પ્રકરણ – ૧૨ : એક સુમસામ જગ્યા, કાળું ડિબાંગ અંધારુ અને ૧ કરોડ લઈને એકલી ઊભેલી ગુલાલ

    ૨૬-ઓગસ્ટ-૨૦૧૮   



 
ગુલાલ ફટાફટ કેબિનમાંથી બહાર નીકળી ગઈ. બેઝમેન્ટના પાર્કિંગમાં આવી ત્યારે એનો ડ્રાઇવર ગાડી સાફ કરી રહ્યો હતો, ગાડીના ડી.વી.ડી પ્લેયર પર ડોર ફિલ્મનું સોંગ ચાલી રહ્યું હતું.

‘દીપક હરીઅપ! ઉતાવળ છે. ફટાફટ ઘરે પહોંચાડી દે.’ બોલતી ગુલાલ ઝડપથી ગાડીની બેક સીટ પર ગોઠવાઈ ગઈ.

‘શ્યોર મેડમ !’ દીપક પણ તરત જ ડ્રાઇવર સીટ પર ગોઠવાયો.

સોંગ હજુ ચાલુ જ હતું, શબ્દો ગુલાલના ઈયરમાં પ્રવેશીને આખેઆખા શરીરમાં જુસ્સો ભરી રહ્યા હતા, ગુલાલની નજર સામે કારમા સંજોગો સામે એકલે હાથે ઝઝુમતી ફિલ્મની હિરોઈન તરવરી ઉઠી. ઘણીવાર ફિલ્મના ઉપજાવી કાઢેલાં પાત્રો પૃથ્વીનાં જીવંત પાત્રોમાં પ્રાણસંચાર પણ કરી જતા હોય છે. ગુલાલ શબ્દોમાં ઓગળતી ગઈ,

યે હોસલા કૈસે ઝૂકે,

યે આરઝૂં કૈસે રુકે

મંઝીલ મુશ્કિલ તો ક્યા!

બદલા સાહિલ તો ક્યા!

તન્હા યે દિલ તો ક્યા!

ઋત યે ટલ જાયેગી

હિમ્મત રંગ લાયેગી,

સુબહા ફિર આયેગી,

યે હોસલા....... કૈસે ઝૂકે.....!’

વીસ જ મિનિટમાં દીપકે ગાંધીનગરથી અમદાવાદનું અંતર કાપી નાંખ્યું.‘મેડમ, ઘર આવી ગયું.’ ગીતના શબ્દોની સીડી વાટે સંજોગોની શતરંજમાં ખોવાઈ ગયેલી ગુલાલને દીપકે જગાડી.

‘ઓહ, યેસ !’ જરા આંખ મળી ગઈ હતી. ગુલાલે સફાળાં જાગતાં કહ્યું, પછી એ ગાડીમાંથી ઊતરી, ‘ગાડીની ચાવી મને આપી દે. મારે બહાર જવું છે. તું તારી રીતે ચાલ્યો જજે.’

‘મેડમ, હું છું પછી તમારે સેલ્ફ ડ્રાઇવ કરવાની ક્યાં જરૂર છે? જ્યાં જવું હોય ત્યાં હું સાથે આવું છું, ચાલો!’

‘ના, હું ચાલી જઈશ.’ ગુલાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. દીપકે વધારે લમણાજીંક ના કરી.

ગુલાલ ઘરમાં પ્રવેશી. કૌશલ્યાબહેન એમના રોજના ક્રમ મુજબ મંદિરે ગયા હતાં. ઓફિસના એના પર્સનલ બેલેન્સમાંથી એણે પચ્ચીસ લાખ રૂપિયા તો લઈ જ લીધા હતા. બાકીના પંચોતેર લાખ માટે એણે છેક ઘરે આવવું પડ્યું હતું. હવે પાછું મલ્હારને આપવા માટે ગાંધીનગર જવાનું હતું અને એ પણ સેલ્ફ ડ્રાઇવ કરીને.

