અનેક નિષ્ફળતાઓ પચાવી સફળતાના શિખરે પહોંચનાર "જેક મા"

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
નિવૃત્તિની યોગ્ય ઉંમર શું હોવી જોઈએ આ પ્રશ્ર્ન હાલ વિશ્ર્વમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક અલીબાબા ઈ-કોમર્સ કંપનીના સંસ્થાપક ‘જેક-મા’એ માત્ર ૫૪ વર્ષની વયે નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. એટલે કે તે હવે કંપનીને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા પોતાના ઉત્તરાધિકારીને સોંપી પોતાનું નવું જીવન શિક્ષક તરીકે શરૂ કરશે. જેક માની આમ અચાનક જ કારકિર્દી અને સફળતાના મધ્યાહ્ને જ નિવૃત્ત થવાની જાહેરાત બાદ એ સવાલ થવો સ્વાભાવિક છે કે, જો બધું જ સમુંસૂથરું ચાલી રહ્યું હતું તો પછી તેઓએ એકાએક નિવૃત્તિનો નિર્ણય કેમ લીધો ?
 
જેક માની વાર્તા કોઈ ફિલ્મી કથાનકથી ઊતરતી નથી. ચીનના એક ગરીબ પરિવારમાં જન્મેલા પિતા પરિવારનું પાલનપોષણ કરવા માટે નાટક અને વાર્તા સંભળાવવાનું કામ કરતા હતા. તો એક વાત એવી પણ થાય છે કે, તેમના પરિવારની હાલત એટલી કથળેલી હતી કે માત્ર ૩૦ ડૉલરમાં આખો મહિનો ચલાવવો પડતો હતો. જેક મા વિશે કહેવાય છે કે, તેઓ ભણવામાં ખૂબ જ નબળા હતો. તેઓ ૫મા ધોરણમાં બે વાર અને આઠમા ધોરણમાં ૩ વાર નાપાસ થયા હતા. તેઓને અંગ્રેજી પ્રત્યે ગજબનો લગાવ હતો. તેમના પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ક્યારેય સારી શાળામાં જઈ શક્યા નહીં. પરંતુ તેઓએ અંગ્રેજી શીખવાની એક સુંદર રીત શોધી કાઢી અને ચીનમાં આવતા વિદેશી ટૂરિસ્ટ (પ્રવાસી)ઓને પોતાનું શહેર મફતમાં બતાવતો અને વધુમાં વધુ સમય વિદેશીઓ સાથે ગાળતા અને તેમની ભાષામાં વાત કરવાની કોશિશ કરતા. થોડાક જ સમયમાં તે વિદેશી પ્રવાસીઓના માનીતા બની ગયા. કહેવાય છે કે જેકનું અસલી નામ મા યૂર હતું, પરંતુ વિદેશીઓને આ નામ બોલવામાં અગવડ પડતી હતી માટે કોઈ વિદેશીએ તેનું નામ જેક રાખી દીધું. આમ મા-યૂન જેક મા બન્યા.

 
અનેક વખત નિષ્ફળ રહ્યા છે જેક મા

જેક માની ગણતરી આજે વિશ્ર્વના સૌથી સફળ અને ધનવાન લોકોમાં થાય છે, પરંતુ આ સફળ માણસ જિંદગીમાં અનેક વખત નિષ્ફળતાનો સામનો કરી ચૂક્યા છે. શાળાના પ્રારંભિક કાળમાં જ સતત નિષ્ફળતા, ત્યાર બાદ યુનિ.ની પ્રવેશ પરીક્ષામાં પણ સતત ૩ વખત નાપાસ, ત્યાર બાદ અંગ્રેજીના ઉચ્ચ અભ્યાસ માટે હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તેઓની અરજીને ૧૦ વખત નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ તેઓએ અન્ય એક યુનિ.માં પ્રવેશ મેળવી અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી.

