તમને વારે વારે સેલ્ફી લેવાનો શોખ છે?
SadhanaWeekly.com       | ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૫
હાલ મહારાષ્ટ્રમાં ચાલતા નાસિકના કુંભમેળાને ‘નો સેલ્ફી ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત હમણાં જ એક સમાચાર આવ્યા હતા કે સુરત શહેરનો એક યુવાન મહારાષ્ટ્રની હદમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ નામના કિલ્લાની ટોચ પરથી ‘સેલ્ફી’ લેવા ગયો અને સંતુલન ખોઈ બેસતાં
તે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યો... સેલ્ફીનાં ભયાનક રૂપ હવે સામે આવી રહ્યાં છે. સૌથી ખતરનાક અને ગજબનાક જગ્યાએ પોતાની હયાતી પુરાવવા યુવાનો જોખમી સેલ્ફીનો સહારો લઈ રહ્યા છે. આમાં ને આમાં પોતાનો જીવ પણ ખોઈ રહ્યા છે. દુનિયાની સામે છેલ્લા એક વર્ષમાં સેલ્ફી લેવા જતાં થયેલા અકસ્માતના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. પરિણામે રશિયા, અમેરિકા સહિત વિશ્ર્વના અનેક દેશોએ ‘સેફ સેલ્ફી’ નામના જાગૃતિભર્યાં અભિયાન ચલાવવાનો વારો આવ્યો છે. સેલ્ફી પર પ્રતિબંધ પણ લગાવ્યો છે. સેલ્ફી પર પ્રતિબંધની વાત ‘નો સેલ્ફી ઝોન’ રૂપે ભારતમાં પણ પહોંચી છે ત્યારે આવો, સેલ્ફી વિશે વધુ જાણીએ...

સેલ્ફી એટલે ?

સેલ્ફી... પોતાના જ કેમેરા કે ફોનથી જાતે પાડેલો ફોટો એટલે સેલ્ફી... આજે સેલ્ફીનો માહોલ એટલો જામ્યો છે કે અવકાશયાત્રીઓથી લઈને ઓબામા, નરેન્દ્ર મોદી સુધી સૌ કોઈ સેલ્ફી... સેલ્ફી કરી રહ્યા છે. સેલ્ફી પાડી રહ્યા છે. વર્ષ ૨૦૧૨માં સેલ્ફી શબ્દ એટલો બધો પ્રચલિત થયો કે એ જ વર્ષે ટાઇમ મેગેઝિને સેલ્ફી શબ્દને ટોપ ટેન પ્રચલિત શબ્દોની યાદીમાં સ્થાન આપ્યું. એ પછી વર્ષ ૨૦૧૩માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ સેલ્ફી શબ્દ ઉમેર્યો. આજે સેલ્ફીનું એટલું વાવાઝોડું ફૂંકાયું છે કે સ્માર્ટ ફોનમાં જો ફ્રન્ટ કેમેરા ન હોય તો યુવાનો તેને ખરીદતા નથી.

સેલ્ફી ક્રેઝી સાવધાન!

ગૂગલ પર સેલ્ફી, દુર્ઘટના, મોત... આવા શબ્દો વડે થોડી શોધખોળ કરી જોજો. સેલ્ફીની ભયાનક બાજુ તમારા વેબપેજ પર જોવા મળશે... ફેસબુક, ટ્વિટર, ઇન્ટ્રાગ્રામ પર પોતાની હટકે સેલ્ફી પોસ્ટ કરવામાં યુવાનો જીવ ખોઈ રહ્યા છે. જુઓ કેટલાંક ઉદાહરણ...

- સુરતનો ગોવર્ધન નાગરીત. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લાની ટોચ પર જઈ એક સેલ્ફી પાડવાની કોશિશ કરે છે. દરમિયાન તેનું સંતુલન બગડે છે તે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકે છે. પછડાટથી તેનું મૃત્યુ થાય છે.

- ગયા વર્ષે જ કેરલનો એક ૧૪ વર્ષનો યુવાન ટ્રેઇન પર ચડી સેલ્ફી પાડવાની કોશિશ કરે છે. સેલ્ફી પાડવામાં તેને ટ્રેઇન પરના હાઈ વોલ્ટેજ તારની ખબર ન રહી અને કરન્ટ લાગવાથી તે મોતને ભેટ્યો.

- ગયા વર્ષે ૨૬ જાન્યુઆરીએ મથુરામાં ત્રણ યુવાનો ટ્રેન નીચે કચડાઈ ગયા હતા. ૨૦થી ૨૧ વર્ષના યાકૂબ, ઇકબાલ, અફઝલ નામના આ યુવાનો ચાલતી ટ્રેનને બેકગ્રાઉન્ડ બનાવી એક સેલ્ફી લેવા ઇચ્છતા હતા. આ ચક્કરમાં ટ્રેઇનની ઝડપનું તેમને ભાન ન રહ્યું અને ત્રણેય ટ્રેઇન નીચે આવી ગયા.

- હમણાં જ અમેરિકાના વોશિંગ્ટનમાં એક ઘટના ઘટી. હૉસ્ટન નામનો ૧૯ વર્ષનો એક યુવાન બંદૂક સાથે આત્મહત્યા કરતો હોય તેવી સેલ્ફી લેવા ગયો. ભૂલથી બંદૂકનું ટ્રિગર દબાઈ ગયું અને તેનું મૃત્યુ થયું.

- અમેરિકાના જ કોલોરાડોમાં ગયા વર્ષે એક-બે જણ બેસી શકે તેવું નાનું વિમાન તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં પાયલોટ અને એક યાત્રીનું મૃત્યુ થયું હતું. દુર્ઘટનાનું કારણ શોધતાં ખબર પડી કે પાયલોટ યાત્રી સાથે સેલ્ફી પાડવામાં વ્યસ્ત હતા, જેનાથી ધ્યાન ભટકતાં આ પ્લેન તૂટી પડ્યું.

- રશિયાની ૧૭ વર્ષની જીનિવા લગનાતયેવા. હટકે સેલ્ફી લેવામાં તે એક ૨૮ ફૂટ ઊંચા પુલ પર લટકી જાય છે.  લટકેલી હાલતમાં તે સેલ્ફી લેવા જાય છે અને હાથ છટકી જતાં  તે એક વીજળીના તાર પર જઈ પડે છે. કરન્ટ લાગવાથી તેનું મૃત્યુ થાય છે.

મૃતક સાથે સેલ્ફી

- પિટ્સબર્ગમાં રહેતા ૧૬ વર્ષના મેક્સવેલનો કિસ્સો આંખો ઉઘાડનારો છે. તેણે સેલ્ફીની હદ વટાવી દીધી. તેણે પોતાના મિત્રની લાશને બેકગ્રાઉન્ડ રાખી તેના મૃત શરીર સાથે સેલ્ફી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. લોકોએ તેની ખૂબ નિંદા કરી. ત્યારપછી મેક્સવેલ પર હત્યાનો આરોપ લાગ્યો અને હાલ તે બાળસુધાર ગૃહમાં છે.

- બ્રિટનમાં ડેડ બોડીની સાથે સેલ્ફી લેવાનું ચલણ વધ્યું છે. રસપ્રદ વાત એ છે કે લોકો એક ઓનલાઇન કોમ્પિટિશનમાં રોકડ રકમ જીતવા આવું કરી રહ્યા છે. આ કોમ્પિટિશનનું નામ છે ‘સેલ્ફી વિથ ધ ડિસીસ્ટ’. એટલે કે મૃતક સાથે સેલ્ફી. એક યુકેની વેબસાઇટ મુજબ એક વ્યક્તિએ ૧૩ વર્ષની કિશોરીના શબ સાથે પોતાની સેલ્ફી પોસ્ટ કરી. બાળકીનું કાર એક્સિડન્ટમાં મોત થયું હતું. તેના માટે આ વ્યક્તિને ૫૦ પાઉન્ડનું ઇનામ પણ મળ્યું. જોકે આ કોમ્પિટિશન શરૂ કરનાર ૨૮ વર્ષના પોલિકોવનું કહેવું છે કે તેણે મોત પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલવા માટે આની શરૂઆત કરી છે.

- આવુ જ સાઉદી અરબમાં બન્યું. એક બાળકે પોતાના મૃત દાદાના શબની સાથે એક સેલ્ફી પડાવી. સેલ્ફી પડાવતાં તે બાળકે પોતાની જીભ પણ બહાર કાઢી અને જાતે લખ્યું કે ‘બાય દાદા’! જોકે સોશિયલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઈ.

