કેનેડામાં ખાલિસ્તાનવાદીઓનો ખતરો, ભારત તો પહેલાંથી કહેતું હતું

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
 
ભારતમાં ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં સીખો માટે અલગ રાષ્ટ્ર ખાલિસ્તાનની માગણી કરનારા આતંકવાદીઓએ દેશને ભારે નુકસાન કરેલું. કોંગ્રેસની નીતિના કારણે ખાલિસ્તાની આતંકવાદીઓ ઉભા થયા હતા. આ આતંકવાદીઓએ પંજાબમાં તો લોકોનું જીવવું હરામ કરી જ નાંખેલું પણ દેશના બીજા ભાગોમાં પણ તેની અસર વર્તાઈ હતી. ગુજરાતમાં પણ એ વખતે ખાલિસ્તાની આતંકવાદની અસર વર્તાઈ હતી અને સંખ્યાબંધ બેંકો લૂંટાઈ હતી.
 
સદનસીબે પજાબમાં પોલીસ તંત્રે કડક હાથે કામ લીધું તેથી ખાલિસ્તાની આતંકવાદ દબાઈ ગયો હતો. છેલ્લા બે દાયકામાં ખાલિસ્તાની આતંકવાદની મોટી કોઈ ઘટના બની નહોતી પણ હવે ખાલિસ્તાની આતંકવાદનો ખતરો ઝળુંબી રહ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તો લાંબા સમયથી આ વાત કહી જ રહી હતી પણ હવે કેનેડા સરકારે પણ કેનેડામાં ખાલિસ્તાની ત્રાસવાદ ફરી માથું ઉંચકી રહ્યો હોવાનો ભય વ્યક્ત કર્યો છે.

ચિંતા ઉપજાવતો રિપોર્ટ

કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ કેનેડામાં જાહેર સલામતી (પબ્લિક સેફ્ટી) અંતર્ગત તાજેતરમાં જ ૨૦૧૮માં કેનેડામાં આતંકવાદના ખતરા (ટેરરિઝમ થ્રેટ) અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રીપોર્ટમાં કહેવાયું છે કે કેનેડામાં કેનેડા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા પણ જોખમ છે. આ રીપોર્ટ પ્રમાણે, કેનેડાને કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી મોટા પાયે જોખમ છે જ પરંતુ ભારતમાંથી પંજાબ સહિતના વિસ્તારોને આવરી લઈને અલગ દેશ ખાલિસ્તાનની માગણી કરતા ખાલિસ્તાનીઓનું જોખમ પણ છે.
 
આ રીપોર્ટ પ્રમાણે ખાલિસ્તાનના સમર્થકો ખાલિસ્તાની આંદોલનને ફરી સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ રીપોર્ટ પ્રમાણે કેનેડા ઉપરાંત બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ અને જોર નોંધપાત્ર છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદ સાથે સંકળાયેલાં સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધ મૂક્યા છે પણ અંદરખાને આ સંગઠનો સક્રિય છે જ.
 
આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, કેનેડાને આતંકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ છે. આ પૈકી જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા મુસ્લિમ કટટ્રવાદીએ અને સીખ આતંકવાદીઓ એટલે કે ખાલિસ્તાની આતંકવાદીઓ તરફથી સૌથી વધુ જોખમ રહેલું છે. કેટલાક કેનેડિયન નાગરિકો હજુ પણ ખાલિસ્તાની વિચારધારા અને આતંકવાદી ચળવળને સમર્થન આપે છે અને નાણાકીય મદદ પણ કરી રહ્યા છે. આ આતંકવાદી વિચારધારા ધરાવતા ગ્રુપ કેનેડામાં હજુ પણ અસ્તિત્વમાં છે. કેનેડામાં બે સીખ સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો ક્રિમિનલ કોડ અંતર્ગત આતંકવાદી સંસ્થાઓની યાદીમાં સમાવેશ કરાયો છે તેનો ઉલ્લેખ પણ આ રીપોર્ટમાં છે.
 
કેનેડાની સરકારે સત્તાવાર રીતે ખાલિસ્તાની આતંકવાદીઓ સક્રિય હોવાની કબૂલાત કરી એ મહત્વનું છે પણ ભારતની સરકારો આ વાત બહુ પહેલાંથી કહેતી હતી. કમનસીબે કેનેડાની સરકારે એ વખતે આ વાતને ગંભીરતાથી નહોતી લીધી અને હવે પગ તળે રેલો આવ્યો છે ત્યારે એ જાગ્યા છે. 

