એક લાખ ચાંલ્લો કરવાના હોય તો જ લગ્નમાં આવજો

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮


 

આપણે ત્યાં હવે લગ્નની કંકોત્રી સાથે ચાંદલાપ્રથા બંધ છે એવું લખવાની ફેશન છે. જો કે કેનેડામાં રહેતા એક યુગલે તો સગા-સંબંધીઓ પાસેથી ચાંદલો કે ગિફ્ટ નહીં, રીતસરની ઉઘરાણી માંડી દીધી હતી. કેનેડામાં રહેતી સુઝેન નામની ક્ધયાએ થોડાક મહિના લગ્નની તૈયારીઓ આરંભી. પોતાને પ્રિન્સેસથી જરાય કમ માનતી સુઝેને પોતાનાં લગ્ન અત્યંત ધામધૂમથી પ્લાન કર્યા હતા. બજેટ માંડ્યું તો પોતાની કલ્પના મુજબની જાહોજલાલી કરવી હોય તો લગભગ ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ હતો. તેની અને બોયફ્રેન્ડની પાસે મળીને ખિસ્સામાં માત્ર દસ લાખ રૂપિયા હતા. વધારાના પૈસાની જોગવાઈ કરવા માટે સુઝેને પોતાના અને બોયફ્રેન્ડના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા વસૂલવાનું નક્કી કર્યું. તેણે બાઅદબ લોકો પાસે માંગ્યું અને કહ્યું કે, અમે લગ્ન બહુ ભવ્ય રીતે કરવા માગીએ છીએ. જો તમે ૧૫૦૦ ડૉલર એટલે કે લગભગ એક લાખ રૂપિયાનો ચેક આપવાના હો તો તમને એમાં આવવાનું આમંત્રણ છે. શરૂઆતમાં તો કેટલાક મિત્રોએ મદદ કરવાની તૈયારી બતાવી, પણ પછી ખબર નહીં કેમ વારાફરતી બધા લગ્નમાં નથી આવવું એવા નિર્ણય પર આવી ગયા. કોના કેટલા મિત્રોએ પૈસા આપવાની ના પાડી બાબતે સુઝેનનો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો. લગ્ન કરવાં હતાં, પણ પૈસા કોઈ આપે એમ નહોતું. બીજી તરફ ઝઘડો થયો અને વાત વકરીને બ્રેકઅપ પર આવી ગઈ અને લગ્ન મુલતવી રહ્યાં.