ભારતરત્ન નાનાજી દેશમુખ કે જેમણે ગરીબી હટાવવા વાતો નથી કરી કામ કરી બતાવ્યું

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

  
 

નાનાજી દેશમુખ  જીવન-ઝરમર

જન્મ : શરદપૂર્ણિમા, ૧૧ ઑક્ટોબર, ૧૯૧૬
સ્થળ : કડોલી, જિલ્લો હિંગોલી, મહારાષ્ટ્ર
માતાપિતા : શ્રીમતી રાજાબાઈ, શ્રી અમૃતરાવ દેશમુખ
૧૯૩૪ : ડૉ. હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિજ્ઞા
૧૯૪૦ : ગોરખપુર વિભાગમાં સંઘ-પ્રચારક
૧૯૪૮ : સ્વદેશ પ્રકાશન, લખનૌના પ્રથમ નિયામક
૧૯૫૦ : ગોરખપુરમાં પ્રથમ સરસ્વતી શિશુમંદિરની સ્થાપના
૧૯૫૧ : ભારતીય જનસંઘ (ઉત્તરપ્રદેશ)ના સંગઠન મંત્રી, સંયુક્ત વિધાયક દળ સરકારનો પ્રયોગ
૧૯૬૭ : ભારતીય જનસંઘના અખિલ ભારતીય સંગઠન મંત્રી
૧૯૬૮ : દીનદયાળ શોધ સંસ્થાનની સ્થાપના
૧૯૭૪ : લોકનાયક જયપ્રકાશના નેતૃત્વમાં સંપૂર્ણ ક્રાંતિ આંદોલન
૧૯૭૫ : કટોકટી વિરોધી લોકસંઘર્ષ સમિતિના પ્રથમ મહામંત્રી, કારાવાસ
૧૯૭૭ : કારામુક્ત, બલરામપુર-ગોંડથી લોકસભામાં ચૂંટાયા, કેન્દ્રમાં પ્રદાનપદનો અસ્વીકાર, જનતા પક્ષના મહામંત્રી
૧૯૭૮ : રાજકારણથી સંન્યાસ અને રચનાત્મક કાર્યમાં મગ્ન
૧૯૯૦ : ચિત્રકૂટ ગ્રામોદય વિશ્ર્વવિદ્યાલયના પ્રથમ કુલાધિપતિ, ચિત્રકૂટમાં સમાજોપયોગી પ્રકલ્પોની સ્થાપના, ૫૦૦થી વધુ સ્વાવલંબી ગ્રામ અભિયાનનો આરંભ
૧૯૯૭ : દેહદાનની ઘોષણા
૧૯૯૯ : પદ્મવિભૂષણ અને અન્ય અનેક માનદ ઉપાધિઓ, રાજ્યસભામાં નિયુક્ત
મૃત્યુ : ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ - ફાગણ પૂર્ણિમા
ભારતરત્ન : ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯
 
શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામ્ય સ્વાવલંબન ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપી પોતાનું સંપૂર્ણ જીવન સેવામાં ખર્ચી દેનારા ઋષિતુલ્ય સમાજસેવી નાનાજી દેશમુખને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રી નાનાજી દેશમુખનું તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે તેમને મરણોત્તર ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો છે. નાનાજીનું વ્યક્તિત્વ બહુમુખી હતું, એમનું વિચારક્ષેત્ર અતિ વ્યાપક હતું અને ભારતની સંસ્કૃતિ, પરંપરાઓ અને સંસ્કાર આધારિત જનજીવનની પુન: રચના તેમનું સપનું હતું. તેઓ બાલ્યકાળથી આરએસએસના સ્વયંસેવક. નાનાજી દેશમુખ અને પં. દીનદયાલ ઉપાધ્યાય સહાધ્યાયી અને સંઘકાર્ય જમાવવા માટે વિસ્તારકો તરીકેની જોડી જેવા પણ હતા. પંડિતજીનાં ઘણાં સંસ્મરણો નાનાજી કહેતા. સંઘ પ્રચારક તરીકે ઉત્તરપ્રદેશમાં તેમણે યશસ્વી કાર્ય કર્યું. ભારતીય જનસંઘની સ્થાપના વખતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની વિનંતીથી તત્કાલીન સરસંઘચાલક શ્રી ગુરુજીએ ચૈતન્યના ફુવારા જેવા જે મુઠ્ઠીભર કાર્યકર્તાઓ તેમને આપ્યા તેમાં પં. દીનદયાલજી સાથે નાનાજી દેશમુખ પણ હતા.
 
કટોકટી વખતે રાષ્ટ્રીય કક્ષાએ રચાયેલી લોકસમિતિના તેઓ મહામંત્રી હતા અને ભૂગર્ભમાં રહી કામ કરેલું. એ પ્રસંગો આંખો છલકાવી દે તેવા છે. કટોકટી પછી રચાયેલી જનતા પાર્ટીની સરકારમાં મંત્રીપદ લેવા મોરારજીભાઈ દેસાઈએ આપેલું નિમંત્રણ આદરપૂર્વક પાછું વાળીને મધ્યપ્રદેશને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હોવાથી ત્યાંથી કોઈકને પસંદ કરવા કહ્યું. તેની સાથોસાથ તેમણે ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ધાર જાહેર કરીને રાજકારણમાં નિ:સ્પૃહતાનો આદર્શ ખડો કર્યો. તેમણે પં. દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થાનની સ્થાપના કરી અને તેના માધ્યમથી ગ્રામોત્થાનનું કાર્ય આરંભ્યું. આપણે ગ્રામીણો પરાપૂર્વથી ચાલી આવતી જે પરંપરા અને સૂઝબૂજ જાળવીને બેઠા છીએ એને પુનર્જીવિત કરવાનો તેમણે સંકલ્પ કર્યો. આવા ઉપક્રમોમાંથી જ ગોંડા, રત્નાગિરી અને છેલ્લે ચિત્રકૂટ જેવાં સફળ પ્રકલ્પો પેદા થયા છે. ગોંડા જિલ્લામાં તેમણે ગરીબી હટાવવા માટે નાગરિકોને સ્વાવલંબી બનાવી અભૂતપૂર્વ કામ કર્યું. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ તેમના કામથી પ્રભાવિત થયેલા અને વિરોધી વિચાર ધરાવતા હોવા છતાં નાનાજી દેશમુખને બિરદાવીને તેમણે અન્ય એક જિલ્લાની કાયાપલટ કરવાનું કામ સોંપેલું. આ ઘટના જ નાનાજી દેશમુખ અવિસ્મરણીય કાર્યશૈલીની સાહેદી પૂરે છે.
 

