકણીનો મહિમા નથી, એટલે ગામની દાદીમાઓનું વાતાવરણ નથી. પહેલાં તો મરુન સાડલાઓ ઓઢીને જાણે શેરીનું ડહાપણ બેસતું. નિંદાનો સ્થાયી ભાવ રહેતો. એક પ્રકારનું રસૈક્ય સિદ્ધ થતું. કોઈની વહુની કે કોઈના છોકરાની વાતોથી ઓટલો છલકાતો, ડોસાઓ ભેગા થતા તો વાતોનો વ્યાપ સહેજ વધતો. વાતો વધુ વિશાળ ના બને એને માટે બે-ત્રણ ઘરડાઓ એમના બંધિયાર મનનો ભરપૂર ઉપયોગ કરતા અને સફળતા પણ મેળવતા. આજે પરિસ્થિતિ બદલાણી છે. સમાજ હવે શહેરોમાં આવ્યો છે, ભણેલાઓ હવે નિવૃત્ત બનીને ઓટલાવાસી બન્યા છે, જ્યાં ઓટલાઓ નથી ત્યાં બાંકડાઓએ જમાવ્યું છે. સોસાયટીને નાકે આવા બાંકડાઓએ ઝાડની જગા લીધી છે, ક્યારેક ઝાંપા જેવા કર્કશ અવાજો પણ આ બાંકડાઓને શોભાવે છે.
 
અનુભવ જ્યારે વૈધવ્ય ભોગવે ત્યારે બાંકડાસંસ્કૃતિ જન્મતી હોય છે. જો કે આ સંસ્કૃતિને સાવ જ વખોડવા જેવી નથી. બધો આધાર ત્યાં થતી વાતોની સમૃદ્ધિ કે દારિદ્રય ઉપર હોય છે. માર્ક ટ્વેનનું એ વાક્ય યાદ રાખવા જેવું છે "ઉંમરલાયક માણસના ચહેરાની કરચલીઓમાં ક્યાંક સ્મિત છુપાયેલું હોય છે. આ બાંકડાઓની ટોળી સ્મિતશોધક કે હાસ્યહલેસાં સાથેના કોલંબસો છે કે નહીં તે જ અગત્યનું છે.
 
આપણે નવા યુગમાં છીએ. ઇન્ટરનેટ અને કમ્પ્યુટર અને મોબાઈલે જીવન બદલી નાંખ્યું છે, માહિતીનો ધોધ નાયગ્રા જેટલો જ અવાજ કરી શકે છે. એ આપણે આંગણે છે, આંગળીના ટેરવે છે. નિવૃત્ત થવું મુશ્કેલ છે. કામનો પ્રકાર બદલાઈ શકે. ‘હું સાવ નવરો છું’ એવું કહી શકે તે જ ઘરડો માણસ. ‘મને સમય જ નથી, હજી તો એંશી જ થયા છે તે વૃદ્ધ.’ જે વૃદ્ધિ પામે તે વૃદ્ધ અને જે ઘરેડમાં ખલાઈ રહે તે ઘરડો. ઘરડા માણસને કેવળ ભૂતકાળમાં જીવવાનું ગમે છે, એમને યુવાનો ગમતા નથી. વૃદ્ધ માણસ વર્ધમાન હોય છે, એ વૃદ્ધિ પામે છે. એની પક્વતા કેરીઓથી લથબથ આંબા જેવી હોય છે. એને ફરિયાદ કરવા કરતાં ફરિયાદને સાંભળીને સમાધાનમાં રસ હોય છે. એ પુત્રવધૂના ગુણ શોધવામાં આનંદ અનુભવે છે, અને જમાઈ સાથે જોક કહે તેવો હસમુખો હોય છે. ઘરડો માણસ ઉંમરલાયક લાગે છે જ્યારે વૃદ્ધ ઉંમરને લાયક હોય છે. ઘરડા થવા માટે મહેનત નથી કરવી પડતી, વૃદ્ધ થવા માટે જાગૃત રહેવું પડે છે.
 
બાંકડા પર બેઠેલા લોકો ત્રણ પ્રકારના હોય છે, એક છે જે જીવન એન્જોય કરે છે, એના માટે બાંકડો એક રિસેસથી વિશેષ નથી. એ મઝા માટે બેસે છે. એને માટે સાથીદારોને મળી હસી લેવું કે હસી કાઢવું એ અગત્યનું છે. બીજા પ્રકારના લોકો ખટપટ અને નિંદાખોર છે, એમને મન આ જગત એમના નિવૃત્ત થયા પછી બગડી ગયું છે. આ મિ. ખટપટ અને શ્રીમતી નિરાશાને જીવનમાં આનંદની નહીં સમદુખિયાઓની શોધ હોય છે. નિંદા એમનું નેત્ર હોય છે, એમની ભાષા હોય છે. ત્રીજા પ્રકારના લોકો સાવ શાંત થઈ ગયેલા લોકો છે, એમણે જીવનમાંથી રસ ખોઈ નાંખ્યો છે, એ હસી શકતા નથી. એમને એમ છે કે ‘નિરસતા જ જીવનને ધન્ય બનાવે છે. જો કે ‘ધન્યતા’ની શોધ કે ખેવના હોતી નથી એટલે એ સાંજના અંધારાની કિનાર જેવા હોય છે. અહીં બાંકડાને એના સાવ સ્થૂળ અર્થમાં લેવા જેવો નથી. એ સોસાયટીને નાકે હોય છે એટલે સમાજને છેડે હોય છે તેમ ગણવું. એ બેસવાનું સ્થળ ના પણ હોય પરંતુ જ્યાં નવરા લોકો પોતાના મગજને પાર્ક કરતા હોય તેવો કોઈ મનુષ્યના મનનો પાર્કીંગ પ્લોટ પણ હોઈ શકે.
 
અંગ્રેજીમાં વૃદ્ધને સમજાવે એવો એક આભિજાત્યથી ભરેલો શબ્દ છે, એ છે, ‘એજીંગ ગ્રેસફુલી’. આ લોકો મઝાના હોય છે. અનુભવનો ઓડકાર તમે સાંભળી શકો. એમનામાં મદદ કરવાની પાંખો ફૂટી હોય છે કારણ કે એ સ્પર્ધાના ગંદવાડથી ઉપર ઊઠેલા હોય છે, વાંચનથી લથબથ આંખો ગજબનું બોલતી હોય છે, એમના માટે પ્રેમ છુપાવવો અઘરો હોય છે. આવા વૃદ્ધો તીર્થ સમા હોય છે. એમને નવા જગત વિશે જાણવું હોય છે, ટીવીને એક મિત્ર બનાવી શકે છે, કમ્પ્યુટરની શેરીમાં એ સંતાકૂકડી રમી શકે છે. આવા વૃદ્ધો જે સભામાં ના હોય તે સભામાં જવું નહીં. કારણ સભા પહેલાં કે પછી આ વૃદ્ધો તમને કશુંક વહેંચતા હોય છે, એ જ આ પૃથ્વીનું અમૃત છે. યાદ આવે છે, ઉમાશંકર જે ગાઈ ઊઠેલા, "મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનીનું....