પ્રકરણ – ૨૨ : યુવરાજે નાનકડો સ્પાય કેમેરા ઓન કર્યો અને વેન્ટિલેશન પર ભરાવી દીધો. હવે ત્રણ આંખોમાં ગુલાલની પ્રેમલીલા કેદ થઈ રહી હતી

    ૦૫-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

એકવીસમી તારીખ. યુવરાજ અને મનુ સાંજના પાંચ વાગ્યાથી ગેટ વે ઓફ ઇન્ડિયા આવી ગયા હતા. સાથે ભાડે લીધેલી એક કાર હતી. પણ ડ્રાઇવર વગરની, કારણ કે હવે દસ દિવસ બંનેએ ગુલાલનો પડછાયો બનીને ફરવાનું હતું. એવા સમયે જો ટેક્સી પકડવા જાય તો હાથમાંથી ગુલાલ નહીં મહામુસીબતે મેળવેલી તક પણ સરકી જાય એમ હતું. એણે કોમ્પ્યુટર પર બહુ તપ કરીને તક મેળવી હતી અને તક કોઈ પણ ભોગે ગુમાવવા માંગતો નહોતો.

મેઈલ ઉપર ગુલાલે મલ્હારને ગેટ વે ઓફ ઇન્ડિયાના ગેટ પર મળવાનું કહ્યું હતું. યુવરાજના મોંમાં એકસો વીસનો મસાલો હતો. બધી ચીજો હંમેશાં એના કેરેક્ટરને છાજે એવી કરતો. મનુએ એને પૂછ્યું, ‘યાર, ગુલાલ આવશે તો ખરીને?’

સ્યોર આવશે બોસ, શી ઈઝ ઈન લવ વિથ મલ્હાર! આવશે પણ ખરી અને મારી સાયકોલોજી સાચી પડશે તો એની જાતને અહીં મૂકીને પાછી જશે.’

એટલે?’

એટલે એમ કે કાગડો દહીથરું અને દોણી બંને લઈ જશે. ગુલાલ જેવી છોકરી એને ભોગવવા તો મળશે પણ સાથે સાથે એની મિલકતોનો પણ વારસ બની જશે.’

તો પછી તારે એની સાથે ચાલુ થઈ જવું હતું ને !’ મનુએ એના કેરેક્ટર જેવી હલકી ભાષામાં વાત કરી.

પણ યુવરાજે કંઈ જવાબ ના આપ્યો. સામેથી ગુલાલ આવી રહી હતી. યુવરાજ મોં ફાડીને એને જોઈ રહ્યો. બોડીમાં અવનવાં રાસાયણો દોડવા લાગ્યાં. પણ અત્યારે બોડીનાં રાસાયણોને ઓન થવાની જરૂર નહોતી, માઇન્ડનાં રાસાયણો દોડાવવાની જરૂર હતી. એણે મનુને ધીમેથી કહ્યું, ‘હવે એક પણ શબ્દ ના બોલીશ. જે થાય જોતો જા અને કોઈને ખબર ના પડે કે આપણે આનો પીછો કરી રહ્યા છીએ.’ મનુ ચૂપ થઈને ઊભો રહી ગયો.

વાગવામાં દસ મિનિટની વાર હતી. ગુલાલ ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે પાળી પાસે ઊભી હતી. ત્યાં એક છોકરો સામે આવીને ઊભો રહી ગયો.

હાય, આઈ એમ મલ્હાર.’ પેલા છોકરાએ શેક હેન્ડ માટે હાથ લંબાવ્યો. ગુલાલે પણ હાથ લાંબો કર્યો. બંનેના હસ્ત ધૂનન કરી રહ્યા હતા પણ નજર સ્થિર થઈ ગઈ હતી. યુવરાજ અને મનુની નજર એમનાં પર ખોડાયેલી હતી. બહુ સિફતપૂર્વક ગુલાલ અને મલ્હારને એમના હાઈ મેગાપિક્સલ સ્પાય કેમેરામાં કેદ કરી રહ્યા હતા. બંને શું વાત કરે છે પકડાતું નહોતું. થોડી વારમાં બંને ચાલી નીકળ્યાં. બહાર પાર્કિંગ પાસે આવ્યા અને ગુલાલની ગાડીમાં બેસીને ગાડી મારી મૂકી. યુવરાજ અને મનુએ પણ એમની ભાડાની કાર એમની પાછળ દોડાવી. ગાડી મહાલક્ષ્મી મંદિર પાસે ઊભી રહી. બંને અંદર દર્શન કરવા ગયાં. મનુ ગાડીમાં રહ્યો અને યુવરાજ એમની પાછળ ગયો. બંને હાથ જોડીને માતાજીની મૂર્તિ સમક્ષ ઊભાં હતાં. ત્યારે પાછળ યુવરાજ પણ હતો. મંદિરની વચ્ચોવચ્ચ એક નિર્દોષ કપલ હતું, સામે સાક્ષાત્દેવ હતા અને પાછળ સાક્ષાત્દાનવ.