ફ્રેશ થવાનો સમય પણ નહોતો અને મૂડ પણ નહોતો. એણે ફટાફટ તિજોરીમાંથી પૈસા કાઢ્યા. બે-બે હજારની નોટોનું બંડલ બેગમાં ભર્યુ અને બહાર નીકળી ગઈ. આજે એની ચાલમાં જુસ્સો હતો. નહોતો એને અંધારાનો ડર, નહોતો અંધારા કરતાંય ભયાનક મલ્હારનો ડર કે નહોતો અંધારા અને મલ્હાર કરતાંયે ચાલબાજ કાળદેવતાનો ડર. બહાર આવી એ હોન્ડા સિટીમાં ગોઠવાઈ અને ગાંધીનગરના રસ્તા પર સરકી ગઈ.

વાતાવરણમાં ઠંડી ભળી ચૂકી હતી. આઠમાં દસ મિનિટની વાર હતી. ગાંધીનગર-મહુડી ચાર રસ્તા પર મલ્હારે મેઈલમાં જણાવેલી જગ્યાએ ગુલાલની વ્હાઇટ હોન્ડા સિટી ઊભી હતી. અંદર ગુલાલ બેઠી હતી. ગાડીના કાચ ચડાવેલા હતા. બરાબર આઠ વાગે ગાડીમાં એક મોબાઇલની રીંગ વાગી. ગુલાલ ચોંકી ઊઠી. એનો મોબાઇલ તો નહોતો જ તો પછી ગાડીમાં આ કોનો મોબાઈલ છે ? એણે આમતેમ જોયુ. ગાડીની હેન્ડ બ્રેક પાસે બોક્સમાં એક જૂનો પુરાણો સાદો મોબાઇલ પડ્યો હતો. ગુલાલે એ રિસિવ કર્યો. સામેથી અવાજ આવ્યો, ‘હાય, ડાર્લિંગ! આ મોબાઇલ મેં જ તારી ગાડીમાં મુકાવ્યો છે, કારણ કે તારો મોબાઈલ ટ્રેસ થતો હોય એવું બને. હવેથી આપણે આ જ નંબર પર વાત કરીશું. એન્ડ યેસ, તારો મોબાઈલ અત્યારે જ સ્વીચ ઓફ કરી દે અને બહાર ક્યાંક મૂકી દે. તારી સાથે ના હોવો જોઈએ. ફેંકવો હોય તો ફેંકી દે.’

‘તું શું કામ આવું કરે છે ? કંઈ ટ્રેસ નથી થતું. પ્લીઝ મને છોડ. અને તારો અવાજ પણ અજાણ્યો છે. તુ મલ્હાર નથી. તું કોણ બોલે છે? હુ આર યુ ?’

‘તારો સગો, તારો વ્હાલો, તારો પ્રેમી, તારો દુશ્મન! તારો મલ્હાર.’ સામેથી એક ગુજરાતી ફિલ્મનો ડાયલોગ બોલાયો.

‘આટલું લાંબું બોલવાની જરૂર નથી. સાચું હોય એ જ બોલવાનું! દુશ્મન! તું મારો માત્ર દુશ્મન છે. એન્ડ યેસ, યુ આર નોટ મલ્હાર! તું મલ્હાર નથી જ!’ ગુલાલે ઝેર ઓક્યું.

‘તે નથી જ ને! બોસ કંઈ આવા કરોડ રૂપિયાનાં નાનાં નાનાં કામ માટે ફોન પર વાત કરતા હશે. એ તો તારા જેવી અબજો રૂપિયાનાં અંગો ધરાવતી ફટાકડી ફોડવી હોય તો જ બોસ શરીરને કષ્ટ આપે, સમજી ?’

‘શટ અપ! પૈસા તૈયાર છે. ફટાફટ મને ઓરિજનલ સોર્સ આપી જા અને પૈસા લઈ જઈને તારા બોસના મોઢે માર. જલદી કર ક્યાં છે તું ?’

‘હું તો બગોદરા હાઈવે પર છું.’

