મળો એશિયન રમતોત્સવ - ૨૦૧૮ના ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતાઓને...

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮   
 
 
 

એશિયન રમતોત્સવ - ૨૦૧૮ ભારતનું શાનદાર પ્રદર્શન

ભારતે ૧૮મા એશિયન રમતોત્સવમાં ૧૫ સુવર્ણ, ૨૪ કાંસ્ય અને ૩૦ તામ્ર પદક સાથે કુલ ૬૯ પદકો જીત્યાં છે. આ સાથે જ આપણે ૨૦૧૦ના એશિયન રમતોત્સવના સૌથી વધુ ૬૪ પદકોનો વિક્રમ પણ તોડ્યો છે, તો ૧૫ જેટલાં સુવર્ણ પદકો જીતી આપણા રમતવીરોએ ૬૭ વર્ષ પુરાણા ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ૧૯૫૧માં એશિયન રમતોત્સવમાં આપણે આટલાં સુવર્ણ પદક મેળવ્યાં હતાં. ત્યારે આવો માણીએ, ભારતના ગૌરવ સમાન એ સુવર્ણ પદક વિજેતાઓ અને તેમની સંઘર્ષગાથાઓને...


ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે અપાવ્યો સુવર્ણ પદક


 
 
ડાંગ જિલ્લાની યુવતી સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેક્ધડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દત્તક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. પિતા ખેતમજૂર અને એક નાની બહેન ઘરકામમાં મદદરૂપ બનતી. આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે. કૉલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યાર બાદ કર્ણાટકમાં ઓલ ઇન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી, જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડ્મિશન થયું હતું અને તે નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.
સરિતા ગાયકવાડની સિદ્ધિ અન્ય તમામ કરતાં અનોખી એટલા માટે કહી શકાય કે તે જે બેકગ્રાઉન્ડમાંથી આગળ આવી છે તે આશ્ર્ચર્યજનક છે. જે ગામમાં હજી વીજળી પણ પહોંચી ન હોય અને જે જિલ્લાને વર્ષોથી સાવ પછાત માનવામાં આવતો હોય તે ડાંગના આહવા નજીકના કરાડી આંબા ગામની વતની સરિતા ગાયકવાડ હજી થોડા વર્ષ અગાઉ ટેલિવિઝન પર કાર્યક્રમ નિહાળવા માટે પણ પડોશીના ઘરે જતી હતી. આહવા સુધી જવાનું પણ જેના માટે દુષ્કર હતું તે સરિતા ગાયકવાડ ખેલ મહાકુંભમાં ભાગ લેવા ગઈ અને તેને કઈ રમતમાં રહેવું તેની પૂરતી માહિતીને અભાવે તેણે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લીધી અને પાંચેય ઇવેન્ટમાં મોખરે રહી ત્યારે સૌનું ધ્યાન તેની તરફ ગયું. નેશનલ એથ્લેટિક્સમાં આવ્યા બાદ તેણે ૪૦૦ મીટર દોડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં ય ૪ x ૪૦૦માં તેના જેવી રનર હોય તો બાકીની રનરે કદાચ કોઈ ભૂલ કરી હોય તો સરિતા આવીને સરભર કરી આપે તે ઇરાદાથી તેને ટીમમાં લેવાઈ. જાકાર્તામાં જ ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં એશિયન એથ્લેટિક્સ મીટ યોજાઈ જેમાં તેણે ગોલ્ડ જીત્યો અને એશિયન ગેમ્સની દાવેદાર બની ગઈ. આ વખતે તેણે ઇતિહાસ રચી દીધો.
જોકે માધ્યમોમાં તેના બેકગ્રાઉન્ડને લઈ વહેતી થયેલી વાતો બાદ સરિતા ગાયકવાડે ખુલાસો કર્યો છે કે, હું ચોક્કસ ગરીબ પરિવારમાંથી આવું છું. એક સમયે અમારી આવક ઘણી ઓછી હતી. પરંતુ આજ હું સરકારી વિભાગમાં નોકરી કરું છું અને મને વેતન પણ ખૂબ સારું મળે છે. ઈન્કમટેક્ષ વિભાગમાં મને થોડા વર્ષો પહેલાં જ સ્પોર્ટ્સના ક્વોટમાં નોકરી મળી હતી. સરકાર પણ મને સારી મદદ કરી રહી છે.