 

ગુજરાત સાથે એમનો ઘનિષ્ઠ નાતો

ગુજરાત સાથે એમનો ઘનિષ્ઠ નાતો રહ્યો છે. રાષ્ટ્રીય વિચારધારાના સાધના, પાંચજન્ય, ઓર્ગેનાઈઝર, વિવેક જેવાં સામયિકોને વિજ્ઞાપનો-સહિયારી જાહેરખબરો મળે તેના કો-ઓર્ડિનેટર જેવી ભૂમિકા તેમણે અદા કરેલી. ભારતીય જનસંઘની સ્થાપના પછી લગભગ બે દાયકા સુધી, ૧૯૫૭થી ૧૯૭૦ દરમિયાન ગુજરાતનો વ્યાપક પ્રવાસ ખેડેલો. વિરમગામના અભ્યાસવર્ગમાં આમઆદમીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવી કાર્યપદ્ધતિ શીખવાડેલી. દવાખાનામાં દરદીઓની સારવાર, પાસપડોશમાં કોઈ મુશ્કેલી વખતે એમની મદદે જવું વગેરે નાના કામથી કેટલો લાભ થાય છે તેનાં ઉદાહરણ આપતા. પં. દીનદયાલ ઉપાધ્યાયના વિચારતંતુને સેવાવ્રતી દિશામાં સફળ રીતે આગળ ધપાવવા તેમણે જાત હોમી દીધી. ભારત સરકારે નાનાજીને ૨૩ માર્ચ, ૧૯૯૯માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખે એક સમાજસેવકના નાતે તેમને રાજ્યસભામાં નિયુક્ત કર્યા. શ્રી નાનાજીએ તેમને પ્રાપ્ત સાંસદ ભંડોળના એક એક રૂપિયાને ચિત્રકૂટના વિકાસમાં લગાવી દીધો. તેઓશ્રીએ સાંસદોના વેતનભથ્થાની વૃદ્ધિનો પણ વિરોધ કર્યો હતો. એમનો વિરોધ વિફળ જતા તેમને મળવાપાત્ર રકમ તેમણે વડાપ્રધાનના સહાયતા કોષમાં અર્પણ કરી દીધી. એ સાચા અર્થમાં રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ હતા. આજે નાનાજી આપણી વચ્ચે હયાત નથી. તેમને મરણોત્તર ‘ભારતરત્ન’ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે ત્યારે શ્રી નાનાજી દેશમુખના જીવનની અભૂતપૂર્વ ઘટનાઓ આ અંકમાં પ્રસ્તુત કરીને તેમના આ સન્માનને અને તેમના કાર્યને ‘સાધના’ સાપ્તાહિક બિરદાવે છે. આવો, જોઈએ શ્રી નાનાજી દેશમુખના જીવનના પ્રેરક પ્રસંગો.

જન્મ, અભ્યાસ અને સંઘપ્રવેશ

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના એક નાનકડા ગામ કડોલીમાં શ્રી ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ અને મા રાજાબાઈની કૂખે શરદપૂનમની રાતે ૧૧ ઑક્ટોબર, ૧૯૧૬માં નાનાજી દેશમુખનો જન્મ થયો હતો.
નાનાને એક ભાઈ અને ત્રણ બહેનો હતી. સૌમાં એ સૌથી નાના. એમનું બાળપણ સ્વાભાવિક રીતે જ અભાવ, મુશ્કેલી સામેના સંઘર્ષમાં જ પસાર થયું. નાનકડી વયમાં જ એમણે માતા-પિતાની છાંય ગુમાવી દીધી. મામાએ એમની દેખભાળ કરી. શાળામાં ભણતર માટે આપવું પડતું શુલ્ક કે પુસ્તકો ખરીદવાના નાણાં તો એમની પાસે ક્યાંથી હોય ? એટલા માત્રથી પાછો પડે તેવો આ બાળક નો’તો. શિક્ષણ માટેની ઉત્કટ લાગણીએ એને પરિસ્થિતિ સાથે કામ પાડવાની હિંમત અને કુશળતા પણ આપી. એ દિવસોમાં શાકભાજી વેચીને એમણે અભ્યાસ માટેની રકમ ભેગી કરવાનું રાખ્યું હતું. તેઓ મંદિરોમાં રહેતા કે જેથી નિવાસના ખર્ચનો પ્રશ્ર્ન ન રહે. પિલાની ખાતેની બિરલા ઇન્સ્ટિટ્યૂટમાં એમણે શિક્ષણ મેળવ્યું.
 

 ગરીબનું દુઃખ પોતાનું દુઃખ...
 