‘તો પૈસા લેવા કોણ આવવાનું છે ?’

‘કોઈ લેવા નથી આવવાનું, તારે આપવા માટે આવવાનું છે! અહીં બગોદરા!’

‘વ્હોટ..?’ મારી સાથે તો અહીં ગાંધીનગર-મહુડી હાઈવે પર આવવાની વાત થઈ હતી.’

‘એ જે થઈ હોય એ. હવે મારી વાત કાન ખોલીને સાંભળ. બની શકે કે તેં પોલીસને જાણ કરી હોય અને પોલીસ તારો મોબાઈલ ટ્રેસ કરી રહી હોય.’

‘કેટલી વાર કહું, નથી કરી !’

‘તને સાંભળવાનું કહ્યું છે, બોલવાનું નહીં. હવે તું ગાડીમાંથી ઊતર. મોબાઈલનું સીમ કાર્ડ કાઢ અને તોડીને ફેંકી દે. અને મોબાઈલ પણ ફેંકી દે. મારો માણસ ત્યાં જ ઊભો છે. તારી ગાડીના રંગથી માંડીને તારા જિન્સ અને ચહેરાના રંગ સુધી બધું દેખાય છે. કોઈ ચાલાકી કરવાની કોશિશ ના કરીશ. અને સાંભળ, મોબાઈલ ફેંકીને તરત જ બગોદરા આવી જા. બગોદરાથી લેફ્ટ સાઈડનો રોડ ધંધુકા જાય છે. ત્યાં દસેક કિલોમીટર આગળ વધીશ એટલે જમણી સાઈડે એક મહાદેવનું મંદિર આવશે. મંદિરની બાજુમાંથી એક રફ રસ્તો પસાર થાય છે. ત્યાં ગાડી વાળી લેજે. પછી ચારેક કિલોમીટર પછી એક દેરી આવશે. એ દેરી પાસે એક ખીજડાનું ઝાડ હશે. એ ઝાડ પર કુહાડીના ઘા મારીને ‘M’ કોતર્યો હશે. ત્યાં તારી મધુરજની શૂટ થઈ છે એ કેમેરો અને મેમરી કાર્ડ પડ્યાં હશે. એ લઈ લેજે અને પૈસાની બેગ ત્યાં મૂકી દેજે. કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો સમજી લેજે તેં કહ્યું એમ દુશ્મન જ સાબિત થઈશ. બે ખેતરવા દૂર નહીં જવા દઉં. વીંધી નાખીશ. ઓ.કે. સમજાઈ ગયું બધું? કોઈ પ્રશ્ર્ન?

‘બગોદરા આવતાં બહુ વાર લાગશે.’

‘ભલેને લાગે.’ અમારે પૈસા લેવાના છે તોયે આટલી ઉતાવળ નથી અને તારે આપવાના છે તોયે આટલી બધી ઉતાવળ ?’ જવાબમાં ગુલાલ મનમાં જ બોલી, ‘મારે પૈસા આપવાના છે એની ઉતાવળ નથી, મારી છિનવાયેલી ઇજ્જત પાછી લેવાની છે એની ઉતાવળ છે.’ પણ એણે ‘ઓ.કે.’ એટલું જ કહીને ટૂંકમાં પતાવ્યુ.’

ગુલાલ કોઈ ચાલાકી કરવા જ નહોતી માંગતી. એણે તો પૈસા આપીને છૂટવું હતું. એ ધ્રુજી રહી હતી. એણે પેલાની સૂચના મુજબ ગાડીની બહાર નીકળી તરત જ મોબાઈલનું સીમ કાર્ડ કાઢીને તોડી નાંખ્યું પછી મોબાઈલ અને કાર્ડ બંને જુદી જુદી દિશામાં ઘા કરીને ફેંકી દીધા. એ પાછી ગાડીમાં ગોઠવાઈ ગઈ અને ગાડી બગોદરા હાઈવે પર મારી મૂકી. હજુ પેલા ગીતના શબ્દો એના કાનમાં ગુંજી રહ્યા હતા, ‘યે હોસલા કૈસે ઝૂકે......’

