પ્રકરણ – ૧૧ : એક બાજુ ખંધો માસ્ટર માઈન્ડ સાયબર ક્રિમિનલ હતો અને બીજી બાજુ બે ભોળી છોકરીઓ

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮   



 

ગુલાલનો ગુલાબી રંગ ફિક્કો પડી ગયો હતો. એ થરથર ધ્રૂજી રહી હતી. એ નીચું મોં કરીને ખુરશીમાં બેઠી હતી અને અંતરા બંને હાથે એનું માથું પકડીને એને છાતીસરસું ચાંપીને ઊભી હતી. કોમ્પ્યુટર સ્ક્રીન પર મલ્હારનો મેઈલ કાળોતરાની જેમ ખિખિયાટા કરી રહ્યો હતો.

‘હાય ગુલાલ, હાઉ આર યુ!’

તારી સાથે છેલ્લા દિવસે માણેલી ક્ષણો. એની યાદગીરી માટે મેં એને કેમેરામાં કંડારી લીધી... તું જો એવું ઇચ્છતી હોય કે આ વિડિયો આખી દુનિયા ના જુએ તો કિંમત માત્ર એક કરોડ રૂપિયા. રકમ ક્યાં અને કેવી રીતે પહોંચાડવાની છે એ હું તને પછી જણાવીશ....મલ્હાર

અંતરાએ થરથરતા હાથે એટેચ કરેલી વિડિયો ફાઈલ ડાઉનલોડ કરી અને પ્લે કરી. ગુલાલ અને મલ્હારના એકદમ બોલ્ડ દૃશ્યો સ્ક્રીન પર દેખાયાં. ગુલાલ શરમથી નીચુ ઘાલી ગઈ. અંતરાને પણ ખબર નહોતી પડતી કે શું બોલવું. ગુલાલને કેવી રીતે સંભાળવી. એની સાથે સાથે એ પણ રડી પડી. થોડીવારે ગુલાલ શાંત થઈ પછી અંતરા જાતે એના માટે પાણી લેવા ગઈ, બહાર જઈને એણે કોઈકને ફોન કર્યો, ખૂણામાં જઈ સાવ ધીમેથી કોઈ સાંભળી કે જોઈ ના જાય એમ કોઈની સાથે વાત કરી અને પછી મોબાઈલને એના જિન્સના પોકેટમાં મૂકતી પાણીનો ગ્લાસ લઈ ગુલાલ પાસે પહોંચી ગઈ.

***

એક વખત રેગિંગની ઘટનાએ ગુલાલની અલ્લડતા અને મસ્તી છીનવી લીધાં હતાં. માંડ માંડ એ એના આઘાતમાંથી બહાર આવી હતી ત્યાં જ આ ઘટના. બધું ખતમ થઈ ગયું હતું, બધું જ. માત્ર ગુલાલનું હાર્ટ બ્રેક થયું હોત તો વાંધો જ નહોતો પણ અહીં તકલીફ એ હતી કે ગુલાલ આખેઆખી બ્રેક થઈ ગઈ હતી. જ્યાંથી બ્રેક ના થવી જોઈએ ત્યાંથી પણ! મલ્હાર બહુ મોટો ફ્રોડ સાબિત થયો હતો. પ્રેમી બનીને આવ્યો હતો અને પારધી બનીને શિકાર કરીને ચાલ્યો ગયો હતો. ના, ચાલ્યો પણ ક્યાં ગયો હતો, વળીને આવ્યો હતો. સાયબર જાળ બિછાવીને, સામી છાતીએ.

જાળ બિછાવાઈ ચૂકી હતી. સામે એક ખંધો, વેલ એજ્યુકેટેડ, માસ્ટર માઈન્ડ સાઈબર ક્રિમિનલ હતો અને આ બાજુ બે સાવ ભોળી છોકરીઓ. શું કરવું, એ પણ એમને તો ખબર નહોતી પડતી. અંતરાની બધી સુફિયાણી સલાહો અત્યારે વરાળ બનીને ઊંડી ગઈ હતી અને ગુલાલનું સાયબર નોલેજ ભુલાઈ ચૂક્યું હતું.

