ગ્રિટિંગ્સ કાર્ડ-વન્સ અપોન અ ટાઇમ
SadhanaWeekly.com       | ૨૯-ઓક્ટોબર-૨૦૧૬ફોન, ફૅક્સ, ફૅસબુક, ટ્વિટર, વૉટ્સઅપ,
ઈ-મેઈલના જમાનામાં હવે... કાર્ડ્સ બહુ ઓછા પ્રમાણમાં લખાય છે. નૂતન વર્ષની શરૂઆત જ સૌ પ્રથમ એક-બીજાને શુભેચ્છાના રંગ-બે-રંગી કાર્ડ્સ મોકલીને કરવામાં આવતી હતી. હવે આ વાત-રિવાજ એ... એક ઇતિહાસનું પ્રકરણ બનવા જઈ રહી છે.


ગ્રિટિંગ્સ કાર્ડ એ.... લાગણીનું એક રંગીન પ્રતીક છે. હૃદયની શુભેચ્છાઓનું પ્રતિબિંબ છે. ગ્રિટિંગ્સ કાર્ડ એ.... કંઈ પતાકડું કે... ફરફરિયું નથી... એ તો સ્નેહની સરવાણી છે. સંબંધોનો સેતુ છે. પ્રેમનો પમરાટ છે. ઉમંગ, ઉલ્લાસ અને ઉન્નતિનું ઉમળકાભર્યંુ પ્રદર્શન છે.
કાર્ડ્સ એ - માનવીય ભાવનાઓ અને સંવેદનાઓને દર્શાવવાનો સૌથી સુંદર સ્રોત છે. કાર્ડ્સ એ કંઈ માત્ર સામાજિક અને સાંસ્કૃતિક વ્યવહાર કે વિચારોનું પ્રતિબિંબ નથી, પરંતુ એથી વિશેષ કાર્ડ્સ મોકલનારનું વ્યક્તિત્વ, તેની લાગણી તેની ભાવના દર્શાવનાર દર્પણ છે.
રંગીન દિવાળી કાર્ડ્સનો ઇતિહાસ પણ... એટલો જ રંગીન જોવા મળે છે. ગ્રિટિંગ્સ કાર્ડનો ઉદ્ભવ છઠ્ઠી સદી પહેલાં થયો હોવાનું જોવા મળે છે. ઇજિપ્તમાં કેટલાક પિરામિડ છઠ્ઠી સદી પહેલાંના હતા, તેમાં નવા વર્ષથી ભેટ સાથે "શુભેચ્છા દર્શક કાર્ડ પણ જોવા મળ્યાં હતાં ! જે દર્શાવે છે કે... મનુષ્ય જાતિએ પોતાની લાગણી, પ્રેમ કે શુભેચ્છા વ્યક્ત કરવા માટે "શુભેચ્છા પત્રનો આશરો લીધો હશે.
ચીન અને રોમન સંસ્કૃતિમાં પણ નૂતન વર્ષની ઉજવણી માટે પરંપરાના ભાગરૂપે સદીઓથી સ્નેહીજનો અને સંબંધીઓને શુભેચ્છાના સંદેશાઓ સદીઓથી મોકલાય છે. એટલું જ નહીં, પરંતુ એ દિવસને સુખ-સંપત્તિ અને શાંતિની કામનાની આપ-લે કરવાના દિવસ તરીકે ઓળખાવેલ છે.
પૌરાણિક સમયમાં શુભેચ્છાઓ પાઠવવા માટે મોટા ભાગે ઘરવપરાશની ચીજ-વસ્તુઓ જેવી કે... વાડકી, ડીશ, ઘાસલેટનો દીવો તેમજ સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના પર શુભેચ્છાઓ લખીને કે કોતરીને મોકલવામાં આવતાં હતાં.
પરંતુ વ્યવસ્થિત કહી શકાય તેવા ગ્રિટિંગ્સ કાર્ડનો ઉદ્ભવ ૧૪મી સદીમાં થયેલો જોવા મળે છે. સૌ પ્રથમ ગ્રિટિંગ્સ કાર્ડ જર્મનોએ લાકડામાંથી કોતરીને બનાવ્યું હતું ! તેની સાથે જ ગ્રિટિંગ્સ કાર્ડની ઈન્ડસ્ટ્રિઝનો જન્મ થયો તેમ કહી શકાય, કારણ કે તેના પછી ઘણા કલાકારો, કોતરણીના કસબીઓ અને લેખકોની સહાય લઈને અલગ-અલગ લખાણ તેમજ ડિઝાઇનના સુયોજન દ્વારા કાર્ડ્સનું ઉત્પાદન થવા લાગ્યું હતું.
૧૮૪૩ની સાલમાં રૉયલ ઍકેડેમીના સભ્ય જ્હૉન કેલ્કોટ હોર્સલી અને ક્રિસ્ટમસ કાર્ડ માટેની ડિઝાઇન સર હૅન્ડીકૉલની વિનંતીને માન આપીને બનાવી હતી, જે તેમણે પહેલી જ વાર ૧,૦૦૦ જેટલા કાર્ડ્સ બનાવ્યાં હતાં.
ગ્રિટિંગ્સ કાર્ડમાં રંગીનતા તેમજ વિવિધતા ૧૮૪૪ પછી આવેલી જોવા મળે છે. ૧૮૪૪માં જર્મન ક્રાંતિ થયા પછી લૂઈસ પ્રાંગ નામના માણસે ગ્રિટિંગ્સ કાર્ડની એક નવી જ દુનિયા ઊભી કરી !! તેણે સૌ પ્રથમવાર ગ્રિટિંગ્સ કાર્ડ માટે રંગીન કાગળ, રીબીન, નવી ડિઝાઇન વગેરેનો ઉપયોગ કરી એક ક્રાંતિ લાવી હતી. તદ્દન નવી જ ડિઝાઇન અને અલગ, અલગ શૈલીનાં લખાણ દ્વારા તેણે લગભગ બાવન વર્ષ સુધી એટલે કે - ૧૯૦૦ની સાલ સુધી આ દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કાર્ડ્સમાં સતત નવીનતા લાવવા કાર્ડ્સ ડિઝાઇનની હરીફાઈઓ યોજતા હતા. આ સાથે શુભેચ્છાના લખાણ માટે પણ વિવિધ લેખકો, કવિઓ વચ્ચે હરીફાઈ યોજતા અને તેમાંથી શ્રેષ્ઠ લખાણ ને... કાર્ડ્સમાં સ્થાન આપીને... એકચક્રી શાસન ગ્રિટિંગ્સ કાર્ડની દુનિયામાં ભોગવ્યું હતું.
૧૯૫૬-૬૦ દરમિયાન કાર્ડ પબ્લિશર્સનું ઍસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું. અમેરિકાની ધ - હૉલ માર્ક કંપની જ દર વર્ષે એકસો કરોડ ડૉલરના ન્યૂયર કાર્ડ્સ વેચે છે. કંપની પોતાના આર્ટ ડિપાર્ટમેન્ટમાંથી જ દરરોજ સોથી વધુ ડિઝાઇન બહાર પાડે છે. ભારતમાં વિન્ટાજ, આર્ચીસ, મીન એજન્સીની એમ્બેસેડર, સત્યમ્, એલારકુ જેવી કંપનીઓ ગ્રિટિંગ્સ કાર્ડ સારાં બનાવે છે.
ગ્રિટિંગ્સ કાર્ડની અદ્ભુત અને રંગીન દુનિયામાં સૌથી વધુ કીમતી કાર્ડ જર્મની હૉલિજરનું ગણાય છે. આ કાર્ડ ઉપર પ્રાચીનકાળની કલાકૃતિ છે. આ કૃતિમાં મહાન રેમ્બ્રાનું ચિત્ર છે, જેની કિંમત લાખો ડૉલરમાં થાય છે.
જાપાનના લોકો સરકાર દ્વારા આપવામાં આવતા પોસ્ટકાર્ડ પર જ પોતાની આગવી ડિઝાઇન બનાવીને કાર્ડ તૈયાર કરે છે અને એટલે જ તેમના કાર્ડ્સમાં મૌલિકતા અને વિવિધતા સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ગ્રિટિંગ્સ કાર્ડ્સના - પોસ્ટકાર્ડ પર ક્યારેક લોટ્રીનો નંબર પણ છાપવામાં આવે છે, જે નસીબદાર હોય તેને આ કાર્ડ દ્વારા શુભેચ્છા સાથે ધનનો પણ લાભ થાય છે ! ન્યૂયર કાર્ડ એ - લકી કાર્ડ સાબિત થાય છે.
જાપાનમાં ન્યૂયર કાર્ડ્સ વહેંચણી કરવાની વ્યવસ્થા પણ બેનમૂન છે, ત્યાં પોસ્ટમાં જમા થયેલા ન્યૂયર કાર્ડ્સ... તમામને નવ વર્ષના દિવસે જ એટલે કે પહેલી જાન્યુઆરીએ જ મળે તે રીતે... પહોંચાડવાની વ્યવસ્થા કરે છે.
હાલ ફોન - ફૅક્સ - ફૅસબુક, વૉટ્સએપ, ટ્વિટર, ઈ-મેઈલ દ્વારા ઝડપથી મોકલાતા ગ્રિટિંગ્સમાં... "દિલ કરતાં વ્યવહારની, કામ પતાવ્યાની, બિઝનેસ ડિપ્લોમસીની ભાવના વધુ જોવા મળે છે. આવી શુભેચ્છાઓ... સુગંધ વગરનાં પુષ્પો જેવી હોય છે, આધુનિકતાની ઓઢણી ઓઢીને આવેલી ઇન્ટરનેટ પરની શુભેચ્છાઓ, અભિનંદનો રંગ વગરના નીરસ લાગે છે, જે મજા, ખુશ્બૂ કાર્ડ્સમાં છે તે આવા મેસેજ ક્ધવેયરમાં નથી. આધુનિક ઉપકરણો માહિતીની ઝડપી આપ-લે માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ સમાન છે, પરંતુ જ્યાં ભાવના, પ્રેમ, સ્નેહ, નૈસર્ગિક સૌંદર્ય, ઉમંગ, ઉલ્લાસની વાત છે, ત્યાં કાર્ડ પદ્ધતિ જ સર્વશ્રેષ્ઠ ગણી શકાય. જેને તમે સાચવી શકો છો, હૃદયસરસી ચાંપી શકો છો, મોકલનારની ભાવના, લાગણીને સ્પર્શી શકો છો. કર-કમળ વડે દોરાયેલ કે લખાયેલ કાર્ડ્સની કિંમત જ અમૂલ્ય છે. હાથ વડે લખાયેલ કાર્ડ્સ કે પત્રની કિંમત કે લાગણી તો - વાર્તાશ્રેષ્ઠી "ધૂમકેતુ જ આંકી શકે કે વર્ણવી શકે ?
નવા વર્ષની સૌને... હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
"નૂતન વર્ષ એક નૂતન સંદેશ, સોપાન અને સમૃદ્ધિ લઈને આવે, તે સૌને રિદ્ધિ-સિદ્ધિ, લાભ-શુભ, સંપ અને જંપ આપે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
અ ઇંફાાુ ગયૂ ઢયફિ

વિવિધ ભાષાઓમાં નૂતન વર્ષાભિનંદન...
ગુજરાતી : નૂતન વર્ષાભિનંદન
હિન્દી : સાલ મુબારક
સંસ્કૃત : મંગલદાયી નવસંવત્સરમ્
મરાઠી : સુખદાયક નવવર્ષ
કચ્છી : ખસ્સોડીન
સિંધી : ન્યૂ સાલજ મુબારક
બંગાલી : સુખી નૂતન બત્સરમ્
તેલુગુ : બાગા યાઠાદા દીનમું
તામિલ : નલ્લાત હાંડાત દીનમ્
કાનડી : શુભ હાંસાવરૂપ વાગલી
ફારસી : સાલ મુબારક
ઉર્દૂ : સાલ મુબારક
ફ્રેન્ચ : યુ હ રો બે આ
ઈટાલિયન : ફેલીસ નુવ્હાલાઓના
જર્મની : ગ્લુક્લીચ ન્યુ મહર
પૉર્ટુગીઝ : આ ફેલાઝ નોવાં આનો
લૅટિન : બી આટુસ આટુસ અનુસ નોઉસ
અંગ્રેજી : A Happy New Year
                                                            -પ્રદીપ ત્રિવેદી