રવિવારે નેટ બંધ…જાણો કેમ?
SadhanaWeekly.com       | ૧૩-ઓક્ટોબર-૨૦૧૬

 


આગામી રવિવારે યોજાનારી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન રાજ્ય સરકાર  નેટ બંધ રાખવાની તૈયારીમાં છે. 4500 પદો માટે પરીક્ષા જુદા જુદા શહેરમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તલાટીની પરીક્ષામાં પણ જુદા જુદા શહેરમાં બંધ રાખવામાં આવ્યું હતું. પરીક્ષામાં કૉપી કેસથી માંડી પેપર લીક થવાની ઘટના ન બને તે માટે તંત્ર ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ઉપરાંત તમામ કેન્દ્રોની આસપાસની ઝેરોક્સ મશીનની દુકાનો પણ બંધ રખાશે. ઉમેદવારોને 1 કલાક અગાઉ કેન્દ્રો પર હાજર થઈ જવાનું રહેશે.

અગાઉ તલાટીની પરીક્ષામાં ચારેક જિલ્લામાં પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. તેમાં સફળતા મળવાના કારણે સચિવાલય અને બિનસચિવાયલની ક્લાર્કની પરીક્ષામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું કલેક્ટરને સૂચનું કર્યું છે. સેવા બંધ કરવા માટે સ્થાનિક કલેક્ટરને સત્તા હોવાથી તેમને રજૂઆત કરાઈ છે. સરકારને પણ રજૂઆત કરાશે.

 4500 ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાશે. શનિવાર સુધી સરકારમાંથી આવનારી ખાલી જગ્યાઓનો ઉમેરો કરવા ઠરાવ કરાયો છે.

પરીક્ષા 1959 કેન્દ્ર પર લેવાશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 6.76 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે, તેમાંથી અમદાવાદમાં 98 હજાર ઉમેદવાર પરીક્ષામાં બેસશે.