એ દિવસે ગુલાલને એકસો ને પાંચ ડિગ્રી તાવ ચડી ગયો. એ તરત જ અંતરાને સાથે લઈને ઘેર ચાલી ગઈ. એની મમ્મીને કે અન્ય કોઈને અણસાર સુધ્ધાં નહોતો કે ગુલાલ સાથે આટલી મોટી દુર્ધટના બની ગઈ છે.

બીજા દિવસે ગુલાલ થોડી સ્વસ્થ થઈ, સ્વસ્થ થયા સિવાય છૂટકો નહોતો. એ અને અંતરા એના રૂમમાં બેઠાં હતાં,

‘અંતરા મને તો ખબર નથી પડતી કે શું કરવું? એ માણસ જો એ વિડિયો વાઈરલ કરી દેશે તો હું આત્મહત્યા કરી લઈશ.’

‘વાય આર યુ ટોકિંગ લાઈક મેડ!’ અંતરાએ ગુસ્સાથી કહ્યું, ‘તું ચિંતા ના કર, હું કંઈક રસ્તો કાઢું છું.’

‘શું રસ્તો કાઢીશ તું ! એ માણસ ફ્રોડ છે, છેલ્લી કક્ષાનો ચાલબાજ છે. એ ગમે તે હદે જઈ શકે છે.’

‘મને તો એક જ રસ્તો સૂજે છે અને એ છે પોલીસ કેસનો.’ અંતરાએ રસ્તો સુજાડ્યો. પોલીસનું નામ સાંભળતાં જ ગુલાલ થથરી ઉઠી. એણે તરત જ ના પાડી દીધી, ‘નો, નેવર! પોલીસનું તો નામ જ ના લેતી. એના છેલ્લા શબ્દો તે વાંચ્યા નથી ? એણે ચોખ્ખું લખ્યું છે કે જો આપણે પોલીસ કેસ કરીશું તો એ ગમે તે હદે જશે. કોઈનું ખૂન કે અપહરણ પણ. મને એનો પણ ડર નથી. પણ આપણે પોલીસ કેસ કરીએ અને એ ગુસ્સામાં આ વિડિયો વાઈરલ કરી દે એની બીક છે.’

‘તો તું જ કોઈ રસ્તો કાઢ!’ અંતરાએ ગુલાલને કહ્યું.

‘મને તો લાગે છે કે આપણે મુંબઈ જઈએ. એનો ફ્લેટ મેં જોયો છે, ત્યાં તપાસ કરીશું તો જરૂર કંઈક રસ્તો મળી આવશે.’

‘તને શું લાગે છે ?’ અંતરાએ એની એ ઇચ્છા પર પણ બ્રેક મારી દીધી, ‘એ હજુ એ જ ફ્લેટમાં પડી રહ્યો હશે ? આટલું મોટું ચિટિંગ કરનાર વ્યક્તિ શું એટલો મુરખો હોય કે આવી ભૂલ કરી બેસે? એ ત્યાં નહીં હોય. બીજો કોઈ રસ્તો વિચાર !’

‘મારું તો મન અને મગજ બંને બહેર મારી ચૂક્યાં છે. કાંઈ સૂજતું નથી. તને કોઈ રસ્તો સૂજતો હોય તો કહે.’ ગુલાલે મુશ્કેલીનો આખોયે પહાડ અંતરાના માથે મૂકી દીધો, અંતરાએ ગુલાલની આંખમાં ધસી આવેલાં આંસુને હેન્કીથી સાફ કર્યાં, ‘ચિંતા ના કર ! મારામાં વિશ્વાસ રાખજે. હું જે કાંઈ કરીશ એ તારા ભલા માટે જ હશે.’