૧૫૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક જીતનાર જિનસન જાનસન


 
 
ભારતીય એથ્લીટ જિનસને એશિયાઈ રમતોત્સવમાં ૧૨મા દિવસે પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક જીત્યો. જિનસને ૩ મિનિટ ૪૪.૭૨ સેકંડના સમય સાથે ઈરાનના આમિર મોરાદીને પછાડી આ પદક પોતાને નામે કર્યો હતો. રિયો ઓલિમ્પિકમાં કેરલના આ રમતવીર પાંચમા સ્થાને રહ્યો હતો, પરંતુ તેઓ ત્રણ મિનિટ ૪૪.૭૨ સેક્ધડના સમયમાં ખૂબ સારા અંતર સાથે સુવર્ણ પદક જીતી લાવ્યા છે.
કેરલના કોઝિકોડ જિલ્લાના ચક્કિટ્ટાપારામાં સામાન્ય પરિવારમાંથી આવતા જિનસન ૨૦૦૯થી ભારતીય સૈન્યમાં છે. ૨૦૧૫માં તેઓને જુનિયર કમિશંડ ઓફિસરનું પ્રમોશન મળ્યું હતું. તેઓ ૨૦૧૫માં થયેલ એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. વૃદાનમાં આયોજાયેલ આ ચેમ્પિયનશિપમાં જોનસને ૮૦૦ મીટર દોડમાં કાંસ્ય પદક મેળવ્યો હતો.


તેજિંદરપાલ સિંહ તૂર : શોટપૂટમાં જીત્યો સુવર્ણ પદક


 
 
એશિયાઈ રમતોત્સવના ૭મા દિવસે પુરુષોની શોટપૂટ (ગોળાફેંક)ની સ્પર્ધામાં પંજાબના ૨૩ વર્ષના રમતવીર તેજિંદરપાલ સિંહે ભારત માટે સુવર્ણ પદક જીત્યો. તેઓએ ૨૦.૭૫ મીટર દૂર ગોળો ફેંકીને ન માત્ર સુવર્ણ પદક મેળવ્યો સાથે સાથે વિક્રમ પણ નોંધાવ્યો. તેઓએ ભારતના જ ઓમપ્રકાશ કરહાનાના નામે નોંધાયેલ ૨૦.૬૯ના છ વર્ષ જૂના વિક્રમને તોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પંજાબના માંગા જિલ્લાના ઓસોપાડો નામના ગામમાં રહેતા તેજિંદરપાલ સિંહના પિતાનું સ્વપ્ન હતું કે તેમનો પુત્ર આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ભારત માટે સુવર્ણ પદક જીતી લાવે. પોતાના પિતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા તેઓએ દિવસ-રાત એક કરી દીધાં હતાં. પિતાને કેન્સર થયું હોવા છતાં ખુદની તાલીમમાં આંચ આવવા દીધી નહોતી. સુવર્ણ પદક જીત્યા બાદ તેજિંદરે કહ્યું હતું કે, આ સન્માન મારા પિતાનાં સ્વપ્નોને સમર્પિત. હવે હું તેમની સામે ઊંચા મસ્તકે જઈશ અને આ પદક અર્પણ કરીશ. પરંતુ અફસોસ, કે તેઓ પોતાના પિતા પાસે પહોંચે તે પહેલાં જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું.