કેનેડીયન સરકારનું ખાલિસ્તાની આતંકીઓ માટે કૂણું વલણ

ભારતની મોદી સરકાર કેનેડાને સતત ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ચેતવણી આપતી જ રહી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વરસના ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલિસ્તાની આતંકવાદીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટુડોની આ મુલાકાત દરમિયાન કેનેડીયન હાઈ કમિશન દ્વારા વડા પ્રધાન ટ્રુડોના સન્માનમાં ભોજન સમારોહ યોજાયો હતો. કેનેડા સરકારના સત્તાવાર કાર્યક્રમમાં ભારતીય મૂળના કેનેડિયન જસપાલ અટવાલ હાજર રહ્યો હતો. અટવાલે ભારતના એક પ્રધાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પંજાબના કેબિનેટ પ્રધાન મલ્કૈતસિંહ સિધુ ૧૯૮૬માં વાનકુવરની મુલાકાતે ગયા ત્યારે અટવાલે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં કેનેડામાં જ ઘડાયેલા કાવતરાને અંજામ આપી ખાલિસ્તાની આતંકવાદીઓએ ૧૯૮૫માં એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેતાં ૩૩૧ લોકોનાં મોત થયા હતા. આમ અટવાલ સીધી રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. અટવાલ ખાલિસ્તાનીઓને ફંડ આપતો હોવાના પુરાવા હોવા છતાં તેની ટુડો કાર્યક્રમમાં હાજરીએ વિવાદ જગાવ્યો હતો.
 

 
 
આ મુદ્દે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સીધો આક્ષેપ કર્યો હતો કે, અટવાલના ખાલિસ્તાની સંપર્કોના કારણે જ ટ્રુડોએ ખાલિસ્તાનીઓની આળપંપાળ ચાલુ રાખી છે. આ મુદ્દે ભારત સરકારે સ્પષ્ટ નારાજગી દર્શાવી પછી કેનેડાની જ બે ટોચની એજન્સીઓ સામસામે આવી ગઈ હતી. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ અટવાલના ક્રિમિનલ રેકોર્ડ વિશે તેને માહિતી આપવામાં નહો આવી તેવો ખુલાસો કર્યો હતો. આ મુદ્દે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સામે સત્તાવાર રીતે નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસને ઝાટકી પણ નાંખી હતી.
 
આ ઘટનાના બે મહિના પછી જ કેનેડામાંથી હરદીપસિંહ નિજ્જર ઝડપાયો હતો. કેનેડાના વડાપ્રધાન ટુડોની ભારતની મુલાકાત વખતે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે તેમને પંજાબના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી સોંપી હતી. તેમાં નિજ્જરનું પણ નામ હતું. પંજાબ પોલીસે આરોપ લગાવ્યો હતો કે નિજ્જર કેનેડાના બ્રિટિશ કોલમ્પિયા ખાતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઈની મદદથી આતંકી કેમ્પો ચલાવી રહ્યો છે. પંજાબ પોલીસે ભૂતકાળમાં તેની ધરપકડના અનેક પ્રયાસો કર્યા હતા પણ સફળ નહોતા થયા. દરમિયાનમાં નિજ્જ્ર ઝડપાતાં ભારતે તેને પોતાને સોંપી દેવાની માગણી કરી હતી પણ કેનેડાએ આ માગણી ના સ્વીકારી અને હવે કેનેડા રોદણાં રડવા બેઠું છે. કેનેડાના રીપોર્ટ પ્રમાણે, કેનેડામાં ગમે ત્યારે હિંસક આતંકવાદી હુમલો થઈ શકે છે અને ચેતવણીના કારણે કેનેડા ફફડ્યું છે.
 
કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદીઓના ખતરાની ભલે અવગણના કરી અને હવે સફાળું જાગ્યું છે પણ ભારતમાં મોદી સરકાર આ મામલે સતત સતર્ક છે. આ કારણે જ કેનેડામાંથી મદદ મળતી હોવા છતાં ભારતમાં ખાલિસ્તાની આતંકવાદ માથું ઉંચકી શકતો નથી. કેનેડામાં સીખો મોટા પ્રમાણમા રહે છે અને ધનિક છે. આ સિવાય બ્રિટન અને અમેરિકામાં રહેતા સીખો પણ ધનિક છે. તેમના તરફથી આર્થિક મદદ મળતી હોવા છતાં ખાલિસ્તાની આતંકવાદ માથું ઉંચકી નથી શક્યો કેમ કે મોદી સરકાર એલર્ટ છે. પાકિસ્તાન પણ ખાલિસ્તાની અલગતાવાદીઓને પોષવામાં પાછળ નથી. ભારતે પાકિસ્તાનને આપેલી મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદીમાં ઘણા સીખ આતંકી છે જ. હમણાં સીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરીડોરનો શિલાન્યાસ કરાયો ત્યારે ખાલિસ્તાની નેતા ગોપાલ ચાવલા પણ પાકિસ્તાની લશ્કરી વડા બાજવા સાથે હાજર હતો. આમ, ખાલિસ્તાની આતંકીઓને ફરી સક્રિય કરવા માટે પાકિસ્તાન પણ સક્રિય છે જ પણ તેના પ્રયત્નોને મોદી સરકારે સફળ થવા દીધા નથી.