ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ભારતનું સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક...

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
ભારતને સ્વતંત્રતા મળી તેનાં ૭૧ વર્ષ પછી પણ ભારતના ૧૯ કરોડ લોકોનાં બેન્કમાં કોઈ ખાતાં નથી. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા તે પછી તેમણે જાહેર કરી અનેક લોકોનાં ખાતાં ખોલાવ્યાં, તેમાં ઘણાં ખાતા ખૂલ્યા તે સરાહનીય છે. પરંતુ ઘણા લોકો હજુ બેન્ક ખાતાથી વંચિત છે. આવા લોકોને બેન્કની સેવાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ‚પમાં એક વિરાટ કદમ ઉઠાવ્યું છે. ટૂંક સમયમાં દેશની ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસો બેન્કની શાખા તરીકે કામ કરતી થઈ જશે અને તેમાં બચત ખાતા ધરાવતા ૧૭ કરોડ લોકો બેન્કના ગ્રાહકો બની જશે. અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને બેન્કિંગ સેવા માટે પોસ્ટ ઓફિસ સુધી પણ જવું નહીં પડે. તેમનો ટપાલી સ્માર્ટ ફોન લઈને તેમના ઘરે આવશે. ટપાલી તેમનું ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને તેમને રોકડા રૂપિયા આપી દેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોને સમગ્ર ભારતની બેન્કિંગ સેવાઓ સાથે જોડી દેવામાં આવશે. તેમના ચેકો તમામ બેન્કોમાં વટાવી શકાશે.

૧૭ કરોડ ગ્રાહકોને લાભ મળશે

વર્તમાનમાં ભારતની ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસોમાં બચત ખાતાં ચાલી જ રહ્યાં છે, જેના ૧૭ કરોડ ગ્રાહકો છે, પરંતુ તેમને બેન્કિંગ સેવાઓ મળતી નથી. આ બચત ખાતાંઓના ચેક કોઈ ખાનગી કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં જમા કરાવી શકાતા નથી. વળી પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાવી શકાતા નથી. વળી પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવતા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ બિલ ભરી શકાતા નથી કે ઓનલાઈન ખરીદી પણ કરી શકાતી નથી. આ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં પોસ્ટ ઓફિસ બચત બેન્કનાં તમામ ખાતાંઓને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડી દેવામાં આવશે. ભારતમાં બેન્કોની કુલ બ્રાન્ચોનો સરવાળો ૬૦ હજાર જેટલો છે, પણ પોસ્ટ ઓફિસની તમામ ૧.૫૫ લાખ શાખાઓ પેમેન્ટ્સ બેન્ક બની જતાં પોસ્ટ ઓફિસની બેન્ક ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્કિંગ પ્રણાલી બની જશે.
 
કેન્દ્ર સરકારે બેન્કિંગ પ્રણાલીનો વ્યાપ વધારવા તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પેમેન્ટ બેન્કોને લાઈસન્સ આપવાનો પ્રારંભ કર્યો હતો. પેમેન્ટ બેન્કનો મુખ્ય હેતુ ઓનલાઈન ખરીદી અને બિલોની ચુકવણીને પ્રોત્સાહન આપવાનો છે.
પેમેન્ટ બેન્કનો ઉપયોગ માત્ર નાણાંની ચુકવણી માટે જ કરવાનો હોવાથી તેમાં વધુમાં વધુ એક લાખ ‚પિયાની રકમ રાખવાની જ છૂટ આપવામાં આવે છે, એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી શકાય છે. પેમેન્ટ બેન્ક એક લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ સ્વીકારી શકતી નથી કે લોન પણ આપી શકતી નથી. કેન્દ્ર સરકારે પહેલાં એરટેલ અને પેટીએમ જેવી પ્રાઈવેટ કંપનીઓને પેમેન્ટ્સ બેન્કનાં લાઈસન્સ આપ્યાં તે પછી પોસ્ટ ઓફિસોને લાઈસન્સ આપ્યું છે, જેનો ફાયદો ૧૭ કરોડ ગ્રાહકોને થશે તે નક્કી છે.