કેવી રીતે શરૂ થઈ અલીબાબા.કોમ

અભ્યાસ બાદ સમય હતો કારકિર્દીનો તો કૉલેજ બાદ અનેક નાની મોટી કંપનીઓમાં નોકરી કરી, પરંતુ ક્યાંય સફળતા ન મળી. પોલીસમાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ પ્રથમ ટ્રાયલે જ તેઓ બહાર નીકળી ગયા. તેવામાં તેમના શહેરમાં જાણીતી કંપની ઊંઋઈ નોકરી માટે યુવકોને શોધતી આવી. તેઓએ ઉત્સાહભેર દાવેદારી નોંધાવી, પરંતુ ૨૪ જણામાંથી ૨૩ જણા પસંદ થઈ ગયા અને માત્ર એક વ્યક્તિને નાપસંદ કરવામાં આવ્યો હતો અને તે નાપસંદ થયેલ વ્યક્તિ જેક મા હતા.
ત્યારબાદ જેમ તેમ કરી ચીનની હંઝાઓ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. ત્યાં પણ તેમનું મન ન લાગતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની એક કંપનીમાં જોડાયા અને માત્ર બે જ વર્ષ નોકરી કરી ત્યાંથી પણ રાજીનામું આપી દીધું. આટઆટલી નિષ્ફળતા બાદ કોઈ અન્ય હોય તો કદાચ જિંદગીથી નાસીપાસ થઈ જાય, પરંતુ જેક મા કાંઈક જુદી જ માટીના બનેલા હતા. દોસ્તોની મદદથી તેઓ અમેરિકા પહોંચ્યા જ્યાં તેમણે સૌપ્રથમ વખત ઇન્ટરનેટ વિશે સાંભળ્યું. ઇન્ટરનેટનો ક ખ ગ પણ ન જાણતા તેઓએ તેના પર સૌપ્રથમ ‘બીઅર’ શબ્દ સર્ચ કર્યો અને એટલાં બધાં પેજીસ ખૂલ્યા કે તેઓના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. પરંતુ આમાં ચીનને લગતું કોઈ પેજ ન હતું. તેઓએ ઉત્સુકતાવશ ચાઈનીઝમાં હોમ પેજ તૈયાર કર્યું અને ચાઈના પેજસ નામની ઇન્ટરનેટ કંપની બનાવી. પરંતુ આ કંપની નિષ્ફળ જતાં ફરી વાર તેઓને નોકરી કરવી પડી. થોડા સમયમાં તે નોકરી પણ છૂટી ગઈ અને પોતાના વતન ચીનના હૈગઝમાં ચાલ્યા ગયા અને ત્યાં કેટલાક મિત્રો સાથે એક ઇ-કોમર્સ કંપની શરૂ કરવાની વાત કરી, પરંતુ મોટાભાગના મિત્રોએ અસફળતાના ડરથી તેને નકારી દીધી, પરંતુ તેમના કેટલાક ખાસ મિત્રોની મદદથી ઉછીના ૬૩ હજાર ડૉલર લઈ ‘અલીબાબા’ કંપનીની શરૂઆત કરી. આજે ‘અલીબાબા’ વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાં એક છે જેની વેલ્યુ ૩૦ લાખ કરોડ રૂપિયાની છે. આ રકમ આપણા દેશના કુલ જીડીપીના લગભગ ૧૮ ટકા જેટલી થાય છે. જેક મા વિશ્ર્વના ૨૦મા સૌથી અમીર વ્યક્તિ છે અને ચીનના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓની કુલ સંપત્તિ ૨.૫૪ લાખ કરોડ રૂપિયા છે અને આ સામ્રાજ્ય તેઓએ માત્ર ૧૯ વર્ષમાં જ ઊભું કર્યું છે.

વિશ્ર્વની સૌથી સફળ વ્યક્તિઓમાંના જેક મા હવે નિવૃત્ત થાય છે

આગળ જણાવ્યું તેમ જેક મા હાલ માંડ ૫૪ વર્ષના છે. તેમની કારકિર્દીનો સૂર્ય હાલ મધ્યાહ્ને તપી રહ્યો છે ત્યારે તેઓએ અચાનક જ નિવૃત્ત થવાની જાહેરાત કેમ કરી ? આનો જવાબ તેમણે આપેલા ન્યૂયોર્ક ટાઇમ્સની મુલાકાતમાં આપતાં તેઓ કહે છે કે નિવૃત્તિ કોઈ એક યુગનો અંત નથી, નવા યુગની શરૂઆત છે.
તે કહે છે કે આ નિર્ણય મેં યોગ્ય સમયે લીધો છે, કારણ કે હું જાણું છું કે આગામી પેઢીનું નેતૃત્વ કંપનીના નેતૃત્વ માટે સંપૂર્ણ તૈયાર છે અને તેમના પર મને પૂરો વિશ્ર્વાસ પણ છે. એક શિક્ષક તરીકે મેં જે કાંઈ પણ મેળવ્યું છે એના પર મને ગર્વ છે અને એક શિક્ષક પોતાના વિદ્યાર્થી હંમેશા તેનાથી પણ આગળ વધે એવું જ ઇચ્છતો હોય છે, માટે મારી જવાબદારી બને છે કે વધુમાં વધુ યુવા અને પ્રતિભાશાળી લોકોને નેતૃત્વનો અવસર આપું.

