આપણા પર નિર્ભર રાખે છે કે આપણે આપણી અંદરથી શું બહાર કાઢીએ છીએ

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 
એક અમીર છતાં દુ:ખી વ્યક્તિએ કોઈ સંતને પૂછ્યું, ‘મારી પાસે કોઈ જ વિશ્ર્વાસપાત્ર વ્યક્તિ નથી. મારા કર્મચારીઓ મારી સાથે જૂઠું બોલે છે. બીજું, તો બીજુ મારી પત્ની, બાળકો અને સગાંવહાલાં પણ મારી સાથે સ્વાર્થના સંબંધો રાખે છે. ખરેખર આખેઆખી દુનિયા સ્વાર્થી છે.’
 
સ્વામીજીએ તેને કહ્યું, ‘હું તને એક વાર્તા સંભળાવું, સાંભળ. એક નગર હતું. ત્યાંના એક મહેલમાં ૧૦૦ થી વધુ કાચ લાગેલા હતા. એક નાની બાળકી દરરોજ ત્યાં રમવા જતી. તેને લાગતું કે હજારો બાળકો તેની સાથે રમી રહ્યાં છે. તે તાળીઓ વગાડતી તો તેને લાગતું કે બીજાં હજાર બાળકો તેની સાથે તાળીઓ વગાડી રહ્યાં છે. તે હસતી તો લાગતું કે તમામ બાળકો તેની સાથે હસી રહ્યાં છે. તેના માટે એ દુનિયાની સૌથી સુંદર જગ્યા હતી.’
 
હવે એક દિવસ એ મહેલમાં એક ગુસ્સાવાળો, ઉદાસ અને નિરાશ એવો વ્યક્તિ ઘૂસી ગયો. તેને લાગ્યું કે હજારો ગુસ્સાવાળા લોકો તેને ઘૂરી રહ્યા છે. તે ડરી ગયો અને મારવા માટે પોતાનો હાથ ઉગામ્યો. તો સામે હજાર હાથ ઊઠ્યા. તેને લાગ્યું આ જગ્યા દુનિયાની સૌથી ખરાબ જગ્યા છે. તે તરત જ ત્યાં ફરી ક્યારેય ન આવવાના નિર્ધાર સાથે ત્યાંથી નીકળી ગયો.
સંતે કહ્યું, ‘ભાઈ, આ દુનિયા પણ એ હજાર કાચવાળો મહેલ જ છે. આપણે આપણી અંદરથી જે બહાર કાઢીએ છીએ તે જ તે આપણને પાછું વાળે છે. માટે આ દુનિયા આપણા માટે સ્વર્ગ કે નરક કંઈ પણ હોઈ શકે છે એ આપણા પર નિર્ભર રાખે છે કે આપણે આપણી અંદરથી શું બહાર કાઢીએ છીએ.