 
એમણે વાશિમમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. વાશિમમાં તેઓ પાઠક કુટુંબમાં રહ્યા. ત્રણે પાઠક બંધુઓ (ભાઉ, તાત્યા, આબા) નાનાજીને ખૂબ સ્નેહ કરતા. આબા તો નાનાજીના સમવયસ્ક અને સહપાઠી રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ શાખામાં જતા આવતા રહેતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાથેનો આ સંબંધ, પરિચય ઓર ઘનિષ્ઠ થતો જ રહ્યો. નવમા ધોરણમાં અભ્યાસરત નાનાનો પ્રથમ પરિચય ડૉ. હેડગેવાર સાથે થયો’તો ૧૯૩૪માં. ડૉક્ટર સાહેબે ૧૭ સ્વયંસેવકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ૧૭ પૈકી નાના અને તેમના મામાભાઈ કૃષ્ણરાવ દેશપાંડે પણ હતા. ત્રણે પાઠક બંધુઓ પણ સ્વયંસેવક હતા. સંઘકાર્યમાં નાના રમમાણ થતા જ ગયા. સંઘકાર્ય જ રાષ્ટ્રસેવાનો સાચો રસ્તો હોવાની હૃદયની અનુભૂતિ થવા માંડી. આ પારસસ્પર્શનો જાદુ પછી તો અવિરત છવાતો જ રહ્યો. સંઘકાર્ય માટે તેઓ નિયમિત રીતે વાશિમ જતા જ હતા. ૧૯૩૭માં મેટ્રિક પછી ડૉક્ટર સાહેબે એમને પિલાની જઈને અભ્યાસ કરવાનું સૂચન કર્યું. નાનાએ ડૉક્ટર સાહેબની મદદ લઈ તત્કાળ પિલાની પહોંચી જવાને બદલે દોઢ વર્ષ સુધી મહેનતની કમાણી ભેગી કર્યા પછી પોતાના પૈસે વધુ ભણવા જવાનું પસંદ કર્યું. એમણે સ્વાવલંબી પ્રયોગ આદર્યો. તેઓ અને આબા પાઠક શહેરમાં શાકભાજી તથા ઘરવપરાશની વસ્તુઓ ખરીદી થોડાક વધુ ભાવે સુખી પરિવારોમાં પહોંચાડવા માંડ્યા. આમ એમણે કેટલીક રકમ ભેગી કરી લીધી. ૧૯૩૯માં તેઓ રાજસ્થાનની બિરલા કૉલેજમાં પહોંચ્યા. એ દિવસોમાં સંઘકાર્યના વિસ્તાર માટેની આ જ અનૌપચારિક રીત હતી.

ફૂટબોલની રમતથી શાખા શરૂ કરાવી

શાખાપ્રારંભ માટેના અનુઠા પ્રયાસના એક રસપ્રદ પ્રસંગમાં નાનાજીની કુશાગ્ર બુદ્ધિ ઝળકી રહે છે. અનેક પ્રયાસો છતાં સંઘશાખાનો આરંભ થઈ શકતો ન હતો. એમની આંખો તરુણ ટોળીઓ પર ફરવા માંડી. કૉલેજના બંગાળી માસ્ટરદા ફૂટબોલની ટીમ રચવા પ્રયત્ન કરી રહ્યા હતા. નાનાજી બહાર ઊભા ઊભા યુવકોને રમતા જોઈ રહ્યા. ફૂટબોલની રમતમાં તો તેઓ એક્કા હતા. નાનાજીએ માસ્ટરદા પાસે રમવાની અનુમતિ માંગી. થોડીક આનાકાની પછી તેમણે હા પાડી. ડાબી બાજુએ મોરચો સંભાળી રમવા માટે કહ્યું, તક મળી ને નાનાજીએ ગોલ ફટકાર્યો. એમની ટીમમાં પસંદગી થઈ ગઈ. એ જ ટીમને એમણે છેવટે સંઘની શાખા બનાવી દીધી ! એમાંના જ સાત ખેલાડીઓને તેઓ નાગપુરના સંઘ શિક્ષણવર્ગમાં લઈ ગયા હતા. ત્રણેક વર્ષના સમયગાળામાં ગોરખપુરની આજુબાજુના વિસ્તારમાં અઢીસો સંઘશાખા ચાલવા માંડી. ૧૯૪૪માં શ્રી ગુરુજીનો ગોરખપુરમાં પ્રવાસ થયો. ગામડાંમાં શાખાની વ્યાપકતા નિહાળી એમને અનેરી પ્રસન્નતા થઈ. એમણે કાર્યવૃદ્ધિના આશિષ સાથે ગોંડાથી બલિયા સુધીના બધા જિલ્લા નાનાજીને સોંપી દીધા.