પોતાનો જ વિક્રમ તોડી જીત્યો સુવર્ણ પદક


 
 
ભારતના ખેલાડી નીરજ ચોપડાએ એશિયન ગેમ્સના ૯મા દિવસે પુરુષવર્ગની જૈવલિન થ્રો (બરછી ફેંક)માં સુવર્ણ પદક જીતી ઇતિહાસ રચ્યો હતો. તેઓ એશિયન રમતોત્સવમાં બરછી ફેંકમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય છે. આ રમતના ઇતિહાસમાં આજ સુધી ભારતને માત્ર બે જ પદક મળ્યા છે. આ અગાઉ એશિયન રમતોત્સવમાં ૧૯૮૨માં ગુરતેજસિંહને તામ્ર પદક મળ્યો હતો. તેઓએ પોતાના જ નામનો નેશનલ વિક્રમ તોડી ૮૮.૦૬ મીટર દૂર બરછી ફેંકી સુવર્ણ પદક ભારતના નામે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુવર્ણ પદક જીત્યા બાદ તેઓએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે, ‘હું આ સુવર્ણ પદક સ્વ. અટલ બિહારી વાજપેયીજીને સમર્પિત કરું છું. તેઓ એક મહાન વ્યક્તિ હતા.’

મનજિતસિંહ ચહલ : ૮૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક


 
 
હરિયાણાના ઉઝના ગામના આ યુવકે રમતોત્સવના ૧૦મા દિવસે પુરુષોની ૮૦૦ મીટર દોડ ૧ મિનિટ ૪૬.૧૫ સેક્ધડમાં પૂરી કરી સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો.
હરિયાણાના આ યુવાનની સફળતાની તો આજે સૌ કોઈ વાહવાહી કરે છે, પરંતુ આ સફળતા પાછળ તેણે આપેલા ભોગ, બલિદાન અને તેના સંઘર્ષની કદાચ જ કોઈને ખબર હશે. રાજ્યનાં નરવાનાના ઉઝના ગામના એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવતા મનજિત ચાર મહિના પહેલાં જૂનમાં ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે તેમને સમાચાર મળ્યા કે, તેઓને એક પુત્ર થયો છે. પરંતુ તે પોતાના દીકરાનું મ્હો પણ જોઈ ન શક્યા અને એશિયાઈ રમતોત્સવની તૈયારી માટે ભૂતાન જવું પડ્યું અને ત્યારથી આજ-દિન સુધી તેઓ પોતાના દીકરાનું મોં જોઈ શક્યા નથી.

ટ્રિપલ જંપમાં ૪૮ વર્ષ બાદ સુવર્ણ પદક અપાવનાર અરપિંદર સિંહ


 
 
એશિયન રમતોત્સવના ૧૧મા દિવસે ટ્રિપલ જંપમાં ૪૮ વર્ષ બાદ ભારતને સુવર્ણ પદક મળ્યો અને ભારતને આ સુવર્ણ પદક અપાવનાર રમતવીરનું નામ છે અરપિંદર સિંહ. આ અગાઉ ૧૯૭૦માં મનપિંદરપાલ સિંહે ભારતને સુવર્ણ પદક અપાવ્યો હતો.
એક સમયે અરપિંદર સિંહે રમતની દુનિયાને અલવિદા કરી દેવાનું મન બનાવી લીધું હતું. ૨૦૧૪ના ઓલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય પદક જીતવા છતાં પંજાબ સરકાર તરફથી યોગ્ય સન્માન ન મળતાં તેઓએ રમતની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં કોઈએ કહ્યું, ‘હરિયાણા ચાલ્યા જાઓ. ત્યાં કદાચ તમારી પ્રતિભાનું યોગ્ય સન્માન થાય.’ તેઓ પંજાબ છોડી હરિયાણા રહેવા આવી ગયા અને સેનીપતમાં અભ્યાસ શરૂ કર્યો. હરિયાણા રાજ્ય તરફથી તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક જીત્યો અને હરિયાણા સરકારે પણ તેની કદર કરી. અરપિંદર સિંહને નેશનલ એથ્લિટનું સન્માન આપ્યું અને આજે તેઓએ ઇતિહાસ રચી દેશ માટે ત્રિપલ જંપમાં સુવર્ણ પદક અપાવ્યો છે.

