બદલાતી જતી પરંપરાઓ અનેદિવાળી ઉત્સવના બદલાયેલા રંગ...
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬


 

 


સરકારી નહીં, ઘરેલું સ્વચ્છતા અભિયાન
સાફસફાઈ કરવાનો ટ્રેન્ડ તો હજુ આજે પણ જળવાઈ રહ્યો છે, પરંતુ હવે તેની રીતમાં પરિવર્તન આવ્યું છે. તમારા-મારામાંથી અનેકે તેમની મમ્મીઓને ઘરની સાફ-સફાઈ કરતાં જોયાં હશે. માળિયાથી માંડીને ઘરની દરેક નાનામાં નાની વસ્તુઓની સાફસફાઈ જાતે જ થતી. ત્રાંબા-પિત્તળનાં વાસણોને ઘસીને ચમકાવવામાં આવતાં, ઘરના પુરુષો દ્વારા ઘરમાં રંગ-રોગાન થતું, હાથે ગૂંથણ કરીને તોરણો-રૂમાલ તૈયાર કરતી, જૂનું ભંગારમાં કાઢીને નવું વસાવવાની તૈયારીઓ થતી, ગામડાંઓમાં તો લીંપણ-ગૂંપણ કરીને ઘરને અસલ ઢબે સજાવવામાં આવતું, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા ઘરની સ્વામિની દિવસો સુધી મથ્યા કરતી અને પોતાના જૂના ઘરને, પોતાના અસબાબને એવી રીતે સજાવતી જાણે કે તેણે ફરી નવું ઘર વસાવ્યું હોય!
આજના સમયે સફાઈ ક્ધસેપ્ટ બદલાઈ ગયો છે. દિવાળીના દિવસોમાં ઘરને ધૂળ ખંખેરી ફરી સજાવવાની જવાબદારી હવે ગૃહસ્વામિનીને બદલે કામવાળા ઉપર આવી ગઈ છે. હવે જૂના સામાનની સાફ-સફાઈ કે સમારકામ કરી નવો બનાવવાને બદલે એક્સચેન્જ ઑફરમાં બદલાવી નવો જ સામાન વસાવવામાં આવે છે. અરે, આજના આધુનિક લક્ઝુરિયસ હાઉસમાંથી તો માળિયાં, ઉંબરા, છજા, ગાયબ જ થઈ ગયાં છે. તાંબા-પિત્તળનાં વાસણો પણ હવે ઍન્ટિક ગણાવા લાગ્યાં છે.

પરંપરાગત વાનગીઓ
દિવાળીના અઠવાડિયા પહેલાંથી જ ઘરમાં ઘૂઘરા, ચકરી, મોહનથાળ, ચોળાફળી, મઠિયા, ચવાણા, મીઠાઈઓ, બનવાની શરૂ થઈ જતી. ઘરની મહિલાઓ એક તરફ રોજિંદા કામમાંથી પરવારી અવનવી પરંપરાગત વાનગીઓ બનાવતી અને વૅકેશનને માણતી બચ્ચા પાર્ટીઓ એ બનતી વાનગીઓ વચ્ચે-વચ્ચે જઈને ચાખી આવતી. બહારથી તૈયાર મીઠાઈ-નાસ્તા મંગાવવાનો ટ્રેન્ડ નહોતો, ત્યારે દરેક ઘરની એક જ વાનગીઓનો અલગ-અલગ ટેસ્ટ માણવા મળતો, પરંતુ આજે ઘરે જ વાનગીઓ બનાવવાની પ્રથા ભવ્ય ભૂતકાળ બની ચૂકી છે. પરિણામે નજીકની ફૅમસ ડેરી, બેકરી, ફરસાણની શૉપ્સમાંથી ખરીદેલી વાનગીઓ દરેકના ઘરમાં આવે છે અને સરવાળે પૂરી દિવાળીમાં એક જ ટેસ્ટ મોઢું મીઠું કરવાને બદલે મોઢું અને પેટ ક્યારેક બગાડવાનું કામ કરે છે. એમાંય પરંપરાગત વાનગીઓ હવે વિસરાઈ ચૂકી છે, તેના સ્થાને આપણે કદી નામ પણ ન સાંભળ્યા હોય એવી મીઠાઈઓ, ફરસાણ, કૂકીઝ આપણી સામે સર્વ થાય છે.