મહાલક્ષ્મી મંદિરેથી દર્શન પતાવીને બંને જુહુ બીચ પર આવ્યાં હતાં. ગુલાલ અને મલ્હાર એની સામે મોં કરીને ભીની રેતીમાં પગ પલાળતાં બેઠાં હતાં. હજુ સુધી કોઈ ખાસ શબ્દોની આપ-લે થઈ નહોતી. મનુ દૂર ઊભો ઊભો ઝૂમ લેન્સ વડે બંનેની તસવીરો ઝડપી રહ્યો હતો અને યુવરાજ એમની એકદમ નજીક બેઠો હતો. એટલો નજીક કે એને એમના શબ્દો પણ પકડાઈ રહ્યાં હતા. થોડી વારે યુવરાજને લાગ્યું કે નજીક બેસવું બહુ પાલવે એમ નથી એટલે પણ મનુ પાસે ચાલ્યો ગયો. હવે કેમેરો યુવરાજના હાથમાં હતો.

અચાનક ગુલાલે કહ્યું, ‘મલ્હાર આઈ લવ યુ... આઈ.વોન્ટ ટુ મેરી યુ.’ પણ શબ્દો યુવરાજને પકડાયા નહીં. થોડીવારે મલ્હારે ગુલાલનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, ‘આઈ લવ યુ ટુ ગુલાલ! હું પણ તને ચાહું છું.’

યુવરાજને શબ્દો તો નહોતા સંભળાયા પણ દૃશ્યએ બધું કહી દીધું હતું. એણે એક સાથે અનેક ક્લિક કરીને ચુંબનના દૃશ્યને એના કેમેરામાં કેદ કરી લીધું. પણ દૃશ્ય જોનાર એકલો નહોતો. બરાબર વખતે એમનાથી વીસ ફૂટ દૂર નિખિલ ઊભો હતો. દૃશ્ય જોઈને સળગીને રાખ થઈ ગયો.

***

ગુલાલ અને મલ્હારના પગલે પગલે ચાલી રહેલા યુવરાજ માટે પહેલા દિવસે એક મુસીબત ઊભી થઈ હતી. બંનેની વાત સાંભળી નહોતી શકાતી એટલે બીજા દિવસે ક્યાં મળવાનાં છે ખબર નહોતી પડતી. એના વિકૃત દિમાગે તરત રસ્તો શોધી કાઢ્યો. બે દિવસ તો વહેલી સવારે પાંચ વાગ્યે હોટલે તાજના ઝાંપે આંખો ખોડીને બેસી જતો. અને ગુલાલ નીકળે એટલે એનો પીછો કરતો. પણ પછી એણે એના કરતાં પણ સરળ રસ્તો શોધી કાઢ્યો. એક હાઈ ફ્રિકવન્સી રેકોર્ડર ખરીદી લીધું. રેકોર્ડર વીસ ફૂટ દૂરથી પણ અવાજ કેચઅપ કરી શકતું હતું. સાઇઝ હતી માત્ર મોબાઇલના ઈયર ફોન જેટલી નાની. બસ પછી બધું યુવરાજ માટે સરળ બની ગયું. ગુલાલ અને મલ્હારના ફોટા, વિડિયો શૂટ અને વોઇસ બધું હવે કેદ થઈ રહ્યું હતું અને બોમ્બ બનીને ગુલાલની લાઇફમાં ફૂટવાનું હતું.