નાનાજી વર્ષો સુધી માતૃતર્પણ ન કરી શક્યા

નાનાજીએ અભ્યાસની સાથોસાથ સંઘકાર્યનો પણ પ્રારંભ કર્યો. જીવનગુજારા માટે સામાન્ય સગવડોના અભાવ અને નિરક્ષરતાના માહોલ વચ્ચે નાનાએ કેટલો બધો સંઘર્ષ કર્યો હશે એની કલ્પના કરી શકાય એમ છે. ૧૫ નવેમ્બર, ૧૯૮૬ના એક અંગત પત્રમાં નાનાએ પોતાના મામાની દીકરીને લખેલા પત્રમાં એનું સચોટ વર્ણન કર્યું છે : ‘કડોલીમાં મારી મા મૃત્યુ પામી હતી. સાચું તો એ છે કે એણે આપઘાત કર્યો હતો. હું ખૂબ નાનો હતો. કડોલી સાવ જ ગામડું છે. પિતાજી અભણ હતા. ઘરમાં શિક્ષણનું કોઈ વાતાવરણ ન હતું. એથી જ તો મારું શાળાકીય શિક્ષણ બરાબર થઈ શક્યું નહીં.
માએ આત્મહત્યા કેમ કરી ? આની વાત નાનાએ ૧૯ જુલાઈ, ૧૯૮૪ના સૌ. નીલમ દેશપાંડેને લખેલા એક પત્રમાં જોવા મળે છે. અતિથિસત્કારનું મહત્ત્વ દર્શાવતાં નાનાજી લખે છે : ‘અતિથિ દ્વારા વ્યવસ્થામાં અભાવનો ઉલ્લેખ થાય એ તો ખૂબ જ લજ્જાની બાબત છે. મારી જન્મદાતા માએ એ જ એકમાત્ર કારણથી આપઘાત કર્યો હતો. આ વાત કદાચ આજે કોઈને જ યાદ નથી. એ કારમો ઘા મારા હૃદયમાં હંમેશ રહ્યો હોવાને કારણે અતિથિને હું ખૂબ જ મહત્ત્વ આપું છું.’
ઘરની અત્યંત કંગાળ અવસ્થાને કારણે નાનાજીની મા ઘરે આવેલા અતિથિઓનો સુયોગ્ય સત્કાર કરી શકતી ન હતી. એની પીડા એમના હૃદયને કોરી ખાતી હતી. આવા જ કોઈ પ્રસંગે ઘરમાં કંઈ જ ન હોવાને કારણે વ્યથિત માનસિકતામાં એમણે ઘર પછવાડેના કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. નાનાજી એ વખતે માંડ દોઢ-બે વર્ષના હતા. આ ઘટના એમના અંતરમનમાં ઘર કરી ગઈ. ૨૧-૨૨ જૂન, ૧૯૯૭માં હિંગોલીના ડૉ. હેડગેવાર ચિકિત્સાલયનો કાર્યક્રમ સંપન્ન કરી નાનાજીએ પોતાના ગામ કંડોલી જઈ એ કૂવાની વિધિપૂર્વક પૂજા કરી એક પ્રકારે માતૃતર્પણ કર્યું હતું.
 

 બે ભારતરત્ન એક સાથે....

ચોપાનિયાથી અખબાર સુધી વિસ્તરી નાનાજીની યાત્રા

૩૦ જાન્યુ. ૧૯૪૮નાં રોજ સંઘ પર ગાંધીહત્યાનો ખોટો આરોપ મુકાયો. એ વખતે નાનાજીને પણ જેલ થઈ. જેલ બહાર આવ્યાને છ મહિના થવા આવ્યા. એક નવું જ કામ એમની રાહ જોઈ રહ્યું હતું. રાષ્ટ્રધર્મ પ્રકાશનની વ્યવસ્થા સંભાળવા માટે એમને દીનદયાળ ઉપાધ્યાય પાસે લખનૌ મોકલવામાં આવ્યા. દીનદયાળજીના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રધર્મ પ્રકાશન’ની સ્થાપના ૧૯૪૭માં કરવામાં આવી હતી. ૧૯૪૭ના રક્ષાબંધન પર્વે અટલબિહારી વાજપેયી અને રાજીવલોચન અગ્નિહોત્રીના સંયુક્ત તંત્રીપદે ‘રાષ્ટ્રધર્મ’ માસિકનો આરંભ થયો હતો. ૧૯૪૮ના મકરસંક્રમણ પર્વે અટલબિહારી વાજપેયીના તંત્રીપદે ‘પાંચજન્ય’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. સંઘપ્રતિબંધ પછી નાનાજી લખનૌ આવે તે પહેલાં જ બંને સામયિકો પર પણ પ્રતિબંધ અમલી બન્યો હતો. દેશવ્યાપી સત્યાગ્રહ શ‚ થાય એ પહેલાં જ ૯ ડિસેમ્બર, ૧૯૪૮માં ‘સ્વદેશ દૈનિક’નો આરંભ થયો. હજી સપ્તાહ પૂરું ન થાય ત્યાં તો પોલીસે છાપો મારી કાર્યાલયને તાળું મારી દીધું. તાળાબંધી થાય એ પહેલાં ઓર્ડર મુજબ મુદ્રણયંત્ર છોડાવી લેવા માટેની રસીદ આવી ગઈ. નાનાજી માટે આ બધી બાબતો સાવ નવી જ હતી. એમની બુદ્ધિ તરત સમગ્ર વ્યવસ્થા માટે કામે લાગી ગઈ. કોઈ પણ નવી વસ્તુ શીખવામાં એમને ઝાઝી વાર લાગતી નો’તી. મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવામાં એમને હથોટી હતી. એમણે મુદ્રણયંત્ર છોડાવી લઈ એકદમ ઝડપથી ટ્રક દ્વારા તેને અલ્હાબાદ મોકલી દીધું અને ત્યાં ‘સેવાપ્રેસ’ સ્થાપી દીધું. ૧૨ જુલાઈ, ૧૯૪૯માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરનો પ્રતિબંધ દૂર થતાં જ નાનાજીએ ‘સ્વદેશ’ના પુન: પ્રકાશન માટેની તૈયારી આરંભી દીધી.