દસ દિવસ થઈ ગયા હતા. ગુલાલને હવે મેઈલ, ચેટિંગ, ફેઈસબુક, ટ્વિટર જેવા શબ્દોથી પણ ડર લાગવા માંડ્યો હતો. કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી બહાર આવતાં કિરણો જાણે એની ઇજ્જત લૂંટતાં હોય એવું લાગતું હતું. એ છાતી પર હાથ મુકીને સહેમીને બેસી જતી. પણ છતાં મેઈલ જોતા રહેવું જરૂરી હતું. એના માટે ઇન્ટરનેટ પર કનેક્ટ રહેવું અને મેઈલ જોવા એ હવે મોજની ચીજ નહોતી રહી પણ મજબૂરીની વાત બની ગઈ હતી. કારણ કે મલ્હાર ક્યારે શું પગલાં ભરે એ કંઈ કહી શકાય એમ નહોતું. પૈસા ક્યાં પહોંચાડવાના છે એ કહેવા માટે એનો મેઈલ પણ હજુ નહોતો આવ્યો.

***

નિખિલ ઓફિસ જવા નીકળી રહ્યો હતો ત્યાં જ એની મમ્મી સુનંદાબહેને એને રોકયો, ‘બેટા, બેસ થોડીવાર! હમણાં થોડા દિવસથી હું જોઈ રહી છું કે તું કોઈ મુશ્કેલીમાં હોય એવું લાગે છે !’

‘ના, ના મમ્મી! એવું કંઈ જ નથી. તને વળી આવા નવા નવા વિચારો ક્યાંથી સૂજી આવે છે. ચાલ, હું જાઉં !’ નિખિલે આંખ ચોરીને જવાબ આપ્યો.

‘નવા વિચારો નથી. કંઈક જરૂર છે. હમણાં હમણાંથી તું બહાર બહુ રહે છે. મને ખબર છે તું ઓફિસના કામે બહાર નથી જતો. અને ઘરે હોય ત્યારેય સવારે વહેલો નીકળી જાય છે અને રાત્રે મોડો આવે છે. હું તારી મા છું. મને છેતરવાની કોશીશ ના કર! સાચું બોલ શું વાત છે ?’ સુનંદાબહેને પ્રેક્ષકોએ પકડી પાડ્યા જેવો ઘાટ કર્યો. નિખિલે ઘણી આનાકાની કરી પણ સુનંદાબહેન ના માન્યાં, આખરે એણે મોઘમમાં કહેવું પડ્યું, ‘મમ્મી, તારે આ ઘરમાં સંસ્કારી વહુ જોઈએ છે ને ! હું એની જ ગોઠવણમાં પડ્યો છું. ભગવાન કરશે અને મારા પ્લાન મુજબ જ બધું ચાલશે તો બહુ જ જલદી મને ગમતી અને તને નમતી વહુ આ ઘરમાં આવી જશે.’

‘વહુ લાવવી છે એમાં પ્લાન કરવાની કયાં વાત આવી ?’ સુનંદાબહેનને નિખિલની વાતમાં કંઈ સમજાતું નહોતું. નિખિલ ખિજાયો, ‘એ બધી તને ના ખબર પડે. તું મમ મમથી કામ રાખ, ટપ ટપમાં ના પડ. ચાલ, મને મોડું થાય છે. હું જાઉં છું.’

એણે બેગ હાથમાં લીધી ત્યાં જ એનો સેલ રણક્યો. સામેનો નંબર જોઈ એણે બેગ નીચે મુકી દીધી અને સાવ ધીમા અવાજે વાત કરતો કરતો ઉપલા માળે ચાલ્યો ગયો. સુનંદાબહેનના કાનમાં એના તૂટક તૂટક શબ્દો બીએસએનએલના ટાવર જેમ પકડાતા ગયા, ‘હા બોલ...... ઓકે. હજુ સુધી કોઈ નવાજૂની થઈ નથી ને?...... કોઈ મેઈલ, કોઈ ફેઈસબૂક મેસેજ કે અન્ય કોઈ કોન્ટેક્ટ કર્યો નથીને....? હા, ચોક્કસ ધ્યાન રાખીશ... તું પણ ધ્યાન રાખજે અને એને ખબર ના પડવી જોઈએ...? હું હમણાં જ તને મળું છું... બધું બરાબર જ છે. ઓકે બાય…’