બંને રોજ મળતાં. ડિનર સાથે લેતા અને રાત્રે બાર કે એક વાગે છૂટાં પડતાં. ગુલાલ એની હોટેલ પર જતી અને મલ્હાર એના ફ્લેટ પર. પછીના દિવસો તો ગુલાલ અને મલ્હાર માટે પૃથ્વી પર ઊતરેલું સ્વર્ગ હતા. બંનેનો પ્રેમ પણ દોડી રહ્યો હતો અને યુવરાજ નામની નફરત પણ. એકાદ બે વાર મલ્હાર ગુલાલના સ્યુટમાં પણ ગયો હતો. બસ ક્ષણો યુવરાજની આંખ બહાર હતી. બાકી સવારથી લઈને સાંજ સુધી, જુહુના દરિયાકિનારાના અજવાળાથી લઈને થિયેટરના અંધારા સુધી એક પણ ક્ષણ એવી નહોતી કે યુવરાજ એમનાથી દસ ફૂટ દૂર ના હોય. બધું કેમેરા અને રેકોર્ડરમાં કેદ થઈ રહ્યું હતું. યુવરાજ ગમે તેમ કરીને બંનેની થોડે નજીક રેકોર્ડર મૂકી દેતો. યુવરાજને એના રેકોર્ડરે અંદરની માહિતી પણ આપી દીધી હતી. ગુલાલ અને મલ્હારની રેકોર્ડ કરેલી વાત પરથી એને ખબર પડી ગઈ હતી કે વર્ષો પહેલાં ગુલાલના પિતાનું અકસ્માતે અવસાન થયું હતું, કોલેજકાળમાં ગુલાલના લીધે રેગીંગથી પીડાઈને એક છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી, મલ્હાર અનાથ છે, બોરીવલીમાં ભાડાના મકાનમાં રહે છે વગરે વગેરે બધું યુવરાજ હવે જાણતો હતો.

***

આજે દસમો દિવસ હતો. સેમિનાર પૂરો થઈ ચૂક્યો હતો. આજની રાત કતલની રાત હતી. સવારની ફ્લાઈટમાં ગુલાલ અમદાવાદ ચાલી જવાની હતી. યુવરાજ ચિંતામાં હતો. હજુ સુધી એક પણ ક્ષણ એવી નહોતી આવી કે જેના જોરે ગુલાલને બ્લેકમેઇલ કરી શકે. હા, ચુંબન વગેરેની તસવીરો પડી હતી. અઢળક પડી હતી. ધારે તો એને મોર્ફ કરીને ન્યૂડ વિડિયો કે ફોટોગ્રાફ બનાવી શકે એમ હતો. પણ જે મજા ચોખ્ખા ઘીમાં હોય ડાલડામાં ક્યાંથી આવે ? ઓરિજિનલ ઓરિજિનલ. આખરે યુવરાજ ઇચ્છી રહ્યો હતો એવું થયું. દિવસે સાંજે ગુલાલે મલ્હારને કહ્યું, ‘મલ્હાર, આપણે દસ દિવસમાં બધે ગયાં પણ મને તારા ફ્લેટ પર તો તું લઈ ના ગયો. મારે એકવાર તારા ઘરમાં પગલાં પાડવાં છે, આજે લઈ જઈશ મને?’

ચોક્કસ ગુલાલ, ચાલ, અત્યારે જઈએ.’

વાત સાંભળી યુવરાજ એકદમ જોશમાં આવી ગયો. કલાક પછી ગુલાલ બોરીવલીમાં આવેલા મલ્હારના ખખડધજ ભાડાના ફ્લેટનાં પગથિયાં ચડી રહી હતી અને યુવરાજ અને મનુ મોં લટકાવીને પાર્કિંગમાં ઊભા હતા. હવે, ફ્લેટમાં જવું કેવી રીતે એક મોટો પ્રશ્ર્ન હતો. ફ્લેટમાં હવે બોમ્બ બને એવી સામગ્રી તળાય તો પણ શું કામની ? યુવરાજ પાસે સમય ઓછો હતો. એણે ફટાફટ એનું દિમાગ કામે લગાડ્યું. એક વૃદ્ધ કાકાને મલ્હારના ઘરનો નંબર પૂછી લીધો, ‘ત્રીજા માળે ચાર નંબરનો ફ્લેટ. જુઓ, પેલો સામે દેખાય છે !’ ફ્લેટની બાલ્કની તરફ આંગળી ચીંધતાં વૃદ્ધે જવાબ આપ્યો. યુવરાજ તરત બાલ્કની તરફ જવાના બદલે ફ્લેટની પાછળની દિશામાં દોડી ગયો.

અંધારું ઘેરાઈ ચૂક્યું હતું. ફ્લેટની પાછળના ભાગે ચહલપહલ ઓછી હતી. એણે મનુને સૂચના આપી, ‘તું ગાડીમાં બેસ. મને યકિન છે કે આજે છેલ્લો દિવસ છે અને ગુલાલ અને મલ્હાર લક્ષ્મણરેખા ઓળંગી જશે. હું પાઇપ ચડીને એની બારીમાંથી જોઉં છું. તું ગાડીમાં બેસ! ગાડી ચાલુ રાખજે. કંઈક ગરબડ થઈ જશે તો હું દોડીને આવી જઈશ.’