હેપ્ટાથલોન ગર્લ સ્વપ્ના બર્મન

 
 
તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અભાવ છતાં કોઈ તપીને બહાર આવે છે તો તેને કુંદન કહેવામાં આવે છે. કુંદન એટલે કે તપેલું સોનું. આવું જ કુંદન સાબિત થઈ છે પશ્ર્ચિમ બંગાળની સ્વપ્ના બર્મન. રિક્ષા ચલાવી માંડ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી શકતા પિતાની દીકરી સ્વપ્ના બર્મન એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક જીતી. આ ક્ષેત્રે સુવર્ણ પદક જીતી લાવનારી ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે. ૨૧ વર્ષની સ્વપ્નાએ બાળપણથી જ ભારત માટે પદક મેળવવાનું સ્વપ્ન જોયું હતું. તેની માતા કહે છે કે, સ્વપ્ના માટે એશિયન રમતોત્સવમાં ભાગ લેવો એ આસાન ન હતું. મારા પતિ રિક્ષા ચલાવે અને માંડ ઘરનું પૂરું થાય. ત્યાં તેનો તાલીમનો ખર્ચો ક્યાંથી કાઢવો. ઉપરથી તે બીમારીને કારણે પથારીવશ છે. સ્વપ્નાને જૂતાં પણ મળતાં ન હતાં. કારણ કે તેના બન્ને પગે છ-છ આંગળીઓ છે. પગની વધુ પહોળાઈને કારણે તેને સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ બની જતી. તેનાં જૂતાં પણ વારંવાર ફાટી જતાં.


સુવર્ણ પદક જીતનાર ભારતના પાંચમા નિશાનેબાજ : સૌરભ ચૌધરી


 
 
હજી તો માંડ મૂછનો દોરો ફૂટ્યો છે, ત્યાં ઉત્તર પ્રદેશના આ લબરમૂછિયા કિશોરે જે કારનામું કર્યું છે તે સાંભળી દરેકની છાતી ગજ-ગજ ફૂલી જાય. ૧૬ વર્ષના સૌરભે એશિયન રમતોત્સવમાં ૧૦ મીટર એયર પિસ્ટલમાં વિશ્ર્વ અને ઓલિમ્પિક વિજેતાઓને ધૂળ ચાટતા કરી એશિયન રમતોત્સવના ઇતિહાસમાં સુવર્ણ પદક જીતનાર ભારતનો પાંચમો નિશાનેબાજ બની ગયો છે. આ અગાઉ ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જીતુ રાય અને રંજન સોઢી સુવર્ણ પદક જીતી ચૂક્યા છે. નોંધનીય બાબત એ છે કે, સૌપ્રથમ વખત સીનીયર સ્તરે રમી રહેલા સૌરભે ૨૦૧૦ના વિશ્ર્વવિજેતા તોમોયુકી મત્સુદાને ૨૪ શોટની ફાઈનલમાં હરાવ્યો છે. મેરઠના એક ગામના સામાન્ય પરિવારમાંથી આવતા સૌરભને બાળપણથી જ ભણવા પ્રત્યે ખૂબ જ ચીઢ હતી. ભણવા પ્રત્યે જેટલી ચીઢ હતી તેટલી જ હદે નિશાનેબાજીનું ઝનૂન હતું. જીદ કરી આ અંગે પ્રશિક્ષણ મેળવ્યું. તેની આ જીદ અને ઝનૂને તેને મેરઠના એક ગામડામાંથી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં પહોંચાડ્યો અને તેણે વિશ્ર્વસ્તરે ભારતનું નામ ઉજાળ્યું.

૨૫ મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનાર રાહી જીવન સરનાબોત


 
 
કાનપુરની રાહી જીવન સરનાબોતે એશિયન રમતોત્સવમાં ૨૫ મીટર પિસ્ટ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતી જાણે કે દેશને બેટી વધાવોનો સંદેશ આપ્યો છે. રાહી એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ ભારતીય નિશાનેબાજ મહિલા બની ગઈ છે. ૧૯૯૦માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલ રાહી ઓલિમ્પિકમાં પણ ત્રણ વખત પદક જીતી ચૂકી છે.