***

સાંજનો સમય હતો. કૌશલ્યાબહેન એમના રોજિંદા ક્રમ મુજબ મંદિર ગયાં હતાં. રેડિયો એફ.એમ પર ધીમા અવાજે ગીતો ચાલી રહ્યાં હતાં. પણ ગુલાલનું ધ્યાન એમાં નહોતું. ત્યાં જ દિલ્હીથી મિસ્ટર આહુજાનો ફોન આવ્યો. ઓફિસિયલ વાત હતી. ગુલાલે કંટાળા સાથે વાત પૂરી કરી. એને ખીજ ચડી. આ આહુજા પણ ઓફિસ અવર્સ સિવાય જ કોલ કરે છે. હવે એને ના પાડી દેવી પડશે. આહુજા પર ચડેલો ગુસ્સો સરકતો સરકતો મલ્હાર પર જઈ ચડ્યો. ફરીવાર દસે-દસ દિવસની એકેએક ક્ષણ એને યાદ આવતી ગઈ. મલ્હારે બોલેલા એક એક શબ્દો ખોટા હતા. એ પ્રેમ નહોતો નાટક હતું. અત્યારે એ એકલી હતી, નિ:સહાય હતી. એનું ધ્યાન એના પિતાની તસવીર પર પડ્યું. એનો ડૂમો બેવડાયો. અત્યારે પપ્પા હોત તો? તો મલ્હાર જેવાને પાતાળમાંથી શોધીને પણ પતાવી દેત. આજે જિંદગીમાં પહેલીવાર એને બાપ વગરની દીકરી હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. એ રડું રડું થઈ રહી હતી. આખરે રેડિયો મિર્ચી પર ઓન-એર થયેલા ગીતના શબ્દોએ એને રડાવી જ દીધી,

‘જિંદગીમેં કોઈ કભી આયે ના રબ્બા,

આયે જો કભી તો ફિર જાયે ના રબ્બા

દેને હો ગર મુજે બાદમેં આંસુ,

તો પહેલે કોઈ હસાયે ના રબ્બા

જાતે જાતે કોઈ મેરી ખુશીયોં કો લે ગયા,

સૂની સૂની અંખિયો કો ગમ સારે દે ગયા

આશ જો લગાઈ હૈ, આંખ ભર આઈ હૈ,

ઈતના ભી કોઈ સતાયે ના રબ્બા...

જિંદગી મેં કોઈ કભી આયે ના રબ્બા.’

ગીત પૂરું થઈ ગયું હતું. છતાં એના શબ્દો ગુલાલના કાનમાં પડઘાતા હતા. કૌશલ્યાબહેન અંદર દાખલ થયાં. ગુલાલે સિફતપૂર્વક આંખો લુંછી લીધી. કૌશલ્યાબહેને એને પ્રસાદી આપી, ‘બેટા, કોઈ પ્રોબ્લેમમાં છે ? મલ્હારને હજુ સુધી કેમ બોલાવ્યો નહીં ? એની સાથે કંઈ ઝઘડો-બગડો તો નથી થયો ને ?’ કૌશલ્યાબહેનને હતું કે દીકરી પ્રેમમાં છે એટલે આવી રીતે ખોવાયેલી ખોવાયેલી રહે છે. એટલે એમણે માત્ર સહજતાથી પૂછ્યું. મલ્હારનું નામ સાંભળતા જ ગુલાલનાં ‚રૂંવાડાં ઊભાં થઈ ગયાં પણ એણે ભારે ધીરજથી કહ્યું, ‘મમ્મી, બધું બરાબર છે. તું નાહકની ચિંતા કરે છે.

***

સાંજના સાડા છ વાગ્યા હતા. ગુલાલ એની કેબિનમાં એકલી હતી. ઘરે જવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ એની નજર કોમ્પ્યુટર સ્ક્રીન પર ગઈ. મલ્હારનો મેઈલ હતો. એણે ફટાફટ મેઈલ ઓપન કર્યો અને વાંચવા લાગી.