ખરીદી નહીં, પણ શોપિંગ
આજની વાયર્ડ જનરેશનને કદાચ ખરીદી શબ્દ બોલવો વાયર્ડ લાગે, પરંતુ જ્યારે શૉપિંગનો ટ્રેન્ડ શરૂ નહોતો થયો ત્યારે પરંપરાગત બજારોમાં તહેવારો દરમિયાન ચક્કાજામ થતું. દિવાળી ટાણે બજારોમાં રીતસરની ભીડ જામતી. ગોળ ઉપર માખીઓ બણબણે તે રીતે દુકાનો ઉપર લોકો ઊમટતા, ભાવ-તાલ થતા, ગ્રાહકો માટે બૂમો પડતી હતી. દિવાળી માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવતું. દિવાળી ઢૂકડી આવે એમ, ઘરનો મોભી કે ગૃહિણી યાદી બનાવવા બેસે. કપડાં, મીઠાઈ, ફટાકડા, રંગરોગાન, સજાવટ, દરેક બાબતનું બજેટ અગાઉથી જ નક્કી કરવામાં આવતું. દિવાળીએ મનગમતાં કપડાં ખરીદવાં એક લક્ઝરી ગણાતી. આવા સમયે દરેક ગૃહિણીની આવડતની કસોટી થતી. દિવાળીના એક્સ્ટ્રા ખર્ચને પહોંચી વળીને ઘરનું રેગ્યલુર ખર્ચ પૂરું કરવું એ ઘરમાં કમાનાર વ્યક્તિની સાથે-સાથે ગૃહિણી માટે પણ પડકાર બની રહેતો. પરંતુ હવે સમય બદલાયો છે, હવે દિવાળી એકબીજાને પોતાનો વૈભવ બતાવવાનો પણ તહેવાર બની ચૂક્યો છે. એટલે સાદગીની બાદબાકી થતી જાય છે અને ભપકાઓ ઉમેરાતા જાય છે. જેની અસર માર્કેટ ઉપર પણ દેખાય છે. આજે ખરીદ-વેચાણની પરંપરાગત પદ્ધતિઓ બદલાઈ છે. હવે સુપર માર્કેટ અને ઑન-લાઇન શોપિંગનો ટ્રેન્ડ જામ્યો છે, જેના કારણે યુવાઓ અને અમુક ચોક્કસ વર્ગ બજારમાં ઊભરાતી ભીડમાંથી ધીરે-ધીરે ગાયબ થઈ રહ્યો છે. પરિધાન હોય કે ફટાકડા, બધું જ ભપકાદાર અને ગાજે એવું થઈ ગયું છે. લવિંગિયા ટેટા, હીરા, ચકરડીઓ, ટીકડીઓ, ધુમાડાના ગોટા છોડતાં સાપોલિયાં, ભીંતભડાકા, તારામંડળ,...વગેરે જ્યારે ઘરમાં આવતાં ત્યારે બાળકો ફટાકડાની આખી દુકાન ઘરમાં આવી હોય એવો આનંદ લેતાં. જ્યારે મોટેરાંઓ માટે પણ લક્ષ્મી ટેટા, ૫૫૫ કે સૂતળી બૉમ્બ પોતાનું ગજું અને ગજવું બતાવવાના ફટકડા ગણાતા, પરંતુ આજે તો ફટાકડા પણ સ્ટેટસ બતાવવા ફોડવામાં આવે છે. દિવાળીએ હવે માત્ર કપડાં, મીઠાઈ કે ફટાકડાની જ નહીં, પણ નવા ફર્નિચર, આઈફોન, હૉમ એપ્લાયન્સિસની, વ્હીકલ્સ, સોના-ચાંદી વગેરેની પણ ધૂમ ખરીદી થાય છે અને એટલે જ હવે દિવાળી એ ફેસ્ટિવ સીઝન નહીં, પરંતુ સેલ સીઝન બની રહી છે.