પત્તાંની રમતમાં પણ જીત્યો સુવર્ણ પદક

 
 
ભારતના પ્રણવ વર્ધન અને શિવનાથ સરકારે એશિયન રમતોત્સવના ૧૪મા દિવસે પુરુષોની બ્રિઝ (પત્તાં)ની રમતમાં સુવર્ણ પદક જીત્યો હતો. ૬૦ વર્ષના પ્રણવ અને ૫૬ વર્ષના શિવનાથ સરકારની જોડીએ ૩૮૪ અંકો સાથે સુવર્ણ પદક અંકે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પત્તાંની રમતને એશિયન રમતોત્સવમાં સૌપ્રથમ વખત સામેલ કરવામાં આવી હતી, જેમાં ભારતે ડંકો વગાડ્યો હતો. બન્ને મહાનુભાવો ભારત માટે સુવર્ણ પદક જીતનારા સૌથી વધુ ઉંમર લાયક રમતવીરો બની ગયા છે.

નૌકાયનમાં ભારતને સૌપ્રથમ સુવર્ણ પદક


 
 
એશિયન રમતોત્સવ ૨૦૧૮માં નૌકાયનમાં પણ ભારતે ધડબડાટી બોલાવી છે. ભારતનાં સ્વર્ણસિંહ, ભોનાકલ દત્ત અને સુખમીતસિંહની પુરુષોની ટીમે નૌકાયનમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. ભારતના નાવિકોની આ ઝાંબાજ ટીમે અંતિમ સ્પર્ધામાં ૬ મિનિટ અને ૧૭.૧૩ સેક્ધડમાં સ્પર્ધા જીતી સુવર્ણ પદક અંકે કર્યો હતો. આ જ સ્પર્ધામાં ભારતને બે તામ્ર પદકો પણ મળ્યા છે.


ટેનિસમાં બોપન્ના અને દિવિજનો ગોલ્ડન શોટ


 
 
ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણના અનુભવે પણ એશિયન રમતોત્સવમાં ભારતને સુવર્ણ પદક અપાવ્યો. આ સ્ટાર જોડીએ પુરુષ ડબલ્સની ફાઈનલમાં જીત મેળવી સુવર્ણ પદક પર કબજો જમાવ્યો. આ બેલડીએ ખરાખરીનો જંગમાં કઝાકિસ્તાનના એલેક્ઝેન્ડર બુબલિક અને ડેનિસ યેવસેવની જોડીને ૬-૩-૬-૪થી મ્હાત આપી હતી.

બોક્સર અમિત પંધલનો ગોલ્ડન પંચ


 
 
ભારતીય સૈન્યમાં સૂબેદાર અને બોક્સર અમિત પંઘલે ઓલિમ્પિક રમતોત્સવના ૧૩મા દિવસે ભારત માટે ગોલ્ડન પંચ મારી સુવર્ણ પદક જીત્યો હતો. પુરુષોની ૪૯ કિલો વર્ગની સ્પર્ધામાં અમિતે ઉઝબેકિસ્તાનના હસનબોય કસામાટોવને ૩-૨થી હરાવ્યો હતો, જે ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં વિજેતા હતા.’

રિલે દોડમાં મહિલાઓની સુવર્ણજીત


 
 
ભારતીય મહિલાઓએ પણ એશિયન રમતોત્સવે પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. હિમાદાસ, યુવમ્મા રાજુ, વિસમાયા અને ગુજરાતની ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત સરિતા ગાયકવાડની ટીમે ૪ x ૪૦૦ મીટર રિલે દોડમાં સુવર્ણ પદક જીતી ભારતની જીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ભારતની ચોકડીએ ૩ મિનિટ અને ૨૮.૭૨ સેક્ધડમાં આ સ્પર્ધા જીતી ભારતના નામે વધુ એક સુવર્ણ પદક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ સ્પર્ધામાં વિક્રમ સર્જવાથી માત્ર .૦૫ સેક્ધડથી જ ચૂકી ગઈ હતી. અગાઉનો વિક્રમ ૨૮.૬૮ સેકન્ડનો છે.