સ્વદેશ દૈનિકમાં નાનાજી, અટલજી વગેરેની અદ્ભુત ટોળી

જનસંઘ અને દીનદયાલ શોધ સંસ્થાનની સ્થાપના
૧૯૫૦માં સંઘકાર્યની રચનાની દૃષ્ટિએ પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશના શ્રી ભાઉરાવ દેવરસના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરાયો. એમણે દીનદયાળજીને મેરઠ ક્ષેત્રનું કાર્ય સંભાળવા માટે મોકલ્યા અને લખનૌમાં નાનાજી એકલા જ રહ્યા. કોલકાતા જઈને એમણે એક નવું મુદ્રણયંત્ર ખરીદ્યું. ‘સ્વદેશ’ માટે આર્થિક ભંડોળ પ્રાપ્ત કરવામાં એમને ગોરખપુરના સંબંધો કામ આવ્યા. ભાઈ હનુમાનપ્રસાદ પોદ્દાર અને ગોરખપુરના અનેક મારવાડી સ્વયંસેવકના ધનિક સંબંધીઓ કોલકાતા રહેતા હતા. એમના આર્થિક સહયોગને કારણે જ ‘સ્વદેશ’ની ખોટ ભરપાઈ થઈ શકતી હતી. ઑગસ્ટ, ૧૯૫૦માં પુન: પ્રકાશિત સ્વદેશ બે વર્ષ સુધી ચાલ્યું. એ વખતે એમની કાર્યકર ટોળીય અદ્ભુત હતી. નાનાજી સાથે અટલજી, ગિરીશચંદ્ર મિશ્ર, જ્ઞાનેન્દ્ર સક્સેના, મહેન્દ્ર કુલશ્રેષ્ઠ, સુરેન્દ્ર મિત્તલ સહિતનું સમગ્ર સંપાદક મંડળ સદર બજારમાં આવેલા બ્રિટિશકાળની એક ક્લબના જરીપુરાણા વિશાળ બંગલામાં રહેતું હતું. આ કામકાજનો દોર ૧૯૪૮થી ૫૧માં જનસંઘની સ્થાપના થઈ ત્યાં સુધી નાનાજીએ બખૂબી સંભાળ્યો.
 

 તેમના પર અનેક પુસ્તકો લખાયા, ટપાલ ટીકિટ પર બહાર પડી...
 
૧૯૫૭માં જનસંઘના ધારાસભ્યો ૧૪ હતા. ૧૯૬૭માં આ સંખ્યા એકસોને આંબી ગઈ. મજબૂત સંગઠન અને દીર્ઘદૃષ્ટિભરી વ્યૂહરચનાના સુભગ સમન્વયનું એ પરિણામ હતું. નાનાજીએ જનસંઘ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ સંબંધ સ્થાપવા માટે પ્રયત્નો કર્યા. ૧૯૬૭માં ચૂંટણી બાદ જનસંઘ કોંગ્રેસ પછીના સૌથી મોટા વિપક્ષ તરીકે રાજકીય આકાશમાં ઉદયમાન થયો. પરમેશ્ર્વર કસોટી કરી રહ્યા હશે કે કેમ ? જનસંઘના ભાષ્યકાર અને સૌના શ્રદ્ધાકેન્દ્ર પંડિત દીનદયાળ ઉપાધ્યાયે હજી રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળ્યાને થોડો જ સમય વીત્યો કે ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ મુગલસરાય સ્ટેશને એમની રહસ્યમય હત્યા થઈ ગઈ. નાનાજી માટે આ આઘાત જીરવવો મુશ્કેલ હતો. કેટલાય મહિનાઓ સુધી તે દીનદયાળજીના મૃત્યુનું રહસ્ય શોધવા મથતા જ રહ્યા. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ પંચ સમક્ષ દસ્તાવેજી અને મૌખિક પુરાવા પ્રસ્તુત કરતા રહ્યા. આ સાથે એમણે દીનદયાળજીના ચિંતન અને કર્મને ચરિતાર્થ કરવા માટે અટલબિહારી વાજપેયીના અધ્યક્ષસ્થાને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક સમિતિની રચના કરી મંત્રીપદ સંભાળ્યું. ૧૯૬૮માં જ પંડિત દીનદયાળજીની સ્મૃતિમાં એક મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગ‚પ ‘દીનદયાળ શોધ સંસ્થાન’ની સ્થાપના થઈ.