૫ણ, દોસ્ત ! જોખમ બહુ છે. કોઈ જોઈ જશે તો.’

આપણે લોકોનો પાસવર્ડ હેક કરીને જે જોખમ લીધું છે એના કરતાં અત્યારે ઓછું છે. તું જલદી જા. લપનછપ્પન ના કર.’ મનુ તરત ગાડી તરફ દોડ્યો અને યુવરાજ મલ્હારના ફ્લેટનો પાઈપ ચડી ગયો. ઉપર જઈને ત્રીજા માળની બારી પાસે અટક્યો. બારી બંધ પણ હતી અને અંદરથી પરદો પણ પાડેલો હતો. પણ યુવરાજ નાસીપાસ ના થયો. એણે થોડીવાર દીવાલ પર આમતેમ નજર દોડાવી. ત્યાં એની નજર બારીથી થોડે ઉપર આવેલા વેન્ટિલેશન પર પડી. એમાંથી પ્રકાશ બહાર ફેંકાઈ રહ્યો હતો. તરત વાંદરા જેમ પાઈપ પર સરક્યો અને વેન્ટિલેશન પાસે પહોંચ્યો. બહાર અંધારું બહુ ગાઢ હતું. કોઈ એને જોઈ શકે એમ નહોતું.

વેન્ટિલેટરમાં કાચ ભરાવ્યા હતા. યુવરાજે ધીમે ધીમે બે-ત્રણ કાચ દૂર કર્યા અને પાળી પર મૂકી દીધા. વેન્ટિલેટરમાં હવે એક હાથ જતો રહે એટલી જગ્યા થઈ ગઈ હતી. એણે અંદર નજર કરી. એના સાયકોલોજી જીતી હતી. અંદરનું વાતાવરણ માદક હતું. ત્વચા ઊઘડી રહી હતી. યુવરાજ પાઈપ પરથી લપસું લપસું થઈ ગયો. એણે ફટાફટ એનો નાનકડો સ્પાય કેમેરા ઓન કર્યો અને વિડિયો શુટ કરવા વેન્ટિલેટરની બારીએ ભરાવી દીધો. એના મોબાઈલ સાથે કનેક્ટેડ કેમેરાને એણે બરાબર બેડ કવર થાય તેમ સેટ કર્યો. હવે ત્રણ આંખોમાં ગુલાલની પ્રેમલીલા કેદ થઈ રહી હતી. બે યુવરાજની અને એક કેમેરાની. કામ પૂરું થતાં યુવરાજ સંતોષનાં ઓડકાર ખાતો ખાતો નીચે ઊતર્યો અને ફટાફટ ગાડી તરફ દોડ્યો.

શું થયું? સિંહ કે શિયાળ ?’ મનુએ ગભરાટમાં પૂછ્યું.

સિંહ હોય ત્યાં સિંહ હોય દોસ્ત. મારી સાયકોલોજી સાચી પડી. ઓરિજિનલ વિડીયો શુટ કરીને આવ્યો છું દોસ્ત. પણ બધું પછી. તું ફટાફટ આપણી બસ્તીના પેલા ચીન્ની ચોરને મોબાઇલ કર અને એને તાત્કાલિક અહીં બોલાવ. કહે કે સ્પેશિયલ ટેક્સી કરીને આવે. ભાડું હું આપી દઈશ.’

પણ કામ શું છે?’

મલ્હાર થોડી વારમાં ગુલાલને મૂકવા એની હોટેલ જવાનો છે. સવારે એને એરપોર્ટ પર મૂકવા નહીં જઈ શકે. મેં અત્યારે એમની વાત સાંભળી છે. માટે આપણે અત્યારે એનો મોબાઇલ ચોરવો પડશે. અને મુંબઈ આખામાં ચીન્ની ચોરથી સારો કોઈ ચોર છે ખરો ?’ મનુએ તરત ચીન્ની ચોરને મોબાઇલ લગાવ્યો. અડધો કલાકમાં ચીન્ની ચોર નિશ્ચિત જગાએ આવી ગયો, ‘બોલ ભાઈ, ક્યા કામ પડેલા હૈ?’

જવાબમાં યુવરાજે એને નજીક ખેંચ્યો અને એના કાનમાં કંઈક ગણગણ્યો.....

ક્રમશ: