તો શું નવા વર્ષનો પ્રારંભ એકબીજાને મળીને ભેટીને વધામણાં જ આપવાનાં?
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬

 


 

તો શું નવા વર્ષનો પ્રારંભ એકબીજાને મળીને ભેટીને વધામણાં જ આપવાનાં? તે તો કરવાનું જ, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક પર્વની ઉજવણી પાછળ ભાવગર્ભિત જીવનલક્ષી આધ્યાત્મિક વિકાસનો સંદેશ હોય છે અને આજના યાંત્રિક ભોગવાદી યુગમાં તે વિસરાયો છે. નવા વર્ષનો પ્રારંભ નવા સંકલ્પો અને જીવન વિકાસાર્થે નવી પ્રવૃત્તિથી શરૂ કરવાના દૃઢ નિર્ધાર સાથે કરવાનો ન હોય, તો નવા વર્ષની ઉજવણીનો કોઈ અર્થ નથી.
વિકાસની કાંઈક આવી દૃષ્ટિથી વીતેલા વર્ષનાં લેખાંજોખાંનો દિવસ - બલિપ્રતિપદાનો દિવસ - એટલે બેસતું વર્ષ - કારતક સુદ એકમ.
બલિપ્રતિપદા
બેસતા વર્ષનું નામ, બલિરાજાના નામ પરથી બલિપ્રતિપદા - નામ આપવાનું કારણ છે. બલિરાજા અસુર હતો, પરંતુ તેનામાં ઘણા ગુણો હતા. દુશ્મન હોય તો શું થયું? બલિરાજાના ગુણોનું પૂજન થવું જોઈએ અને તેની યાદમાં વામન ભગવાને દિવસ નક્કી કર્યો અને તે દિવસ એટલે બલિપ્રતિપદાનો! તે દિવસે ભગવાન પોતે બલિરાજાના દ્વારપાળ થયા અને તે ભાવના લક્ષમાં રાખીને તે દિવસ બલિપ્રતિપદા તરીકે જાહેર થયો અને બલિરાજામાં એવા કયા ગુણ હતા કે ભગવાન જેવા ભગવાન તેના દ્વારપાળ બન્યા! તેનો પૌરાણિક ઇતિહાસ અતિ સંક્ષિપ્તમાં આ પ્રકારનો છે.
દેવાસુર સંગ્રામમાં દૈત્યોના રાજા બલિનો પરાજય થયો. છતાં પોતાના ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદના કારણે દેવોનો ફરીથી સામનો કરવા તે કટિબદ્ધ થયો અને તેના ગુરુ શુક્રાચાર્યે તેની પાસે વિશ્ર્વજિત યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞકુંડમાંથી સર્વજિત રથ નીકળ્યો. તે રથ ઉપર આરૂઢ થઈ બલિરાજાએ દેવો સાથે સંગ્રામ આદરી સ્વર્ગનું રાજ્ય પુન: પ્રાપ્ત કરી તે ઇન્દ્રાસન પર બેઠો અને શુક્રાચાર્યે પોતાના શિષ્યનું હિત વિચારી કહ્યું કે, જો તું અશ્ર્વમેધ યજ્ઞ કરે તો તને કાયમ માટે સ્વર્ગનું રાજ્ય મળે!
બલિ સ્વર્ગનો અધિષ્ઠાતા થતાં દેવો દુ:ખી થયા. દેવોની માતા અદિતિને ઘણું દુ:ખ થયું અને તેના પતિ કશ્યપ ઋષિની સેવા કરી તેમને પ્રસન્ન કરી તેમના પુત્રોને સ્વર્ગ પાછું મળે તે માટે વરદાન માગ્યું, ત્યારે કશ્યપે કહ્યું, ‘બલિરાજાના આધિપત્ય નીચે દૈત્યો સંયમ પાળે છે; નીતિથી ચાલે છે. ધર્મનું રક્ષણ કરી પવિત્ર જીવન ગાળે છે. તેથી તે માટે અનુકૂળ સમયની રાહ જોવી પડશે અને ભગવાન જ કાંઈક રસ્તો કાઢશે. તેથી કશ્યપ ઋષિએ અદિતિને પયોવ્રત કરવા કહ્યું અને વ્રત કરવાથી ભગવાન તેને ઘેર પુત્ર થશે અને તે પ્રમાણે અદિતિએ ભગવદ્સ્મરણ કરતાં કરતાં તે વ્રત પાળ્યું. કશ્યપ અને અદિતિનું અતિ પવિત્ર વ્રત હતું જ તેથી તેમને ત્યાં ઉચિત સમયે સ્વયં ભગવાન, વામન સ્વરૂપે પ્રગટ થયા. માતાપિતાએ તેમના ઉચિત સંસ્કાર કર્યા. વામન ભગવાન આ સંસ્કારથી બ્રહ્મચારી બન્યા અને તેમના ગુરુની આજ્ઞાથી નર્મદાકિનારે ભૃગુકચ્છ (આજનું ભરૂચ) બલિરાજા યજ્ઞ કરતો હતો તેની પાસે જઈ ભિક્ષા માંગી લાવવા આદેશ આપ્યો.
અને બલિરાજા સોમો અશ્ર્વમેધ યજ્ઞ કરતા હતા ત્યાં વામન ભગવાન બટુકરૂપે આવ્યા. ભૃગુકુળના બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હતા. ત્યાં તેમણે દૂરથી વામન ભગવાનને આવતા જોયા અને તેમના તેજથી બધા પ્રભાવિત થયા. ઊભા થઈ તેમને આવકાર્યા. બલિરાજાએ તેમને યોગ્ય આસન આપ્યું અને આવા પ્રસંગે આવો તેજસ્વી બટુક ભિક્ષા માંગવા આવે તે પોતાના સૌભાગ્યની વાત સમજ્યા.
બલિની પત્ની વિંધ્યાવલી પરમ વિદુષી હતી. ભગવાનની પરમ ભક્ત હતી. તે સોનાની ઝારીમાંથી પાણી રેડતી જતી હતી અને બલિ વામનના પગ પખાળતા ધન્યતા અનુભવતા હતા. તેણે બટુકને ભિક્ષા માંગવા કહ્યું, ‘આજે હું કૃતાર્થ થયો છું. જે જોઈએ તે માંગો. જે માંગશો તે આપીશ.’
વામન ભગવાને બલિરાજા પાસે જે પ્રહ્લાદના વંશજ તથા બલિરાજાના પિતા વિરોચનની દાનની મહત્તાનું વર્ણન કરતાં કહ્યું, ‘તમારા કુળનું વર્ણન થાય છે તે યોગ્ય છે. મારે વધુ કશું જ નથી જોઈતું. મને ‘पदानि त्रिपाददैत्येन्द्र संमितानि पदा मम’ મને મારા પગલાંથી માપી ત્રણ પગલાં પૃથ્વી આપ.’
બલિરાજાને લાગ્યું કે આ બાળકબુદ્ધિ છે. તેનાં ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપતાં પણ મને સંકોચ થાય છે, ‘તમે એવું કંઈ માંગો કે જીવનભરનું તમારું દારિદ્રય દૂર થાય.’ વામને કહ્યું, ‘રાજન્! તમારા દાનની પ્રશંસા થાય છે તે યોગ્ય છે. પણ હું તો નિર્લોભી છું. સંતોષી છું - રાજન્, તમે ઉદાર હો પણ મારે માંગવામાં પણ સંયમ રાખવો જોઈએને! મારા માટે ત્રણ પગલાં પૃથ્વી બસ છે.’ બલિરાજાના આનંદની કોઈ સીમા ન હતી. આજે આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બટુકે તો ત્રણ પગલાં જ પૃથ્વી માંગી છે. પણ હું તેને સર્વસ્વ આપું તેમાં જ મારી કૃતાર્થતા છે અને બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. ત્યારે શુક્રાચાર્ય સમજી ગયા અને તેમણે કહ્યું, આ દેખાય છે વામન પણ તે સ્વયં વિષ્ણુ છે અને તારી પાસેથી સ્વર્ગ માંગી લઈ દેવોને આપવા તેમણે વામનરૂપે અવતાર લીધો છે અને એ તારું બધું પડાવી લેશે.’
બલિરાજાએ તેમના ગુરુને કહ્યું, ‘न हि असत्यात् परो अधर्म...’ ‘અસત્ય કરતાં બીજો મોટો અધર્મ નથી. હું પ્રહ્લાદનો પૌત્ર, વિરોચનનો પુત્ર. હું કોઈ કાળે તેમાંથી પાછો ન ફરું. તેમ કરું તો મારા દાદા પ્રહ્લાદની ભક્તિ અને પિતાની દાનવૃત્તિ લાજે અને વિષ્ણુ, આ તો મારા પ્રભુ છે. મારી વૃત્તિ તેમના માટે આત્મસમર્પણની થઈ છે અને બલિરાજાએ દાનનો સંકલ્પ કર્યો.
બલિરાજાએ સંકલ્પ કરતાં જ વામન ભગવાનનું કદ વધવા લાગ્યું. પહેલા પગલામાં બલિરાજાની બધી જ પૃથ્વી લઈ લીધી. વામન ભગવાને વિરાટ સ્વરૂપે બીજું પગલું ભરતાં સ્વર્ગ, બ્રહ્મલોક આદિ લોકને ભેદી સત્યલોકમાં પગલું પહોંચી ગયું. બે પગલામાં બલિરાજાનું બધું જ મપાઈ ગયું. ભગવાને ત્રીજા પગલાંની માંગણી કરી. પ્રભુએ પોતાનાં બે પગલાંમાં બલિનું અહમ્ અને મમતાને લઈ લીધાં. હવે માત્ર રહ્યો હતો તેનો આત્મા. તો પ્રભુ! હવે ત્રીજું પગલું ભરી મારા આત્મા સહિત મારો અંગીકાર કરો. બલિએ કહ્યું.
બલિરાજા જ્યારે આત્મસમર્પણ કરી રહ્યા હતા ત્યારે પ્રહ્લાદ્ આવી ભગવાનને કહ્યું, ‘આપ બલિ પર અનુગ્રહ કરવા જ પધાર્યા છો. બલિનું બધું જ લઈને તેને આપનાથી અળગો થતો બચાવ્યો.’ બલિરાજાની પત્નીએ પણ ભગવાનનો આ અનુગ્રહ ગણી જીવનની કૃતાર્થતા ગણાવી અને પ્રભુનું દર્શન હમેશા થતું રહે તેવી પ્રાર્થના કરી.
બલિરાજાએ તેનું મસ્તક ધરી ત્રીજું પગલું ભરવા કહ્યું. પ્રભુએ તેને સુતલમાં (પાતાળમાં) મોકલી આપ્યો અને તેમના સ્વરૂપનું દાન કરી ભગવાન પોતે બલિરાજાના દ્વારપાળ બન્યા.
બલિરાજાએ આવી ઉદાત્ત સમર્પણની ભાવના રાખી તે દિવસે પ્રતિપદા હોવાથી તેમની યાદમાં બેસતું વર્ષ બલિપ્રતિપદા તરીકે ગણાયું.
આ તો થઈ બહુ પ્રાચીન પ્રસંગકથા. પણ ત્યાર બાદ હજારો વર્ષો પછી પરદુ:ખભંજન સમ્રાટ વિક્રમાદિત્યે કાશ્મીર ઉપર હુમલો કરનાર દસ્યુઓને અતુલ પરાક્રમ દેખાડી ભારત બહાર તગેડી મૂક્યા. તેથી તે વિજયના ઉપલક્ષ્યમાં તે દિવસથી વિક્રમ સંવતનો પ્રારંભ થયો. તે દિવસથી આપણા નવા વર્ષનો પ્રારંભ થાય છે અને આ વર્ષથી સંવત ૨૦૭૨નો પ્રારંભ થશે.
બલિપ્રતિપદાના દિવસે પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં ગોવર્ધન પૂજાનો દિવસ ગણાય છે. તે દિવસે ભગવાને ગોવર્ધન પર્વત ઊંચકી કોપાયમાન થયેલા ઇન્દ્રના જળપ્રલયથી વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. ગોવર્ધન પર્વત એ વિસ્તારમાં ગિરિરાજ ગણાય છે. તેથી ઉત્સાહિત થઈ વ્રજવાસીઓએ ભગવાન શ્રીકૃષ્ણને ગિરિરાજધરણનું બિરુદ આપ્યું અને ગિરિરાજનું પૂજન કર્યું અને પોતપોતાના ઘરેથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી ગિરિરાજને ચરણે ધરી - તે અન્નકૂટ કહેવાયો અને આજે પણ બેસતા વરસના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા ચાલુ છે.
પરમાનંદ ગાંધી