***

ગુલાલની ગાડી ચાંગોદરની આસપાસ પહોંચી હશે ત્યારે બરાબર આઠ ને વીસે ગાંધીનગર-મહુડી હાઈવે પર એક રેડ કલરની ગાડી આવીને ઊભી રહી. એમાંથી ત્રણ જણ નીચે ઉતર્યા. આમ તેમ જોયું પછી એમાંના એક જણે કોઈને મોબાઈલ કર્યો, ‘સર..... ગુલાલ અહીંથી નીકળી ગઈ છે.’ અને ફરી પાછા ગાડીમાં ગોઠવાઈને ચાલ્યા ગયા.

સવાનવ વાગે તો ગુલાલની ગાડી બગોદરા - ધંધુકા હાઈવે પર આવેલા મહાદેવના મંદિરની જમણી સાઈડ આવેલા રફ રસ્તે દોડી રહી હતી. અંધારું ઘટ્ટ થઈ ચૂક્યું હતું. ખેતરોને વીંધતો ગાડીની હેડલાઈટનો શેરડો સૂમસામ ખેતરોને વીંધી રહ્યો હતો. દૂર દૂર સુધી ચકલુંય નહોતું ફરકતું. ખેતરે ખેતરે ઊભેલા ચાડિયાઓ બિહામણા લાગી રહ્યા હતા. તમરાઓનો અવાજ ગાડીના કાચ તોડીને અંદર આવી રહ્યો હતો. અચાનક ગુલાલની ગાડી આગળથી એક લાંબો કાળોડિબાંગ સાપ પસાર થઈ ગયો. સારૂં થયું ગુલાલે બ્રેક મારી, નહીંતર એના કટકા જ થઈ ગયા હોત. ગુલાલ થથરી ગઈ. એણે પાછળ વળીને જોયું. નેરોલેક્સના બ્લેક ઓઇલ પેઇંટનું ડબલું વાતાવરણમાં ઢોળાઈ ગયું હોય એવુ અંધારું અને એમાં ગાડીનાં ટાયરોને કારણે ઊડતી ધૂળ. ગુલાલને ત્યારે ખ્યાલ આવ્યો કે એ કેવી ભયાનક જગ્યાએ આવી પહોંચી હતી. પણ ભલભલા ભાયડાની છાતી બેસી જાય અને હિંમત ભાંગી જાય એવા આ વાતાવરણમાં આ છોકરી એની ઇજ્જત પાછી લેવા માટે જરાય ડર્યા વગર આગળ વધ્યે જતી હતી. એણે નાનપણમાં વાંચ્યું હતું અને સાંભળ્યું પણ હતું કે સાવિત્રી એના પતિનો જીવ બચાવવા માટે છેક યમરાજના દ્વારે પહોંચી ગઈ હતી. આ દેશની એક સ્ત્રી જો યમરાજ સામે બાથ ભીડી શકતી હોય અને એકલી એની સામે જઈ શકતી હોય તો મલ્હાર તો એની સામે મગતરું‚છે. એનાથી શું ડરવાનું?

આ વાત યાદ આવતાં જ એની હિંમતમાં વધારો થયો. થોડી જ વારમાં મલ્હારે જણાવેલી દેરી દેખાઈ. ગાડીના પ્રકાશમાં એ દેરી ઝળાંહળાં થઈ ગઈ. દેરી પર ‘જય મા મેલડી એવું લખ્યું હતું. ગુલાલે શીશ ઝુકાવ્યું અને આછું હસીને મનમાં બબડી, ‘મા, તું યે એક સ્ત્રી છે અને હું યે એક સ્ત્રી છું. તું શક્તિ છે અને હું ભક્તિ છું. તારી હાજરીમાં એક સ્ત્રીની ઈજ્જતનો સોદો થઈ રહ્યો છે. અને તું ચુપચાપ બેઠી છે વાહ!’