‘ગુલાલ મેડમ, કેમ છો? મેડમ, આજે છેલ્લીવાર તમને હેરાન કરું છું. આજે તમે મને પૈસા આપી દો એટલે વાત પતે. અત્યારે સાડા છ વાગ્યા છે. બરાબર એક કલાક પછી પૂરા એક કરોડ રૂપિયા લઈને ગાંધીનગર - મહુડી ચાર રસ્તા પર આવી જા. હું ત્યાં તારી રાહ જોઈશ. અને હા, માત્ર પૈસા લઈને આવજે, પોલીસ નહીં. એટલે જ તને આટલી શોર્ટ નોટિસમાં બોલાવું છું. ચાલ બાય! મિલતે હૈં... એક છોટે સે બ્રેક કે બાદ ! હા... હા...હા... સાલું, મને તો હજુય વિલન જેમ હસતાં ના આવડ્યું તે ના જ આવડ્યું ! ભલે વિલન હોઉં પણ તારો તો હીરો છું. હેં....! કેમ કંઈ બોલી નહીં.... ઓકે બાય ......લિ. તારો હીરો હીરાલાલ.... મલ્હાર...’

ગુલાલને ઇચ્છા થઈ કે એ અંતરાને બોલાવી લે. પણ છેલ્લે અંતરા સાથે થયેલી વાત પરથી એને લાગતું હતું કે એ કોઈ પણ ભોગે પૈસા દેવાની તરફેણમાં નથી. એને બોલાવશે તો એ પૈસા નહીં જ આપવા દે. અને પોતે કોઈ પણ ભોગે આ જાળમાંથી છૂટવા માંગતી હતી. કરોડ રૂપિયા એના માટે બહુ મહત્વના નહોતા. મહત્વનો હતો જિંદગીનો આનંદ. કરોડ રૂપિયા નહીં આપે તો મલ્હાર હંમેશાં હેરાન કરતો રહેશે. આખરે ગુલાલે અંતરાને તો શું કોઈને પણ જાણ કર્યા વગર મલ્હારને પૈસા આપી દેવાનું વિચાર્યું. એણે મલ્હારને ટૂંકો જવાબ મોકલી આપ્યો, ‘હું પૈસા લઈને આવું છું. પણ તું એ વિડિયો વાઈરલ નહીં કરે અને ઓરિજિનલ સોર્સ મને આપજે.’ એ ફટાફટ ઘરે ગઈ.

***

સાડા સાત વાગી રહ્યા હતા. સાયબર વર્લ્ડ પ્રા. લિનો આખો સ્ટાફ છૂટી ગયો હતો પણ અંતરા અને નિખિલ હજુ ત્યાં જ હતાં. અંતરા ગુલાલના કોમ્પ્યુટર પર બેઠી હતી. એણે મેઈલ આઈડીમાં ગુલાલનું આઈડી નાંખ્યું અને ગુલાલે વિશ્વાસથી આપી રાખેલો પાસવર્ડ પણ નાંખ્યો. ગુલાલનું મેઈલ એકાઉન્ટ ઓપન થયું. એણે ઈનબોકસમાં પડેલો સૌથી છેલ્લો મેઈલ ઓપન કરીને વાંચ્યો, સેન્ટ આઈટમ પણ જોઈ. પછી તરત જ સાઈન આઉટ થઈ ગઈ અને નિખિલ પાસે ગઈ. ‘નિખિલ સર, ગુલાલ પૈસા લઈને નીકળી ગઈ છે!’ અંતરાની વાત સાંભળતાં જ નિખિલે એક સેલ જોડ્યો. ધીમેથી બોલાઈ રહેલા એના તૂટક તૂટક શબ્દો દીવાલ પણ પૂરેપૂરા નહોતી પકડી શકતી,

‘સારું સારું હું પણ આવું છું.... હા, બરાબર વાત છે..... પણ જોજો ધ્યાન રાખજો. કોઈ પ્રોબ્લેમ ઊભો ના થવો જોઈએ. આપણા પ્લાન મુજબ જ બધું થવું જોઈએ. ઓે.કે. ?’

સામેથી અવાજ આવ્યો, ‘ઓ.કે.....ડન !’

ક્રમશ: