પ્રકરણ – ૪૧ : આખરે સાયબર લવની સાઈડ ઈફેક્ટે ગેઈમ કરનાર અસલી સ્ત્રીનો ચહેરો ખુલ્લો પાડી દીધો.

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

સવારના સાડા નવ થયા હતા. રેડિયો એફ. એમ. પર મનહર ઉઘાસની સુંદર ગઝલ ઓન એર હતી,

મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે

કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂંટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા

કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

અને એવા ફાડી ખાનારા એકાંતના જડબામાં ગુલાલ ભીંસાઈ રહી હતી. મલ્હારના મર્ડરને આજે એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો હતો. સમયમાં સેંકડો ક્ષણો વીતી હતી પણ એકે ક્ષણ એવી નહોતી વીતી જેણે ગુલાલના ચહેરા પર હાસ્ય પ્રગટાવ્યું હોય.એક જૂના નાઈટ વેરમાં સજ્જ ગુલાલ ડ્રોઇંગરૂમના સોફા પર બેઠી હતી. ચહેરા પર નૂર નહોતું, નસોમાં વહેતા લોહીમાં ગરમાવો નહોતો, આંખોમાં કોઈના ઇન્તજારનો સુરમો નહોતો. માત્ર હતું તો કાળુંડિબાંગ એકાંત અને કોરી ખાનારી વેદના. સોફાના ટેકે માથું ટેકવીને આંખો બંદ કરીને ગીતને એની નસોમાં ઉતારી રહી હતી. ત્યાં એના માથે મમ્મી કૌશલ્યાબહેનનો હાથ ફર્યો. વેદના દીકરીને હતી પણ વધારે સુકાઈ ગયાં હતાં . એમણે ફિક્કા ચહેરે પ્રસાદી ધરી. ગુલાલે મુંગા મોઢે લઈ લીધી અને આંખો બંધ કરી દીધી. કૌશલ્યાબહેન એની બાજુમાં બેસી ગયા. એનો હાથ હાથમાં લીધો અને બોલ્યા,‘બેટા, હવે ક્યાં સુધી આમ ને આમ રિબાઈ રિબાઈને જીવીશ?’

ગુલાલે આંખો ખોલી અને ધીમેથી જવાબ આપ્યો,‘ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી.’

બેટા, જિંદગીને કોઈ નથી સમજી શક્યું. માણસ ધારે એમ બધું થતું હોત તો દુનિયામાં કોઈ દુ:ખી ના હોત.’

મમ્મી, મારે ક્યાં બધું ધારું પ્રમાણે જોઈતું હતું ? બસ, એક સપનું હતું, ભગવાને એય તોડી નાંખ્યું.’

એનું નામ જિંદગી બેટા. ઘટનાને એક સપનું સમજીને ભુલી જા. આમ ને આમ તું મરી જઈશ. બન્યું પછી તું ખાવાનું પણ ભુલી ગઈ છે. મારો જીવ બળી જાય છે. હવે બહુ થયું. ચાલ, જાગ્યા ત્યારથી સવાર. આજે તને ભાવતો નાસ્તો બનાવ્યો છે. ફટાફટ કરી લે. પછી આપણે ક્યાંક બહાર જઈએ.

ના, મારે નથી કરવો નાસ્તો ! પ્લીઝ, મને ફોર્સ ના કરીશ. મારે ક્યાંય જવું નથી. હું જીવું છું એમ જીવવા દે!’

ગુલાલે થોડોક ગુસ્સો અને થોડીક વેદનાથી મમ્મીને કહી દીધું ત્યાં બહારથી કોઈ અંદર આવ્યું અને બોલ્યું,‘કેમ નથી કરવો નાસ્તો ? આજે તારે નાસ્તો પણ કરવાનો છે અને બહાર ફરવા પણ જવાનું છે. જોઉં છું કેમ નથી કરતી!’

બંને મા-દીકરીની નજર દરવાજા તરફ ગઈ. નિખિલ હસતો હસતો અંદર આવી રહ્યો હતો, ‘આવ, બેટા! હવે તું સમજાવ આને. હું તો થાકી ગઈ.’ કૌશલ્યાબહેને નિખિલને આવકાર આપ્યો. નિખિલ સોફામાં બેઠો એટલે ઊભા થઈને અંદર ગયાં, ‘તમે વાતો કરો. હું તમારા બંને માટે નાસ્તો લાઉં.’

કૌશલ્યાબહેન રસોડામાં ગયા તરત નિખિલ ઉભો થઈને ગુલાલની બાજુમાં સરકયો, ‘ગુલાલ, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.’

બોલ! ગુલાલને કોઈ વાત સાંભળવાનું મુડ નહોતુ એવું એના અવાજ પરથી સ્પષ્ટ વરતાઈ રહ્યું હતું. છતાં નિખીલે વાત શરૂ કરી દીધી, ‘ગુલાલ, મને ખબર છે તને કોઈ વાત સાંભળવામાં અત્યારે રસ નહીં હોય. પણ બહું મહત્વની વાત છે. ધ્યાનથી સાંભળજે. ઘટનાને મલ્હારના ખૂન સાથે નિસ્બત છે!’ મલ્હારનું નામ આવતાં ગુલાલના ચહેરા પર ચમક આવી ગઈ. સોફામાં ઢળી પડી હતી પણ બેઠી થઈ ગઈ અને પ્રશ્ર્નાર્થની દૃષ્ટીએ નિખિલ સામે જોયું. નિખિલે આગળ ચલાવ્યું, ‘ગુલાલ, અંતરા સ્ત્રી નથી જેણે આખો ખેલ કર્યો. મલ્હારને પ્યાદું બનાવી રમાડનાર અને તને છેતરનાર સ્ત્રી બીજી કોઈક છે. અને હજુ બહાર ફરી રહી છે.’

ગુલાલ આશ્ર્ચર્ય અને આઘાતથી નિખિલ સામે તાકી રહી હતી, માંડ માંડ બોલી શકી, ‘આર યુ મેડ નિખિલ! બધા પુરાવા મળી ગયા છે. બધું સામે આવી ગયું છે અને હવે તું એમ કહી રહ્યો છે કે અંતરા સ્ત્રી નથી! ઈટ્સ ઈમ્પોસિબલ!’

જગતમાં બધું પોસિબલ છે. સ્ત્રીને હું ઓળખું છું. મારી પાસે એના પુરાવા પણ છે. પણ તું વાત કોઈને ના કરીશ. . ઝાલાને પણ નહીં. સમજી?’

બટ, વ્હાય! તારી પાસે પુરાવા હોય અને તું એને ઓળખતો હોય તો પછી સીધો . ઝાલાને ફોન કરી દેને!’

ના, ગુલાલ, પ્લીઝએવું કંઈ ના કરતી. મારે એને રંગે હાથ પકડવી છે. પ્લીઝતું કોઈને વાત ના કરીશ. તું ધારે છે એટલી સરળ વાત નથી . બસ મારામાં વિશ્વાસ રાખજે ! છે ને મારામાં વિશ્વાસ ?’

ગુલાલ થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી,‘હવે દુનિયામાં વિશ્વાસ મૂકી શકાય એવા બે વ્યક્તિ છે મારી પાસે. એક મમ્મી અને બીજો તું. મને તારામાં ખુદ કરતાં પણ વધારે વિશ્વાસ છે નિખિલ ! તું ચિંતા ના કર, તું કહીશ એમ કરીશ. પણ મને ખૂનખરાબાથી બહુ ડર લાગે છે. એટલું ધ્યાન રાખજે કે હવે કોઈ નિર્દોષનો જીવ ના જાય.’

મારું પ્રોમિસ છે તને. થેંક્સ !’

વાતો ચાલતી હતી એટલીવારમાં કૌશલ્યાબહેન ગરમા ગરમ નાસ્તો લઈને આવી ગયાં. નિખિલના આગ્રહથી આજે મહિના પછી ગુલાલે પહેલી વાર નાસ્તો કર્યો. બંને મા-દીકરીની પાંપણો ભીંજાયેલી હતી. નિખિલે વિદાય લીધી ત્યારે ગુલાલ એક જુદી નજરે એને જોઈ રહી હતી. ફરીવાર એને કશાકનો ઇન્તજાર હતો.

***

રાતના સાડા ત્રણ થયા હતા. એક ઓરડામાં એક સ્ત્રી ખોળામાં લેપટોપ લઈને બેઠી હતી. સ્ક્રિન પર મલ્હારની તસવીર ઝગમગી રહી હતી અને સ્ત્રી એને તાકીને ગાંડાની જેમ બબડી રહી હતી, ‘મલ્હાર બકા, આઈ એમ સોરી! તને મારીને હવે હું પસ્તાઈ રહી છું. અંતરાને મારીને પણ મને પસ્તાવો થઈ રહ્યો છે. બિચારીને મેં વગર વાંકે ખતમ કરી નાંખી. એક એક રાત ડાધિયા કૂતરાની જેમ મને ફાડી ખાય છે. તારો અભાવ તન અને મન બંનેને સાલી રહ્યો છે. મારુ શરીર અને દિલ બંને તને પામવા સળગી રહ્યું છે. તું હોત તો કેટલું સારું થાત! તારા વગર હું ગાંડી થઈ જઈશ !’ સ્ત્રી સાવ ઘેલાં કાઢતી હતી. કોમ્પ્યુટર સ્ક્રિન પરની મલ્હારની તસવીરને ચૂમવા લાગી હતી. એક પછી એક તસવીરો બદલાતી રહી અને એની વિકૃતી પણ રૂપ બદલતી રહી.

લગભગ કલાક સુધી રીતે ગાંડા કાઢતી રહી પછી એણે એનું પર્સનલ મેઈલ ઓપન કર્યું. મેઈલ ઓપન થતાં એને આશ્ર્ચર્ય થયું. મેઈલ એકાઉન્ટ એણે કોઈને આપ્યુ નહોતું છતાં આમાં કોઈનો મેઈલ આવ્યો હતો. એણે ગભરાતાં ગભરાતાં મેઈલ ઓપન કર્યો. ફટાફટ મેઈલના શબ્દો પર નજર ફેરવવા લાગી. જેમ જેમ શબ્દો આંખમાં ઊતરતા ગયા તેમ તેમ કાચી માટીના ઘર જેમ ધરાશાયી થતી ગઈ, કોઈ અજાણ્યો શખસ લખતો હતો,

હાય ડાર્લિંગ, કેમ છો ? મજામા ને!’

તું તો યાર જબરી છો. મલ્હાર, ગુલાલ, નિખિલ, અંતરા અને . ઝાલા સહિત બધાંને છેતરીને આબાદ રીતે છટકી ગઈ. કહેવું પડે હોં. તારા જેવો સાયબર લવ પણ આજ સુધી કોઈએ નહીં કર્યો હોય કે તારા જેવી સાયબર ગેઈમ પણ આજ સુધી કોઈએ નહીં ખેલી હોય. બટ, યુ નો! જેમ દરેકની સાઈડ ઈફેકટ હોય છે એમ સાયબર લવની પણ એક સાઈડ ઈફેક્ટ છે . અને છું હું! હું તને ઓળખુ છું. મને ખબર છે કે તેં કઈ રીતે ગુલાલ, નિખિલ, યુવરાજ, મલ્હાર અને અંતરાને છેતર્યા છે. તેં કેટલાં ખૂન કર્યાં છે અને કેટલાં કરાવ્યાં છે. પણ ચિંતા ના કર. દુનિયામાં દરેક ચીજ ખરીદી શકાય છે. રહસ્યને રહસ્ય રાખવું હોય તો તારે પણ એની કિંમત ચૂકવવી પડશે. અને હા, એમ ના સમજતી કે હું ગપ્પાં મારું છું. મારી પાસે પુરાવાઓ પણ પૂરતા છે. તું વિચાર કર. તારો સાવ અંગત મેઈલ આઈ.ડી, જે તારા સિવાય બીજું કોઈ નથી જાણતું પણ મારી પાસે છે, તો બીજું તો શું નહીં હોય? માટે બેબી, કોઈ ચાલાકી કરવાની કોશિશ ના કરશો. હું જ્યારે ફોન કરું ત્યારે ત્યાં રૂપિયા અને રૂપ લઈને પહોંચી જજો. ગુડ બાય. તારો હમરાઝ.’

સ્ત્રીના શરીરમાંથી ઉષ્મા સરી પડી. એને યકિન નહોતું આવતું કે એની ગેઈમ કોઈ જાણતું હશે. ફફડી ઊઠી હતી. ગજબનો ગોટાળો થઈ ગયો હતો. એને જવાબ આપવા માંગતી હતી, પૂછવા માંગતી હતી કે કોણ છે? પણ આટલી ગભરામણમાં યે સારી રીતે જાણતી હતી કે સમયે, લેપટોપ પરથી, ઈમેઈલ આઈડી પરથી, જગા પરથી જવાબ આપવો જોખમી હતો. ફફડતી ફફડતી આખી રાત એમ બેસી રહી.

***

સવારનો સમય હતો. નિખિલ એક ચોક્કસ જગ્યાએ કોઈકની રાહ જોઈને ઊભો હતો. થોડીવારે એક ગાડી એની સામેથી પસાર થઈ. નિખિલે પણ ગાડી એની પાછળ મારી મુકી. ગાડી આગળ જઈને એક ચોક્કસ જગ્યાએ ઉભી રહી. નિખિલે પણ એનાથી થોડેક દૂર એની ગાડી ઊભી રાખી. ગાડીમાંથી એક વ્યક્તિ નીચે ઊતરી અને એક ચોક્કસ જગ્યાએ પ્રવેશી. નિખિલ પણ લપાતો છુપાતો એની પાછળ ગયો. અને પછી એની સામે આશ્ર્ચર્યજનક ઘટનાઓ ઘટતી ગઈ. વ્યક્તિ ત્યાંથી ફરી એક બીજી ગાડીમાં ગોઠવાઈ. દિવસે તો વ્યક્તિ નિખિલના હાથમાંથી છટકી ગઈ. બીજા દિવસે નિખિલે પાછો એનો પીછો કર્યો. વખતે નિખિલે બે જુદી જુદી જગ્યાએ ગાડીઓ તૈયાર રાખી હતી. આખરે વ્યક્તિનો પીછો કરવામાં સફળ રહ્યો. એણે એની પાછળ ગાડી મારી મૂકી. ગાડી એક અંતરિયાળ રસ્તે આગળ ચાલી રહી હતી. પાછળ નિખિલ ચોક્કસ અંતર રાખીને એને ખબર ના પડે એમ જઈ રહ્યો હતો.