ટપાલીઓ સેવા આપતા થઈ ગયા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કનું ઉદ્ઘાટન કર્યું તે પહેલાં રાયપુર અને રાંચીમાં પ્રાયોગિક ધોરણે બે પેમેન્ટ્સ બેન્કો કામ કરતી થઈ ગઈ હતી. અત્યારે ૬૫૦ પોસ્ટ ઓફિસોમાં જ પેમેન્ટ્સ બેન્કની શ‚આત કરવામાં આવી છે, જેમાં દેશના દરેક જિલ્લાનાં મુખ્ય શહેરોને આવરી લેવામાં આવ્યાં છે. આ ૬૫૦ પેમેન્ટ બેન્કો શરૂ કરવા માટે પોસ્ટ ખાતાનાં ૧૫,૦૦૦ કર્મચારીઓને કુલ ૮ લાખ કલાકની તાલીમ આપવામાં આવી હતી, જેમાંના ૧૧૦૦૦ ટપાલીઓ પેમેન્ટ્સ બેન્કની સેવાઓ આપતા થઈ ગયા છે.
ભારતની ૧.૫૫ પોસ્ટ ઓફિસોમાં આશરે ત્રણ લાખ ટપાલીઓ અને ડાકસેવકો નોકરી કરે છે. તેમને બધાને બેન્કિંગની તાલીમ આપવામાં આવી રહી છે. જેમ જેમ તાલીમ પૂરી થતી જશે તેમ દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં પેમેન્ટ્સ બેન્કની શાખાઓ ખૂલતી જશે. જે ટપાલી બેન્કનો અધિકારી બનીને ઘરે આવશે તેની પાસે સ્માર્ટ ફોન ઉપરાંત તેની સાથે જોડી શકાય તેવું ફિંગર પ્રિન્ટ પારખવાનું મશીન પણ હશે. ફિંગર પ્રિન્ટના આધારે બેન્ક ખાતાની ચકાસણી કરીને ગામડાંના લોકોને ઘરે બેઠા બેન્કિંગ સેવાનો લાભ આપવામાં આવશે. ગામડાનાં લોકો પણ હવે ઘરે બેઠા આરટીજીએસ કે નેફ્ટ કરીને ભારતનાં કોઈ પણ ખાતામાં રૂપિયાની લેવડદેવડ કરી શકશે.
 
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ૧૦૦ ટકા ભારત સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની કંપની બની છે. ભારત સરકારે તેમાં ૧૪૩૫ કરોડ ‚પિયાની મૂડી લગાવી છે. અગાઉ ૨૪ ઑગસ્ટે, પેમેન્ટ્સ બેન્કનું ખાતમુહૂર્ત કરવાનું હતું, પણ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું અવસાન થતાં તેમના માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય શોકને કારણે ખાતમુહૂર્ત લંબાઈ ગયું હતું.

વાર્ષિક ૪% વ્યાજ આપવામાં આવશે

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં કોઈ પણ ગ્રાહક બીજી બેન્કની જેમ બચત ખાતું કે કરન્ટ ખાતું પણ ખોલાવી શકશે. બચત ખાતા પર વાર્ષિક ૪ ટકા વ્યાજ આપવામાં આવશે. પોસ્ટ બેન્કના ગ્રાહકોને મોબાઈલ બેન્કિંગ, ફોન બેન્કિંગ તેમજ મેસેજ સેવાનો લાભ પણ મળશે. મોબાઈલ એપનો ઉપયોગ કરીને પણ તે બેન્કિંગ સેવાનો લાભ લઈ શકશે. પોસ્ટ બેન્ક દ્વારા તેના દરેક ગ્રાહકને ક્વિક રિસ્પોન્સ કાર્ડ આપવામાં આવશે, જેમાં તેનો ખાતા નંબર અંકિત કરેલો હશે. તેને કારણે ગામડાના ગ્રાહકને પોતાનો ખાતા નંબર યાદ રાખવાની જરૂર પણ રહેશે નહીં. પોસ્ટ બેન્ક દ્વારા ગેસ, લાઈટ વગેરેનાં બિલો ભરવા માટે આશરે ૧૦૦ જેટલી કંપનીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જે રોકડ સબસિડી આપવામાં આવે છે તે પોસ્ટ ઓફિસની બેન્કમાં ખાતામાં જમા થઈ જશે. તે માટે હવે વેપારી બેન્કમાં ખાતું ખોલાવવું નહીં પડે. પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કનો ફાયદો એ હશે કે તેમાં મિનિમમ બેલેન્સની જરૂર નહીં રહે.

 લોન મેળવવામાં મદદરૂપ થશે

ભારતમાં વર્તમાનમાં જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા છે, જેની આશરે ૩૦,૦૦૦ બ્રાન્ચો છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટસ બેન્કની શાખાઓ દેશની દરેક પોસ્ટ ઓફિસમાં શરૂ થઈ જશે ત્યારે સ્ટેટ બેન્ક કરતાં પાંચ ગણી શાખાઓ હશે, પોસ્ટ ઓફિસની બેન્ક પોતે કોઈ જાતની લોન આપી નહીં શકે, પણ તેના કોઈ ગ્રાહકને લોન જોઈતી હશે તો જાહેર ક્ષેત્રની મોટી બેન્કો સાથે સહયોગ સાધીને તે લોન મેળવવામાં મદદ કરી શકશે. વીમાનું પ્રીમિયમ ભરવા માટે પણ પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કનો ઉપયોગ કરી શકાશે. પેમેન્ટ બેન્કના ગ્રાહકને રૂપિયા કઢાવવા માટે એટીએમ સુધી જવું નહીં પડે, કારણ કે ટપાલી એટીએમ લઈને તેના ઘરે આવશે.
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી તેનો મુખ્ય હેતુ કાળાં નાણાંની નાબૂદી માટે ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવાનો હતો, પણ તેનો વધુ લાભ શહેરના લોકો જ લઈ રહ્યા છે. હવે ગામડાંમાં પણ પેમેન્ટ બેન્કની શાખા ખૂલી જતાં ગામડાંના લોકો પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરતા થઈ જશે.