કટોકટી દરમિયાન નાનાજીએ ભૂગર્ભમાં રહી દેશ વ્યાપી સંઘર્ષનું તંત્ર ઊભું કર્યું

૨૫ જૂને દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે એક વિરાટ જનસભા થઈ. જે.પી., બીજુ પટનાયક અને નાનાજીએ એને સંબોધી. આ સભામાં ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદેથી હટાવવા માટે ૨૯ જૂને દેશવ્યાપી આંદોલન શ‚ કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો. સભા પછી નાનાજી રાજમાતા સિંધિયાને વિદાય આપવા નવી દિલ્હી રેલવે સ્ટેશન ગયા. તેઓ પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યા હતા કે ગુપ્તચર વિભાગના કોઈક અધિકારીએ ચુપકીદીથી એમના કાનમાં કહ્યું, ‘આજે રાતે કટોકટીની ઘોષણા સાથે બધા નેતાની ધરપકડ થશે. આપ અહીંથી સરકી જાવ.’ નાનાજી સ્ટેશનથી જ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. આ ચેતવણી સાચી ઠરી. મોડી રાતથી જયપ્રકાશ સહિત બધા નેતાઓની વ્યાપક રીતે ધરપકડ શરૂ થઈ ગઈ. હવે લોકસંઘર્ષ સમિતિના સચિવ તરીકે ભૂગર્ભવાસી નાનાજી પર સરમુખત્યારશાહી સામેની લડતના સંચાલનની મહત્ત્વની જવાબદારી આવી પડી. નવી ભૂમિકા અને બદલાયેલી પરિસ્થિતિ અનુસાર એમણે એમની વેશભૂષા અને ચહેરાના ઢંગ બદલી નાખ્યા. ભૂગર્ભવાસના બે મહિના દરમિયાન બહાર રહી એમણે દેશવ્યાપી સંઘર્ષનું તંત્ર ઊભું કર્યું. સૂચનાઓનું આદાનપ્રદાન અને લોકશિક્ષણ માટે ભૂગર્ભ પત્રિકાઓ કાઢવાની વ્યવસ્થા ગોઠવી. ભૂગર્ભમાં રહી કાર્ય કરવામાં અવનવી બાબતો જોવા મળતી. ડૉ. રાગિણી જૈન નાનાજીનાં ડ્રાઇવર બન્યાં. માત્ર સાત દિવસની બાળકીને એમણે પોતાની માતા પાસે છોડી દીધી અને સવારથી રાત સુધી નાનાજી સાથે સહજ સતર્કતાપૂર્વક રહ્યાં. ડૉ. સુબ્રમણ્યમ્ સ્વામીનાં પત્ની ‚ખસાના સ્વામીને એમણે વિદેશોમાં પ્રચાર માટે મોકલ્યાં. સમગ્ર સંઘ અને સમવિચારી સંગઠનો આ અભિયાનમાં એમની સાથે હતાં. દેશભરમાં હજારોની સંખ્યામાં સંઘના સ્વયંસેવકો સત્યાગ્રહ કરી જેલ ગયા. બે મહિના પછી ગુપ્તચરો પંજાબના કેટલાક ભૂગર્ભવાસી નેતાઓની શોધ કરતા કરતા દિલ્હીના સફદરજંગ ખાતે નાનાજી સુધી પહોંચવામાં સફળ રહ્યા. કેટલાક સમય સુધી તો એમને વિશ્ર્વાસ જ ન આવ્યો કે એમની પકડમાં આવેલ વ્યક્તિ વાસ્તવમાં જ નાનાજી દેશમુખ છે. નાનાજીની ધરપકડ પછી અગાઉથી વિચાર્યા મુજબ સંસ્થા કોંગ્રેસના રવીન્દ્ર વર્માએ લોકસંઘર્ષ સમિતિના મંત્રીનું પદ સંભાળ્યું. સંઘનું ભૂર્ગભ નેતૃત્વ તો સમગ્ર આંદોલનની કરોડરજ્જુ બની જ રહ્યું હતું. નાનાજીને તિહાડ જેલમાં રખાયા. જેલવાસી ચરણસિંહ, પ્રકાશસિંહ બાદલ વગેરે અનેક નેતાઓમાં નિરાશા ઘર કરી ગઈ હતી. નાનાજીએ આ બધા પક્ષોને એક કરવાની દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા. સત્તર માસના આ જેલવાસ દરમિયાન નાનાજીને સ્વાધ્યાય અને ચિંતનનો અલભ્ય અવસર પ્રાપ્ત થયો. એમની શ્રદ્ધા દૃઢ થવા માંડી કે રાજશક્તિથી નહીં, પણ લોકશક્તિથી જ દેશનું પુનર્નિર્માણ શક્ય બની શકશે. વિકૃત અને પતનોન્મુખ રાજકીય સંસ્કૃતિ દેશની ઉન્નતિ સાધી શકશે નહીં. ગ્રામ આધારિત સ્વાવલંબી સમાજરચના માટે ગામડાંમાં જઈ ખરેખર કામ કરવું પડશે. સમાજમાં છેવાડાની નબળામાં નબળી વ્યક્તિને ઉપર ઉઠાવવી પડશે. નાનાજીનું મન સત્તાલોલુપ, સિદ્ધાંતહીન, વ્યક્તિવાદી રાજકારણથી વ્યથિત થઈ એક પ્રકારનો વિતરાગભાવ અનુભવી રહ્યું હતું. તેઓ સત્તાનું રાજકારણ ત્યાગીને રચનાત્મક કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવા માટે આતુર થઈ રહ્યા હતા અને અંતે તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ સમાજકાર્ય માટે પોતાની જાત સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.
 

 નેતા હોય કે અભિનેતા કે વડાપ્રધાન તમના ધામમાં સૌ સરખા..