જેક માના આ શબ્દો તમામ માટે પ્રેરક છે

જેકના નિવૃત્ત થવાના આ નિર્ણય પાછળ તેઓએ વ્યક્ત કરેલી ભાવના સમગ્ર વિશ્ર્વ માટે પ્રેરણા સમાન છે. વિશેષ કરીને ભારત માટે, કારણ કે જેકના નિવૃત્તિ બાદના આ શબ્દો આપણા કોઈ પણ ક્ષેત્ર પર લાગુ કરી જુઓ. તમામ લોકો નવા-યુવા નેતૃત્વની વાતો કરે છે, પરંતુ કોઈ કોઈના માટે પદ છોડતું નથી. કદાચ જ કોઈ જગ્યાએ આવો પ્રસંગ જડે જ્યાં કોઈ સિનિયરે યુવા પ્રતિભાને આગળ કરવા માટે પોતાનું પદ છોડ્યું હોય.
 
વાનપ્રસ્થાશ્રમની સભ્યતાવાળા આપણા દેશની હાલત જુઓ. આજે આપણે ત્યાં નિવૃત્તિને એક અભિશાપ માનવામાં આવે છે. માટે જ મોટા ભાગના લોકો ક્યારેય નિવૃત્ત થવા માંગતા નથી અને એમાં પણ કોઈ વ્યક્તિ સફળતાના શિખરે હોય ત્યારે નિવૃત્તિ લેવાની કલ્પના પણ ન કરી શકે. કોઈ વ્યવસાયી હોય, રાજનેતા કે પછી ફિલ્મ સ્ટાર ખૂબ જ મુશ્કેલીથી નિવૃત્ત થાય છે. એમાં પણ આપણા રાજનેતાઓની ડિક્શનરીમાં તો નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ નથી હોતો. જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી તેઓ ખુરશીને છોડવા નથી માંગતા, કારણ કે રાજનીતિમાં પ્રદર્શનનું મહત્ત્વ જ નથી. માત્ર મતબેન્કનું જ મહત્ત્વ છે અને આવા નેતાઓ જો લોકસભા-વિધાનસભાની ચૂંટણી હારે તો જોડ-તોડ કરી રાજ્યસભાના સાંસદ બની જાય છે.
 
વર્તમાન લોકસભાના સાંસદો પર નજર કરો. ૩૫ સાંસદોની વય ૭૦ વર્ષથી ઉપરની છે અને ૨૫૩ સાંસદો એવા છે જેઓની વય ૪૦ વર્ષથી ઓછી હોય. અરે આપણે ત્યાં તો મોટાભાગના નેતાઓની કારકિર્દી જ ૫૪ વર્ષથી શરૂ થતી હોય છે. પરિણામે ૪૮ વર્ષની ઉંમરે પણ કેટલાક નેતાઓ પોતાને યુવા કહેવડાવે છે અને ૯૦ વર્ષના સાંસદ બની બેઠા છે.
 
જેક મા ૫૪ વર્ષની વયે નિવૃત્ત થઈ માર્ગદર્શક બની જશે, પરંતુ આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ માર્ગદર્શક મંડળમાં સામેલ થવા માંગતું નથી. આપણે જ આપણી વાનપ્રસ્થાશ્રમની સંસ્કૃતિ એટલે કે અમુક ઉંમર બાદ તમામ જવાબદારી અને સત્તા યોગ્ય ઉત્તરાધિકારીને સોંપી નિવૃત્ત જીવન ગાળવાની સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. ત્યારે જેક મા જેવા વિદેશી વ્યવસાયી જાણે કે આપણી એ ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા હોય તેમ ગૌરવભેર જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાનું નક્કી કરે છે.