વેકેશન અને સેલિબ્રેશન
આજે મોટાભાગના લોકો દિવાળી દરમિયાન દસ-બાર દિવસ ટૂર પર ઊપડી જાય છે. એકબીજાના ઘરે મળીને સામાજિક થવાની પરંપરા હવે લોકોને બોરિંગ લાગે છે, આજે સૌને જલસા તો કરવા છે, પણ ઈન્ડિવ્યુઝલ.. મહેમાનો ઘરે પધારે, દિવાળીની તૈયારીઓ કરવી પડે, એ બધું હવે લોકોને ટાઇમ વેસ્ટીંગ લાગતું જાય છે. તેના બદલે મિની વેકેશન પર ઊપડી જવાનું લોકોને વધુ અનૂકૂળ આવતું જાય છે. દિવાળી વેકેશનની આ બદલાયેલી પેટર્નને કારણે એક સમયે બાળકોને તેમના સગા-વહાલા સાથે પરિચય ગાઢ કરવાની તક મળતી, મોટેરાંઓને એકબીજાની હૂંફ અને સ્નેહ મળતો, તે બધું હવે ધીરે-ધીરે લુપ્ત થતું જાય છે અને કદાચ આજની પેઢી પરિવારથી વિમુખ થઈ રહી છે કે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી તેનું કારણ પરિવાર સાથેના આવા નાના-મોટા જોડાણનો અભાવ છે.
બાળકો વેકેશનમાં નાના-નાનીના ઘરે જવાની, ફટાકડા ફોડવાની કે આખો દિવસ રમતમાં ખોવાઈ જવાની મજા માણી નથી શકતાં. જીવનમાં યાંત્રિકતા પ્રવેશી રહી છે અને લાગણીની બાદબાકી થઈ રહી છે. મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં દિવાળી ગ્રિટીંગ્સની પ્રથા પણ ભુલાઈ ચૂકી છે. રૂબરૂ અભિનંદન આપવાને કે ગ્રિટિંગ્ઝ મોકલવાને બદલે આપણે હવે ટૂંકા ને ટચ એસએમએસથી જ કામ પતાવી દઈએ છીએ. આ જ રીતે એક સમયે નવા વર્ષના પ્રથમ દિને સબરસ વહેંચવાની પ્રથા હતી, વહેલી પરોઢે આખા ઘરમાંથી કચરો કાઢીને ઉકરડે કકળાટ કાઢવા જવાતો અને પાછા ફરતી વેળાએ થાળી ખખડાવવાની, દિવાળીની રાત્રે બાળકો મશાલ જેવી આગડી-માગડી બનાવી ઘરે-ઘરે જઈ તેલ અથવા ઘી પુરાવવા ફરતા હતા. આવી તો દિવાળીની કંઈક કેટલીય પ્રથા-મજાઓ ભૂતકાળ બની ચૂકી છે. પરિણામે નવી પેઢી આપણી પરંપરાઓથી અજાણ થતી જાય છે. દિવાળીએ તેઓ ફટાકડા તો ફોડે છે, પણ દિવાળી શા માટે ઊજવાય છે, તેની કદાચ તેમને ખબર નથી હોતી. આવી યાંત્રિક અને આધુનિક જીવનશૈલી, બજારવાદને કારણે પરસ્પર લાગણી અને પ્રેમની બાદબાકી થઈ રહી છે અને ઔપચારિકતાઓ અને યાંત્રિકતા વધી રહી છે. આ વિક્રમ સંવત કારતકના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની પ્રથા છે, તો ચલો, આપણે પણ એક નાનો સંકલ્પ લઈએ કે આ નવા વર્ષના તહેવારોએ આપણે આપણી પરંપરાઓ એવી રીતે જીવીએ કે તે ખરા અર્થમાં ઉત્સવ બની રહે.