‘સેલ્ફી’ નહિ ‘સેફ સેલ્ફી’

સેલ્ફીનાં ભયંકર પરિણામો સામે આવ્યા બાદ અનેક દેશોએ તે માટે જાગૃતિભર્યાં અભિયાનો ચલાવ્યાં છે. રશિયા આમાં સૌથી આગળ છે.

- રશિયામાં આ વર્ષે વિભિન્ન રીતોથી સેલ્ફી લેતી વખતે અલગ-અલગ સ્થળો પર ૧૦ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આથી રશિયન સરકારે જાગૃતિ વધારવા ‘સેફ સેલ્ફી’ નામનું અભિયાન ચલાવ્યું છે. સુરક્ષિત સેલ્ફી કઈ રીતે લેવી તેની ગાઇડ લાઇન પણ જારી કરવામાં આવી છે, જેના રેલવે ટ્રેક, છત પર ચઢીને, બંદૂક સાથે, અન્ય કોઈ હથિયાર સાથે, જંગલી પ્રાણી સાથે સેલ્ફી નહિ ખેંચવાની અપીલ કરવામાં આવી છે.

- નાસિક કુંભના મેળામાં પણ નો સેલ્ફી ઝોન રખાયો છે. સેલ્ફીના કારણે દુનિયામાં ભાગદોડ મચી શકે છે. એક અધ્યયન પ્રમાણે સેલ્ફી લેવા લોકો એક જગ્યાએ ઊભા રહી જાય છે. ખતરનાક જગ્યાએ ચડી જાય છે, પરિણામે ભીડ ભેગી થઈ જાય છે જે ભાગદોડનું કારણ બની શકે છે.

- થાઇલેન્ડ સરકારે સેલ્ફી માટે કેટલાક કાયદાઓ, જોગવાઈઓ ઘડી છે, જેમાં સેલ્ફી મેનિયા મહિલાઓને ચેતવણી આપતાં બ્રેસ્ટ સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ માટે પાંચ વર્ષની સખત સજા ફટકારવાની વાત પણ તેમાં મુકાઈ છે.

- મહત્ત્વની વાત એ છે કે સેલ્ફીની નકારાત્મક બાજુ જોઈએ. વિશ્ર્વના અનેક દેશો સેલ્ફીને લગતા કાયદા ઘડવાનું વિચારી રહ્યા છે. જોકે આવા કાયદા ઘડવાની વાતનો વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપના નામે તેનો વિરોધ પણ ચાલુ થઈ ગયો છે.

એક સંશોધન....

એક સંશોધનમાં કહેવાયું છે કે, ૨૪ ટકા લોકો સેલ્ફી લેતી વખતે ફોન પડી જવાની વાત સ્વીકારે છે. ૧૩ ટકા લોકો સેલ્ફી લેતી વખતે બાજુમાંથી પસાર થતી વ્યક્તિ સાથે અથડાઈ જવાની વાત સ્વીકારે છે. ૧૦ ટકા લોકો સેલ્ફી લેતી વખતે પડી જતાં હોવાની વાત સ્વીકારે છે. આઠ ટકા લોકો સ્વીકારે છે કે સેલ્ફી લેતી વખતે યોગ્ય સ્થળની પસંદગી કરતાં તેઓ આસપાસની વસ્તુઓ સાથે અથડાઈ જાય છે.

સૌથી પહેલાં સેલ્ફીથી શરૂ થયેલી રસપ્રદ સફર
હાલના મોટા ભાગના ઇતિહાસકારો સૌથી પહેલી સેલ્ફી લેવાનું શ્રેય મૂળ નેધરલેન્ડના અમેરિકન રસાયણશાસ્ત્રી રોબર્ટ કોર્નેલિયસને આપે છે. કોર્નેલિયસે વર્ષ ૧૮૩૯માં ડેગરોટાઇપ પદ્ધતિથી પોતાનો સેલ્ફ-પોટ્રેટ લીધો હતો. આધુનિક ફોટોગ્રાફીની સૌથી પહેલી સફળ પ્રક્રિયા પણ ડેગરોટાઇપ જ ગણાય છે.