ચિત્રકૂટ અને ગોંડામાં ગ્રામોદયનો નવો માર્ગ અપનાવી

ખેડૂતોને સમૃદ્ધ કર્યા, સમરસતા અને સમભાવની સ્થાપના કરી
૧૯૯૦માં નાનાજીને પવિત્ર તીર્થભૂમિ ચિત્રકૂટે પોતાની ગોદમાં જાણે કે ખેંચી જ લીધા ! નાનાજીએ અહીં ‘ગ્રામોદય વિશ્ર્વવિદ્યાલય’ની અનોખી યોજના તૈયાર કરી. યોજનાનો ઉદ્દેશ એવો રહ્યો કે પ્રાથમિકથી માંડીને સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ શહેરો તરફ વળવાને બદલે ગ્રામજીવન અપનાવવા માટે આગળ આવે. મધ્યપ્રદેશ સરકારે નાનાજીને એના કુલાધિપતિ બનાવ્યા. જો કે પક્ષીય રાજકારણના માહોલમાં આ પ્રયોગ લાંબો ન ચાલ્યો અને નાનાજી એમાંથી અળગા થઈ ગયા.
ચિત્રકૂટમાં નાનાજીએ આરોગ્યધામ, ઉદ્યમિતા વિદ્યાપીઠ, ગોશાળા, વનવાસી છાત્રાલય, ગુરુકુળ, ગ્રામોદય વિદ્યાલય જેવા પ્રકલ્પોની એક નેત્રદીપક શૃંખલા ઊભી કરી દીધી. આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યરક્ષણને લગતા આ પ્રયોગો ઉપરાંત નાનાજીની કલ્પનાનો અનોખો ભાવસભર ચમત્કાર એટલે ‘રામદર્શન’ નામે કાયમી પ્રદર્શન. આ પ્રદર્શન નિહાળી પ્રત્યેક દર્શક-ભાવક શ્રીરામના અવતારી સ્વરૂપ પાછળ રહેલા એમના લોકકલ્યાણકારી, મર્યાદાસ્થાપક જીવનની પ્રેરણા ગ્રહણ કરીને જાય છે. મંદાકિની નદીના કિનારે રામનાથ ગોયન્કા ઘાટનું સર્જન કર્યું. આર્થિક સ્વાવલંબન, શિક્ષણ, આરોગ્યની કાળજી લેવાની સાથોસાથ નાનાજીએ વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિની પણ મહત્તા પારખી. એમણે ભક્તિની ભાવનાને લોકકલ્યાણનું માધ્યમ બનાવી. ચિત્રકૂટનું ‘રામદર્શન’ અને જયપ્રભા ગ્રામ ગોંડામાં ‘ભક્તિધામ’ની રચના એનાં ઉદાહરણ છે.
ચિત્રકૂટમાં એમણે ગામડાંઓને અદાવત અને અદાલતખોરીથી મુક્ત કરવા માટે એક અભિનવ યોજના આરંભી. આ યોજના હેઠળ બાપદાદાના સમયથી ઝઘડાખોરી અને અદાલતના ચક્કરમાં ફસાયેલા પરિવારોને સમજાવટથી પરસ્પર હળીમળી ન્યાયાલય બહાર વિવાદ ઉકેલવા અને અદાલતી ફરિયાદ પાછી ખેંચી લેવાની પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસની પ્રભાવક અસરને કારણે અનેક ગામડાંઓને વિવાદમુક્ત શ્રેણીમાં આણી શકાયાં છે. વાતની ગેડ બેસી ગઈ અને ગામને વિવાદમુક્ત બનાવવાની જાણે કે સ્પર્ધા થવા માંડી.
રાજનેતા અને નોકરશાહોને કારણે ‘રાજીવ ગાંધી જળપ્રબંધ યોજના’ ઉપયોગી હોવા છતાં સાકાર થઈ શકતી ન હતી. દીનદયાળ શોધ સંસ્થાને ગામડે ગામડે ગ્રામવાસીઓની બેઠકો કરી આ યોજના સમજાવી સૌને હળીમળી કામ કરવા રાજી કર્યાં. આથી પીવાના પાણીની સમસ્યા તો દૂર થઈ જ, પણ સિંચાઈ પણ શક્ય બની અને કૃષિ સમૃદ્ધ બની. હવે ખેડૂતો વર્ષમાં બબ્બે વાર પાક ઉગાડવા માંડ્યા. નાનાજીએ ગોંડા, બીડ અને ચિત્રકૂટમાં આવેલાં ચાર કૃષિ વિજ્ઞાનકેન્દ્રોના સંચાલનનું પડકારભર્યું કાર્ય પણ હાથ ધર્યું. એ પૈકીનાં બે કૃષિ વિજ્ઞાનકેન્દ્રોને ભારત સરકારે સર્વોત્તમ જાહેર કર્યા. આ બધા પ્રકલ્પોના નિષ્ઠાપૂર્ણ સુચારુ સંચાલન માટે એમણે ‘સમાજશિલ્પી દંપતી’ની અભિનવ યોજના પણ મૂકી. સમાજસેવાની ભાવનાથી સ્પંદિત યુવા દંપતી પોતાના ભરણપોષણ માટે લઘુતમ જીવનશૈલી અંગીકાર કરી પોતાનો બધો જ સમય સર્વાંગીણ વિકાસના કાર્યોમા ખપાવી દે છે.
 

 ગાંધીજીના વિચારોને સાર્થક કર્યા...