લગભગ અઠવાડિયા સુધી નિખિલે રીતે એનો પીછો કર્યો. અને આખરે એણે એની મોડસ ઓપરેન્ડી જાણી લીધી. સમજી ગયો કે આખી સાયબર ગેઈમ કઈ રીતે ખેલાઈ છે અને શા કારણે સાયબર એક્સપર્ટસ માથા પટકી પટકીને મરી ગયા તોયે ક્રિમિનલ નહોતો પકડાતો.

***

આજે દસ દિવસ થઈ ગયા હતા. દસ દિવસથી પેલી સ્ત્રી રોજ એને બ્લેક મેઈલ કરનારને મેઈલ કરતી હતી. પણ સામેથી એક પણ વાર જવાબ નહોતો આવ્યો. રોજ એને મેઈલ કરતી, ‘કોણ છે તું? મારા બધા રાઝ કેવી રીતે જાણે છે? જવાબ કેમ નથી આપતો? તું એકવાર બોલ! તું કહે એટલા પૈસા આપું પણ મારો પીછો છોડ!’

એકનો એક મેઈલ રોજ સવાર-સાંજ બે વખત કરતી હતી. પણ પેલો અજાણ્યો માણસ એકવાર મેઈલ કરીને જાણે ગાયબ થઈ ગયો હતો. સ્ત્રી એક એક ક્ષણ ફફડાટમાં વિતાવતી હતી. એને એની ચાલ પર ગર્વ હતો ખંડિત થઈ ગયો હતો. એનો ભાંડો હવે ફૂટી જશે, એનો ચહેરો બધાની સામે આવી જશે, બીકે રાત્રે ઊંઘી પણ નહોતી શકતી. પેલા બ્લેક મેઈલરને પૈસા આપીને છૂટવા માંગતી હતી. પણ સામે આવે તો ને !

આખરે અગિયારમા દિવસે પેલાનો સામેથી મેઈલ આવ્યો,‘ડાર્લિંગ, કેમ છો, મજામાં ? જોકે મજામાં તો નહીં હોય. ભાંડો ‚ફૂટી જવાની બીકે જીવ હંમેશાં અધ્ધર રહેતો હશે કેમ? બટ, ડોન્ટ વરી. હું તારો ભાંડો નહીં ફૂટવા દઉં. તારા મેઈલ રોજ મળતા હતા પણ હું કામમાં હતો એટલે જવાબ ના આપી શક્યો. તેં રૂપિયાની વાત કરી છે, બટ યુ નો, હું રૂપનો પણ પૂજારી છું. તારે પેપર કરન્સી અને લેધર કરન્સી બંનેમાં કિંમત ચૂકવવી પડશે. અને માશા અલ્લાહ તું લાગે છે પણ બહુ ખૂબસૂરત.

હવે મારી વાત ધ્યાનથી વાંચ. પરમ દિવસે સવારે સાત વાગે તું મને નીચે લખેલા આઈડી પર મેઈલ કરજે. હું તને તરત રૂપિયા અને રૂપ આપવાનું સ્થળ જણાવી દઈશ. ૫છી આપણે છુટ્ટાં. મેઈલ ડીલીટ એન્ડ પૈસા એન્ડ પદમણી હજમ. સિવાય હવે મને મેઈલ ના કરીશ.’

સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. હાશ, ભલે પૈસા જશે. એકવાર એની સાથે સંબંધ બાંધવો પડશે પણ બચી તો જવાશે. આજે એણે થોડો નિરાંતનો શ્વાસ લીધો. આરામથી ઘેર આવી અને શાંતિથી ઊંઘી. વિચારતી હતી કે હવે એની સાયબર જાળ કોઈ નહીં કાપી શકે.પણ એને ખબર નહોતી કે ઉપર બેઠેલો સમય નામનો ચાણક્ય એની જાળમાં ઉંદરડાં મૂકી ચૂક્યો હતો. હવે બસ જાળ વેતરાઈ જાય એટલી વાર હતી.

ક્રમશ: