દીપાવલી આ નવું વર્ષ કલ્યાણકારી બની રહે...
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬

 ઉત્સવપ્રધાન ભારતમાં વર્ષભર ઉત્સવો. હજારો વર્ષ જૂની સંસ્કૃતિમાં, ઈશ્ર્વરે અનેક વખત અવતાર લીધા, લીલાઓ કરી, ઋષિ, મુની, ત્યાગી, તપસ્વી, આચાર્ય, ગુરુ, રાજાઓ, સંતો, મહંતો, કવિઓ, યોદ્ધાઓ, સમરાંગણમાં ઝઝુમી દેશને જીવંત અને આઝાદ રાખતી વિરાંગનાઓ, સહુને યાદ કરી જન્મજયંતી, પુણ્યતિથિ પ્રસંગો ઉજવાય એટલે ૩૬૫ દિવસ ઓછા પડે. લોકમેળાઓ અને તહેવારો તથા અનુષ્ઠાન, આરાધનાના દિવસો તો એથીયે વિશેષ. આવું જ ઉત્સવ, આરાધનાનું સૌથી મહત્ત્વપૂર્ણ અને લાંબુ પર્વ એટલે આસો વદ અગિયારસ, રમા એકાદશીથી, કારતક સુદ પૂનમ દેવદિવાળી સુધીનો આનંદ, ઉત્સાહ, ઉલ્લાસથી પ્રેરિત ઉત્સવો માણવાનો સમય.
ભગવાન શિવજીએ ધારણ કરેલ વાઘ સ્વરૂપ ઉજવવા વાઘબારસ, પ્રકૃતિતત્ત્વો ઉપદ્રવકારી ન બનતાં સૌને માટે મંગલકારી બને તેની લક્ષ્મીજીને પ્રાર્થનાનો દિવસ એટલે ધનતેરસ. કૃષ્ણની ભાર્યા સત્ત્વભાયાએ નર્કાસુર રાક્ષસનો વધ કર્યો તે દિવસે નર્કાસુરની માતાએ શોકમગ્ન ન થતાં ઉત્સવ મનાવ્યો તે કાળીચૌદશ. વર્ષભરનાં લેખા-જોખાં સૌ પૂરાં કરી અંધકારમય જીવનમાંથી ઉજાસ, પ્રકાશ તરફ પ્રયાણ એટલે દિવડાઓનો તહેવાર દિવાળી. નવસંકલ્પ સાથે મન-બુદ્ધિ-ચીત્ત-અંત:કરણને ઉર્ધ્વગતી પ્રાપ્ત થાય તે સંકલ્પનાથી નવવર્ષના વધામણાં આનંદ-ઉલ્લાસ સાથે મનાવવાનો દિવસ એટલે નવું વર્ષ. યમીને ત્યાં ‘યમ’ જમે અને સુભદ્રાને ત્યાં કૃષ્ણ તે જ રીતે ભાઈ, બહેનને ત્યાં જમી તેની પાસેથી દીર્ઘાયુષ્યના આશીર્વાદ મેળવે તે ભાઈબીજ. રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ કાજે ગણેશપૂજન કરી નવ- વર્ષમાં શુભ થાય, લાભ વધે તેમ વ્યાપાર શરૂ કરવાનો દિવસ એટલે લાભપાંચમ. દેવઉત્થાપન અને તુલસીવિવાહના પ્રસંગે કાર્તિક શુક્લ એકાદશી અને દેવોનો ઉત્સવ દેવદિવાળી.
દિવાળી અને નવવર્ષની કથાઓમાં દેવીશક્તિએ શિવજીનું અર્ધશરીર પ્રાપ્ત કરવા કરેલા ઉપવાસનું ફળ મળ્યું તે દિવસ. ભગવાન રામનો લંકાના રાવણને પરાસ્ત કર્યા પછી થયેલ રાજ્યાભિષેકનો દિવસ, કૃષ્ણએ ઈન્દ્રને પરાજીત કર્યા તે શુભ દિવસ, શીખ સમુદાયના વડા ગુરુ હરગોવિંદજીને કારાવાસમાંથી મુક્તિ મળી તે સુવર્ણમંદિર ગયા ત્યાંની આગતા-સ્વાગતામાં કરેલ દિવડાઓનો ઉત્સવ તથા ભગવાન મહાવીરનો નિર્વાણ દિન આ મુખ્ય ગણનાઓ છે.
બલિપ્રતિપદાના દિવસ બોધમાં, વામન ભગવાને બે પગ મૂકી બલીનું સર્વસ્વ સ્વર્ગ, ભૂમિ, પાતાળનું રાજ્ય લઈ લીધું ત્યારે તેના માથા પર ત્રીજી વખત પગ મૂકવાની વિનંતીનો ભાવ છે. તારી પાસે કંઈ બચ્યું નથી તેના પ્રત્યુત્તરમાં બલીરાજા પોતાના મસ્તક ઉપર, અહમ્ ઉપર ઈશ્ર્વરચરણ મૂકવા વિનંતી કરી તેના અહંકારને ‘હું-મારું’ જે વિચાર ભરેલ હતો તેને નષ્ટ કરવા આગ્રહ કરે છે.
આબાલ - વૃદ્ધ આ તહેવારોની ઉજવણી અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ છોડી, દેવ-દર્શન, ઘરસજાવટ, નવાં વસ્ત્રો, સુંદર મિષ્ટાન-પકવાન, ફટાકડા ફોડી તથા પૂજન-અર્ચન કરી ગત વર્ષને વિદાય અને નવા વર્ષને આવકાર આપે છે. કુટુંબીજનો આ તહેવારો સાથે ઉજવે, સંપૂર્ણ સમાજમાં એક જ વાતાવરણ-મીઠાશથી ભરપૂર, દાન-દયા-ધર્મનો પાલવ ઓઢી લોકો ગરીબોને પણ દિવાળી ઉજવવામાં પાછળ ન રાખે, ગગન-ભેદી અવાજોવાળા ફટાકડા અને આકાશ ભણી દોટ મૂકતા રૉકેટોને તો સહુ જોનાર માણે. ઈશ્ર્વરને તો અન્નકૂટ-૫૬ વાનગીઓ ધરાવાય અને સહુ ભાવિક ભક્તોને પ્રસાદરૂપે વહેંચાય.
૧૦૦થી વધુ દેશમાં પથરાયેલ ભારતીયો તથા ૧૯૩ દેશમાં ભારતીય ઍમ્બેસી પણ દિવાળીની વૈભવશાળી ઉજવણી કરે છે, જેમાં કેટલાય દેશનું શાસન પણ, ખાસ કરીને અમેરિકા, ઇંગ્લૅન્ડ, કૅન્યા, દક્ષિણ આફ્રિકા વગેરેમાં જોડાઈ, દિપાવલી-નવવર્ષને અતિ ભવ્ય બનાવે છે.

આપ સહુ માટે આ તહેવારો આનંદમય, જીવનને નવી દિશા આપનાર, જોમ-જોશથી ભરપૂર, નવી ઊંચાઈઓ સર કરનાર, કલ્યાણકારી બની રહો તે જ અભ્યર્થના સાથે.
સાધના પરિવાર