પછી એને યાદ આવ્યું કે પથ્થરની મૂર્તિ તે કદી બોલતી હશે? એનો વાર પણ એની જેમ જ અદૃશ્ય હોય છે. સમય આવે એ પણ થશે. એણે મસ્તકને એક ઝાટકો મારીને મનના વિચારો ખંખેરી નાંખ્યા. દેરીની બાજુમાં જ ખીજડાનું ઝાડ હતું. એના પર કુહાડીથી કોતરીને અંગ્રેજી ‘M’ ઉપસાવેલો હતો. એને યાદ આવ્યું, થોડા દિવસો માટે એની જિંદગીના આલ્ફાબેટમાં ‘M’ ફોર ‘મલ્હાર થઈ ગયું હતું.

એણે આસપાસ નજર કરી. ચારે તરફ ગાઢ અંધારું હતું. ચાલુ જ રાખેલી ગાડીની લાઇટનો શેરડો દેરી અને ખીજડાના ઝાડથી થોડે જ દૂર જઈને દમ તોડી દેતો હતો. એણે ઝાડના થડ પાસે નીચે મૂકેલી થેલી ઉપાડી. એમાં કેમેરો અને મેમરી કાર્ડ હતાં. એને લાગ્યું જાણે શ્રીકૃષ્ણએ દ્રૌપદી માટે મોકલેલી સાડી છે. એણે એને છાતીસરસાં ચાંપી લીધાં. પછી ગાડીમાંથી પૈસાની બેગ કાઢીને ત્યાં મૂકી દીધી અને ફટાફટ ગાડી મારી મુકી.

ગુલાલની ગાડી છેક હાઈવે પર પહોંચી ગઈ. એક માણસે એની ગાડીને પસાર થતાં જોઈ પછી કોઈકને મોબાઇલ કર્યો, ‘બોસ, કોઈ ખતરો નથી. છોકરી નીકળી ગઈ છે.’

‘ઓ.કે!’ કહીને મોબાઇલ કટ કરીને બોસે ખિસ્સામાં મૂક્યો. દેરીથી દૂર ગાઢ અંધારામાં થોડો સળવળાટ થયો. કાળા અંધારામાં ભળી ગળી ગયેલી એક બ્લેક કલરની ખખડધજ સેન્ટ્રો ઝીંગ એક ઘરઘરાટ સાથે ચાલુ થઈ અને દેરી તરફ દોડી. દેરી પાસે આવીને ગાડી ઉભી રહી. અંદરથી બે જણ ઊતર્યા. એમાંથી બોસ જેવા લાગતા એક જણે પૈસાની બેગ હાથમાં લીધી. એના હાથમાં ધ્રૂજારી હતી. ક્યાંક છોકરી ખાલી બેગ તો નહીં મૂકી ગઈ હોય ને ? જો એવું હશે તો ફરીવાર આ બધી મહેનત કરવી પડશે. પણ એને અંદર અંદર વિશ્વાસ હતો એવું જ થયું. બેગમાં બે બે હજારની નોટોનાં બંડલ ગોઠવેલાં હતાં. પેલાએ એક બંડલ હાથમાં લીધું અને સૂંઘવા લાગ્યો. ‘સાલો, આ પૈસાનો પણ એક ગજબનો નશો છે હોં, આની સામે સિગારેટ, દારૂ, ચરસ, ગાંજો, હેરોઈન કે કોકેઈન કોઈનું કાંઈ ના આવે.... આહાહા...આહાહાહા.....’ બોલીને એણે અટ્ટહાસ્ય કર્યું. રાતના સન્નાટાને થિજાવી દે તેવું અટ્ટહાસ્ય વાતાવરણમાં પડઘાતી શિયાળવાની લાળી સાથે મેચિંગ કરીને ભળી ગયું. એ બંને બેગ લઈ ગાડીમાં બેઠા અને ગાડી અંધારાને ચીરતી આગળ વધી ગઈ.

ક્રમશ: