અમેરિકાને પાકિસ્તાને સંભળાવી દીધું, હમ નહીં સુધરેંગે...

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
અમેરિકાએ પાકિસ્તાનને મળનારી ૩૦ કરોડ ડૉલરની આર્થિક સહાય રદ કરવાનો નિર્ણય લેતાં પાકિસ્તાનમાં નવીસવી રચાયેલી ઇમરાન ખાનની સરકાર માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. ગયા જાન્યુઆરીમાં અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો આતંકવાદ વિરુદ્ધ લડવાના તેના અભિયાનમાં પાકિસ્તાન અપેક્ષા મુજબનો સહયોગ નહીં કરે તો તે પાકિસ્તાનને મળનારી સૈન્ય મદદ રોકવા માટે મજબૂર બની જશે.

અમેરિકાની નવી સુરક્ષા નીતિ 

ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી જાહેર કરેલી અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં કહ્યું હતું કે, અમે પાકિસ્તાન પર આતંકવાદીઓને ખતમ કરવા માટેના અભિયાનમાં તેજી લાવવા દબાણ કરીશું, કારણ કે કોઈ પણ દેશ આતંકવાદીઓ અને તેના સમર્થકોને પનાહ ન આપી શકે. અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સે પણ પોતાની અફઘાનિસ્તાન યાત્રા દરમિયાન પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, પાકિસ્તાન તે અફઘાનિસ્તાન સરકાર સામે લડતા આતંકવાદી જૂથોને બતાવતું નથી. એ વખતે પાકિસ્તાને પેન્સના નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે સહયોગી દળોએ એકબીજાને ચેતવણી ન આપવી જોઈએ.

પાકિસ્તાન જૂઠું અને દગાબાજ  

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ વખતે પાકિસ્તાનને જૂઠું અને દગાબાજ ગણાવતાં કહ્યું હતું કે છેલ્લાં ૧૫ વર્ષમાં પાકિસ્તાનને આપવામાં આવેલી અબજો ડૉલરની સહાય એક મૂર્ખતાપૂર્ણ નિર્ણય હતો. પાકિસ્તાનને આતંકવાદીઓ તરફના પોતાના વલણમાં પરિવર્તન લાવવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે પાકિસ્તાન પોતાની મસ્તીમાં મસ્ત હતું ને આતંકવાદીઓને પોષવાનું ચાલુ રાખ્યું. પાકિસ્તાને અમેરિકાની અપેક્ષા મુજબની કામગીરી ન કરતાં આખરે અમેરિકાએ પાકિસ્તાનને મળનારી આર્થિક સહાય અટકાવી દીધી છે.

 અમેરિકા જે રકમ આપે છે તે મદદ નથી પણ અમારો હક છે

અમેરિકાએ પાકિસ્તાનને આ મદદ આપવાનો ઇન્કાર કર્યો તે વાત મોટી છે પણ પાકિસ્તાનની તેના પર અસર થશે તેવી આશા વધારે પડતી છે. અમેરિકાના નિર્ણય બાદ પાકિસ્તાને સામું છાશિયું કરતાં એવું કહ્યું કે, અમેરિકા જે રકમ આપે છે તે મદદ નથી પણ અમારો હક છે, કેમ કે તાલિબાન વિરોધી લડાઇમાં પાકિસ્તાને અમેરિકાને જમીન, આકાશ, સંચાર સુવિધા, આર્મી બેઝ સહિત તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે તેના બદલામાં આ રકમ અમને મળે છે. પાકિસ્તાનનું વલણ જોતાં તે સુધરે એવું લાગતું નથી.

અફઘાનિસ્તાન, નિષ્ફળતા, દોષનો ટોપલો,ટ્રમ્પ,પાકિસ્તાન,

પાકિસ્તાન આવું વલણ અપનાવે છે તેનું કારણ રશિયા તથા ચીન સાથે તેની વધતી નિકટતા છે. અમેરિકા વર્ષોથી પાકિસ્તાનનું મદદકર્તા રહ્યું છે, પરંતુ પાકિસ્તાનનો ઝુકાવ છેલ્લા કેટલાક વખતથી ચીન તરફ વધ્યો છે. આ કારણે જ પાકિસ્તાને અમેરિકાને એવું કહેવાની ગુસ્તાખી કરી નાંખી કે, આતંકવાદ મામલે તે હવે આનાથી વધારે અમેરિકા માટે કંઈ કરી શકે એમ નથી. પાકિસ્તાને તો એવું પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં મળતી નિષ્ફળતા માટે દોષનો ટોપલો ટ્રમ્પ પાકિસ્તાન ઉપર ઢોળી રહ્યા છે. પાકિસ્તાનનું આ વલણ જોતાં અમેરિકા સાથેના તેના સંબંધો સુધરે તેવી શક્યતા ઘટતી જાય છે.