શ્રી નાનાજીના ગુજરાત સાથેના સંસ્મરણો

સાધના સાપ્તાહિકનાં ટ્રસ્ટીશ્રી રસિકભાઈ ખમાર નાનાજી અંગે ગુજરાતમાં સંસ્મરણો વાગોળતાં કહે છે કે, ‘નાનાજી દેશમુખજીને મરણોત્તર ‘ભારતરત્ન ઍવોર્ડ’ જાહેર થતાં જ મનમાં તેમની સાથેની મુલાકાતો અને ગુજરાત સાથેના તેમના સંસ્મરણો યાદ આવ્યા. શ્રી અશોકભાઈ પંડ્યા મા. નાનાજીના મદદનીશ તરીકે અંદાજીત બે-ત્રણ વર્ષ કાર્ય કરી પરત ફર્યા બાદ તેમના પ્રયાસોથી ગુજરાતમાં કાર્યારંભ થયો. ગુજરાતના પ્રવાસમાં મા. નાનાજી નિવાસસ્થાનમાં રહેશે તેવું કાર્યકર્તા ટીમે નક્કી કર્યું. નાનાજી ઘરે પધાર્યાં. તેમનામાં શ્ર્વેત દાઢી ધરાવતા રાષ્ટ્ર ઋષિના દર્શન થતા. સને ૧૯૮૯થી અમદાવાદમાં દીનદયાળ શોધ સંસ્થાનનો પ્રારંભ કર્યો. ચિત્રકૂટ પ્રકલ્પમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન રહ્યું. પ્રથમ ચિત્રકૂટ પ્રકલ્પ બાંધકામનો પ્રારંભ કર્યો. નાનાજીની ઇચ્છા મુજબ ગુજરાતમાંથી આર્કિટેક ઓજસ હીરાણી અને પર્યાવરણવિદ ગૌરવ હિરાણી બંને ભાઈઓ અંદાજી બે વર્ષ સુધી નિયમિત જ‚રિયાત મુજબ ચિત્રકૂટ નિયમિત જતા અને દિશા-દર્શન કરતા. ચિત્રકૂટ બાંધકામ પૂર્ણ થતા આયુર્વેદ વિભાગ પ્રારંભ કરવાનો હતો. ફરીથી નાનાજીએ એમ.ડી. આયુર્વેદ પતિ-પત્નીની માંગણી કરી. સંઘ અધિકારી સાથે ચર્ચા કરી. રાજેશ કોટેચા અને તેમના પત્ની મીતા કોટેચાને મોકલ્યા. તેમણે આઠ વર્ષ ત્યાં સેવા આપી આયુર્વેદ વિભાગ ઊભો કર્યો. વિકસિત કર્યો. ત્યાર બાદ ગૌશાળા માટે કાંકરેજ અને ગીરની વીસ ગાયો ગુજરાત સરકાર પાસેથી મુખ્યપ્રધાન સુરેશભાઈ મહેતાનો સંપર્ક કરી મોકલી આપી.
અમદાવાદમાં બાલસંસ્કાર કેન્દ્ર મહિલા અભિયાન, યુવા અભિયાન, વાનપ્રસ્થ અભિયાન જેવા પ્રકલ્પ કાર્યક્રમ અને સંપર્ક દ્વારા હાથ ધરવામાં આવ્યા. દીનદયાળ શોધ સંસ્થાન ગુજરાત એકમ દ્વારા પ્રારંભમાં જ અખિલ ભારતીય સમાજ શિલ્પી શિબિરનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું. પશ્ર્ચિમાયલમાં કાર્ય કરતી સમાજ સેવી સંસ્થાઓની પણ ત્રણ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૧૦ જેટલી સંસ્થાઓ સહભાગી થઈ. સને ૧૯૯૯માં અમદાવાદમાં ઔડાના સહકારથી દીનદયાળ વાચનાલય અને સંશોધન કેન્દ્રની સ્થાપના મા. નાનાજી અને રાજ્યપાલ સુંદરસિંહ ભાંડારીના હસ્તે કરવામાં આવી. ગુજરાતનું એકમાત્ર ૨૪ કલાક સ્વયંશિસ્તથી ચાલતું વાંચનાલયનું ઉદ્ઘાટન કરતા મા. નાનાજીએ જણાવેલ કે આ વાંચનાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રાષ્ટ્રની જવાબદાર જાગૃત નાગરિક બનશે.

રચનાત્મક કાર્યોને સન્માનની સુગંધ મળી

ચિત્રકૂટના સઘન અને વિવિધતાલક્ષી રચનાત્મક કાર્યોની સુરભી દેશ અને દુનિયામાં પ્રસરી રહી. નાનાજીના પુરાણા સહયોગી મિત્ર અટલબિહારી વાજપેયી વડાપ્રધાનના નાતે ત્યાં પધાર્યા અને ભાષણબાજીમાં પડ્યા સિવાય આ વિકાસકાર્યોને સ્વયં નિહાળ્યાં અને પારખ્યાં. ભારત સરકારે નાનાજીને ૨૩ માર્ચ, ૧૯૯૯માં પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરી ગૌરવ કર્યું. એક સમાજસેવીના નાતે રાષ્ટ્રપ્રમુખે એ પછી એમને રાજ્યસભામાં નિયુક્ત કર્યા. સાંસદોનાં વેતન-ભથ્થાંની વૃદ્ધિનો વિરોધ કર્યો. એમનો વિરોધ વિફળ જતાં એમને મળવાપાત્ર રકમ એમણે વડાપ્રધાનના સહાયતા કોશમાં અર્પણ કરી દીધી.
૬ ઑક્ટોબર, ૨૦૦૫ના દિને રાષ્ટ્રપ્રમુખ ડૉ. અબ્દુલ કલામ ચિત્રકૂટ પધાર્યા. ગ્રામજનો સાથેના ભાવભર્યા સમરસતાનાં દૃશ્યોથી સૌ આનંદવિભોર થયા. ચિત્રકૂટનાં રચનાત્મક કાર્યોની પ્રત્યક્ષ ઝાંખી મેળવ્યા બાદ તેઓ એના રીતસર પ્રચારક જ બની ગયા. અનેક વિશ્ર્વવિદ્યાલયોએ નાનાજીના જ્ઞાન, અનુભવ અને સેવાને રેખાંકિત કરી ડી.લિટ્.ની માનદ પદવી એનાયત કરી અને હવે ભાજપા સરકાર દ્વારા નાનાજીને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતરત્ન નાનાજી દેશમુખ જેવાં વ્યક્તિત્વ ભારતભૂમિ પર બહુ જૂજ જોવા મળે છે. આજે આપણી વચ્ચે આ ઋષિતુલ્ય સમાજસેવી હયાત નથી પરંતુ તેમને કરેલા ગ્રામોત્થાન અને સમાજસેવાના કાર્યો આજે આપણને પ્રેરણા પૂરી પાડે છે. ભારતરત્ન નાનાજીએ કંડારેલા આ સેવાપથ પર આગળ વધીએ એ જ તેમનું ખરું સન્માન બની રહેશે.